Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ખીર મીઠી ખીર

18 September, 2019 02:41 PM IST | મુંબઈ
ખીર સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

ખીર મીઠી ખીર

ખીર

ખીર


૧૪મી સદીમાં રચાયેલા પદ્માવત મહાકાવ્યમાં સૌપ્રથમ વાર ખીરનો ઉલ્લેખ જોવા મળ્યો છે જેમાં જુવાર અને દૂધમાંથી મીઠાઈ બનાવવામાં આવી છે. સંસ્કૃતમાં ક્ષિરિકા તરીકે ઓળખાતી ચોખાની ખીર ભારતની જુદી-જુદી સંસ્કૃતિઓમાં પયેશ, પાયસમ, ગિલ-એ-ફિરદૌસ, ફિરની એમ અનેક નામે પ્રચલિત છે. હાલમાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યા છે ત્યારે ગઈ કાલે આપણે ચોખાની સાદી ખીર વિશે જાણ્યું. આજે થોડીક હટકે, હેલ્ધી, ફૅન્સી અને એકદમ દેશી ખીરની રેસિપીઓ જાણો અને એકાદ ટ્રાય પણ કરી જુઓ

મખાણા ખીર



સામગ્રી


દોઢ લીટર દૂધ, ત્રણસો ગ્રામ મખાણા, બે ટેબલસ્પૂન ઘી, ૨૫૦ ગ્રામ સાકર, એલચીનો ભૂકો, અડધો કપ કિસમિસ, કેસર, પિસ્તાં, બદામ.

રીત


સૌપ્રથમ દૂધને જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવા મૂકવું. બીજી બાજુ એક પહોળી કડાઈમાં ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે એમાં મખાણા નાખી મીડિયમ સ્લો તાપે સાંતળવા. તાવેથાથી હલાવતાં-હલાવતાં દસેક મિનિટમાં મખાણા સંપૂર્ણપણે રોસ્ટ થઈ જાય એટલે ગૅસ બંધ કરી દેવો. આ બાજુ ઊકળતા દૂધને પણ હલાવતા રહેવું. દોઢ લીટરમાંથી ઊકળીને દૂધ એક લીટર જેવું થઈ જાય એટલે એ દૂધમાં સાંતળેલા મખાણા નાખી દેવા. ચોખા, સાબુદાણાના પ્રમાણમાં મખાણા જલદીથી પાકે છે એટલે દસેક મિનિટમાં જ એ દૂધમાં ફૂલવા લાગશે. મખાણા ને દૂધ એકરસ થવા લાગે એટલે  દૂધમાં જ ચમચા વડે મખાણાને અધકચરા ભાંગવા. મખાણા રોસ્ટ થયા બાદ એ મિક્સરમાં કે દસ્તા વડે પણ ભાંગી શકાય છે, પરંતુ એમ કરવાથી મખાણાની ખીરના ટેક્સ્ચરમાં મજા આવતી નથી.  ત્યાર બાદ એ મિશ્રણમાં સાકર  અને કિસમિસ નાખવી. દસ મિનિટ ફરી ઉકાળ્યા બાદ એલચી અને અન્ય ઑપ્શનલ ડ્રાયફ્રૂટ, કેસર નાખી ગૅસ બંધ કરવો. લો થઈ ગઈ હેલ્ધી મખાણાની હેલ્ધી ખીર તૈયાર.

ટિપ્સ

મખાણાને અવનમાં પણ રોસ્ટ કરી શકાય. પ્રૉપર શેકાયા છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવા મખાણાને આંગળીથી દબાવવા. જો એ સહેલાઈથી ભાંગી જાય તો એ સરખા સંતળાઈ ગયા છે. પરંતુ બરાબર ન શેકાયેલા મખાણા ખીરમાં ચવડ રહે છે અને ખીર ખાવામાં મજા આવતી નથી.

ફાડા ની ખીર

સામગ્રી

દોઢ લીટર દૂધ અથવા એક લીટર પાણી, બસો ગ્રામ લાપસીના મીડિયમ ફાડા, બે ટેબલસ્પૂન ઘી,  સ્વાદ અનુસાર ગોળ અથવા સાકર, ૧૨થી ૧૫ કેસરના રેસા.

રીત

આ ખીર બે રીતે બને છે, દૂધવાળી અને પાણીવાળી. પાણીવાળી ખીરમાં ગોળ નંખાય છે અને  તૈયાર થયા બાદ ફક્ત કલર માટે એકથી દોઢ કપ દૂધ નખાય છે. (એ પણ ઑપ્શનલ છે) જ્યારે દૂધવાળી ખીરમાં દૂધ અને સાકર હોય છે.

જો દૂધવાળી ખીર બનાવીએ તો દૂધને જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવા મૂકવું. પહોળી કડાઈમાં  ઘી નાખી ચાળેલા લાપસીના ફાડા શેકવા. આ ફાડા શેકાઈને લાઇટ ક્રીમ કલરના થઈ જાય એટલે એમાં ઊકળતું દૂધ ઉમેરી દેવું. આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે સ્વાદ અનુસાર સાકર અને કેસર નાખવાં અને ગૅસ બંધ કરવો. જો ગોળવાળી ખીર બનાવવી હોય તો શેકેલા ફાડામાં એક લીટર ઊકળતું પાણી નાખવું અને સતત હલાવતા રહેવું. ટેસ્ટ પ્રમાણે એમાં ગોળ ઉમેરવો અને કલર માટે કેસર નાખવું. આખું મિશ્રણ રબડીથી વધુ ઘટ્ટ થાય એટલે એમાં  એકથી દોઢ કપ ઊકળતું દૂધ ઉમેરી ગૅસ બંધ કરવો.  મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ખીર બહુ ખવાય છે. હા, ચોખાની ખીર પણ ખવાય છે, પરંતુ તેઓ અન્ય ખોરાકમાં ચોખાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. આથી ખીરમાં ફાડા વાપરે છે. ઉત્તર ભારતમાં આવી ડિશને  દલિયા કહે છે જે મોટા ભાગે બ્રેકફાસ્ટમાં ખવાય છે.

ટિપ્સ

આ ફાઇબરયુક્ત ખીર જો ગોળ અને પાણીમાં બનાવવામાં આવે તો ડાયટફ્રીક વ્યક્તિઓ પણ એ પ્રેમથી આરોગી શકે છે. ઘઉંના ફાડા ખૂબ પ્રમાણમાં પાણી શોષી લે છે આથી એ જલદી જામીને ઘટ્ટ થઈ જાય છે. આથી ખીરના સ્વરૂપે ખાવું હોય એ પ્રમાણમાં એમાં દૂધ કે પાણી નાખવું.

દૂધી ની ખીર

સામગ્રી

દોઢ લીટર દૂધ, ૫૦૦ ગ્રામ તાજી દૂધી, બે ટેબલસ્પૂન ઘી, ત્રણસો ગ્રામ સાકર, એલચી પાઉડર, પિસ્તાંની કતરણ.

રીત

સૌપ્રથમ દૂધને જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવા મૂકવું. દૂધીની છાલ કાઢી ખમણી લેવી.  જો દૂધીના ખમણમાં ખૂબ પાણી હોય તો એને હાથેથી દબાવી નિતારી લેવું. પહોળી કડાઈમાં ઘી ગરમ કરવું. એમાં ધુમાડા થાય એટલે દૂધીનું ખમણ નાખી દેવું અને ચમચા વડે હલાવતાં ચડવા દેવું. આ પ્રક્રિયા દરમિયાન દૂધીનું ખમણ બળી ન જાય એની કૅર કરવી. દૂધ ઊકળીને એક લીટર જેવું થાય એટલે ચડેલું દૂધીનું ખમણ દૂધમાં ભેળવવું. આવું કરવામાં દૂધ ફાટી ન જાય એનું ધ્યાન રાખવું. આખું મિશ્રણ એકરસ થવા લાગે એટલે એમાં સાકર નાખી દેવી. સાકરનું પાણી બળી જાય અને  ખીર ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર  નાખી ગૅસ બંધ કરવો. પીરસતી વખતે ઉપર પિસ્તાંની કતરણ ભભરાવવી. ખીર ફરાળી જે ઉપવાસમાં પણ વાપરી શકાય છે.

ટિપ્સ

દૂધી ફ્રેશ અને બી વગરની કૂણી લેવી. છતાં જો ખમણવામાં બી આવી જાય તો કાઢી નાખવાં. ખમણ લાંબું-લાંબું કરવું. જો ખમણ નાનું હોય તો પાકી ગયા પછી એ પેસ્ટ જેવું થઈ જાય છે. દૂધીની ખીરમાં લાંબું ખમણ દેખાવમાં  મસ્ત લાગે છે. એને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા ખીર બન્યા પછી એમાં ખાવાનો લીલો કલર નાખી શકાય. બીજી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દૂધીને સાંતળવામાં વધુ પ્રમાણમાં ઘી લેવું નહીં. અન્યથા ખીર બન્યા પછી એ ઘી ખીરની ઉપર તરે છે.

ફિરની

સામગ્રી

દોઢ લીટર દૂધ, અઢીસો ગ્રામ ચોખાની કણકી ત્રણસો ગ્રામ ખાંડ રોઝ એસેન્સ, એલચી પાવડર, ડેકોરેશન માટે કેસર, ડ્રાયફ્રૂટ, ડ્રાય ચેરી ઑપ્શનલ.

રીત 

ચોખાની કણકીને ચાળી સાફ કરી પાણીથી ધુઓ અને અડધોથી પોણો કલાક માટે પાણીમાં પલાળી રાખો. જાડી કડાઈમાં દૂધને ઊકળવા મૂકો. પલાળેલી કણકીનું પાણી નિતારી દસ્તા વડે અધકચરી વાટો. મિક્સરમાં ન પીસવી, કારણ કે  આપણને  ફિરની માટે  કણકીના છૂટા-છૂટા કરકરા દાણા જ જોઈએ છે. મિક્સરમાં એનો લોંદો થઈ જાય છે. દૂધ ઊકળીને એક લીટર થાય એટલે કણકીના દાણા એમાં નાખવા. આખા ભાત કરતાં આ દાણા વધુ જલદી પાકે છે. દસથી પંદર મિનિટ બાદ એમાં સાકર મિક્સ કરવી. ખીર જાડી થવા લાગે એટલે એલચી પાઉડર અને ગુલાબનું એસેન્સ  નાખી ગૅસ બંધ કરવો. ખીર ખાવામાં ગરમ પણ સારી લાગે અને ઠંડી પણ સારી લાગે, પરંતુ ફિરની ઠંડી જ ખવાય છે. એમાંય માટીના કુલ્હડમાં ફિરની વધુ નીખરે છે. પીરસતી વખતે સૂકો મેવો, ચેરી નાખી સજાવી શકાય.

ટિપ્સ

રાઇસ પૂડિંગ નામે દેશ-વિદેશમાં બડે પ્યાર સે ખવાતું આ ડિઝર્ટ ઘણી જગ્યાએ કણકીને બદલે ચોખાના લોટમાંથી બનાવાય છે. બટ, પ્લીઝ તમે એવું નહીં કરતા, કારણ કે એ દૂધમાં બનાવેલું ચોખાના ગળ્યા ખીચા જેવું લાગે છે. હા, એમાં નવા એક્સપરિમેન્ટ ચોક્કસ કરી શકાય. પાઇનૅપલ   કે બટરસ્કોચ ફ્લેવરનો કસ્ટર્ડ પાઉડર ઉમેરી ફિરનીને ફ્યુઝન ટેસ્ટ આપી શકાય તો રોઝ ફ્લેવરના દીવાના હો તો રુહઅફ્ઝા ઍડ કરી પિન્ક ફિરની બનાવી શકાય.

પેશાવરી ખીર

સામગ્રી

દોઢ લીટર દૂધ, બસો ગ્રામ બાસમતી ચોખા, બસો ગ્રામ સાકર, પંદરથી વીસ ખારેક, બે ટેબલસ્પૂન રોઝ એસેન્સ, એલચી, અડધો કપ રોસ્ટેડ  અખરોટના ટુકડા.

રીત

સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈને પાણીમાં બે કલાક પલાળવા. સાથે જ બીજા વાસણમાં ખારેકને ધોઈ ગરમ પાણીમાં એટલા જ સમય માટે પલાળવી. દૂધને જાડા તળિયાવાળી કડાઈમાં ઉકાળવા મૂકવું. પલાળેલા ચોખાનું પાણી નિતારી ખાંડણી દસ્તા વડે અધકચરા ભાંગવા. દૂધ ઊકળે એટલે એમાં ચોખા નાખવા અને મિશ્રણને હલાવતા રહેવું. બીજી બાજુ પલાળેલી ખારેકને પાણી સાથે ગૅસ પર પોચી થાય ત્યાં સુધી ઉકાળવી. પછી એમાંથી ઍક્સેસ પાણી કાઢી નાખી એની પેસ્ટ બનાવવી. આ બાજુ દૂધ અને ચોખાનું મિશ્રણ ઊકળીને અડધું થાય એટલે એમાં ખારેકની પેસ્ટ અને સાકર નાખી દેવી. ૮-૧૦ મિનિટમાં ખીર ઘટ્ટ થવા લાગે એટલે રોસ્ટેડ અખરોટના ટુકડા અને એલચી ઉમેરવી. ગૅસ બંધ કર્યા બાદ એમાં રોઝ એસેન્સ નાખવું. ખીરને સર્વ કરતી વખતે ગુલાબની સૂકી પાંદડીઓ, ખારેકના નાના-નાના પીસ કે બદામ-પિસ્તાંની કતરણ ભભરાવી શકાય. બ્રાઉનિશ કલર ધરાવતી આ ખીરના ડેકોરેશન માટે સોનાચાંદીનો વરખ પણ થાપી શકાય, જે બહુ સુંદર લાગે છે. આવી ખીર પાકિસ્તાનમાં ઈદ પ્રસંગે બનાવાય છે અને ખવાય છે.

આ પણ વાંચો : શ્રાદ્ધમાં કાગવાસ કેમ? એમાંય ખીર જ કેમ?

ટિપ્સ

ખારેકના બદલે ખજૂર પણ વાપરી શકાય. પણ જો ખજૂર વાપરો તો ખીરમાં સાકર ઓછી નાખવી. આ ખીર શુગરલેસ પણ બનાવી શકાય. એમાં મીઠાશ માટે ખાંડને બદલે વધુ પ્રમાણમાં ખજૂર  કે ખારેક વાપરવી.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 02:41 PM IST | મુંબઈ | ખીર સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK