Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વાળ હેલ્ધી રાખવા હોય તો વાપરો લાકડાનો કાંસકો

વાળ હેલ્ધી રાખવા હોય તો વાપરો લાકડાનો કાંસકો

07 February, 2020 07:31 PM IST | Mumbai Desk
sejal patel | sejal@mid-day.com

વાળ હેલ્ધી રાખવા હોય તો વાપરો લાકડાનો કાંસકો

વાળ હેલ્ધી રાખવા હોય તો વાપરો લાકડાનો કાંસકો


ઇન્ટરનેટ પર અનેક બ્લૉગ્સમાં દાવા થતા આવ્યા છે કે રોજ દિવસમાં ૧૦૦ વાર વાળમાં બ્રશ ફેરવો તો એનાથી વાળની ચમક વધશે. શું આ સાચું છે? હેર ફૉલિકલ્સને હેલ્ધી રાખવા માટે વાળ કેટલી વાર ઓળવા જોઈએ? શાનાથી વાળ ઓળવા જોઈએ અને ઓળતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ જેવી બેસિક વાતો ટ્રાઇકોલૉજિસ્ટ પાસેથી જાણીએ

હેર કૅરનું સૌથી મહત્ત્વનું પાસું છે વાળ ઓળવાની ક્રિયા. ઘરની બહાર જવા તૈયાર થાઓ ત્યારે જેટલી ચિંતા તમે કેવાં કપડાં પહેરશો એની કરો છો એટલી જ ચિંતા હેરસ્ટાઇલની હોય છે. ગમેએટલો સારો અને મૉડર્ન ડ્રેસ પહેર્યો હોય, પણ જો વાળ વેરવિખેર, રુખા, ચમક વિનાના હોય તો લુકમાં નિખાર નથી આવતો. વાળને સારા રાખવા માટે એને ઓળવામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જોકે ઇન્ટરનેટ પર એ વિશેના અનેક નુસખાઓ વાંચવા મળે છે. વિદેશી નિષ્ણાતોના બ્લૉગ્સમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે રોજ ૧૦૦ વાર દાંતિયો ફેરવવામાં આવે તો વાળ સરસ ચમકીલા, સીધા અને સુંવાળા થઈ જાય છે. એની પાછળનું કારણ એવું કહેવાય છે કે કાંસકો ફેરવવાથી માથાના સ્કૅલ્પમાં દાંતા ફરે છે જેને કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને તાળવા પર ચોંટેલાં ત્વચાના મૃત કોષો ખરી પડીને ફૉલિકલ્સ ખૂલે છે. શું આવો દાવો ખરેખર સાચો છે ખરો? ઓપેરા હાઉસ પાસે આઠ વર્ષથી પ્રૅક્ટિસ કરતા હેર-ટ્રાન્સપ્લાન્ટ એક્સપર્ટ અને ટ્રાઇકોલૉજિસ્ટ ડૉ. દીપમ શાહ આ દાવો સાચો ન હોઈ શકે એમ જણાવતાં કહે છે, ‘વાળનાં ફૉલિકલ્સમાં પ્રૉપર બ્લડ-સર્ક્યુલેશન થાય અને મૃત ત્વચાના કોષો નીકળી જાય એ માટે દાંતિયો ૧૦૦ વાર ફેરવવાનું મને જરાય ઠીક નથી લાગતું. બ્લડ-સર્ક્યુલેશન સુધારવું હોય તો તમારે હેડ મસાજ કરવો જોઈએ. સહેજ હૂંફાળું તેલ લઈને માથામાં લગાવવું અને જૅન્ટલી તાળવા પર આંગળીઓ ઘસવી. કાંસકો માથામાં વધુ વાર ફેરવવાથી કોઈ ફાયદો નથી થતો, પણ નુકસાન ચોક્કસ થઈ શકે.’



તો કેટલી વાર વાળ ઓળવા
વધુપડતી વાર કાંસકો ફેરવવામાં આવે તો વાળને નુકસાન થઈ શકે છે. નબળા વાળ બટકાઈ શકે અને ખરવાનું પ્રમાણ પણ વધી શકે છે. વાળ કેટલી વાર ઓળવા જોઈએ એ વિશે સમજાવતાં ડૉ. દીપમ કહે છે, ‘પુરુષો અને સ્ત્રીઓ બન્ને માટે વાળ ઓળવાની જરૂરિયાત જુદી-જુદી હોઈ શકે. પુરુષોના વાળ નાનાં હોય છે એટલે માથામાં દરેક જગ્યાએ ત્રણથી ચાર વાર કાંસકો ફેરવવામાં આવે તો ચાલે. સ્ત્રીઓમાં આ માત્રા પાંચથી છ વારની હોય. લાંબા વાળ હોય તો ગૂંચ બહુ ન પડે એનું ધ્યાન રાખવું. જોકે મોટા વાળ અને ચોટલો બાંધી રાખતી બહેનો દિવસમાં બે વાર માથું ઓળે અને કાંસકો પાંચથી છ વાર ફેરવે તો એ પૂરતું છે.’


વાળ ઓળવા માટે ત્રણથી ચાર મિનિટનો સમય બરાબર છે. હળવેથી કાંસકો વાળમાં ફેરવવામાં આવે અને ગૂંચ કાઢતી વખતે જોર કરીને ખેંચાખેંચ ન કરવી. એમ કરવાથી વાળ અધવચ્ચેથી બટકાય છે અને વાળના છેડે સ્પ્લિટ એન્ડ્સ થઈ જાય છે.

કાંસકો કયો વાપરવો?
માથું ઓળવા માટે માર્કેટમાં બહુ જાતજાતના કાંસકા અને બ્રશ આવી ગયા છે. મોટા ભાગે ઘરોમાં પ્લાસ્ટિકની બારીક કાંસકીઓ વપરાય છે. આ ચૉઇસ સાવ જ ખોટી છે એમ જણાવતાં ડૉ. દીપમ શાહ કહે છે, ‘કાંસકી ઝીણી ન હોવી જોઈએ. દાંતા મોટા અને બે દાંતા વચ્ચે સારીએવી સ્પેસ હોવી જોઈએ. બીજું, તમે કયું મટીરિયલ વાપરો છો એ પણ હેર કૅર માટે બહુ જ મહત્ત્વનું છે. હાલમાં પ્લાસ્ટિકના દાંતિયા અથવા તો મેટલના બ્રશ બહુ વપરાશમાં છે. આઇડિયલી લાકડાનો કાંસકો વાપરવો જોઈએ. એનું કારણ એ છે કે મેટલ જ્યારે વાળ સાથે ઘસાય ત્યારે ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ ઊભું કરે છે. એને કારણે તમે જોયું હોય તો વાળ ઓળતી વખતે ક્યારેક વાળ કાંસકા સાથે ચોંટી જતા હોય છે. આવું જ પ્લાસ્ટિકના કાંસકામાં પણ સંભવ છે. મેટલ અને પ્લાસ્ટિકના દાંતા વાળના મૂળિયાંને પણ ડૅમેજ કરી શકે છે જ્યારે લાકડાનો કાંસકો હોય તો એનાથી ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફીલ્ડ નથી બનતું. લાકડું વાળમાં બહુ સહજ રીતે ફરે છે.’


વાળ સેટ કરવા માટે શું?
લાકડાનો કાંસકો વાળની જાળવણી માટે બહુ સારો છે, પરંતુ લોકો એનો ઉપયોગ નથી કરતા એની પાછળનું કારણ શું? માર્કેટમાં તો ઘણા લાકડાના કૉમ્બ ઉપલબ્ધ હોય જ છે. આનું કારણ છે વુડન કૉમ્બથી વાળ સેટ બરાબર નથી થતા એમ જણાવતાં ડૉ. દીપમ કહે છે, ‘જે બ્રશ આવે છે એ વાળ સેટ કરવા માટે હોય છે. એનાથી તમે ચાહો એ રીતે વાળને સેટ કરી શકાય છે. એને કારણે લોકોને લાગે છે કે એ હેર હેલ્થ માટે પણ સારું જ હશે. જોકે બ્રશનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વાળ ઓળવા માટે લાકડાનો કાંસકો જ વાપરવો એ પણ મોટા દાંતાવાળો. લાકડું વાળ માટે નૅચરલ સબસ્ટન્સ છે, પરંતુ એનાથી વાળ તમે ઇચ્છો એ મુજબ સેટ નથી થતા. આવા સમયે તમે પહેલાં વાળ ઓળવા માટે લાકડાનો કાંસકો વાપરો અને પછી જસ્ટ સેટ કરવા માટે ખૂબ ઓછો વપરાશ મેટલના બ્રશનો કરો.’

રોજના ૧૦૦ વાળ ઊતરે એ સામાન્ય
આપણા માથામાં દોઢ લાખ જેટલા વાળ હોય છે. એમાંથી એકાદ ટકા જેટલા વાળ મૅચ્યોરેશનના તબક્કામાં હોય એટલે એ ખરી શકે છે. મતલબ કે રોજના ૧૦૦ વાળ ઊતરે ત્યાં સુધી ઠીક છે. જો એથી વધુ વાળ ઊતરતા હોય તો સ્કૅલ્પની હેલ્થમાં શું ગરબડ છે એ સમજવું જોઈએ. હા, ક્યારેક અમુક સીઝનમાં વાળ વધુ કે ઓછા ઊતરે એવું સંભવ છે, પણ એમાં બહુ મોટો ફરક ન હોવો જોઈએ. - ડૉ. દીપમ શાહ, ટ્રાઇકોલૉજિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 07:31 PM IST | Mumbai Desk | sejal patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK