ધીરે, ધીરે, ધીરે, ધીરે, ધીરે

Published: 13th August, 2020 15:02 IST | Ruchita Shah | Mumbai Desk

આજે યોગ આસનોમાં સ્પીડ કેટલી મહત્ત્વની છે એ વિષય પર ચર્ચા કરીએ

વાસ્તવિક યોગશાસ્ત્રોમાં સ્થિરતાપૂર્વકના આસનનું મહત્ત્વ દર્શાવ્યું છે.
વાસ્તવિક યોગશાસ્ત્રોમાં સ્થિરતાપૂર્વકના આસનનું મહત્ત્વ દર્શાવ્યું છે.

યસ, યોગાસનોમાં ધીરપણનું મહત્ત્વ છે. આસનો આજકાલ ડાઇનૅમિક અને ઝડપી બનતાં ચાલ્યાં છે પરંતુ વાસ્તવિક યોગશાસ્ત્રોમાં સ્થિરતાપૂર્વકના આસનનું મહત્ત્વ દર્શાવ્યું છે. એ રીતને પકડીને જો આસન થાય તો એના લાભ પણ કલ્પનાતીત છે. આજે યોગ આસનોમાં સ્પીડ કેટલી મહત્ત્વની છે એ વિષય પર ચર્ચા કરીએ

એક કલાકમાં ૧૦૮ સૂર્યનમસ્કાર કર્યાનો રેકૉર્ડ ફલાણાએ બનાવ્યો કે એકસાથે ૧૨૧ સૂર્યનમસ્કાર કર્યા જેવું તમે પણ સાંભળ્યું હશે. અષ્ટાંગ વિનયાસા નામના યોગના કહેવાતા એક પ્રકારમાં એકસાથે ઘણાંબધાં આસનોની સીક્વન્સ જોડી દેવામાં આવે છે. એક આસનમાંથી બીજા આસનમાં, બીજામાંથી ત્રીજામાં એમ સતત મૂવ થતા રહેવાનું. અટકવાનું નહીં. શું આને યોગ કહેવાય? આજે ટ્રેડિશનલ રીતે યોગ આસનો એટલે શું? એક્સરસાઇઝ અને યોગ આસનમાં બેઝિક ભેદ શું છે? તમે જિમમાં જાઓ કે તમે અન્ય ઍરોબિક, ઝુમ્બા કે કોઈ પણ જાતની કસરતો કરો અને તમે યોગાસનો કરો એ બેમાં કોઈ ફરક છે? કસરતથી જે લાભ થાય એ જ લાભ આસનોથી થાય કે કોઈ ફરક પડે? આજે યોગની પ્રાચીન હસ્તપ્રતો પર સંશોધન કરી રહેલા, અત્યાર સુધી ૨૫થી વધુ રિસર્ચ બેઝ્ડ પુસ્તકો પબ્લિશ કરી ચૂકેલા, આંતરરાષ્ટ્રીય સ્તરે લેક્ચર્સ, સેમિનાર્સ અને વર્કશૉપ્સ કન્ડક્ટ કરતા ‘ધ લોનાવલા યોગ ઇન્સ્ટિટ્યૂટ’ના ડિરેક્ટર ડૉ. મન્મથ ઘરોટે સાથે આ વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ.
સ્થિરતા અને સુખ છે?
ગણિત અને વિજ્ઞાનમાં અમુક નિયમો છે જે સર્વત્ર સરખા છે. એને ભૌગોલિક ભેદ કે કાળનો ભેદ નડતો નથી. યોગમાં પણ એવું જ છે અને એવું જ હોવું જોઈએ. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં ડૉ. મન્મથ ઘરોટે કહે છે, ‘જેમ બે વત્તા બે ચાર આવે એમ યોગની અમુક પ્રક્રિયા સર્વત્ર અને સર્વદા સમાન હોવી જોઈએ. જોકે હવે યોગનાં મૂળભૂત આસનોની રીત સાથે ભરપૂર ચેડાં કરવામાં આવી રહ્યાં છે જેનું મને ભયંકર દુઃખ છે. તમે ઝડપથી આસન કરાવો છો ત્યારે એમાં આસનનો મૂળભૂત સિદ્ધાંત જ ગાયબ થઈ જાય છે. આસનની મૂળભૂત વ્યાખ્યા છે સ્થિરમ્ સુખમ્ આસનમ્ એટલે કે જ્યાં સ્થિરતા છે અને એ સ્થિરતા સુખપૂર્વકની છે એ આસન છે. અહીં તો ધનાધન ફાસ્ટફૉર્વર્ડ મોડમાં આસન કરાવવામાં આવે છે. થાકીને લોથપોથ થઈ જાય, પસીનાથી રેબઝેબ હોય. આ આસન કેવી રીતે હોય? બીજું, આસનના સંદર્ભમાં મહર્ષિ પતંજલિ કહે છે કે પ્રયત્ન શૈથિલ્ય એટલે કે જ્યાં એફર્ટલેસનેસ છે, જ્યાં પ્રયત્નો શિથિલ થઈ ગયા હોય એ અવસ્થા આસન છે. મારી એક જ ચિંતા છે કે આપણાં મૂળ શાસ્ત્રોમાં આસનની વ્યાખ્યા મુજબ કરતા હો તો જ આસન કહો,
બાકી તમે એને કસરત કહોને. યોગના નામે આ શું સર્કસ ચાલી રહ્યું છે એ જ નથી સમજાતું.’
ભેદ સમજીએ
આસન અને એક્સરસાઇઝ વચ્ચેના તફાવતને વર્ણવતાં ડૉ. મન્મથ કહે છે, ‘આગળ કહ્યું એમ આસનમાં સૌથી પહેલાં તો સ્થિરતા પર ફોકસ હોય છે એટલે કદાચ મૂવમેન્ટ થાય તો એ પણ ખૂબ જ ધીમી અને મૂળ આસનમાં આવવા પૂરતી જ હોય છે. બીજું, આસનમાં તમે થાકતા નથી પણ ચાર્જ થાઓ છો. આસન માત્રથી તમે મેડિટેશનમાં જઈ શકો છો. તમારા મનને શાંત કરવાનું કામ આસન દ્વારા શક્ય છે. સિનિયર સિટિઝન હોય કે હૃદયરોગી, આસનો તમામ કરી શકે છે. આસન તમને થકવતાં નથી પણ શરીરને તાજગી આપે છે. તમારા પેટની આસપાસના મહત્ત્વના ઑર્ગનમાં રક્તસંચારણ આસનોથી વધે છે, જેથી એની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. આસનથી કોઈ પણ જાતના દબાણ વિના ધીમે-ધીમે તમારી કરોડરજ્જુ અને તમારા સાંધાઓમાં લચીલાપણું વધે છે. ધીમે પરંતુ સ્થિરતા સાથે આગળ વધવું એ આસનની ખાસિયત છે.’
હવે આગળ આસન કરતા કસરતો વિશે જણાવતાં ડૉ. મન્મથ ઉમેરે છે, ‘શારીરિક કસરતોમાં રિપિટેટિવ મૂવમેન્ટને પ્રાધાન્ય હોય છે. એક્સરસાઇઝમાં શક્તિનું નિયમન નથી થતું પણ એનર્જી ખર્ચ થાય છે એટલે જ કસરત પછી થાક લાગે છે. એક્સરસાઇઝ દરેક જણ માટે નથી. સ્નાયુઓને બલ્કી બનાવવા માટે એક્સરસાઇઝનો ઉપયોગ વધુ થાય છે. અમુક જ પ્રકારની મૂવમેન્ટથી તમારા જૉઇન્ટ્સ અને કરોડરજ્જુમાં રિજિડિટી આવી શકે છે. કસરતનું મુખ્ય લક્ષ્ય શારીરિક તંદુરસ્તી મેવવાનું છે, જેના માટે તમારા શરીરના સ્નાયુઓને અગ્રીમ ભૂમિકામાં લાવવામાં આવે છે, જ્યારે આસનનું અંતિમ ધ્યેય તમારા મનના ડિસ્ટર્બન્સને દૂર કરવાનું છે. કસરતમાં તમે શક્ય હોય એટલું વધુ દબાણ આપીને શરીર પાસે પર્ફોર્મન્સની અપેક્ષા સેવો છો, જ્યારે આસનમાં તમે શરીરને વધુને વધુ રિલૅક્સ કરવાની કોશિશ કરો છો. કસરતનું ધ્યેય તમારી ફિઝિયોલૉજી છે, જ્યારે આસનનું ધ્યેય તમારી સાઇકોલૉજી છે.’
મહર્ષિ પતંજલિ પણ આ વિશે કહે છે, ‘તતો દ્વંદ્વ અનભિઘાત’ એટલે કે તમારા મનના દ્વંદ્વને, કશ્મકશને, ડ્યુઆલિટીને આસનથી દૂર કરી શકાય છે. આજના સંદર્ભમાં આ વાતને લેવી હોય તો એમ કહી શકાય કે જેમ-જેમ આસન દ્વારા તમારા શરીરમાં સ્થિરતા આવતી જાય એમ-એમ તમારું મન પણ સ્ટેબલ થતું જાય. એ પછી મનની મૂંઝવણો, ચિંતા, ડર, પીડા જેવા ઘણાબધા ભાવો વિખેરાતા જાય અને મન એક નિતાંત શાંતિમાં લય પામતું જાય. ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ આ દ્વંદ્વ, ડ્યુઆલિટીને જ દુઃખનું કારણ માને છે. આસન આ દ્વંદ્વનો ખાતમો બોલાવવા સમર્થ છે. એને કસરતની જેમ તમારા ફલાણા ભાગમાં વધેલી ચરબીને ભગાવવામાં રસ નથી, આસન તો ફોકસ કરે છે તમારા મનની વિહ્વવળતાઓ પર. એક વાર એ દૂર થઈ ગઈ પછી શરીરની ચરબી ઉતારવામાં સમય લાગવાનો જ નથી.

પ્રૅક્ટિકલ ઉપયોગ શું?

યોગની સાધનાનું લક્ષ્ય હોય, ઈશ્વરને પામવાનું લક્ષ્ય હોય કે જીવનમાં કંઈક પણ અચીવ કરવાનું ધ્યેય હોય; એક વાત સમજી લો કે એની શરૂઆત આસનથી થશે. આસનથી એટલે કે સ્થિરતાથી. મનને કે તનને વ્યગ્ર કે વ્યથિત ન કરે એવી સુખપૂર્વકની સ્થિરતાથી.
આસન એ સ્ટેટિક સ્ટ્રેચિંગ પ્રોસીજર છે. એટલે કે સ્થિરતાપૂર્વક શરીરના સ્નાયુઓને ખેંચાણ આપવાની પદ્ધતિ.
યોગાસનોમાં તમારી કરોડરજ્જુમાં લચીલાપણું આવે એના પર વિશેષ ધ્યાન અપાય છે. આગળ ઝૂકવું, પાછળ તરફ ઝૂકવું, સાઇડ બેન્ડ કરવું અને ટ્વિસ્ટિંગ કરવું. આ ચાર પ્રકારનું કરોડરજ્જુને સ્ટ્રેચિંગ મળે એ પ્રકારનાં આસનોમાં સ્થિરતાપૂર્વક રહી શકશો તો ખૂબ લાભ થશે.
કોઈ પણ આસન કરતી વખતે તમારી અનુકૂળતા મહત્ત્વની છે. તમે પદ્માસનમાં નથી બેસી શકતા તો સુખાસનમાં બેસો, જમીન પર બેસી જ નથી શકતા તો ઊભા રહીને તાડાસન કરો, સૂઈને મકરાસન કરો. જોકે જમીન પર બેસી નથી શકતા એટલે ખુરશી પર બેસીને આસન કરો એવી સલાહ હું નહીં આપું.
કોઈ પણ આસન કરતા હો ત્યારે ખૂબ જ ધીરે-ધીરે સ્થિરતા સાથે સ્ટ્રેચિંગ આપો છો ત્યારે શરીરનો માયોટિક રિફ્લેક્સ ઍક્ટિવેટ થાય છે, જેનું કામ છે તમારા સ્નાયુઓને રિલૅક્સ કરવાનું. એટલે ખૂબ જ ધીમેથી કરવાનાં એ પહેલો નિયમ. કોઈ પણ જાતના આંચકા કે જર્કને બને એટલા ટાળવા.
બીજો સિદ્ધાંત, જ્યારે તમે એક સ્થિતિમાં સ્થિર રહેવાની કોશિશ કરો છો ત્યારે તમારા શરીરના કેટલાક સ્નાયુઓને ઑટોમૅટિક ન્યુરોમસ્ક્યુલર કોઑર્ડિનેશનની જરૂર પડે છે, જેથી સ્નાયુઓ વધુ સુદૃઢ થાય છે.
તમારી ઉંમર, જેન્ડર અને શારીરિક અવસ્થા મુજબ તમને અનુકૂળ હોય એવા આસનમાં રહો ત્યારે એક પ્રકારના મીઠા પેઇનનો અનુભવ થતો હોય છે. અહીં અટકીને પહેલાં એનો અભ્યાસ કરવો, પછી જ આગળ વધવું.
દરેક આસન કરવાની કેટલીક મહત્ત્વપૂર્ણ રીત હોય છે. એ રીતનું મહત્ત્વ એટલું જ છે જેટલું તમે જે-તે આસનની ફાઇનલ પોઝિશન પર પહોંચો એનું છે. એટલે મેથડ મુજબ ધીમે-ધીમે આગળ વધશો તો લાભ વધુ થશે.
આસનો બંધ આંખથી અને શ્વસનની ગતિનું ધ્યાન રાખતાં-રાખતાં કરશો તો એનાથી તમારા ચેતાતંત્ર અને સ્નાયુતંત્રની કાર્યક્ષમતામાં વધારો થશે.

રૂટીનમાં આસનની પ્રૅક્ટિસ કરતા હો ત્યારે આસનની શરૂઆત સુખાસન, પદ્માસન, અર્ધસિદ્ધાસન, ભદ્રાસન જેવાં મેડિટેટિવ આસનોથી કરવી. પછી ધીમે-ધીમે સરળ આસનોથી થોડાં કઠિન કહેવાય એવાં આસનો કરી શકાય. બેશક, દરેકમાં ધીમી ગતિ અને સ્થિરતાના સિદ્ધાંતને વળી રહેવું. એક આસનમાં જેટલો વધુ સમય સ્થિર રહી શકશો એટલા જ એના વધુ ફાયદાઓ તમને મળશે. - ડૉ. મન્મથ ઘરોટે, યોગ નિષ્ણાત

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK