જરા અપને દિલ કા ભી ખયાલ રખો

Published: May 31, 2019, 11:27 IST | શમીમ ખાન

તમારા ફૅમિલી-ડૉક્ટર કે હાર્ટ સ્પેશ્યલિસ્ટ જે સલાહ અને માર્ગદર્શન આપે એને અનુસરો અને તમને જે રીતે દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હોય એમાં કોઈ ચૂક ન રાખો.

દીલ કા ભી ખ્યાલ રખો
દીલ કા ભી ખ્યાલ રખો

જિંદગી જે ઝડપે દોડી રહી છે એમાં હાર્ટને સ્ટ્રેસ-ફ્રી અને પેઇન-ફ્રી કરવાનો સમય આવી ગયો છે. અહીં કેટલીક સિમ્પલ ટિપ્સ આપી છે એ ફૉલો કરશો તો તમે હૃદયને સ્વસ્થ અને સાતત્યપૂર્ણ રીતે ધબકતું રાખી શકશો.

૧. વાર્ષિક ચેકઅપ:

તમારા હૃદયનું સ્વાસ્થ્ય ખરેખર તમારા હાથમાં જ છે. ભૂલ્યા વિના દર વર્ષે એક વાર તમારું બ્લડ પ્રેશર, કૉલેસ્ટરોલ અને ગ્લુકોઝ લેવલ ચેક કરાવો. તમારા ડૉક્ટરને પૂછો કે કઈ રીતે શરીરનું વજન હેલ્ધી અને નિયંત્રણમાં રાખી શકાય. તમારા ફૅમિલી-ડૉક્ટર કે હાર્ટ સ્પેશ્યલિસ્ટ જે સલાહ અને માર્ગદર્શન આપે એને અનુસરો અને તમને જે રીતે દવાઓ લેવાનું કહેવામાં આવ્યું હોય એમાં કોઈ ચૂક ન રાખો.

૨. પ્રવૃત્તિમય રહો

તમને ગમતી હોય એવી કસરત પસંદ કરો. એ જૉગિંગ, વૉકિંગ, યોગ, જિમ, પિલાટેઝ, ઝુમ્બા કે તમને ગમતી હોય એવી કોઈ પણ સ્પોર્ટ હોઈ શકે છે. નિયમિત શારીરિક ઍક્ટિવિટી જાળવવી એ તમારાં મસલ્સ અને હાડકાંને હેલ્ધી રાખે છે અને એનાથી હાર્ટની ક્ષમતા પણ જળવાય છે.

૩. વધુ પાણી પીઓ

તમે જ્યાં જાઓ ત્યાં પાણીની બૉટલ હંમેશાં સાથે રાખો. જ્યારે પણ તરસ લાગે ત્યારે થોડું-થોડું એમાંથી પીઓ. એ તમને હાઇડ્રેટેડ રાખશે અને શરીરમાં ફ્લુઇડનું પ્રમાણ સતત જળવાશે.

૪. હેલ્ધી ખાઓ

હંમેશાં હેલ્ધી જ ખાવું એ બહુ જ મહત્વનું છે. હા, ક્યારેક હેલ્ધી ડાયટને છોડીને મનભાવતી ચીજો ખાવાનું બહુ મન થાય એ સ્વાભાવિક છે, પરંતુ એવું ક્યારેક જ થવું જોઈએ. અચાનક બેફામ ખાવું અને થોડાક સમય માટે સ્ટ્રિક્ટ ડાયટ કરવાને બદલે લાંબા સમય માટે ફૉલો કરી શકાય એવું બૅલૅન્સ્ડ ડાયટ રુટિન બનાવો. તળેલું, લાંબા સમયથી પૅક કરી રાખેલું, કાબોર્નેટેડ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડ બને ત્યાં સુધી ટાળો. એના બદલે કાચાં શાકભાજી, ફળો અને હેલ્ધી સ્નેક્સ ખાશો તો હાર્ટ હંમેશાં હસતું રહેશે.

૫. કૉલેસ્ટરોલ કન્ટ્રોલ

સૅચુરેટેડ ફૅટ, ટ્રાન્સ ફૅટ જેમાં વધુ હોય એવી ચીજો ખાવાથી લોહીમાં કૉલેસ્ટરોલનું લેવલ વધે છે. એને કારણે લોહી જાડું થાય છે અને રક્તવાહિનીઓની આંતરિક દીવાલો સાંકડી અને કડક થવાની પ્રક્રિયા ગતિ પકડે છે. કૉલેસ્ટરોલ લેવલ ઓછું રાખવા માટે ફળો, શાકભાજી અને ફાઇબરવાળી ચીજો વધુ ખાઓ. ઓછું પ્રોસેસ કરેલું મલ્ટિગ્રેઇન રોજના ભોજનમાં ઉમેરો. માત્ર ઘઉં જ નહીં, જુવાર, બાજરી, મકાઈ, નાચણી જેવાં અન્ય આખાં ધાન્ય વાપરો. ફૅટ-ફ્રી ડેરી પ્રોડક્ટ્સ વાપરો.

૬. સૉલ્ટ પર કાપ

ભોજનમાં નમકની માત્રામાં કાપ મૂકવો આવશ્યક છે જેથી કરીને બ્લડ પ્રેશર લેવલ નિયંત્રણમાં રહે. હાઇપરટેન્શન એ હાર્ટની અનેક સમસ્યાઓ પેદા કરવા માટેનું મોટું પરિબળ છે.

૭. સ્મોકિંગ છોડો

સિગારેટ સ્મોકિંગ એ હેલ્થ માટે હાનિકારક છે એવું તો બધા માટે સાચું છે, પરંતુ જો તમારે હાર્ટ અને ફેફસાંને સ્વસ્થ રાખવાં હોય તો સ્મોકિંગના વ્યસનને તિલાંજલિ આપવી આવશ્યક છે. યાદ રાખો કે નિકોટિન એ સૌથી મોટો દુશ્મન છે એટલે સ્મોકિંગ છોડવા માટે અન્ય પ્રકારનાં નિકોટિનના વિકલ્પો વાપરવાને બદલે વિલ પાવરને કામે લગાડો.

૮. વજન માપમાં રાખો

જો તમારું વજન હાઇટના પ્રમાણમાં ઘણું વધારે હોય તો એનાથી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધી જાય છે. અનહેલ્ધી ડાયટ પર નિયંત્રણ કરો અને રોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે એક્સરસાઇઝ કરવાની આદત રાખશો તો હેલ્ધી વેઇટ મેઇન્ટેન કરવાનો ગોલ અચીવ થઈ શકશે.

આ પણ વાંચો : વર્કિંગ પ્રોફેશનલ્સ બની રહ્યા છે સાંધાના દુખાવાનો શિકાર

૯. ખુશ રહો

તમારા કપાળ પર તાણને કારણે કરચલીઓ પડી જાય એવું ન થવું જોઈએ. સ્ટ્રેસ ફીલ કરવાથી તમારી ચિંતાઓ ઘટવાની નથી. એના બદલે માનસિક સ્ટ્રેસને કારણે ફિઝિકલ ડિસ્કમ્ફર્ટ પેદા થશે. અભ્યાસોમાં પુરવાર થઈ ચૂક્યું છે કે સ્ટ્રેસ એ સૌથી મોટો કિલર ડિસીઝ છે. એ તમારાં સુખ અને સ્વાસ્થ્ય બન્નેનો ભોગ લે છે અને હૃદય પર એની બહુ ખરાબ અસર થાય છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK