મુંબઈને મળ્યું પહેલું પલ્વરાઇઝેશન મશીન

Published: Jan 08, 2020, 17:33 IST | Sejal Patel | Mumbai

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા અપ્રૂવ્ડ મહારાષ્ટ્રનું સૌપ્રથમ મશીન બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં મૂકવામાં આવ્યું છે. આ મશીન નવજાત બાળકોને આપવામાં આવતા નૅનો ડોઝની માપણી કરવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવશે.

પલ્વરાઇઝેશન
પલ્વરાઇઝેશન

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા અપ્રૂવ્ડ મહારાષ્ટ્રનું સૌપ્રથમ મશીન બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં મૂકવામાં આવ્યું છે. આ મશીન નવજાત બાળકોને આપવામાં આવતા નૅનો ડોઝની માપણી કરવા માટે બહુ જ મહત્વનો ભાગ ભજવશે. અત્યાર સુધી છૂટીછવાઈ ફાર્મસીઓ દ્વારા મુખ્ય દવાઓના નૅનો ડોઝ બનાવવામાં આવતા હતા, પરંતુ એમાં ઍક્યુરેશન અને એફડીએની પ્રમાણભૂતતા નહોતી. ગંભીર બીમારી સાથે જન્મેલા નવજાત શિશુઓ માટે વરદાનરૂપ ગણાતી આ પદ્ધતિથી કોને, કેમ અને કેવી રીતે ફાયદો થશે એ વિશે આજે જાણીએ.

ઘરમાં બે-પાંચ વર્ષનું બાળક હોય અને માંદુ પડે તો મોટા ભાગે સિરપ ફૉર્મમાં એને દવાઓ અપાતી હોય છે. ધારો કે કોઈ ટૅબ્લેટ જ આપવી પડે એમ હોય તો એડલ્ટ્સ માટેની દવાઓનો જે ડોઝ હોય એનાથી અડધી અથવા તો પા ભાગની ગોળી જ આપવાની હોય અને એ પણ ચમચીમાં પાણી લઈને દવા પિગાળીને આપવાની હોય. એવા સમયે ઘણા લોકો કાં તો આખી ગોળીને પિગાળી નાખે અને અડધું પાણી ફેંકીને બાકીની દવા બાળકને આપે અથવા તો દવાને ખાંડીને એને બે ભાગમાં વહેંચીને જરૂરી માત્રા જેટલો ભાગ જ પાણીમાં ઓગાળીને આપે. આમ જોવા જઈએ તો આ પદ્ધતિમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે બીમારી ગંભીર હોય અને દવાના એક ગ્રામના ડોઝથી પણ શરીરમાં એની સારી-માઠી અસરો થઈ શકે એમ હોય ત્યારે આ રીતે બાળકને દવા આપવાનું જોખમી બની જાય છે.

દવાની માત્રાની જરૂરિયાત નિશ્ચિત કરવાનું કામ ડૉક્ટરનું છે અને એ કઈ રીતે થતું હોય છે એ વિશે સમજાવતાં ખારઘરના પીડિયાટ્રિશ્યન અને નીઓનેટોલૉજિસ્ટ ડૉ. સુરેશ બિરાજદાર કહે છે, ‘દવાની દુકાને જે દવાઓ મળે છે એ બે પ્રકારની હોય છે. એક તો એડલ્ટ્સ માટેની અને બીજી બાળકો માટેની. એડલ્ટ્સ માટેનો જે ડોઝ હોય છે એ મોટા ભાગે ફિક્સ હોય છે. એમાં વેરિએશન આવવાની સંભાવના ઘણી ઓછી હોય, પરંતુ બાળકો માટે જે દવાઓ હોય છે એનો ડોઝ ઓછો હોય. નવજાત શિશુથી લઈને ત્રણ-ચાર વર્ષના બાળકો માટે મોટા ભાગે સિરપ ફૉર્મમાં દવાઓ હોય. શરદી-તાવ અને ઍન્ટિ-બાયોટિક જેવી બાળકોની દવાઓ નૉર્મલી ખૂબ વપરાતી હોય છે એ તો સિરપ ફૉર્મમાં મળતી જ હોય છે, પરંતુ કૉમ્પ્લિકેટેડ સમસ્યાઓ માટેની દવા સિરપમાં ઉપલબ્ધ નથી હોતી. એનું કારણ છે સિરપ ફૉર્મમાં બધી જ દવાઓ લાંબો સમય ટકતી નથી. એટલે જ કદાચ ફાર્માસ્યુટિકલ કંપનીઓને પણ એમાં ફાયદો દેખાતો નથી. નવજાત બાળકોને ચોક્કસ માંદગીમાં આપવાની દવાનો ડોઝ તૈયાર કરવાનું કામ બહુ મુશ્કેલ હોય છે જે આ પલ્વરાઇઝેશન મશીન દ્વારા સંભવ છે. મુંબઈમાં બહુ છૂટીછવાઈ જગ્યાઓએ ફાર્મસિસ્ટો દ્વારા દવાઓના નિશ્ચિત ડોઝ બનાવીને આપવાની સવલત છે, પરંતુ એ લોકો હકીકતમાં પલ્વરાઇઝેશન કરે છે કે પછી સોનીઓને ત્યાં જે માઇક્રોવેઇંગ મશીન હોય છે એના દ્વારા જ સ્મૉલ ડોઝમાં દવાઓ તૈયાર કરે છે એની કોઈ ખાતરી નથી.’

dose

પલ્વરાઇઝેશનમાં શું થાય?

હજી ગયા અઠવાડિયે જ પરેલની બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં પલ્વરાઇઝેશન ડિપાર્ટમેન્ટ શરૂ થયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા આ હૉસ્પિટલને સ્પેશ્યલ અપ્રૂવલ અપાતાં મુંબઈમાં આવી સવલત પહેલી વાર પ્રમાણભૂત ધોરણો સાથે મળવાની શરૂ થઈ છે. પલ્વરાઇઝેશનમાં શું હોય એ વિશે વાત કરતાં વાડિયા હૉસ્પિટલના ચીફ એક્ઝીક્યુટિવ ઑફિસર ડૉ. મિની બોધાનવાલા કહે છે, ‘આ સુવિધા નવજાત બાળકો અને એ પણ ખાસ કરીને અન્ડરવેઇટ જન્મેલાં બાળકો માટે અત્યંત મહત્વની છે. ચોક્કસ રોગો માટેની દવા બાળકને આપવાની હોય ત્યારે બાળકના શરીરનું કદ અને ઉંમર બન્ને ધ્યાનમાં લેવાના હોય છે. દવા બે-પાંચ-દસ ગ્રામના ડોઝમાં મળતી હોઈ શકે છે, પણ જો બાળકના બૉડીવેઇટને ધ્યાનમાં રાખીને એને એક ગ્રામનો ડોઝ આપવાનો હોય કે પા ગ્રામનો ડોઝ આપવાનો હોય ત્યારે અઘરું થઈ જાય. પલ્વરાઇઝેશન એક એવું મશીન છે જે મૂળ દવાને ક્રશ કરીને એમાંથી ખૂબ માઇક્રોલેવલના ડોઝ તૈયાર કરી શકે છે. એ માટે ખૂબ સ્કિલની જરૂર પડે છે.’

આ વાત સાથે સહમત થતા ડૉ. સુરેશ બિરાજદાર એની અગત્ય સમજાવતાં કહે છે, ‘સામાન્ય રીતે જે દવા ૧૫થી ૧૮ કિલો વજન ધરાવતા બાળકને વીસથી ચાળીસ મિલીગ્રામમાં ‍આપવાની હોય એ જ જો ત્રણ કિલોના નવજાતને આપવાની હોય તો તમારે એ દવાનો ડોઝ છઠ્ઠા ભાગનો કરવો પડે. જો નવજાત પ્રીમૅચ્યોર હોય અને વજન એક-દોઢ કિલો જ હોય તો એ ડોઝ એથીયે ઘટાડવો પડે. આટલા સૂક્ષ્મ ડોઝમાં એ પણ ધ્યાન રાખવું પડે કે બાળકને જરા પણ ઓવરડોઝ ન થાય અને એ પણ ધ્યાન રાખવું પડે કે જરૂરી દવાનો ડોઝ તો તેને મળે જ. જરાક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે અન્ડરવેઇટ બાળકનું બ્લડપ્રેશર ખૂબ લો રહેતું હોય અને એ માટેની દવા આપવાની હોય તો તમારે બાળકના કદ, ઉંમર અને કેટલું બીપી લો છે એ ત્રણેયને ધ્યાનમાં રાખીને દવાનો નૅનો ડોઝ નક્કી કરવો પડે. અડધો મિલીગ્રામ વધુ ડોઝ આપો તો બ્લડપ્રેશર ખૂબ વધી જાય અને નવજાત શિશુનું શરીર એ અવસ્થા ઝીલી ન શકે એવું પણ બને. ધારો કે એના ડરે તમે અડધો મિલીગ્રામ ડોઝ ઓછો આપો તો બની શકે કે દવા લીધા પછી પણ બાળકના બ્લડપ્રેશરમાં તમે ઇચ્છો છો એટલું નૉર્મલ થાય જ નહીં અને વધુ સમય બ્લડપ્રેશર લો રહે એને કારણે પણ ઇન્ટર્નલ ઑર્ગન્સને વધુ હાનિ થાય. એવી જ રીતે જો બ્લડ-થિનિંગ માટે દવા આપવાની હોય તો એમાં પણ એ જ લાગુ પડે. ઓછી દવા હશે તો ક્લૉટ પીગળીને હટશે નહીં અને વધુ દવા હશે તો લોહી એટલું પાતળું થઈ જશે કે ઇન્ટર્નલ બ્લીડિંગ થવા લાગે એવું પણ બને.’

મુંબઈભરના લોકોને ફાયદો

સૂક્ષ્મ માત્રાની દવાનો ડોઝ તૈયાર કરતું પલ્વનાઇઝેશન મશીન જે બાઈ જેરબાઈ વાડિયા હૉસ્પિટલમાં આવ્યું છે એ મહારાષ્ટ્રનું પહેલું ઑથોરાઇઝ્ડ મશીન છે એમ જણાવતાં ડૉ. મિની બોધાનવાલા કહે છે, ‘અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા હતા કે પ્રીમૅચ્યોર અને ઓછું વજન ધરાવતાં શિશુઓ માટે જે દવાના ડોઝ તૈયાર કરવાના હોય છે એમાં બહુ જ મુશ્કેલી પડી રહી હતી. મુંબઈમાં એકેય ઑથેન્ટિક સેન્ટર પણ નહોતા કે જે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનની અપ્રૂવલ સાથે ચાલતા હોય. એને કારણે જ્યાં સુધી બાળક હૉસ્પિટલમાં હોય ત્યાં સુધી ડૉક્ટરો દ્વારા ડોઝની પૂરતી કાળજી લેવામાં આવતી, પરંતુ ઘરે ગયા પછી પેરન્ટ્સને નૅનો ડોઝ તૈયાર કરવાનું ફાવતું ન હોવાથી તેમના માટે ખાસ ફાર્મસીઓમાંથી જ એ દવા તૈયાર કરાવવી પડતી. ઘણી વાર એમાં વેઇટિંગ લિસ્ટ પણ રહેતું કેમ કે આ પ્રક્રિયા તમે માનો છો એટલી સહેલી નથી. સરવાળે નવજાત શિશુને જ સફર કરવું પડતું. આ હૉસ્પિટલમાં શરૂ કરેલું પલ્વરાઇઝેશન ડિપાર્ટમેન્ટ અહીંના દરદીઓ ઉપરાંત બહારના પેશન્ટ્સ માટે પણ ખુલ્લું રહેશે.’

મશીન મોંઘું નથી, સ્કિલ મહત્વની છે

જો બાળકો માટે નૅનો ડોઝ તૈયાર કરવાનું આટલું મહત્વનું હોય તો મુંબઈ જેવા શહેરમાં હજી સુધી કેમ કોઈ પ્રાઇવેટ, ગવર્નમેન્ટ કે ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલોએ આ પહેલ નથી કરી? શું આ મશીન બહુ મોંઘું છે? શું એમાં કોઈ વિશેષ કૅરની જરૂર પડે છે? એના જવાબમાં ડૉ. મિની કહે છે, ‘આ મશીન કંઈ એવું મોંઘું નથી કે અફૉર્ડ ન થઈ શકે. હા, એ માટે એક્સપર્ટાઇઝની જરૂર પડે છે. આ કામ કોઈ પણ ફાર્મસિસ્ટ કરી શકે નહીં. એ માટે ક્લિનિકલ ફાર્મસિસ્ટ હોવો મસ્ટ છે. જે દરદીના વજન, ઉંમર, અવસ્થા, રોગ બધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા નૅનો ડોઝને ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરી શકે. આ મશીન એક સ્ટરિલાઇઝ્ડ રૂમમાં રાખવું પડે. જેમ ઑપરેશન થિયેટરમાં સહેજ પણ ડસ્ટ કે ઇન્ફેક્શન ન હોય એમ આ રૂમને બધી જ રીતે પ્રોટેક્ટેડ રાખવો પડે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK