Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક દૂજે કે લિએ બનેલાં પૌષ્ટિક ફૂડ-કૉમ્બિનેશન

એક દૂજે કે લિએ બનેલાં પૌષ્ટિક ફૂડ-કૉમ્બિનેશન

14 January, 2019 12:42 PM IST |
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક દૂજે કે લિએ બનેલાં પૌષ્ટિક ફૂડ-કૉમ્બિનેશન

ધાન્ય અને કઠોળ

ધાન્ય અને કઠોળ


દરેક ખોરાક આપણને કોઈ ને કોઈ પોષણ આપે છે, પરંતુ ભાગ્યે જ કોઈ ખોરાક હશે જે સંપૂર્ણ છે ને એકલો ખાવાથી આપણને બધું જ પોષણ મળી રહે છે. એટલે જ આપણે એને કૉમ્બિનેશનમાં ખાઈએ છીએ. 

કુદરતે આપણને બધાને અલગ-અલગ વિશેષતાઓથી નવાજ્યા છે. કોઈમાં કોઈ ગુણ હોય તો બીજામાં સારો જ, પરંતુ એનાથી જુદો ગુણ હોય છે અને એવા અલગ-અલગ સારા ગુણો ધરાવતી વ્યક્તિઓ એકબીજા સાથે જોડાય ત્યારે સુપર્બ કૉમ્બિનેશન બનતાં હોય છે. આપણા જીવનમાં એકબીજાને પૂરક કહી શકાય એવાં કૉમ્બિનેશન જોવા મળે જ છે પછી તે પતિ-પત્ની હોય, બિઝનેસ પાર્ટનર્સ હોય કે પછી ભાઈ-બહેન હોય. ખોરાકમાં પણ એવાં પૂરક કૉમ્બિનેશન હોય છે. જેટલાં પણ સુપર ફૂડ્સ છે અથવા તો કહીએ કે પોષણથી ભરપૂર જેટલા પણ ખાદ્ય પદાર્થો છે જે આપણને કુદરત આપે છે એ બધા જ એક શ્રેષ્ઠ ગુણ ધરાવે છે. જેમ કે ચોખામાં ભરપૂર એનર્જી‍ છે તો લીંબુમાં ભરપૂર વિટામિન C, પાલકમાં ભરપૂર આયર્ન છે તો કઠોળમાં ભરપૂર પ્રોટીન. કુદરતના ખજાનામાંથી દરેક ખાદ્ય પદાર્થના પોતાના લાભ અને પોતાની આગવી ઓળખ છે. પરંતુ સમજવાની વાત એ છે કે કુદરતે કોઈ પણ વસ્તુને પૂર્ણ બનાવી નથી.



ભાગ્યે જ એવો કોઈ ખોરાક હશે જેને સંપૂર્ણ કહી શકાય કે જેમાં બધાં જ વિટામિન્સ, પૂરતા પ્રમાણમાં પ્રોટીન્સ અને જરૂરી પોષકતkવો સમાયેલાં હોય. વળી એક ખાદ્ય પદાર્થ જેવો જ બીજો પદાર્થ પણ નથી બનાવ્યો. બધા અલગ-અલગ છે. બધાની પોતાની વિશેષતા છે અને આટલાબધા ખાદ્ય પદાર્થોમાંથી ઘણા એવા છે જે એકબીજાના પૂરક છે. જે સાથે મળે તો એ સંપૂર્ણ ખોરાક બને છે, જેમાંથી માણસને પૂર્ણ પોષણ મળે છે. એક ખાદ્ય પદાર્થ બીજાની કમીને પૂરી કરે છે તો બીજો ખાદ્ય પદાર્થ પહેલાની કમીને. જેવી રીતે માણસોનાં જોડાં હોય છે એમ ખોરાકમાં પણ જોડાં હોય છે. ભાત ક્યારેય એકલા નથી ખવાતા, એની સાથે દાળ જોઈએ જ છે. એ જ રીતે કયા પ્રકારનાં કૉમ્બિનેશન એકબીજાનાં પૂરક છે અને એ ખાવાથી વધુ લાભ મેળવી શકાય છે આજે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા અને ધ્વનિ શાહ પાસેથી.


ધાન્ય અને કઠોળ

દાળ-રોટલી, મગ-ભાત, ચણા-ગોળ, અડદની દાળ અને જુવારનો રોટલો, ઇડલી-સાંભાર, બાજરાનો રોટલો અને મગની દાળ વગેરે ધાન્ય અને કઠોળનું કૉમ્બિનેશન છે જે પારંપરિક રીતે આપણે ત્યાં ખવાય છે. આખાં ધાન્ય જેમ કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, રાગી, મકાઈ વગેરેમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. કાર્બોહાઇડ્રેટ્સ ઊર્જા‍નો મહત્વનો સ્રોત છે. શરીર અને મગજ બન્નેને ચલાવવા માટે જે બળતણની જરૂર હોય છે એને આપણે સાદી ભાષામાં એનર્જી‍ અથવા શક્તિ કહીએ છીએ જે એમાંથી જ મળે છે, પરંતુ એમાં જે કમી છે એ છે પ્રોટીનની. શરીરમાં પ્રોટીન સ્નાયુઓના સશક્તિકરણ અને કોષો જો તૂટી ગયા હોય તો એને રિપેર કરવાનું કામ કરે છે. પ્રોટીન હોય છે જુદી-જુદી દાળ અને કઠોળમાં. દાળ અને કઠોળમાં જે પ્રોટીન હોય છે એ પહેલી કક્ષાનું પ્રોટીન ગણાતું નથી જેવું દૂધમાં રહેલું પ્રોટીન હોય છે. જ્યારે એને કાર્બોહાઇડ્રેટ સાથે લેવામાં આવે છે ત્યારે એ બને છે કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ ગુણવત્તાનું પ્રોટીન. આથી આ બન્નેને સાથે જ ખાવાં જોઈએ.


દાળ અને ઘી

પારંપરિક રીતે ઘણાં ઘરોમાં દાળ કે કઠોળનો વઘાર ઘીથી થાય છે. જો વઘાર ઘીથી ન કરે તો બની ગયા પછી એક ચમચી ઘી ઉપરથી નાખવામાં આવે છે. જોકે ઘીથી આજકાલ લોકો દૂર ભાગવા લાગ્યા છે. પરંતુ ઘીને સારી ફૅટ્સ તરીકે લેવામાં આવે છે. એનો મર્યાદામાં ઉપયોગ શરીરને ફાયદો જ કરે છે, નુકસાન નહીં. મગ, મઠ, ચણા, વાલ, છોલે, રાજમા વગેરે કઠોળ અને અને તુવરદાળ, મગદાળ, ચણાદાળ, અડદદાળ જેવી દાળ પચવામાં ભારે પદાર્થો છે. જો એનું પાચન વ્યવસ્થિત ન થાય તો એમાં રહેલું પ્રોટીન શરીરને મળે નહીં. આથી એ સુપાચ્ય બને એ જરૂરી છે. એને સુપાચ્ય બનાવવાનું કામ કરે છે ઘી. ઘણા લોકોને કઠોળ કે દાળ ખાવાને લીધે ગૅસ થઈ જાય છે અને બ્લોટિંગની સમસ્યા રહે છે. જો ઘી સાથે દાળ કે કઠોળને લેવામાં આવે તો આ સમસ્યા આવતી નથી.

 

ફ્રૂટ અને નટ્સ

ફળો પોતાની રીતે પોષણનો ભંડાર છે અને મોટા ભાગે એ સ્નૅક સમયે એટલે કે સવારે ૧૧ વાગ્યે કે સાંજે પાંચ વાગ્યા આસપાસ ખાવાં જોઈએ એવી સલાહ મોટા ભાગના ડાયટિશ્યન આપતા હોય છે. ફળોને ક્યારેય જમવા સાથે કે દૂધ સાથે ન લેવાં જોઈએ. એ જ રીતે નટ્સ એટલે કે બદામ, કાજુ, અખરોટ, પિસ્તાં વગેરેને પણ સ્નૅકના સમયે જ ખાવાં વધુ યોગ્ય છે. જમવામાં એ ખવાય નહીં. સવારે ઊઠીને પણ એ ખાઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે ફળો અને નટ્સ બન્ને ભરપૂર પોષણયુક્ત ખાદ્ય પદાર્થો છે. ફ્રૂટ્સ અને નટ્સને સાથે સ્નૅક-ટાઇમમાં ખાઈ શકાય છે. જેમ કે કેળાં સાથે અખરોટ, સંતરાં સાથે પિસ્તાં, સ્ટ્રૉબેરી સાથે બદામ કે પછી મિક્સ ફ્રૂટ સાથે મિક્સ નટ્સનો એક બોલ બનાવીને ખાઈ શકાય છે; જે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોઈ પણ ફ્રૂટ સાથે કોઈ પણ નટ્સનું કૉમ્બિનેશન કરી શકાય છે. ફળોમાં રહેલાં ફ્રુક્ટોઝ અને વિટામિન C નટ્સમાં રહેલાં મૅગ્નેશિયમ, ઝિન્ક, કૅલ્શિયમ, સેલેનિયમ જેવાં ધાતુતkવોને પચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

પાલક અને લીંબુ

પાલકનો ઉપયોગ આપણે જૂસ, સૂપ અને શાકમાં કરીએ છીએ. લીલાં પાંદડાંવાળી શાકભાજી અત્યંત ઉપયોગી થતી હોય છે, પરંતુ એની સાથે એ જાણવું જરૂરી છે કે એને કઈ રીતે ખવાય. લીંબુનો ઉપયોગ આપણે શાક-દાળ કે ચટણીઓમાં મુખ્યત્વે કરતા હોઈએ છીએ. પાલકમાં ખૂબ જ સારી માત્રામાં આયર્ન રહેલું છે. આ આયર્નનું પાચન થઈને એ શરીરને પૂરતી માત્રામાં મળી રહે એ માટે શરીરમાં પૂરતી માત્રામાં વિટામિન C હોવું જરૂરી છે. આમ ખાલી આયર્ન ખાવાથી કામ પતતું નથી. જ્યારે પાલક સાથે જ લીંબુ આપણે ખાઈએ છીએ ત્યારે કૅલ્શિયમ, આયર્ન અને વિટામિન C મળી રહે છે અને એ પૂરતા પ્રમાણમાં શરીરમાં ઍબ્સૉર્બ થાય છે.

આ પણ વાંચો : જાણો આલિયા ભટ્ટનો સ્કિન કેર મંત્ર, આવી રીતે રાખે છે ત્વચાની સંભાળ

ટમેટાં અને તેલ

ટમેટાંનો ઉપયોગ આપણે ઘણીબધી જગ્યાએ જુદી-જુદી રીતે કરીએ છીએ. લગભગ બધાં જ શાકમાં ટમેટાં નાખીએ છીએ. આ સિવાય સૂપ, ગ્રેવી અને સૅલડમાં પણ એનો બહોળો ઉપયોગ થાય છે. મહત્વની વાત એ છે કે ટમેટાં કાચાં ખાવાં એના કરતાં તેલમાં પકવીને ખાવાં વધુ યોગ્ય છે. ટમેટાંની અંદર જે ઍન્ટિ-ઑક્સિડન્ટ રહેલું છે એને લાઇકોપીન કહે છે. આ ખૂબ જ ઉપયોગી ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે. તેલ કે કોઈ પણ સારી કક્ષાનો ફૅટ પદાર્થ આ લાઇકોપીનના ઍબ્સૉપ્ર્શનમાં ઉપયોગી છે. એટલે આ બન્નેનું કૉમ્બિનેશન સારું ગણી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 12:42 PM IST | | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK