“એક્સ્ટ્રા એનર્જીને બર્ન કરવાની તૈયારી સાથે ગમે તે ખાઓ”

Published: 3rd October, 2011 16:53 IST

ટીવી કલાકાર આશિષ શર્મા સાથે કરવામાં આવી ફિટનેસ અંગેની થોડી વાતચીત જેમાં આશિષે આપી મહત્વની ટીપ્સ. એનડીટીવી-ઇમૅજિન પર આવતી સિરિયલ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ના ચંદ્રગુપ્ત એટલે કે આશિષ શર્માએ પોતાની લાઇફમાં આ ફન્ડા અપનાવ્યો છે. ‘ગુનાહોં કે દેવતા’ સિરિયલમાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવનારા આશિષે ‘લવ, સેક્સ ઔર ધોખા’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.ફિટનેસ Funda

હું નાનપણથી જ ફિટ ઍન્ડ ફાઇન છું એમ કહું તો ચાલે. નો ડાઉટ, ત્યારે હું કૉન્શિયસ્લી ફિટ રહેવા પ્રયત્નો નહોતો કરતો, પણ મારા શોખ જ કંઈક એવા હતા કે ફિટ રહેવાઈ જતું. સ્કૂલમાં હતો ત્યારથી જ મને સ્પોર્ટ્સનો જબરો શોખ હતો. ભલે પછી એ કોઈ પણ સ્પોટ્ર્‍સ હોય. બસ, મને આઉટડોર ગેમ રમવા મળી એટલે જીવનની સૌથી મોટી ખુશી મળી હોય એવું લાગતું એટલે ત્યારે પણ મારી તંદુરસ્તી જોરદાર હતી જે આજ સુધી બરકરાર રહી છે.

મસલ્સ નહીં, તંદુરસ્તી

એક વાત મેં હંમેશાં ઑબ્ઝર્વ કરી છે કે મોટે ભાગે લોકો શરીરમાં તકલીફ ઊભી થાય એ પછી જ હેલ્થ માટે જાગૃતિ કેળવતા હોય છે. મને ખબર નથી પડતી કે શા માટે આપણે આવા કોઈ અલાર્મની રાહ જોવી જોઈએ? સમજણો થયો ત્યારથી હેલ્થની કૅર કરતાં હું શીખી ગયો છું. પહેલાં જિમમાં નહોતો જતો, પરંતુ પછી બૉડી-બિલ્ડિંગના ક્રેઝથી જિમ જવાનું શરૂ કરેલું. જોકે હવે એવું લાગે છે કે મસલ્સ બનાવવા જરૂરી નથી, પરંતુ તંદુરસ્ત હોવું જરૂરી છે. તમારામાં સ્ટૅમિના સારો હોવો જોઈએ અને કામકાજમાં તમારી સ્ફૂર્તિ હોવી જોઈએ. એને જ તંદુરસ્તીની નિશાની કહેવાય.

કસરતમાં સ્પોર્ટ્સ

હું રોજ એક કલાક જિમ અને અઠવાડિયામાં ત્રણ દિવસ આઉટડોર સ્પોટ્ર્‍સ માટે સમય કાઢું છું. ટ્રૅકિંગ, સ્વિમિંગ, હૉર્સરાઇડિંગ જેવા સ્પોર્ટ્સ મને ખૂબ ગમે છે. એમાં હેલ્થ પણ સચવાય અને મજા પણ આવે. દિવસનો એક કલાક જિમ પણ મારી નેસેસિટી બની ગઈ છે. એ એક કલાક વિના હું મારા દિવસની કલ્પના નથી કરી શકતો. મને થોડાં વષોર્ પહેલાં પીઠના ભાગમાં ઇન્જરી થઈ હતી ત્યારથી હું પાછળના ભાગ પર સ્ટ્રેસ પડે એવી એક્સરસાઇઝ નથી કરતો. ફિઝિયોથેરપિસ્ટના જણાવ્યા મુજબની કસરતો અને યોગ કરું છું.

પેટ ભરીને ખાઓ

ખાવાના નિયંત્રણમાં હું બિલકુલ નથી માનતો. ઇનફૅક્ટ, હું તો કહું છું કે જે ભાવે એ બધું જ ખાઓ. બસ, એ બધી જ એનર્જીનો ઉપયોગ કરી લો. એનર્જી બર્ન કરવાની તૈયારી હોય તો કંઈ પણ ખાવામાં વાંધો નથી. હું આ નિયમ પર જ ચાલું છું. મને ભાવતું બધું જ ખાઉં છું. ચીઝ, બ્રેડ-બટર, ચૉકલેટ, કેક, મીઠાઈ જેવું બધું જ પેટ ભરીને ખાઉં છું; પણ ક્યાંય એક્સ્ટ્રા કૅલરી શરીરમાં ભરાવો ન કરે એની પૂરતી સંભાળ સાથે.


મેડિટેશન જરૂરી

આજના યુથને મેડિટેશન કરવાનું બહુ બોરિંગ લાગે છે. મને પણ શરૂ-શરૂમાં લાગતું હતું. ઑબ્વિયસ છે કે સતત ૧૫ મિનિટ આંખ બંધ કરીને બેસવું અને ધ્યાન ધરવું એ શું વળી? આવી નિરાંત આજના યુથને ન જ પચે. આંખ બંધ કર્યા પછી મનમાં અનેક નવા વિચારો ચાલતા હોય, કૉન્સન્ટ્રેશન જ ન થાય તો શું અર્થ એનો? આવો તર્ક મગજમાં ઊઠતો હોય તો પણ ધ્યાન છોડવું નહીં, કારણ કે શરૂઆતમાં આવું થાય. મેડિટેશનની થોડી મજા આવે એવી બીજી અનેક પદ્ધતિઓ પણ છે અને દિવસમાં ઓછામાં ઓછી ૧૦ મિનિટ તો મેડિટેશન માટે કાઢવી જ જોઈએ એવું હું માનું છું. ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પણ જરૂરી છે.

વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK