ઘાઘરા-ચોળી લાગે તહેવારોમાં બેસ્ટ

Published: 24th October, 2011 19:27 IST

દિવાળીમાં કંઈક ટ્રેડિશનલ પહેરવું હોય ત્યારે ગામઠી સ્ટાઇલ ઘાઘરા-ચોળી સુંદર લુક આપશે. ટિપિકલ મારવાડી સ્ટાઇલનો મૅચિંગ ઘાઘરો અને એની સાથે કૉન્ટ્રાસ્ટ રંગની ચોળી દિવાળી માટે સારો ઑપ્શન લાગી શકે છે.મોટા ભાગે આવાં ઘાઘરા-ચોળી ગામડાની સ્ત્રીઓ વધુ પહેરવાનું પસંદ કરે છે, પણ જ્યારે ટ્રેડિશનલ વેઅરની વાત આવે ત્યારે ગામડાના કે શહેરના પહેરવેશમાં વધારે કંઈ ફરક નથી રહેતો. જોઈએ આ પરંપરાગત ઘાઘરા-ચોળીને ફેસ્ટિવલ્સમાં કઈ રીતે પહેરી શકાય.

ફૅબ્રિકની પસંદગી

ઘાઘરો બનાવવા માટે બ્રૉકેડનું ફૅબ્રિક બેસ્ટ ઑપ્શન છે. બ્રૉકેડના મટીરિયલમાંથી ઘાઘરો અને ચોળી બનાવવા તેમ જ બ્રોકેડ સાથે બૉર્ડરમાં સ્ટોન કે ઝરદોશી વર્કવાળી લેસ મૂકી શકાય. સેમ મટીરિયલમાંથી ઘાઘરો અને ચોળી બન્ને બનાવી ઓઢણી માટે કૉન્ટ્રાસ્ટ કલર પસંદ કરો. બાંધણી કે લહેરિયાની ઓઢણી પણ ટ્રેડિશનલ લુક આપશે. આજકાલ નેટ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. નેટમાંથી બનાવેલા ઘાઘરા ઈવનિંગ વેઅર તરીકે સારો લુક આપશે. નેટની નીચે પણ બ્રૉકેડની લાઇનિંગ નખાવી શકાય. બ્રૉકેડ સાથે નેટનો દુપટ્ટો પણ સ્ટાઇલિશ લાગશે.

ઘાઘરાની પૅટર્ન

ઘાઘરાને ટ્રેડિશનલ લુક આપવાનો છે, પણ થોડા મૉડર્ન ટ્વિસ્ટ સાથે. એટલે ઘાઘરાને ટિપિકલ ઘેરવાળો ન બનાવતાં થોડો એ-લાઇન કે અમ્રેલા ઘેરવાળો બનાવવો. એ-લાઇનમાં બન્ને સાઇડ પર ઘાઘરાની લંબાઈ વધારે અને ફ્રન્ટ તેમ જ બૅકમાં થોડી ઓછી હોય છે જેથી ચાલવામાં આસાની રહે તેમ જ લુક થોડો જુદો મળે. એ સિવાય થોડા વધારે મૉડર્ન લુક માટે ફિશ કટ ઘાઘરો પણ સારો લાગશે. જો ટિપિકલી ટ્રેડિશનલ લુક પસંદ હોય અને ઉંમર ૩૫ની ઉપર હોય તો થોડા ઘેરવાળો ઘાઘરો સિમ્પલ બનાવવો.

ટ્રેડિશનલ ચોળી

ચોળીમાં બે ઑપ્શન છે. એક સિમ્પલ બ્લાઉઝ કે પછી ડિઝાઇનર ચોળી. સિમ્પલ બ્લાઉઝમાં જેમ બ્લાઉઝમાં જુદી-જુદી નેકલાઇન કરાવો એમ કરાવી શકાય અથવા થોડી લાંબી પેટ ઢંકાય એટલી લાંબી ચોળી પણ બનાવી શકાય. યંગ છોકરીઓને બ્લાઉઝમાં પાછળ હૂક, દોરી, બૅકલેસ, ક્રિસ-ક્રૉસ દોરી જેવી પૅટન્ર્સ સારી લાગશે. ચોળીને થોડા સ્ટાઇલિશ લુક માટે એ-સિમેટ્રિકલ હેમલાઇન પણ આપી શકાય, પણ ધ્યાન રાખવું કે ડિઝાઇન એટલી પણ મૉડર્ન ન હોય કે ટ્રેડિશનલ વેઅર તરીકે પહેરી જ ન શકાય.

રંગોની પસંદગી

દિવાળી એટલે પણ રંગોનો તહેવાર. જોકે તહેવાર એટલે જ રંગોની બહાર. તહેવારોમાં રંગોનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ગમે એટલો બ્રાઇટ રંગ તમે તહેવારોમાં પહેરી શકો છો. લાલ, પિન્ક, લેમન યલો, ટર્મરિક યલો, વાદળી, પોપટી, કેસરી, પીચ જેવા કલર્સ એથ્નિક વેઅરમાં ખૂબ સારા લાગે છે. યલો સાથે પર્પલ, પિન્ક સાથે ઑરેન્જ કે પીચ, યલો અને પિન્ક કે ગ્રીન જેવા કૉમ્બિનેશન સુંદર લાગશે.

સાથે મૅચિંગ

  • ઘાઘરા-ચોળી સાથે મૅચિંગ ઍક્સેસરીઝમાં કુંદન, પોલકી કે મોતીનો સેટ સારો લાગશે.
  • વાળમાં હાફ પોની, લો બન કે લાંબા વાળ હોય તો ચોટલો વાળી શકાય અથવા વાળમાં સારો કટ હોય તો વાળ છુટ્ટા રાખી શકાય. જો શોખ હોય તો વાળમાં ફ્રેશ ફ્લાવર્સ સજાવો. એ ટ્રેડિશનલ છતાં ક્લાસિક લુક આપશે.
  • હાથમાં કડું કે ખૂબ બધી બેન્ગલ્સ સારો લુક આપશે.
  • જો કમ્પ્લીટ ટ્રેડિશનલ લુક જોઈતો હોય તો માથામાં ટિકો કે બોર પહેરો. એ ઘાઘરા-ચોળી સાથે ખૂબ સારો લુક આપશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK