શું તમને ઑફિસનું કામ બેડ પર બેસીને કરવાની આદત થઈ ગઈ છે?

Published: Jul 13, 2020, 16:26 IST | Bhakti Desai | Mumbai

જો આવું કરતા હો તો જાણી લો કે એ તમારી રોજિંદી ઊંઘ પર પણ અસર કરે છે અને કરોડરજ્જુને પણ નુકસાન કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘરેથી કામ કરતી વખતે બેડને કેમ વર્કપ્લેસ ન બનાવવો જોઈએ, એનાથી શું સમસ્યાઓ થાય અને એના ઇલાજો શું છે એ નિષ્ણાતો પાસેથી જાણીએ. વર્ક ફ્રૉમ હોમની કલ્પના સામાન્ય રીતે પાશ્ચાત્ય દેશોમાં જ વધારે પ્રચલિત હતી, પણ કોરોનાને કારણે થયેલા લૉકડાઉન દરમ્યાન આજે આખા વિશ્વના તમામ લોકો આ ઢબથી કામ કરવા ટેવાઈ ગયા છે. ગ્લોબલ સર્વે અનુસાર ઘરેથી કામ કરનાર લોકોમાંથી ૭૦ ટકા લોકો એવા છે જેઓ દિવસના અમુક સમયમાં બેડ પર બેસીને કામ કરે છે.
ગયા ત્રણ-ચાર મહિનાઓથી કામ કરવાની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. એક ઘર હવે ઑફિસની પણ ભૂમિકા ભજવે છે અને બેડ ઑફિસની ખુરશીની કમી પૂરી કરે છે. પણ આનાથી મોટામાં મોટી બે સમસ્યાઓ સામે આવી છે. જે લોકો બેડ પરથી કામ કરે છે તેઓ ગાદી જેવી નરમ સપાટી પર કમર સીધી ન રાખી બેસે છે અને ઊઠે ત્યારે તેમને કમરમાં દુખાવો જણાય છે. ઘણી વાર વળેલી સ્થિતિમાંથી કમર સીધી કરીએ ત્યારે ખૂબ પીડા થાય છે. બીજી સામાન્ય ફરિયાદ એટલે ઘણા લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ પણ નથી આવતી. વર્ક ફ્રૉમ હોમમાં દિવસે ઘરના કામને કારણે ઑફિસનું કામ પૂરું થતું નથી અને લોકો મોડી રાત સુધી કામ કર્યા કરે છે. એનાથી પણ પૂરતી ઊંઘ નથી મળતી અને જ્યારે કામ વહેલું થઈ જાય ત્યારે બેડ પરથી કામ કરવાને કારણે સૂવા જાય તો પણ ઊંઘ નથી આવતી. અહીં મુખ્ય વાત એ છે કે જીવનમાં આવેલા આ બદલાવથી જે બેડ પર લોકો પહેલાં રાત્રે શાંતિથી થાકીને સૂઈ જતા હતા ત્યાં આજે ઊંઘ ન આવવાની તકલીફ વધી ગઈ છે. આને બેડ પરથી કામ કરવાની આડઅસર જ કહી શકાય.
કમર પર આડઅસર
લૉકડાઉન પછી થોડા દિવસોમાં જ આ બન્ને સમસ્યાનો ભોગ બનેલાં ગોરેગામમાં રહેતાં પ્રાચી સોમૈયા અહીં કહે છે, ‘આટલાં વર્ષોમાં પહેલી વાર ઘરેથી કામ કરવાનો સમય આવ્યો. મારા ઘરમાં લૅપટૉપ પર કામ કરવાની યોગ્ય સુવિધાની ક્યારેય જરૂર પડી જ નહોતી. તેથી મેં આવું વિચાર્યું નહોતું અને અચાનક હવે મારી પાસે બેડ પરથી કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. સતત કલાકો સુધી હું બેડ પર બેસીને ઑફિસનું કામ કરું છું. આનાથી મારી કમર અને પગ પણ ખૂબ દુખે છે. હું આશ્ચર્ય અનુભવું છું કે મને રાત્રે થાકી જાઉં તોયે ત્રણ વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. ઑફિસમાં કલાકો સુધી બેસીને પણ ક્યારેય મારી કમરમાં આવી પીડા નથી થઈ જેટલી લૉકડાઉનના થોડા સમય પછી બેડ પરથી કામ કરીને થવા લાગી છે. હવે એક કમ્પ્યુટર ટેબલ લેવું જ પડશે.’
ગરદન અને કરોડરજ્જુ પર આડઅસર
ઘાટકોપરના સ્પાઇન સર્જ્યન ડૉ. સમીર રૂપારેલ કહે છે, ‘એ વાત તદ્દન સાચી છે કે લોકો બેડ પરથી કામ કરતા હોવાથી કમર અને ગરદનના દુખાવાની ફરિયાદમાં વધારો થયો છે. કોઈ પણ ખરાબ આદત ત્યારે જ છૂટે જો તે વ્યક્તિને એની વિપરીત અસર વિશે અવગત કરાવવામાં આવે. પહેલાં તો પલંગ પર બેસીને કામ કરવાથી ગરદન અને કમર પર શું અસર થાય છે અને એનાં કારણો વિશે ડૉ. સમીર સમજાવે છે કે, ‘લોકો બેડ પર બેસીને કામ કરે છે ત્યારે પૉશ્ચરનું ભાન નથી રહેતું. ખૂંધ કાઢીને બેસવાથી બૉડીનું પૉશ્ચર બગડે છે. તકલીફ એ હોય છે કે વ્યક્તિનું પોતાનું એ તરફ ધ્યાન રહેતું નથી. એને કારણે કરોડરજ્જુ પર ભાર આવે છે, જેથી કમરના સ્નાયુઓ નબળા પડે છે. બેડ પર બેસીને કામ કરવાથી અટેન્શન મોડ ઘટે છે, જેને કારણે વ્યક્તિની નિષ્ક્રિયતા વધે છે. ઇન ફૅક્ટ, ઑફિસમાં અથવા તો ખુરસી-ટેબલ પર બેસીને કામ કરતી વખતે તમે અવારનવાર ઊઠતા હો છો, પણ બેડ પરથી કામ કરતી વખતે સમય પર ધ્યાન નથી રહેતું. લાંબા સમયે ઊઠ્યા પછી પગ, કમર, ગરદન જકડાઈ ગયેલાં હોય છે. બેડ પર કામ કરતી વખતે થાક લાગે ત્યારે કાં તો તમે પથારીમાં જ લંબાવી દો છો, જે વધુ નુકસાનકારક બને છે.’
કરોડરજ્જુ પર ખોટી રીતે દબાણ આવવાથી લાંબા ગાળે આ આદતને કારણે ગરદન અને કમરનો દુખાવો થાય છે.


ઊંઘમાં ગરબડ થાય
બેડ પર બેસીને કામ કરનારાઓમાં ઊંઘની સમસ્યા પણ થાય છે. એ વિશે બોરીવલીના ચેસ્ટ ફિઝિશ્યન અને સ્લીપ ઍપ્નીઆ એક્સપર્ટ ડૉ. ભાવિન શાહ કહે છે, ‘કોવિડ-19 પછી બાળકો પણ સતત ઑનલાઇન ભણી રહ્યાં છે. તેઓ ઘણી વાર બેડ પર બેસીને ભણે છે અને પોતાની બેસવાની મુદ્રા બરાબર નથી રાખતાં. બેડ પર અડધા આડા પડીને લોકો વિડિયો જુએ છે. ઑફિસનાં કામ બેડ પરથી થવા લાગ્યાં છે. ઘણી વાર રૂમમાં પડદા બંધ હોય અને વ્યક્તિને સુસ્તી અનુભવાય ત્યારે મગજ ઊંઘ માટેના સંકેત મોકલે છે‍; પણ લૅપટૉપ, ટૅબ્લેટ અથવા મોબાઇલની સ્ક્રીનની લાઇટ ઑન હોવાથી ઊંઘ આવવાના સંકેત અને ઊંઘ વચ્ચેનો સુમેળ થતો નથી. આનાથી મૂડ બદલાવવો, ચિંતા થવી આવું થયા કરે છે.’
મોટા ભાગે રાતનો સમય થઈ જાય એ પછી લોકો લૅપટૉપ ખોળામાં રાખીને બેડ પર બેસીને કામ કરે છે. આ આદતને કારણે સમય મુજબ ઊંઘ આવવાનું ડિલે થાય છે અને અનિદ્રા, બીજા દિવસે સુસ્તી, એકાગ્રતાનો અભાવ, મૂડ સ્વિંગ્સ થવા જેવી સમસ્યા થાય છે.
નિવારણ માટે શું કરવું?
કામ કરવા માટે હંમેશાં ખુરસી-ટેબલનો જ ઉપયોગ કરવો, બેડ પર જવું નહીં
બપોરે નિદ્રા ન લેવી નહીં તો રાતની ઊંઘ બગડી શકે છે
શરીરને કાર્યરત રાખો
ચાલવું અને વ્યાયામ જરૂરી
સૂવા-ઊઠવાનો સમય નિશ્ચિત કરો
ઊંઘ આવે કે નહીં, સમય અનુસાર સૂવાની કોશિશ કરતા રહેવી
સૂવાના એક કલાક પહેલાંથી મોબાઇલ, ટૅબ્લેટ કે લૅપટૉપ વાપરવાનું બંધ કરવું

આટલું દરરોજ કરો
બને ત્યાં સુધી સોફા પર અને બેડ પર બેસીને કામ ન કરો, ડાઇનિંગ ટેબલ અથવા કોઈ પણ ખુરસી-ટેબલનો ઉપયોગ કરો
કામ કરતી વખતે પૉશ્ચર પર ધ્યાન આપો તથા ટટ્ટાર બેસો
તમે જ્યાં પણ બેસો ત્યાં કમર માટે બૅકરેસ્ટ રાખવો જરૂરી છે
તમારા હાથ માટે ખુરશી આર્મરેસ્ટવાળી જ હોવી જોઈએ નહીં તો હાથને આરામ નહીં મળે
મોબાઇલ અથવા લૅપટૉપ સ્ક્રીન આંખના સ્તરે રાખવા જોઈએ
જો તમારું ટેબલ તમારી આંખના સ્તર પર નથી તો લૅપટૉપની નીચે થોડાં પુસ્તકો રાખીને સ્ક્રીનને સામે લાવો
દર કલાકે એક રિમાઇન્ડર સેટ કરી કામની વચ્ચે ઊભા થાઓ અને આંટો મારીને આવો
નિયમિત રીતે સવાર, સાંજ અને કામ કરતી વખતે વચ્ચે ગરદન અને કમરને લાંબી કરો જેને નેક તથા બૅક સ્ટ્રેચિંગ વ્યાયામ કહેવાય છે.
કમ્પ્યુટરની સ્ક્રીન પર આઠ કલાક કામ કરવું પડે છે તો વચ્ચે વિરામ જરૂર લો
ચાલવું જરૂરી છે, તેથી જ્યારે સરકારે અનલૉક કર્યું ત્યારે ગાઇડલાઇનનું પાલન કરીને પાર્કમાં ચાલવાની છૂટ આપી એના પરથી અંદાજ લગાડો કે ચાલવું કેટલું જરૂરી છે. પહેલાં જેવું હલનચલન નથી તેથી ચાલવા જવું અનિવાર્ય
જ્યારે તડકો મળે ત્યારે સૂર્યસ્નાન લો જેથી વિટામિન ડીની કમીથી થતી આડઅસરો બંધ થાય અને પીડા બંધ થાય
તનાવને દૂર રાખવા યોગ કરો
ઘરેથી લોકો વધારે કામ કરે છે તો કામનો સમય નક્કી કરી કામનો સમય વધારવો નહીં

સતત મોબાઇલના ઉપયોગથી તથા મોબાઇલ સ્ક્રીન નીચેની તરફ હોય એમ માથું નીચે રાખીને કામ કરવાથી ગરદનમાં જકડાહટ આવે છે, જેને ટેક્સ્ટ નેક સિન્ડ્રૉમ કહે છે. આનાથી માથું દુખવું, પીઠના ઉપરના ભાગમાં, ગરદનમાં અને
ખભામાં પીડા થવી વગેરે તકલીફ થાય છે

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK