ફરાળી વાનગીઓનું ઉદ્ગમ સ્થાન એટલે પણશીકર

Published: Aug 13, 2019, 16:04 IST | દિવ્યાશા દોશી - ફૂડ ફન્ડા | મુંબઈ ડેસ્ક

ગોવાથી ૯૬ વર્ષ પહેલાં આવેલા ભાલચંદ્ર પણશીકરે બનાવેલી ઑથેન્ટિક મરાઠી ખાણીપીણીની આ જગ્યાને ૧૦૦ વર્ષ પૂરાં થવામાં હવે માત્ર બે વર્ષ બાકી છે. ગિરગામ, વિલે પાર્લે અને બીકેસી મળી ત્રણ જગ્યાએ બ્રાન્ચ ખૂલી છે અને હજીયે અહીંની વાનગીઓનો સ્વાદ પહેલાં જેવો જ છે

ફૂડ
ફૂડ

ફેમસ ફૂડ-ફન્ડા

વિદેશી કંપનીઓની ચેઇન હોય, પણ દેશી ખાણીપીણીની દુકાનની શાખાઓ હોય એવું ઓછું બને છે. આજથી ૯૦ વર્ષ પહેલાં તળમુંબઈ એટલે કે દક્ષિણ મુંબઈમાં જ કામકાજી ઑફિસ અને રહેણાક હતાં. પરાં વિસ્તારમાં લોકો હવાફેર માટે જતા અને લોકોની વાડીઓ હતી. ઇતિહાસ વાગોળવો ગમે એવો પણ હોઈ શકે. મુંબઈમાં એ સમયે મરાઠી અને ગુજરાતીઓની વસ્તી હતી. દક્ષિણ ભારતીય વાનગીઓ હજી એટલી પ્રસિદ્ધ નહોતી એ સમયે મરાઠી ખાનાવળ એટલે કે જ્યાં જઈને જમી શકાય એવી હોટેલો શરૂ થઈ હતી. ગોવાની સીમા પર આવેલું નાનું ગામ પણશી. ૧૯૨૧ની સાલમાં ત્યાંથી ભાલચંદ્ર પણશીકર મુંબઈ આવ્યા અને તેમણે ઠાકુરદ્વાર વિસ્તારમાં મીઠાઈની દુકાન શરૂ કરી. પણશીકરની હોટેલ ૧૯૯૨માં ઠાકરુદ્વારથી ગિરગામ આવી અને એનાં રંગરૂપ બદલાયાં છતાં એનું ધ્યેય ન બદલાયું.

આજે એ પણશીકરની ગિરગામ ઉપરાંત વિલે પાર્લે અને બીકેસીમાં આઉટલેટ છે. બીકેસીમાં ડાયમન્ડ બુર્સમાં એ હીરાબજાર ઑપેરા હાઉસથી શિફ્ટ થયું એટલે એની સાથે સ્વાદના રસિયાઓ માટે પણશીકર ત્યાં ગયું. હીરાબજારમાં મોટા ભાગના લોકો જૈન હોવાને કારણે ત્યાં મરાઠી વાનગીઓ જૈન અવતાર ધારણ કરે છે. કાંદા, લસણ તો એમાં ન જ હોય, પણ વડાંમાં બટાટાને બદલે કેળાંનો ઉપયોગ કરવામાં આવે છે.

મરાઠી ખાણીપીણી માટેનું ઉત્તમ સ્થળ પણશીકરને ૧૦૦ વર્ષ પૂરાં થવામાં બે જ વર્ષ બાકી છે. ભાલચંદ્રજીના પૌત્ર જિતેન્દ્ર પણશીકર કહે છે કે ‘મારા દાદાએ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ફક્ત મીઠાઈ અને મસાલા દૂધ જ દુકાન પર વેચતા હતા એવું સાંભળ્યું છે. પછી તેમણે ત્યાં મીઠાઈની સાથે ફરાળી ખીચડીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મારા પિતાજી શ્રીપત પણશીકરે અન્ય વાનગીઓનો ઉમેરો કર્યો. ઠાકુરદ્વારથી ગિરગામમાં જરા મોટી દુકાન કરી. તો જિતેન્દ્ર અને મહેન્દ્ર પણશીકર બન્ને ભાઈઓ તેની બ્રાન્ચ વધારી રહ્યા છે, પણ મેન્યૂમાં કોઈ બદલ નહીં. મરાઠી વાનગીઓ ખાવી હોય તો પણશીકરમાં જવું જ પડે.’

ગિરગામમાં જગન્નાથ શંકર શેટ માર્ગ પર, સેન્ટ્રલ પ્લાઝાની નજીક આવેલા ગોવર્ધન બિલ્ડિંગ નીચે આવેલી એ જ ૯૮ વર્ષ જૂની પ્રસિદ્ધ પણશીકરમાં તેમ જ પાર્લા ઈસ્ટમાં હનુમાન રોડ પર આવેલી બન્ને પણશીકરમાં અમે આંટો મારીએ છીએ. બન્નેમાં સ્વાદ અને દેખાવનું સામ્ય એવું કે નાનકડી સાદી બેઠકો અને ટેબલ ધરાવતી હોટેલ, વિનમ્ર સ્ટાફ. અહીં તમને કોઈ નિરાંતે બેઠેલું ન જણાય. લોકો આવે, ફટાફટ ખાય અને ચાલ્યા જાય. જિતેન્દ્ર પણશીકર જણાવે છે કે અહીં મુંબઈમાં કોઈની પાસે સમય નથી હોતો એટલે અમારી સર્વિસ પણ ફાસ્ટ હોય છે. મેન્યૂ કાર્ડ હાથમાં લીધું તો નવાઈ લાગી કે એક જમાનામાં અહીં ગુજરાતીમાં પણ મેન્યૂ કાર્ડ હતું. ખાતરી કરવા જિતેન્દ્રભાઈને પૂછ્યું તો કહે, ‘હા, તમારી વાત સાચી છે. પહેલાં ગુજરાતીમાં પણ હતું, પરંતુ હવે બધા અંગ્રેજી જ વાંચે છે. હા, અમારા બીકેસી આઉટલેટમાં હજી ગુજરાતીમાં મેન્યૂ કાર્ડ છે. ગુજરાતી મેન્યૂ કાર્ડ હતું, કારણ, ગિરગામમાં મરાઠી-ગુજરાતીઓ વર્ષોથી સંપીને રહે છે. યોગાનુયોગ વિલે પાર્લેમાં પણ મરાઠી-ગુજરાતી કલ્ચર જોવા મળે.

આમ તો અહીં દરેક મહારાષ્ટ્રિયન વાનગી સ્વાદિષ્ટ જ મળે છે, પણ હવે ઉપવાસના અને વ્રતના દિવસો છે એટલે સૌપ્રથમ અમારું ધ્યાન ફક્ત ફરાળી વાનગીઓ તરફ જ રાખ્યું. અહીં ઉપવાસના પદાર્થોના હેડિંગ નીચે લગભગ ૧૫ વાનગીઓનાં નામ લખ્યાં છે. સાબુદાણાની ખીચડી, સાબુદાણા વડાં તો આપણે ખાધાં જ હોય. ફરાળી મિસળ, ફરાળી દહીં-ઉસળ અને થાલીપીઠનો ઑર્ડર આપ્યો. ફરાળી મિસળ સૌપ્રથમ પણશીકરમાં જ બનાવાયું. મારા પિતાજી શ્રીપતે એની શરૂઆત કરી. હવે તો દરેક જણ બનાવે છે, પણ અમારી દુકાનના મિસળનો સ્વાદ વિશેષ છે, એવું જિતેન્દ્ર પણશીકર જણાવે છે.

મિસળમાં તેઓ કોપરાના દૂધમાં બાફેલા શિંગદાણા, સાબુદાણા ખીચડી, બટાટા અને ફરાળી સેવ નાખે છે. ઓછા તેલમાં બનેલી આ વાનગી સ્વાદિષ્ટ તો છે જ, પણ રસાદાર હોવાથી કશુંક ઠોસ ખાધાનો અહેસાસ થાય. થાલીપીઠ જોઈને મન ભરાઈ ગયું. સાબુદાણા, રાજગરા, મરચાં, શિંગ નાખેલા તળેલા લાલ રંગના થાલીપીઠ પર ચમચો ભરીને સફેદ માખણ અને સાથે કોપરા-મરચાંની ચટણી. ઉપવાસ ન હોય તો પણ આ અનેરો સ્વાદ માણવા જેવો છે. માખણને થાલીપીઠ પર ચોપડી, ટુકડો તોડી, ચટણી સાથે ખાઓ. બટાટા-પૂરીનો સ્વાદ શબ્દોમાં કેવી રીતે લખાય. બટાટા-પૂરીમાં પણ સાબુદાણા અને બટાટા જ હોય, પણ એમાં બટાટાનું પ્રમાણ વધુ હોય. સાબુદાણા વડાંનો પોતાનો જ આગવો દબદબો છે, પણ એને બદલે આ બન્ને આઇટમ અજમાવવા જેવી છે. ઉપવાસનો પુલાવ, શીરોપૂરી, સુરણની ભાજી ફક્ત મંગળ, ગુરુ અને શનિવારે જ મળે. પુલાવમાં સામાનો ભાત, એમાં ફળ અને મેવો નાખીને બનાવાય. ફરાળી બટાટા ટોસ્ટ અને પૅટીસ અહીં જરા હટકે છે. પાંઉ જેવા દેખાતા ટોસ્ટમાં બટાટા, આરા લોટ અને ચટણી હોય. ડીપ ફ્રાય કરેલી આ વાનગી ખૂબ જ હેવી થઈ શકે છે. પૅટીસ અહીં મરાઠી સ્ટાઇલની છે. ખાસ્સી મોટી પૅટીસમાં અંદરના પૂરણમાં લીલા રંગની ચટણી, કોપરું હોય છે અને સ્વાદ આપણી ગુજરાતી પૅટીસ કરતાં જુદો. આ બધું ખાધા પછી ગરમ મસાલા દૂધ કે પછી પીયૂષ પી શકો, પણ હા ત્યાર બાદ તમારે ઓછામાં ઓછાં ત્રણ કિલોમીટર ચાલવું પડશે... પચાવવા માટે જ તો.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

નૉન-ફરાળી આઇટમની વાત પણ થોડી કરીએ. પણશીકરનું પુણેરી મિસળ અને દાળિમ્બી મિસળ ખાવા જેવાં છે. દાળિમ્બી મિસળ એટલે વાલની દાળ જેમાં કાંદા હોય, પણ લસણ ન હોય. એનો સ્વાદ અને રંગ પુણેરી મિસળ કરતાં જુદો. મસાલા ભાત સાથે પણ દાળિમ્બી મિસળ ખવાય છે. થાલીપીઠ એટલે મિક્સ લોટ - બાજરી, જુવાર, ઘઉં વગેરે અને એમાં કાંદા, તલ અને અન્ય મસાલાની ભાખરી. એના પર સફેદ માખણ અને સાથે ચટણી. ચક્ક છાન. સ્વાસ્થ્ય માટે સજાગ વ્યક્તિઓ માટે પર્ફેક્ટ આહાર. માખણ ન લગાવો તો વિગન પણ. મરાઠીઓનો આલેપાક એટલે કે આદુંની મીઠાઈ ચાખવા જેવી છે. ખાતાં પહેલાં ભૂખ જગાડે અને ખાવાનું પચાવે. મરાઠી થાળી પણ તેઓ ટૂંક સમયમાં શરૂ કરવાના છે. પણશીકર જવા માટે બીજું બહાનું મળી રહેશે.

૨૦૦ રૂપિયામાં બે વ્યક્તિ અહીં આરામથી પેટ ભરીને ખાઈ શકે. પણશીકર આહાર સાદું, સીધું અને સ્વચ્છ ટિપિકલ મહારાષ્ટ્રિયન ખાણાવળ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK