તમે તમારા સંતાનને રડવા દો છો કે તરત દોડી જાઓ છો?

Published: Mar 20, 2020, 15:05 IST | Varsha Chitaliya | Mumbai

રિસર્ચ કહે છે કે જન્મ બાદ અઢાર મહિના સુધી બાળક રડતું હોય તો પેરન્ટ્સે તેને તાત્કાલિક અટેન્ડ કરવાની જરૂર નથી. આ સંદર્ભે એક્સપર્ટનું શું કહેવું છે એ જોઈએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નવજાત શિશુની ભાષા જ રૂદન હોય છે. ઘોડિયામાં સૂતેલા સંતાનનો રડવાનો અવાજ આવે કે તરત માતાનો જીવ અધ્ધર થઈ જાય. તમામ કામ સાઇડ પર મૂકી તે સંતાનને તેડી લે છે. આ સાવ સામાન્ય અને સહજ પ્રતિક્રિયા છે. જોકે નવજાત શિશુ માત્ર માતા માટે જ નહીં ઘરની તમામ વ્યક્તિ માટે ખાસ હોય છે. તેને રડવા તો ન જ દેવાય એવું સૌકોઈનું માનવું છે, પરંતુ સાયન્સ કહે છે કે Cry it out. રડતું હોય તો ભલે બે-પાંચ મિનિટ રડતું, એને તાત્કાલિક એટેન્ડ કરવાની આવશ્યકતા નથી.

અભ્યાસ કહે છે કે જન્મના અઢાર મહિના સુધી બાળક થોડી વાર રડે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. જર્નલ ઓફ ચાઇલ્ડ સાયકોલોજી એન્ડ સાયક્યાટ્રિમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બાળકના રૂદનથી તેના વિકાસ પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી તેમ જ માતા-પિતા સાથેના લાગણીભર્યા સંબંધોને ઊની આંચ પણ આવતી નથી. ઊલટાનું જો તમે બેબાકળા બનીને તેને પંપાળ્યા કરશો તો બાળકના પાયાના વિકાસમાં બાધા ઊભી થશે અને તેના મગજમાં અટેન્શન મળશે એવી ભાવના ડેવલપ થવાની શક્યતા વધી જશે. ત્રણ, છ, બાર, અઢાર મહિના એમ જુદા-જુદા સ્ટેજ પર બાળકની અને માતાની વર્તણૂકના વિડિયો રેકૉર્ડિંગનું નિરીક્ષણ કરી સંશોધકો આ તારણ પર આવ્યા હતા. જોકે નવજાત સંતાન રડ્યા કરે ત્યારે એનું કારણ સમજવું એ પેરન્ટ્સ માટે અઘરું હોય છે. ઘણી વાર અન્ય પેરન્ટ્સ અને વડીલો દ્વારા આપવામાં આવતાં સલાહ-સૂચનો એટલાં વિરોધાભાસી હોય છે કે તેઓ મૂંઝાઈ જાય છે. બાળકને ક્યારે અને કેટલી વાર રડવા દેવું જોઈએ એ સંદર્ભે એક્સપર્ટ સાથે વાત કરીએ.

ન્યુ બૉર્ન બેબી ટૂ-થ્રી મન્થ

ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે સ્પષ્ટતા આપતાં જસલોક હૉસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડૉ. ફઝલ નબી કહે છે, ‘ક્રાઇંગ બોલવાનું શીખ્યાં ન હોય એ ઉંમરનાં નાનાં બાળકોની સાઇન લૅન્ગ્વેજ છે. જો રડે નહીં તો તેને શું પ્રૉબ્લેમ છે એની પેરન્ટસને ખબર ન પડે. રડવાથી તેમના ડેવલપમેન્ટમાં અડચણ આવતી નથી, પરંતુ ત્રણ મહિનાથી નીચેના બાળકને અટેન્ડ ન કરવાની સલાહ હું નથી આપતો. સંતાનનો જન્મ થાય એનાં માત્ર બે અઠવાડિયાંની અંદર જ માતાને રડવાના અવાજ પરથી ખબર પડી જાય છે કે બાળકને શું તકલીફ છે. ભૂખ લાગી છે કે પેટમાં તકલીફ છે એ મા સમજી જાય છે એટલે તરત ચૂપ કરવાનો ઉપાય કરે છે. નવજાત કે ખૂબ જ નાના બાળકના રડવાના અવાજમાં વૈવિધ્ય જોવા મળે છે. લાઉડ ક્રાઇંગ એટલે કે જોર-જોરથી રડવું, રૅપિડ ક્રાઇંગ એટલે વારંવાર રડવું, ઇન્ફર્મેશન ક્રાઇંગ જેમાં તે ધ્રુસકે-ધ્રુસકે રડે છે, પેટમાં ગૅસ થયો હોય કે

ટાઇટ અથવા લૂઝ રૅપિંગ (નાનાં બાળકોને બાંધીને રાખવું) હોય ત્યારે ડિસકમ્ફર્ટ ક્રાઇંગ, શરદી-ખાંસીમાં ક્ષણિક શ્વાસ રોકાઈ જાય એ રીતે રડવું એમ ઘણુંબધું હોય છે. નવજાત શિશુને તમે એમ રડતું મૂકી ન શકો.’

બિહેવિયર ડેવલપમેન્ટ

બાળક ચારથી છ મહિનાનું હોય ત્યારે સૉલિડ ફૂડ ખવડાવવાનું શરૂ કરવું પડે. આ પિરિયડમાં થોડી વાર રડવા દેવામાં બહુ વાંધો નથી એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘બહારનો આહાર શરૂ કરવાનો સમય આવે ત્યારે રુદનનો પ્રકાર બદલાઈ જાય છે. હવે એમાં થોડી જીદ ભળે છે એમ કહી શકાય. બાળકને ઉપરનું દૂધ પીવું ન હોય એટલે રડે. ખાવાનું ભાવે નહીં ત્યારે રડીને અણગમો વ્યક્ત કરે. જો એ વખતે તમે તેને તરત છાતી સરસો ચાંપી દો કે ફરીથી સ્તનપાન કરાવવા લાગો તો તેના બિહેવિયર ડેવલપમેન્ટમાં ફરક પડી શકે છે. આ સમયગાળામાં માતા અને ઘરના સભ્યોએ ધીરજ રાખવી પડે. તાત્કાલિક છાનું રાખવાની આવશ્યકતા નથી. જોકે આ દરમિયાન તેના મગજનો વિકાસ ઝડપ પકડે છે તેમ જ ઉપરનો આહાર પેટમાં જવાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ મૅચ્યોર થવા લાગે છે તેથી અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડે. કેટલાંક બાળકો રૂમમાં એકલાં રહી શકતાં નથી. તેમની આસપાસ કોઈ ન હોય તો રડવા લાગે છે. મોટા ભાગે તેને માતાની આદત પડી ગઈ હોય છે. મધરની ગેરહાજરીમાં વધુ રડે છે. કેટલીક વાર એવું બને કે તમે તેને તેડી લો એટલે રિલૅક્સ થઈ જાય, જેવું ઘોડિયામાં નાખો ફરી રડવાનું શરૂ કરી દે. ઉંમરના આ તબક્કામાં બાળકના રડવાનાં કારણોનું અને બિહેવિયરનું નિરીક્ષણ કરવું જોઈએ. સામાન્ય રીતે નવ મહિના સુધી પેરન્ટ્સ સંયમ રાખે તો બધું નૉર્મલ થઈ જાય છે.’

મનમાની કરવી

નવ મહિનાથી લઈને દોઢ વર્ષનો જે ગાળો છે એમાં ત્રણ-ત્રણ મહિનાના ગૅપમાં બાળકોની વર્તણૂક અને રડવાની પ્રક્રિયામાં ખાસ્સું પરિવર્તન જોવા મળે છે એમ જણાવતાં ડૉ. ફઝલ નબી આગળ કહે છે, ‘નવ મહિનાના બાળકને જો તમે રડવા નહીં દો તો તેઓ રડીને તેમની ડિમાન્ડ પૂરી કરતાં શીખી જશે. હાથ લાંબો કરીને અને મોટે-મોટેથી રડીને તેઓ પોતાની જીદ પૂરી કરાવે છે. પેરન્ટ્સે તેમને રડવા દેવું જોઈએ. આ વખતે તેઓ પંપાળ્યા કરશે તો બાળક પોતાની મનમાની કરવા લાગશે. આજકાલ સિંગલ ચાઇલ્ડનો કન્સેપ્ટ ખૂબ ચાલ્યો છે. પેરન્ટ્સ પણ પૅમ્પરિંગને પ્રોત્સાહન આપે છે. પરિણામે બાળકો રડીને પોતાની માગણી પૂરી કરાવી લે છે. જો તેમને ત્યારે જ અટકાવવામાં ન આવે તો જેમ-જેમ મોટાં થશે તેઓ રુદનને વેપનની જેમ વાપરવા લાગશે. જોકે માત્ર રડવા દેવાં એ કંઈ ઉપાય ન કહેવાય. ડિમાન્ડ પૂરી ન કરવાનાં કારણો જણાવવાં એટલું જ જરૂરી છે. આપણે સાવ સામાન્ય ઉદાહરણ લઈએ. મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે બાળક ચાલતાં-ચાલતાં કે ભાખોડિયા ભરતાં-ભરતાં ત્યાં પહોંચી જાય. એ વખતે તેના હાથમાં છરી કે તવેથા જેવી ધારદાર વસ્તુ આવે તો તરત તમે ખેંચી લો એટલે રડવાનું સ્ટાર્ટ. વસ્તુ વાગી ન જાય એટલે એ વખતે આંચકી લેવી જરૂરી છે, પરંતુ ભલે રડતો એમ માની પડતો મૂકવો એ ઉપાય નથી. આ વાત ભાષા દ્વારા સમજાવવી આવશ્યક છે. જો એમ નહીં કરો તો ફરીથી હાથમાં લેશે અને જીદ ચાલુ રાખશે.’

રિલેશનશિપ પર અસર

સંતાન અને પેરન્ટ્સ ખાસ કરીને મધર સાથેના રિલેશન્સ અને બિહેવિયરને રડવા સાથે કંઈ લેવાદેવા નથી, પરંતુ મમ્મી અળખામણી ન બને એવા પ્રયાસો ઘરની દરેક વ્યક્તિએ કરવા જોઈએ એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘રડતો મૂકવાથી સંબંધો પર કોઈ અસર પડતી નથી અને પડવા દેવી પણ ન જોઈએ. મેં એવા ઘણા કેસ જોયા છે જેમાં મમ્મી જો જીદ પૂરી ન કરે તો દાદા-દાદી કે પપ્પા પૂરી કરી દે છે. નાનપણમાં જ બાળકના મગજમાં બેસી જાય કે મમ્મીની સામે રડવાનો અર્થ નથી અને આ વ્યક્તિ પાસે રડવાનું છે તો તેઓ એ જ રીતે વર્તન કરશે. યાદ રાખો, દોઢ વર્ષના બાળકમાં એટલી સમજ હોય છે કે કોની સામે રડવાનું છે. એક વર્ષથી દોઢ વર્ષમાં તો ઘણુંબધું બદલાઈ જાય છે. માતાએ જ નહીં ફૅમિલીના તમામ સભ્યોએ અમુક હદ સુધી બાળકને રડવા દેવું જોઈએ. સંતાનના ઉછેરની જવાબદારી નિભાવતી વખતે તેના રુદનને ઓળખવું એ પેરન્ટિંગનો એક ભાગ છે. સંતાન બીમાર પડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરો છો, સમયસર વૅક્સિન અપાવો છો એ જ રીતે તેના ઉછેરમાં રુદનનું શું મહત્ત્વ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એનું કાઉન્સેલિંગ લેવું જોઈએ.’

 

ક્રાઇંગના જુદા-જુદા પ્રકાર હોય છે. ત્રણ મહિનાથી નીચેના બાળકને રડવા દેવું સલાહભર્યું નથી, પરંતુ ચાર મહિનાની ઉંમર બાદ જ્યારે ઉપરનો આહાર શરૂ કરવાનો સમય આવે ત્યારે થોડી વાર રડે એમાં વાંધો નથી. નવ મહિનાથી અઢાર મહિનાના બાળકમાં રડીને ડિમાન્ડ પૂરી કરવા જેટલી સમજ આવી ગઈ હોય છે તેથી આ સમય દરમિયાન પેરન્ટ્સે તેને તાબડતોબ અટેન્ડ કરવાની જરૂર નથી તેમ જ કેમ રડતો મૂક્યો એનું કારણ પણ સમજાવવું જોઈએ. રડતા સંતાનને છાનું ન રાખવાથી પેરન્ટ્સ સાથેની રિલેશનશિપ પર કોઈ વિપરીત અસર થતી નથી

- ડૉ. ફઝલ નબી, પીડિયાટ્રિશ્યન

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK