આ છે બેસ્ટ ડેસ્ટિનેશન ફૉર રોમૅન્સ

દર્શિની વશી | Feb 03, 2019, 14:15 IST

દેવભૂમિ તરીકે ઓળખાતું કેરળ ઑલ ટાઇમ ફેવરિટ ટૂરિસ્ટ પ્લેસ : મુન્નાર, ઠેકકડી, ત્રિવેન્દ્રમ, કોચીન જેવાં કેટકેટલાંય ફેમસ સ્થળોનું ઘર છે આ રળિયામણું રાજ્ય

આ છે બેસ્ટ ડેસ્ટિનેશન ફૉર રોમૅન્સ
કથકલી : કથકલી કેરળનું પરંપરાગત મૃત્ય છે જેમાં ભપકાદાર પોશાક, રંગીન ચહેરા અને ઉત્કૃષ્ટ હાવભાવ એની મુખ્ય વિશેષતા છે, જેને લાઇવ નિહાળવાની મજા આવે છે.

છેલ્લા થોડા સમયથી સબરીમાલાના મંદિરમાં પ્રવેશ કરવાના વિવાદને લઈને અને એ પૂર્વે આવેલા વિનાશક પૂરને લઈને કેરળનું નામ આજકાલ લોકોના મોઢે ચડી ગયું છે. આજકાલ જ શું કામ? આજે પણ ફરવા જવા માટે કયા સ્થળે જઈ શકાય એ માટે મગજ વિચારે ચડી જાય ત્યારે કેરળનું નામ પહેલાં યાદ આવે છે. અને કેમ નહીં આવે એની વાત જ કંઈક જુદી છે, બરાબરને. એ વાત જુદી છે કે આજે નવાં-નવાં અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ઊભરી આવ્યાં છે એ છતાં, ઓલ્ડ ઇઝ ઑલ્વેઝ ગોલ્ડ જ હોય છે એ વાત કેરળ સાચી ઠેરવે છે એમ કહીએ તો ખોટું નથી. કેરળની વધુ ઓળખાણ આપવાની જરૂર નથી, કેમ કે એની અલૌકિક સુંદરતા જ એને દેશના નકશામાં અલગ તારીને મૂકે છે. એટલે જ કેરળ માત્ર ફૅમિલી માટે જ નહીં પરંતુ હનીમૂન ટૂર માટે પણ એટલું જ ફેમસ છે. કેરળ વિશે લખીએ એટલું ઓછું છે. એમ છતાં એનો શૉર્ટમાં ઇન્ટ્રો કરાવી દઈએ અને ત્યાર બાદ અહીંના ફેમસ અને ફેવરિટ ડેસ્ટિનેશનની ટ્રિપ શરૂ કરીએ.

દેશના પશ્ચિમ ભાગમાં સૌથી નીચેની તરફ આવેલું રાજ્ય એટલે કેરળ, જ્યાંથી દેશમાં ચોમાસાનું આગમન થાય છે એ કેરળ. ૬૦૦ કિલોમીટરનો દરિયાઈ પટ્ટો ધરાવતું રાજ્ય કેરળ આમ તો એક નાનકડું રાજ્ય પરંતુ જ્યારે એના ટૂરિસ્ટ-પ્લેસનો આંકડો શોધવા બેસીએ ત્યારે એ મોટાં-મોટાં રાજ્યોને પણ હંફાવી જાય છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. કેરળ દેશનું સૌથી વધુ સાક્ષર રાજ્ય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ ૯૪ ટકા છે. અહીંના મોટા ભાગના લોકો મલયાલમ બોલે છે જેને લીધે મલયાલમ અહીંની ઑફિશ્યલ ભાષા પણ છે. આ સિવાય અહીં અંગ્રેજી બોલનારો વર્ગ પણ નાનો નથી.

ચા અને મસાલાથી આચ્છાદિત થઈ ગયેલી પશ્ચિમ ઘાટની હિલ્સ, વાઇલ્ડલાઇફની રોચક દુનિયા, દેશના ટૉપ ટેન ડેસ્ટિનેશનમાં સ્થાન ધરાવતું હિલસ્ટેશન મુન્નાર, વયનાડ અને ઇડુક્કીની માઇન્ડ-બ્લોઇંગ હિલ્સ, કોવલમ અને વરકલાના રમણીય બીચ, આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં અગ્રેસર, ઍલેપીમાં બૅકવૉટર હાઉસબોટ, વિશ્વવિખ્યાત બોટરેસ, કોચી અને તિરુવનંતપુરમ જેવાં ઐતિહાસિક શહેરો અને બારે મહિના લીલાછમ રહેતા કેરળનો પ્રવાસ હવે શરૂ કરીએ.

મુન્નાર

કેરળનું સૌથી પ્રિય અને માનીતું ડેસ્ટિનેશન છે મુન્નાર. એવું કહેવાય છે કે કેરળ જો દેવભૂમિ છે તો મુન્નાર દેવના શિરનો મુગટ. મુન્નાર નામ મલયાલમ અને તામિલ ભાષા પરથી રાખવામાં આવેલું છે, જેમાં મૂનનો અર્થ થાય છે ત્રણ અને આરુનો અર્થ થાય છે નદી. આ સ્થળ ત્રણ નદીનો સંગમ થતાં સ્થાને આવેલું હોવાથી એનું નામ મુન્નાર પડ્યું. સુંદરતાથી છલકાતું હોવા છતાં ૧૯૯૦ના વર્ષ સુધી અહીં આવનારા ટૂરિસ્ટોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ જ્યારથી કેરળને ગૉડ્સ ઑન કન્ટ્રી એવો ખિતાબ મળ્યો તથા ટૂરિઝમને વેગ આપવા માટે સરકાર દ્વારા લેવાયેલાં અનેક પગલાંને લીધે મુન્નાર ટૂંક સમયની અંદર જ હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું. અહીંના નયનરમ્ય અને મનોહર નજારા પર ઓવારી જતાં વિશ્વની કેટલીક ટોચની ટ્રાવેલ કંપનીઓએ એને બેસ્ટ ડેસ્ટિનેશન ફૉર રોમૅન્સ એવું બિરુદ પણ આપી દીધું છે. બસ, પછી પૂછવાનું જ શું? આજે મુન્નાર કેરળના જ નહીં પરંતુ દેશનાં ટૉપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં પણ સ્થાન ધરાવે છે. ઠંડી-ઠંડી હવાની લહેરખીની વચ્ચે ચાના બગીચામાં મહાલવું, ચારેતરફ લીલોતરી અને એના પર કુદરતે દોરેલી વિવિધ આકૃતિનો સુપર્બ નજારો, ઠેર-ઠેર પાણીનાં ઝરણાં જે ગરમીના મહિનામાં પણ હર્યાભર્યા રહે અને આટલું ઓછું હોય એમ દર બાર વર્ષે ખીલતાં નીલકુરિંજીનાં ફૂલો મુન્નારને નવી લાલિમા બક્ષે છે. આ સિવાય અહીં જોવા જેવાં પણ ઘણાં સ્થળો છે જેમાંના મુખ્ય સ્થળો છે ઉચ્ચ ગુણવત્તાના ચાના બગીચા, જેની સંખ્યા ૩૦થી વધુ છે. આ સિવાય મુન્નારથી ૨૦ કિલોમીટરના અંતરે કુંદલા લેક છે. ધનુષ આકારના આ લેકમાં બોટિંગની વ્યવસ્થા પણ છે. ઊંચાઈ પરથી મુન્નારનો બ્રેથટેકિંગ વ્યૂહ જોવો હોય તો કાનન દેવન હિલ્સ પર પહોંચી જવું. ૧૮૦૦ મીટરની ઊંચાઈ પરથી મનોહર મુન્નારનો નજારો મંત્રમુગ્ધ કરશે. આ સિવાય રાજમલાઈ નૅશનલ પાર્ક છે જેમાં નીલગિરિ થાર સહિતનાં વન્ય પ્રાણીઓ છે. નજીકમાં એક ટી મ્યુઝિયમ છે જેમાં ચાનાં પાંદડાંમાંથી ચાની પ્રોસેસ કેવી થાય છે એની માહિતી મળી શકશે.

સદ્યા, sadhyaસદ્યા : આ છે કેરળની પારંપરિક થાળી સદ્યા, જેને કેળના પાન પર પીરસવામાં આવે છે. આ થાળીમાં કેરળની અનેક પારંપરિક વાનગી પીરસવામાં આવે છે.

ઠેકકડી

તામિલનાડુ અને કેરળની બૉર્ડર પર વસેલા ઠેકકડી પર ફર્યા વિના પાછા ફરો તો કેરળની ટૂર અધૂરી ગણાય છે. ૪૦૦૦ ફુટની ઊંચાઈ પર આવેલું ઠેકકડી ખૂબ જ સુંદર અને મનમોહક સ્થળ છે. કુદરતી સુંદરતા ઉપરાંત ઠેકકડીમાં અનેક જાતના મસાલા થતા હોવાથી એને ઘણા સ્પાઇસ વિલેજ તરીકે પણ ઓળખે છે. રબરની સાથે તેજાનાની ખેતી પણ અહીં કરવામાં આવે છે. ઠેકકડી તેજાનાંની ખેતી ઉપરાંત દેશના સૌથી મોટા ટાઇગર રિઝર્વ માટે પણ જાણીતું છે. અહીંથી થોડાં કિલોમીટરના અંતરે આવેલું આ ટાઇગર રિઝર્વ ૮૦૦ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે જે કેરળની સૌથી મોટી નદી પેરિયરની નજીકમાં છે. અહીંના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રાણીઓ રહેતાં હોવાથી રસ્તામાં ઘણી વખત જો નસીબ સારાં હોય તો આપણી ગાડીની સામે હાથી અથવા અન્ય વન્યજીવો રસ્તા પર ચાલતા પણ દેખાય જાય છે. આ તો થઈ વન્યજીવોને ચાલતા-ફરતા જોવાના મોકાની વાત, પરંતુ જો તમને મહાકાય પ્રાણી એટલે કે હાથીને કેવી રીતે બાથ કરાવે છે, કેવી રીતે એનું જતન કરે છે, કેવી રીતે એનાં બચ્ચાંઓનું લાલનપાલન થાય છે એ તમામ બાબતો જોવી હોય અને જાણવી હોય તો અહીં આવેલા એલિફન્ટ પાર્કમાં પહોંચી જવું. આ સિવાય કેરળની ઓળખાણ આપતો કથકલી ડાન્સ અને કલારી શો જોવો હોય તો ઠેકકડી બેસ્ટ ઑપ્શન છે. કલારી એ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ્સ છે.

કોચીન

કોચી અથવા કોચીન તરીકે ઓળખાતું કેરળનું આ સ્થળ કવીન ઑફ અરેબિયન સી તરીકે પ્રચલિત છે, જે કેરળનું જ નહીં પરંતુ દેશનું પણ મુખ્ય બંદર છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે, પરંતુ એનું કમર્શિયલ, ફાઇનૅન્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ કૅપિટલ કોચી છે. કોચીનનો ટ્રેડિંગ ઇતિહાસ ૬૦૦ વર્ષ જૂનો છે. એક સમયે કોચી મરીમસાલાના વેપાર માટેનું મુખ્ય મથક હતું. અહીંથી વિદેશોમાં દરિયા મારફતે મસાલાનો વેપાર થતો હતો. કોચીમાં આરબ, ચીની, પોર્ટુગીઝ, ડચ અને બ્રિટિશ શૈલીની છાંટ જોવા મળે છે. અહીં જોવાલાયક સ્થળોમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ડચ પૅલેસ, ચાઇનીઝ ફિશિંગ નેટ અને અથીરાપલ્લી વૉટરફૉલ છે. કોચીન ઍરર્પોટથી ૪૦ કિલોમીટરના અંતરે આ વૉટરફૉલ આવેલો છે. આ વૉટરફૉલ જોઈને આફરીન નહીં થવાય તો કહેજો. કદાચ આ મનમોહક વૉટરફૉલને જોઈને ઘણી હિન્દી અને સાઉથની ફિલ્મોનું અહીં શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. આ ૮૦ ફુટ જેટલા ઊંચા વૉટરફૉલને ધ નાયગરા ઑફ ઇન્ડિયા તરીકે પણ સંબોધવામાં આવે છે.

વરકલા

કેરળ જે અરબી સમુદ્ર ને વળગીને આવેલું છે ત્યાં બીચ જોવા મળવા એની કોઈ નવાઈ નથી, પરંતુ જો વરકલા બીચ જોવાનું ચૂકી જવાય તો તમે ઘણું જોવાનું ચૂકી જશો. ત્રિવેન્દ્રમમાં આવેલો વરકલા બીચ એના સુંદર દરિયાકિનારા, ફિશરીઝ, તળાવો અને લાઈટહાઉસને લીધે જાણીતો છે. અહીંનો મસ્તમજાનો બીચ, ચોખ્ખું પાણી, દરિયાકિનારે આવેલાં મંદિર તેમ જ વૉટરસ્પોર્ટ્સ ટૂરિસ્ટોને ઘણાં પસંદ પડે છે.

varkala beach, વરકલા બીચવરકલા બીચ : કોઈ વિદેશી ડેસ્ટિનેશનની યાદ અપાવી જતો આ બીચ ખરેખર ખૂબ જ સુંદર છે તેમ જ વિદેશી ટૂરિસ્ટોનો માનીતો બીચ પણ છે. ત્રિવેન્દ્રમથી ૫૦ કિલોમીટરના અંતરે વરકલા બીચ આવેલો છે.

વયનાડ

કેરળમાં એક જુએ ત્યાં બીજું ભૂલી જવાઈ એવાં અનેક સ્થળો છે જેમાંનું એક છે વયનાડ, જેની આસપાસ વિખેરાયેલા પર્વતોની સુંદર હારમાળા અને એના પર ઊગી નીકળેલી વનસ્પતિઓ અહીંના વાતાવરણને વધુ ગમતીલું બનાવે છે. ભારતીય ટૂરિસ્ટો માટે હજી આ સ્થળ એટલું ફેમસ નથી જેટલું વિદેશી પર્યટકો માટે આ સ્થળ છે. વયનાડમાં ચેમબ્રા શિખરના રસ્તે હૃદય આકારનું સરોવર આવેલું છે જેને ચેમબ્રા સરોવર પણ કહેવામાં આવે છે. આ સરોવર પ્રેમીઓના સ્વર્ગ સમાન છે. જેનું શિખર ટ્રેકિંગ માટે પણ લોકપ્રિય છે. એવું કહેવામાં આવે છે કે આ સરોવર ક્યારે પણ સુકાતું નથી. સરોવર ઉપરાંત અહીં આવેલું થિરુનેલય મંદિર પણ ઘણું પ્રચલિત છે, જેની ગણના પ્રાચીન મંદિરમાં થાય છે, જ્યાં નૉન-હિન્દુના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત અહીં વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી પણ ઘણી વિસ્તૃત છે. જો તમને પુરાતન ચીજવસ્તુ જોવામાં થોડોઘણો પણ રસ હોય તો અહીં તમારે એડક્કલ ગુફા અને હેરિટેજ મ્યુઝિયમની મુલાકાત લેવા જેવી છે.

તિરુવનંતપુરમ

કેરળના ૧૪ જિલ્લામાંનો એક જિલ્લો તિરુવનંતપુરમ છે જેને ત્રિવેન્દ્રમ પણ કહેવાય છે, જે કેરળની રાજધાની પણ છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ ત્રિવેન્દ્રમ ઘણી મજબૂત હાજરી ધરાવે છે. જાણીને નવાઈ લાગે, પરંતુ અહીં ત્રણ નદી, સંખ્યાબંધ સરોવરો અને ૩૦૦ જેટલાં તળાવો છે. એમાં સૌથી પ્રખ્યાત પૂવર આઇલૅન્ડ છે જે તામિલનાડુની બૉર્ડર પર છે જ્યાં ટૂરિસ્ટોનો રીતસરનો ધસારો થાય છે. આવો જ બીજો એક બીચ છે જેનું નામ સંઘમુમુમ છે. શહેરની ભીડભાડથી દૂર આવેલો આ બીચ ખૂબ જ સુંદર છે જેની આસપાસ બનાવવામાં આવેલાં મરમેઇડનાં વિશાળ શિલ્પો બીચની સુંદરતામાં અનેકગણો ઉમેરો કરે છે.

કેરળમાં આવીને અહીં જવાનું ચૂકતા નહીં...

કેરળને વિશ્વમાં ઓળખ આપતા અહીંના લોકપ્રિય ડાન્સ કથકલીનો લાઇવ પર્ફોર્મન્સ જોવા મળે તો ચૂકવા જેવું નથી.

ઇરિંગલ ક્રાફટ વિલેજ જ્યાં સ્થાનિક લોકો કેળાની છાલ, બામ્બુ, શણ, નારિયેળના કોચલામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ કરે છે. જ્યાં લટાર મારવા જેવી છે.

મુન્નારથી ૪૦ કિલોમીટરના અંતરે મરાયુર આવેલું છે જ્યાં આવેલું જંગલ ચંદનનાં વૃક્ષોને લીધે પ્રખ્યાત છે.

અહીં અનેક સ્થાને આયુર્વેદિક મસાજ ઑફર કરવામાં આવે છે જેનો લહાવો લઈ શકાય.

અલ્લાપ્પેયના બૅકવૉટરમાં હાઉસબોટમાં ડિનર એક યાદગાર પળ બની રહેશે.

મટુપટ્ટી ડૅમમાં હાઈ સ્પીડ બોટરાઇડની મજા માણવા જેવી છે.

જો ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં કેરળ જવાનો પ્લાન બને તો સ્નેક બોટરેસ જોવાનો ચાન્સ મળશે જેમાં ૧૩૦ ફુટ લાંબી બોટમાં ૧૦૦ જેટલા નાવિકો કતારબદ્ધ બેસીને બોટરેસમાં ભાગ લે છે.

સમુદ્રની સપાટીથી હજારો મીટરની ઊંચાઈ પરથી વિશ્વ કેવું લાગે છે એ વિશે તો આપણે જાણી ચૂક્યા છીએ, પરંતુ સમુદ્રની સપાટીથી નીચેના વિશ્વને માણવાની મજા કેવી હશે એ જાણવું હોય તો કેરળના કુત્તાનાદ પહોંચી જવું. આ સ્થળ સમુદ્રની સપાટીથી એકથી બે મીટર નીચે છે. એટલે અહીં જમીન પર પાણી આવે છે.

કેરળનું સૌથી લાંબું તળાવ વેમ્બનાદ છે, જેનું પાણી પણ કેરળના જેવું જ શાંત અને સુંદર છે. સાંજના સમયે અહીં લટાર મારવાનો પ્લાન બેસ્ટ રહેશે.

કેરળનો ઓછો જાણીતો છતાં ખૂબ જ ઍડ્વેન્ચરથી ભરેલો એવો ટ્રેકિંગ પૉઇન્ટ છે પરુંઠુમપારા ટ્રેક, જેને ઈગલ રૉક ટ્રેક પણ કહેવાય છે. અહીંથી નીચે આવેલા ઇડુક્કી જિલ્લાની સાથે કેરળની ખૂબસૂરતીને પણ માણી શકાશે.

અહીં આવેલું પદ્મનાભસ્વામી મંદિર વિષ્ણુના ૧૦૮ નિવાસસ્થાનોમાંનું એક છે. અહીં વિષ્ણુ નિદ્રા અવસ્થામાં હોવાની મુદ્રામાં છે.

કેરળમાં અગાથાકુંડમ નામનું એક હિલસ્ટેશન છે જેના પર્વતીય વિસ્તારમાં ઉચ્ચ કિંમતની જડીબુટ્ટી મળે છે.

વરકલા બીચ નજીક બીજો એક બીચ છે જેનું નામ બ્લૅક બીચ છે જે કાળી રેતીને લીધે જાણીતો બન્યો છે.

ક્યારે અને કેવી રીતે જશો?

કેરળમાં આમ તો ફરવા માટે બારે મહિના બેસ્ટ છે, પરંતુ ઑક્ટોબરથી માર્ચ સુધીનો મહિનો આઇડલ ગણી શકાય. ચોમાસામાં અહીંની સુંદરતાને ચાર ચાંદ લાગે છે, પરંતુ ત્યારે વધુ ફરી શકાતું નથી તેવી જ રીતે કેરળ દરિયાકિનારે હોવાથી અને દક્ષિણમાં હોવાથી અહીં ગરમી પણ વધુ પડે છે એથી એપ્રિલ-મે દરમ્યાન ફરવાની મજા નહીં આવે. અહીં ફરવા માટે ચારથી દસ દિવસનો સમય પૂરતો છે. આજના સમયમાં મોટા ભાગના લોકો લાંબા અંતરના પ્રવાસ માટે હવાઈમાર્ગનો વિકલ્પ પસંદ કરે છે. કેરળમાં ત્રણ મુખ્ય ઍરર્પોટ છે કોચીન, તિરુવનંતપુરમ અને કોઝીકોડ. એમાં કોચીનમાં ઇન્ટરનૅશનલ ઍરર્પોટ છે. આ સિવાય અહીં રેલવે મારફત પણ આવી શકાય છે. અહીં કોચીન અને ત્રિવેન્દ્રમ જેવાં મહત્વનાં સ્ટેશનો સુધીની સીધી ટ્રેન-સર્વિસ છે. આ સિવાય બાય રોડ આવવા માગતા હો તો પણ વાંધો નથી, કેમ કે અહીંના રસ્તા ઘણા સારા છે.

આ પણ વાંચો : એન્ટીલિયા કરતા મોંઘું છે બ્રિટનનું 'બકિંગહમ પેલેસ'

નવું શું ટ્રાય કરી શકો?

આમ તો મુંબઈમાં બધું મળે જ છે એ વાત સાચી પણ જેમ ડિનર હોટેલમાં જઈને લેવાની મજા આવે એ પાર્સલમાં નથી આવતી એમ કેરળની પ્રસિદ્ધ વાનગીને અહીં આવીને જ ખાવાની મજા છે જેમાં કોકોનટ ઑઇલમાં તળાયેલી કેળાની ચિપ્સ, જૅકફ્રૂટની ચિપ્સ, નિરા, રસમ અને સદ્યા (કેળના પાનમાં પીરસવામાં આવતી અનેક પ્રકારની સ્થાનિક વાનીની થાળી) મસ્ટ ટ્રાય કરવા જેવી છે તેમ જ મુન્નારની હોમમેડ ચૉકલેટ અને ચા પણ એક વાર ટ્રાય કરવા જેવી ખરી. શૉપિંગ માટે મસાલા, આયુર્વેદિક તેલ તેમ જ નારિયેળના કોચલામાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ ખરીદી શકાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK