સાવધાન! સોશ્યલ મીડિયાની સતામણી વધી રહી છે...

Updated: 26th October, 2020 20:48 IST | Bhakti Desai | Mumbai

વૈશ્વિક સ્તરે થયેલા એક સર્વે મુજબ દર પાંચમાંથી એક છોકરી સોશ્યલ મીડિયાથી દૂર જવાનું વિચારી રહી છે. એનું કારણ એ છે કે આ પ્લેટફૉર્મ પર અપમાનજનક ટીકાઓ, અપશબ્દો, ધમકી અને ગેરવર્તણૂંકનું પ્રમાણ વધી ગયું છે.

કોઈ એક જ પ્લૅટફૉર્મ પર સતામણી થતી હોય એવું નથી. વૈશ્વિક સ્તર પરના આંકડા જોઈએ તો ફેસબુક પર આવા અટૅક સૌથી વધુ જોવા મળ્યા છે.
કોઈ એક જ પ્લૅટફૉર્મ પર સતામણી થતી હોય એવું નથી. વૈશ્વિક સ્તર પરના આંકડા જોઈએ તો ફેસબુક પર આવા અટૅક સૌથી વધુ જોવા મળ્યા છે.

વૈશ્વિક સ્તરે થયેલા એક સર્વે મુજબ દર પાંચમાંથી એક છોકરી સોશ્યલ મીડિયાથી દૂર જવાનું વિચારી રહી છે. એનું કારણ એ છે કે આ પ્લેટફૉર્મ પર અપમાનજનક ટીકાઓ, અપશબ્દો, ધમકી અને ગેરવર્તણૂંકનું પ્રમાણ વધી ગયું છે. આનાથી તેમની માનસિક સ્થિતિ પર શું અસર પડે છે અને આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો જોઈએ આ વિશે જાણીએ નિષ્ણાત પાસેથી

ભક્તિ ડી દેસાઈ
સોશ્યલ મીડિયા આપણા જીવનનો એક એવો અભિન્ન હિસ્સો થઈ ગયો છે જેના વિના જીવન જીવવાનું આકરું લાગવા લાગ્યું છે. પરિવારજનો કે મિત્રો સાથે વાતચીત ન થાય તો ચાલે પણ દિવસમાં નવરાશ મળતાં જ સોશ્યલ મીડિયામાં શું થઈ રહ્યું છે એ જાણ્યા વગર રહેવું મુશ્કેલ થઈ ગયું છે. એમ છતાં એક સર્વેના આંકડા મુજબ દર પાંચમાંથી એક છોકરી સોશ્યલ મીડિયાથી દૂર થવા માગે છે એવું કહેવાઈ રહ્યું છે.
વિશ્વને એક જ કડીમાં બાંધનાર અને ખાસ કરીને લૉકડાઉન પછી એકબીજા સાથે જોડાઈને રહેવા માટેની ઉત્તમ લાઇફલાઇન જો કોઈ હોય તો એ છે સોશ્યલ મીડિયા. સોશ્યલ મીડિયાનો ઉપયોગ માત્ર એકબીજાના સંપર્ક પૂરતો જ માર્યાદિત નથી પણ આજના સમયમાં વેપારમાં, ભણવામાં, જ્ઞાન મેળવવામાં અને વિશ્વના દેશોમાં શું ચાલી રહ્યું છે એની જાણકારી આપવામાં આ એક મહત્ત્વની ભૂમિકા ભજવનાર મંચ છે. એમ છતાં છોકરીઓ માટે એ માનસિક ત્રાસનું કારણ પણ બની રહ્યું છે. એક સર્વેમાં દર્શાવ્યા મુજબ ૧૫થી ૨૫ વર્ષના વયજૂથની હજારો છોકરીઓ માટે સોશ્યલ
મીડિયા માનસિક ત્રાસનું કારણ બની ગયું છે. આ સર્વેમાં લગભગ ૧૪,૦૦૦ છોકરીઓની પ્રતિક્રિયા લેવામાં આવી હતી અને મોટા ભાગની કન્યાઓનું કહેવું હતું કે તેઓ સોશ્યલ મીડિયામાં સક્રિયતાને કારણે તેઓ સાઇબરસ્ટૉકની
સમસ્યાનો ભોગ બની રહી છે. આ સાઇબર જગતનો એક એવો ગુનો છે જેમાં ગુનેગાર કોઈને ઑનલાઇન અશ્લીલ મેસેજ અથવા ફોટો
મોકલે છે અથવા અપશબ્દ લખે છે. સાઇબરસ્ટૉકમાં ઘણી વાર ધમકી આપવાના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ સર્વેમાં છોકરીઓના કહેવા
મુજબ દર પાંચમાંથી એક છોકરી સાઇબરસ્ટૉકર તરફથી તેમને મળતી ઑનલાઇન ધમકીને
કારણે તેમની શારીરિક સલામતીને લઈને ચિંતા અનુભવી રહી છે. આ વિશ્વ સ્તર પર ચાલી રહેલી ઘટના છે.
બાવીસ દેશોની યુવતીઓના અનુભવો
ધ ફ્રી ટુ બી નામના ઑનલાઇન અહેવાલમાં બાવીસ દેશોની યુવા મહિલાઓના અનુભવોને આવરી લેવામાં આવ્યા હતા. આમાંથી અડધાથી વધુ પ્રતિક્રિયા એટલે કે ૫૯ ટકા છોકરીઓના કહેવા મુજબ તેઓ અત્યાચારભરી અને અપમાનજનક ભાષાનો સામનો કરી રહી હતી, જ્યારે ૪૧ ટકા છોકરીઓ મૂંઝવણ અનુભવી રહી હતી અને ૩૯ ટકા બૉડી શેમિંગને કારણે આડકતરી રીતે જાતીય સતામણીનો ભોગ બની રહી હતી. બૉડી શેમિંગમાં છોકરીઓના દેખાવ અને શરીરના આકારને લઈને અશ્લીલ ટીકાઓ કરવામાં આવે છે, જેનાથી છોકરીઓને અપમાન લાગવું સ્વાભાવિક છે. આ આખી ઘટના ક્યાંક સોશ્યલ મીડિયા પર છોકરીઓનો અવાજ બંધ કરવા તરફ લઈ જઈ રહી છે.
આ બધાના પરિણામની વાત કરીએ તો આવી પાંચમાંથી એક છોકરી, આશરે બાવીસ ટકા છોકરીઓ તેમની શારીરિક સુરક્ષા માટે ડરીને સોશ્યલ મીડિયાથી દૂર થઈ રહી છે, ૩૯ ટકા પોતાના આત્મગૌરવમાં કમી અનુભવી રહી છે, ૩૮ ટકા છોકરીઓ માનસિક અને ભાવનાત્મક રીતે તનાવમાંથી પસાર થઈ રહી છે અને ૧૮ ટકા છોકરીઓના કહેવા મુજબ તેમની સ્કૂલમાં આને લઈને સમસ્યા નિર્માણ થઈ છે.
અમુક છોકરીઓના કહેવા મુજબ સોશ્યલ મીડિયાની સાઇટ પર આવા અટૅકર્સથી બચવા અથવા તેમની ફરિયાદ નોંધાવવા માટેની સુવિધાઓ છે અને હાલમાં આમાં ઘણા સુધારા પણ થયા છે, છતાં હકીકત એ છે કે આનો કોઈ અંત જ નથી. તેમને બ્લૉક કર્યા પછી પણ થોડા સમયમાં આવા અટૅકર્સ પાછા આવી જ જાય છે.
આ અહેવાલમાં જે વયજૂથની વાત થઈ રહી છે તેમના માટે સોશ્યલ મીડિયા તો ઑક્સિજન જેવી ભૂમિકા ભજવે છે. એવામાં સતામણીનો સામનો કરનાર છોકરીઓ માનસિક રીતે કેવી સ્થિતિમાંથી પસાર થતી હોય છે એ વિશે અંધેરી અને કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પરેશ ત્રિવેદી કહે છે, ‘આપણે જો આજની છોકરીઓની વાત કરીએ તો ભલે તે બિન્દાસ અને સાહસિક હોય છે, પણ તેનો ઉછેર એવી રીતે થતો હોય છે કે માનસિક રીતે અપશબ્દોને અથવા અપમાનજનક ટીકાઓને અને તેમના શરીર પર કરવામાં આવતી અશ્લીલ અને અસભ્ય કમેન્ટ્સને તે સ્વીકારી નથી શકતી. કદાચ કોઈ અપવાદરૂપ હોઈ શકે, પણ સામાન્ય રીતે છોકરીઓ માટે આ એક સાંસ્કૃતિક આઘાત છે. જ્યારે તે આવું બધું અચાનક વાંચે અથવા જુએ છે તો સૌથી પહેલાં તો તે સ્તબ્ધ થઈ જાય છે અને ખૂબ ડરી જાય છે. સાથે જ ટીનેજર્સ ઘણી વાર ઘરમાં માતા-પિતા સાથે બધી વાતો નથી કરી શકતા તો આવામાં તેમના મનનો આ ડર, ચિંતા અને તનાવ એટલો બધો વધી જાય છે કે તેમનું દૈનિક જીવન, મિત્રો સાથેના સંબંધ,
ઘરમાં વર્તન બધું જ પ્રભાવિત થાય છે અને ભણવામાં પણ તેમનું મન નથી લાગતું. આનાથી વધીને એક ચિંતા તેમના મનમાં એ હોય છે કે આવામાં તેમણે શું ભૂમિકા લેવાની, શું પ્રતિક્રિયા આપવાની, મિત્રો સાથે જોડાયેલા રહેવા અને વહેતા પ્રવાહમાંથી અલગ ન થવા તેમનું સોશ્યલ મીડિયા પર રહેવું પણ જરૂરી હોય છે. આ બધાને લઈને પોતાની માનસિક અવસ્થા સાથે તેઓ લડી રહ્યા હોય છે અને ‘આઇડેન્ટિટી ક્રાઇસિસ’ પણ અનુભવે છે. આ આખી ઘટનાથી છોકરીઓનું મગજ અને જીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ જાય છે.’

આનો સામનો કેવી રીતે કરવો?

ડૉ. પરેશ ત્રિવેદી કહે છે, ‘સાચું કહું તો આમાં ડરીને સોશ્યલ મીડિયાથી દૂર જતાં રહેવું એ કોઈ નિવારણ નથી. આપણા દૈનિક જીવનનો મહત્ત્વનો હિસ્સો સોશ્યલ મીડિયા છે. આ વયજૂથની છોકરીઓને અન્ય મિત્રો અને જ્ઞાનના સંપર્કમાં રહેવા માટે સોશ્યલ મીડિયા પર કોઈ ને કોઈ વખત આવવું જ પડશે. જો અચાનક તેઓ આનાથી દૂર જતા રહે તો બની શકે કે તેઓ અન્ય માનસિક સમસ્યાઓનો ભોગ પણ બની જાય. અહીં એક વાત સમજવી જોઈએ કે જે લોકો છોકરીઓ સાથે આવું કરે છે તેઓ સાઇબર જગતના ગુનેગાર હોય છે. અમુક માનસિક વિકૃતિ ધરાવનાર છોકરાઓ પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા આવું કરતા હોય છે. જે છોકરીઓ આવી સમસ્યાનો ભોગ બને છે તે ડરી જાય એ સ્વાભાવિક છે, પણ તેના પછી આ ડરને માત્ર મનમાં ન રાખતાં નીડરતાથી આ વિશે ઘરમાં અથવા જેમની પર તેમને ભરોસો હોય તેવા તેમનાથી કોઈ મોટા સભ્ય સાથે ચર્ચા કરી તેમને આ ઘટનાથી અવગત કરવા જોઈએ. છોકરીએ પોતે શું ભૂમિકા લેવી જોઈએ એના પર તેણે પોતાના મગજને તૈયાર પણ કરવું જોઈએ. છોકરીઓએ સાઇબર ક્રાઇમ હેઠળ આની ફરિયાદ નોંધાવવી જોઈએ અને કડક ભાષામાં આનો જવાબ આપવો જોઈએ. આમાં મિત્રો અને અન્ય લોકોએ પણ આવી છોકરીઓને સાથ આપી હિમ્મત આપવી જોઈએ. ટૂંકમાં આનો નીડરતાથી સામનો કરવો અને જ્યાં સુધી આ સમસ્યાનું નિવારણ નથી નીકળતું ત્યાં સુધી પોતાના વિશે માહિતી ખૂબ વિચારપૂર્વક પોસ્ટ કરવી. આમ પણ એક વાત દરેકે ધ્યાનમાં લેવી જોઈએ કે સોશ્યલ મીડિયા પર આખું વિશ્વ છે અને તેથી જ પોતાની વ્યક્તિગત માહિતી અને ફોટોને જાહેરમાં પોસ્ટ ન કરવા જોઈએ. ટીનેજર્સ અને અન્ય દરેક વયની છોકરીઓએ એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે તેઓ ક્યારે પણ સમાજમાં કોઈ પણ ગુનાનો ભોગ બની રહી હોય તો એની ચર્ચા પોતાના જીવનની કોઈ એકાદ વિશ્વાસુ વ્યક્તિ અથવા ઘરના સભ્ય સાથે કરવી જ જોઈએ. આનાથી એક દિશા મળે જ છે, પણ ગુના અને ગુનેગાર સાથે લડવાની હિમ્મત પણ વધી જાય છે.’

દરેક પ્લૅટફૉર્મ પર સરખી જ હાલત

કોઈ એક જ પ્લૅટફૉર્મ પર સતામણી થતી હોય એવું નથી. વૈશ્વિક સ્તર પરના આંકડા જોઈએ તો ફેસબુક પર આવા અટૅક સૌથી વધુ જોવા મળ્યા છે. ૩૯ ટકા ફેસબુક પર, ૨૩ ટકા ઇન્સ્ટાગ્રામ પર, વૉટ્સઍપ પર ૧૪ ટકા, સ્નૅપચૅટ પર ૧૦ ટકા અને ટ્વિટર પર ૯ ટકા છોકરીઓને માનસિક ત્રાસ થયો હોવાનું સામે આવ્યું છે.

 

First Published: 26th October, 2020 20:21 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK