લૉકડાઉનમાં ઑનલાઇન ગેમના ચક્રવ્યૂહમાં તમે પણ ફસાયા છો?

Published: 16th October, 2020 14:36 IST | Darshini Vashi | Mumbai

નો આઉટિંગ, નો મૉલ, નો જિમ અને અન્ય તમામ ઍક્ટિવિટીની ગેરહાજરીને લીધે ઘણા લોકો ઑનલાઇન ગેમ તરફ આકર્ષાયા છે. ત્યારે એવા કેટલાક ગેમરસિકો પાસેથી જાણીએ કે તેમનો આ ચસકો તેમને કેવી રીતે અફેક્ટ કરી રહ્યો છે

 ગેમરસિકો પાસેથી જાણીએ કે તેમનો આ ચસકો તેમને કેવી રીતે અફેક્ટ કરી રહ્યો છે
ગેમરસિકો પાસેથી જાણીએ કે તેમનો આ ચસકો તેમને કેવી રીતે અફેક્ટ કરી રહ્યો છે

નો આઉટિંગ, નો મૉલ, નો જિમ અને અન્ય તમામ ઍક્ટિવિટીની ગેરહાજરીને લીધે ઘણા લોકો ઑનલાઇન ગેમ તરફ આકર્ષાયા છે. ત્યારે એવા કેટલાક ગેમરસિકો પાસેથી જાણીએ કે તેમનો આ ચસકો તેમને કેવી રીતે અફેક્ટ કરી રહ્યો છે..

લૉકડાઉને નાના-મોટા અનેક લોકોને ઑનલાઇન ગેમના રસિયા બનાવી દીધા છે એમ કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. હમણાં થોડા દિવસ પૂર્વે જ યુવાનોની મનપસંદ ઑનલાઇન ગેમ પબજી પર બૅન મુકાવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પબજી એકમાત્ર ઑનલાઇન ગેમ નથી, એના જેવી અને એનાથી અલગ એવી સેંકડો ઑનલાઇન ગેમ આજે મોટા ભાગના લોકોના મોબાઇલમાં અથવા કમ્પ્યુટરમાં સેવ્ડ છે જેની પાછળ તેઓ રોજના સરેરાશ બેથી ત્રણ કલાક ખર્ચી કાઢે છે. આજે આપણે એવા જ કેટલાક લોકોની સાથે વાત કરવાના છીએ જેમને લૉકડાઉનમાં ઑનલાઇન ગેમનો એવો ચસકો લાગ્યો કે હવે તે તેમની લાઇફનો એક હિસ્સો બની ગયો છે એટલું જ નહીં, ગેમના શરણે થવાને લીધે તેઓ અનેક રીતે અફેક્ટ થઈ રહ્યા હોવાનો પણ અહેસાસ કરી રહ્યા છે.

મને રિયલ ક્રિકેટ ગેમ રમતાં જોઈ મારો
છોકરો પણ એને રમવા માગે છે : વિરલ વશી

પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા અને કાંદિવલીમાં રહેતા વિરલ વશી કહે છે, ‘મને નાનપણથી ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે હું અવારનવાર ક્રિકેટ મૅચ પણ રમતો હોઉં છું અત્યારે કોરોના કાળમાં આ શક્ય નથી, પરંતુ મારા આ પૅશનને ક્યાં સુધી દબાવી શકું એટલે હું મોબાઇલમાં રિયલ ક્રિકેટ ૨૦ ગેમ રમવા માંડ્યો. દિવસ દરમિયાન ઑફિસનું કામ પતાવીને રાતે મોબાઇલમાં ગેમ ચાલુ કરીને બેસી જાઉં છું અને એમાં ક્યાં ત્રણ-ચાર કલાક નીકળી જાય છે એની ખબર પણ પડતી નથી. ઘણી વખત કોઈ કામ માટે મારી પત્ની બૂમ પાડતી હોય તો પણ હું પાંચ મિનિટમાં આવું છું એવું કહીને કલાક પછી જાઉં છું. મારી આ આદતથી ઘરનાં બધાં ચિડાય છે. ત્યાં સુધી કે મને આટલો બધો ટાઇમ ઑનલાઇન ગેમ રમતા જોઈ મારો ચાર વર્ષનો દીકરો પણ એક દિવસ મારા હાથમાંથી મોબાઇલ ખેંચીને ગેમ ચાલુ કરીને બેસી ગયો હતો. એ જોઈને મને થયું કે હવે ગેમ રમવાનું ઘટાડી દેવું જોઈએ, પરંતુ અત્યારે કરવા જેવી બીજી કોઈ પ્રવૃત્તિ પણ તો નથી એટલે ઑનલાઇન ગેમને શરણે થઈ જવું પડ્યું છે.’

મને મોડી રાત સુધી લુડો રમતી જોઈ હસબન્ડ ચિડાય છે : કાજલ વિસરિયા
લૉકડાઉનમાં હું શું નવું શીખી એમ કોઈ મને પૂછશે તો એનો જવાબ હશે લુડો. સરસ ટાઇમપાસ થઈ જાય છે એમ બોરીવલીમાં રહેતાં હાઉસવાઇફ કાજલ વિસરિયા કહે છે, ‘હું છેલ્લા બે કરતાં પણ વધારે મહિનાથી મોબાઇલમાં લુડો રમી રહી છું. પહેલાં હું મુંબઈના ગ્રુપ સાથે રમતી હતી, હવે જામનગરના ગ્રુપ સાથે રમી રહી છું. રાતે ૧૧ વાગ્યે ગેમ લઈને બેસું છું જે લગભગ રાતે ૧ વાગ્યા સુધી ચાલતી હોય છે. આમ તો રમવાની બહુ મજા આવે છે, પરંતુ એને લીધે પર્સનલ લાઈફ ઘણી અફેક્ટ પણ થઈ રહી છે. હું જ્યાં સુધી જાગતી હોઉં ત્યાં સુધી મારી દીકરી પણ જાગતી રહે છે. બીજું કે મારા હસબન્ડને જરા પણ નથી ગમતું કે હું મોબાઇલમાં આટલા બધા ટાઇમ સુધી ગેમ રમું. તેને આ વેસ્ટ ઑફ ટાઇમ લાગે છે એટલે અમારી વચ્ચે ગેમને લઈને દલીલબાજી થતી જ રહે છે.’

બસ, મને ઑનલાઇન સ્નેક્સ ઍન્ડ લૅડર્સની આદત ન પડી જાય એની ચિંતા છે : કાજલ શેઠ
ઘાટકોપરમાં રહેતાં બિઝનેસ વુમન કાજલ શેઠ કહે છે, ‘કોરોના પૂર્વે મને ક્યારેય ફુરસદ મળી નથી. આખા દિવસનું ટાઇમટેબલ ફિક્સ હતું, પરંતુ જેવું લૉકડાઉન શરૂ થયું કે બધું શેડ્યુલ બદલાઈ ગયું. ઘરમાં ને ઘરમાં પણ કંટાળો આવતો એટલે માઇન્ડ ફ્રેશ કરવા મારી ફ્રેન્ડે મને ઑનલાઇન સ્નેક્સ ઍન્ડ લૅડર્સ ગેમ રમતાં શીખવાડ્યું. શરૂઆતમાં તો મને બહુ ફાવ્યું નહીં પરંતુ પછી જેમ-જેમ આવડતું ગયું તેમ-તેમ મજા પડી ગઈ. હવે તો રોજ રાતે ગેમ રમવાનું એક ટાઇમટેબલ બની ગયું છે. બસ, એક જ ચિંતા છે કે આની મને આદત ન પડી જાય તો સારું નહીંતર નૉર્મલ લાઈફમાં મારું રોજિંદું ટાઇમટેબલ ખોરવાઈ જશે.’

લૉકડાઉનના લીધે હું ફરી પબજી તરફ આકર્ષાઈ ગયો : ઉત્સવ જયસ્વાલ
મને પબજી ગેમ રમવાનો ગાંડો ક્રેઝ છે. માંડ-માંડ હું જાન્યુઆરીમાં ઑનલાઇન ગેમના ગાંડપણમાંથી બહાર આવ્યો જ હતો ત્યાં લૉકડાઉને મને ફરી વખત ઑનલાઇન ગેમનો શરણાગત કરી દીધો છે એમ જણાવતાં મલાડમાં રહેતા સ્ટુડન્ટ ઉત્સવ જયસ્વાલ કહે છે, ‘પબજીથી થોડીઘણી કમાણી પણ થાય છે અને મને એ રમવાનું પણ ગમે છે એટલે મને એ બહુ ગમે. જ્યારે આ ગેમ બંધ થવાના સમાચાર આવ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું. હું લૉકડાઉનમાં રોજના ચારથી પાંચ કલાક આ ગેમ પાછળ આપું છું. ઘરમાં બધા ખૂબ બૂમો પાડે છે પણ હું રમ્યે રાખું છું. હવે તો લૉકડાઉનમાં એવું થઈ ગયું છે કે આ ગેમ મારા બેસ્ટ ફ્રેન્ડ જેવી બની ગઈ છે. મારો મૂડ ઑફ હોય અથવા હું દુઃખી હોઉં કે કંટાળો આવતો હોય તો હું આ ગેમ ઓપન કરીને બેસી જાઉં છું.’

લૉકડાઉનમાં હું કૉલ ઑફ ડ્યુટી અને પબજીની દુનિયામાં ફરતો હતો : હર્ષિલ ચારલા

વિર્લે પાર્લેમાં રહેતા અને તાજેતરમાં એચએસસીની એક્ઝામ આપનાર હર્ષિલ ચારલા કહે છે, ‘લૉકડાઉનમાં આપણે ભલે આ દુનિયાની અંદર ઘરમાં લૉક થઈ ગયા છીએ, પરંતુ ઑનલાઇન ગેમના માધ્યમ થકી હું પબજી અને કૉલ ઑફ ડ્યુટીની દુનિયામાં જીવતો રહ્યો છું. હું ઘરની બહાર નથી જઈ શકતો, પરંતુ ઑનલાઇન ગેમના વિશ્વમાં હું બધે મનભાવે ત્યાં ફરી શકું છું. તો બીજી તરફ એના ગેરલાભ પણ એટલા જ છે. ફૅમિલી ટાઇમ ઘટી ગયો છે આજે ત્યારે ફૅમિલીની સાથે બેસીને તેમનો સમય પસાર કરવામાં મદદ કરવી જોઈએ એના બદલે આ ગેમના બંધનમાં હું બંધાઈ ગયો છું.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK