લગ્નો તૂટવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક સ્ટેટમેન્ટ કર્યું છે કે સહનશીલતા મૅરિડ લાઇફનો પાયો છે અને એનો અભાવ અત્યારની મૅરિડ લાઇફમાં સતત જોવા મળી રહ્યો છે. આ સ્ટેટમેન્ટ પરથી ચર્ચાનો મુદ્દો એ ઊભો થાય છે કે સહનશીલતા કોણે રાખવાની?
પ્રતીકાત્મક તસવીર
વાતની શરૂઆત ઇન્દ્રા નૂયીથી કરીએ. પેપ્સિકો કંપનીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રહી ચૂકેલાં ઇન્દ્રા નૂયીની બાયોગ્રાફીમાં ઑથર અન્નપૂર્ણા એક કિસ્સો ટાંકે છે જે જાણવા જેવો છે.
ઇન્ડિયામાં પેપ્સી બીજી કઈ-કઈ પ્રોડક્ટ લૉન્ચ કરે તો એનું માર્કેટ મોટું થાય એવી બહુ મહત્ત્વની મીટિંગ ઇન્દ્રા નૂયી અટેન્ડ કરતાં હતાં ત્યારે તેમને તેમનાં સાસુનો ફોન આવ્યો. પહેલો ફોન મિસ થયો. પાંચ જ મિનિટમાં બીજો કૉલ આવ્યો. નૅચરલી ઇન્દ્રા નૂયીને વાત સિરિયસ લાગી એટલે તેમણે એ બીજો ફોન રિસીવ કર્યો. બીજા ફોનમાં ઇન્દ્રા નૂયીનાં સાસુએ તેને જે કહ્યું એ સાંભળીને તમને હસવું આવી શકે છે. ઇન્દ્રા નૂયીને તેમનાં સાસુએ કહ્યું કે ‘મેઇડ બહારથી પાછી આવી ગઈ અને દહીં લઈ આવતાં ભૂલી ગઈ છે. તું એ લેતી આવજે.’
ADVERTISEMENT
એ સાંજે ઇન્દ્રા નૂયી દહીં લઈને ઘરે ગયાં. આ જે દહીં લઈ જવાની પ્રક્રિયા છે એ દેખાવે સામાન્ય લાગે પણ નૂયીનું જે સ્ટેચર છે એ જોતાં ચોક્કસપણે હાસ્યાસ્પદ પણ લાગે, પણ ઑથર અન્નપૂર્ણાને ઇન્દ્રા નૂયીએ જવાબમાં કહ્યું હતું કે ‘મારું કૉર્પોરેટ સ્ટેટસ જેકંઈ હોય, મારું સોશ્યલ સ્ટેટસ મારે ભૂલવું ન જોઈએ. મારે મારી ફૅમિલીને અને તેમની જરૂરિયાતોને સમજવી જોઈએ અને એ સમજવા માટે મારામાં ટૉલરન્સ પાવર પણ હોવો જોઈએ.’
ટૉલરન્સ પાવર એટલે કે સહનશીલતાની જ વાત લઈને હમણાં સુપ્રીમ કોર્ટે પણ બહુ સરસ અને અગત્યનું સ્ટેટમેન્ટ કર્યું કે સહનશીલતા મૅરેજ-લાઇફનો પાયો છે, એના આધાર પર જ મૅરેજ-લાઇફ ઊભી રહી શકે અને આ જ સહનશીલતાનો અભાવ અત્યારની મૅરેજ લાઇફમાં સતત જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે કોનામાં સહનશીલતા ઘટી છે?
સ્ત્રીઓ જ સહનશીલ?
હંમેશાં કહેવાયું છે કે સ્ત્રીઓની સહનશીલતા અદ્ભુત અને અવર્ણનીય છે, પણ છેલ્લાં ૨૦ વર્ષથી મુંબઈની ફૅમિલી કોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં ઍડ્વોકેટ નિશા શાહ કહે છે, ‘અત્યારે આ વાત સહેજ પણ લાગુ નથી પડતી. મોટા ભાગના કિસ્સામાં અમે જોઈએ છીએ કે છોકરી જ કંઈ ચલાવવા કે સહન કરવા તૈયાર નથી હોતી. એવું નથી હોતું કે મારકૂટ થતી હોય કે પછી બીજો કોઈ ત્રાસ અપાતો હોય. સાવ સામાન્ય જવાબદારી નિભાવવાની વાત આવે તો પણ આ છોકરીઓને એવું લાગવા માંડ્યું છે કે તેણે શું કામ આ બધું સહન કરવાનું. હું સહન નહીં કરું એવું કહીને તે સીધી ઘરની બહાર નીકળી જાય છે. છોકરીઓમાં સહનશીલતાનો અભાવ ક્યાંથી આવ્યો એ પણ કહું. ઇન્કમ. હવે છોકરીઓની પોતાની ઇન્કમ છે એટલે તે હસબન્ડ પર નિર્ભર નથી એટલે તે દરેક વાતમાં ઇક્વલિટીને ફોકસ કરીને ચાલે છે. હું તો કહીશ કે અત્યારના છોકરાઓ ખરેખર સહનશીલ બન્યા છે. તેઓ જતું કરવાની બાબતમાં મોટા મનના થયા છે, પણ છોકરીઓ તો કશું સહન કરવા નથી માગતી. ઘણા કિસ્સામાં તો તેમને સમજાવવી પણ અઘરી થઈ જાય છે.’
મુંબઈ ફૅમિલી કોર્ટનો જ એક કિસ્સો જોવા જેવો છે. મૅરેજને માત્ર બે જ મહિના થયા અને કપલે ડિવૉર્સ કેસ ફાઇલ કર્યો. બન્નેની રજૂઆત સાંભળીને મુંબઈ ફૅમિલી કોર્ટના એક ઍડ્વોકેટે તો કોર્ટ વચ્ચે કહ્યું કે આ બન્નેને ડિવૉર્સ આપવાને બદલે જેલમાં મોકલવાં જોઈએ, જેથી તેમને રિયલાઇઝ થાય અને સંબંધોની કિંમત સમજાય. આ કિસ્સામાં હસબન્ડ-વાઇફ બન્ને કૉર્પોરેટમાં જૉબ કરે છે. હસબન્ડ બધી વાતમાં નમતું જોખવા તૈયાર છે, પણ વાઇફ એક પણ બાબતમાં કશું ચલાવી લેવા તૈયાર નથી. તે એ જ રીતે રહેવા માગે છે જે રીતે મૅરેજ પહેલાં રહેતી હતી. મૅરેજ-કાઉન્સેલર પાસે થયેલી મીટિંગમાં પણ વાઇફે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ‘મેં લાઇફ એન્જૉય કરવા માટે મૅરેજ કર્યાં છે, બધું સહન કરવા માટે નહીં. મારી ઇન્કમ પણ મારા હસબન્ડ જેટલી જ છે, તે કરે છે એટલું જ કામ હું પણ કરું છું તો પછી ઘરે આવીને મારે શું કામ તેને થાળી પીરસવાની? હું જ શું કામ એ વાતનું ધ્યાન રાખું કે મેઇડે ઘરનાં બધાં કામ કર્યાં છે કે નહીં? એમાં પણ જવાબદારીઓની વહેંચણી થવી જોઈએ અને જો એ ન થાય તો મને ડિવૉર્સ જોઈએ છે.’ ઍડ્વોકેટ નિશા શાહ કહે છે, ‘અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે એ પછી બીઇંગ અ ફીમેલ, હું કહીશ કે છોકરીઓનો ઈગો બહુ મોટો થઈ ગયો છે. ઇક્વલિટીના નામે છોકરાઓ ઘણું બધું જતું કરે છે તો અમુક કેસમાં તો આપણને ખરેખર છોકરાઓ પર માન થાય એ લેવલ પર તેઓ જતું કરતા હોય છે, પણ છોકરીઓ એ સમજવા જ રાજી નથી કે એક ફીમેલ તરીકે પોતાની શું જવાબદારી છે અને એ તેણે કેવી રીતે નિભાવવાની હોય.’
રક્ષણ અને માવજત
સંસારની વાતોમાં સંન્યાસીનું શું કામ એવું તમને લાગે તો છો લાગે, પણ પોતાની ક્રાન્તિકારી વિચારધારાને કારણે વિશ્વભરમાં પૉપ્યુલર થયેલા સ્વામી સચ્ચિદાનંદ આ વિષય પર કહે છે, ‘શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે પુરુષનું કામ પ્રોટેક્શનનું એટલે કે રક્ષણનું છે અને સ્ત્રીઓનું કામ નર્ચરનું એટલે કે માવજતનું છે. આર્થિક અને સામાજિક રક્ષણ પુરુષો આપે અને મહિલા છે એ પરિવાર અને ઘરની માવજત કરે એ આદર્શ લગ્ન-વ્યવસ્થા રહી છે. પારિવારિક માવજતને કારણે પુરુષોને સ્ત્રીઓ પર માન રહેતું અને રક્ષણના આધારે સ્ત્રીઓ પુરુષોને સન્માન આપતી, પણ જ્યારથી સમાજ-વ્યવસ્થામાં ભેળસેળ થઈ ત્યારથી આ માન-સન્માનનો ક્ષય થઈ ગયો. હું કહીશ કે પુરુષો હજી પણ માવજતને મહત્ત્વ આપે છે એટલે તેના મનમાં સ્ત્રીઓ પ્રત્યે માન છે, પણ છોકરીઓ કમાતી થઈ ગઈ એટલે તેમને પુરુષો પ્રત્યે વધારે પડતું માન ઘટી ગયું છે. ઇન્કમે છોકરીઓને ઈગો આપ્યો. બધાને આ વાત લાગુ નથી પડતી પણ મોટા ભાગના કિસ્સામાં આ વાત લાગુ પડે છે. એની સામે પુરુષોને બહુ સારી રસોઈ આવડતી હોય તો પણ પોતે એ વાતને ઈગો તરીકે નથી લેતા. મારું માનવું છે કે અત્યારે જે વાતાવરણ ઊભું થયું છે એમાં કેટલીક મહિલાઓ ઇક્વલિટી કરતાં પણ પુરુષોને નીચા દેખાડવાની હોડમાં આવી ગઈ છે જેની સીધી આડઅસર લગ્નજીવનમાં જોવા મળે છે. પહેલાંના સમયમાં પણ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો મહિલાઓ કામ કરતી, પણ કામ કર્યા પછી જે આવક થતી એ પુરુષ સામે મૂકતી વખતે એને રાજીપો થતો, ખુશી થતી કે મેં તમને સાથ આપ્યો. આજે લગ્નજીવનમાં સાથ આપવાનો ભાવ નીકળી ગયો છે. હવે સીધી વાત છે; તારું મારું સહિયારું, મારું મારા બાપનું.’
પુરુષો પણ છે દોષી
જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રિદ્ધિશ મારુ એ વાત સાથે સહમત નથી કે મહિલાઓની સહનશીલતા ઘટી છે. ઊલટું તેઓ કહે છે કે સહનશીલતા ઘટવાનું પ્રમાણ બન્ને પક્ષે ઉમેરાયું છે. રિદ્ધિશ કહે છે, ‘એક સ્ત્રી આજે મૅરેજ કરીને નવા ઘરમાં આવે, નવી અટક સ્વીકારે, પોતાનું આખું રૂટીન ચેન્જ કરી નાખે અને અન્ય મુજબ રહેવાનું શરૂ કરે ત્યારે તેની સામે અનેક પ્રકારની ચૅલેન્જ હોય છે. એવા સમયે આપણે એક વાત એ પણ ભૂલી જઈએ છીએ કે તે જ્યાં આવે છે ત્યાં ઑલરેડી પહેલેથી એક કે એકથી વધારે વ્યક્તિઓનું ડૉમિનેશન છે જ. એ બધા વચ્ચે તેણે પોતાની જગ્યા બનાવવાની છે. આવા સમયે બને છે એવું કે પુરુષ નવી જનરેશનની છોકરી એટલે કે પોતાની વાઇફ મુજબ ચેન્જ થવા તૈયાર હોય તો પણ ઘણા કિસ્સામાં ફૅમિલીના અન્ય મેમ્બર્સને કારણે તે પોતાનો ચેન્જ કાં તો રોકી લે છે અને કાં તો પેલા લોકો અટકાવી દે છે. આવું થવાને કારણે વાઇફની સહનશીલતા વધારે ઝડપથી તૂટવાની શરૂઆત થાય છે. આવું બને ત્યારે તમે એકલી ફીમેલને જે કેમ દોષી કહી શકો, પુરુષ પણ એટલો જ વાંકમાં કહેવાય.’
સુપ્રીમ કોર્ટે કરેલા સ્ટેટમેન્ટમાં એક વાતનો ઉમેરો કરતાં ડૉ. રિદ્ધિશ મારુ કહે છે, ‘માત્ર સહનશીલતા જ નહીં, કમ્યુનિકેશન પણ મૅરેજ-લાઇફનો બહુ મહત્ત્વનો પાયો છે. જો સંવાદિતા હશે તો બન્ને પક્ષ પોતાનું મન ખુલ્લું મૂકી શકશે. મારી પાસે આવતા કાઉન્સેલિંગના મોટા ભાગના કિસ્સામાં કમ્યુનિકેશનનો અભાવ જોવા મળે છે. વાતો થાય છે, પણ એ વાતોના બીજા જ ડાયલૉગથી ઍડ્વાઇઝ અને સલાહ તથા ગાઇડન્સ આવી જાય છે. પ્રેમ અને લાગણીના કોઈ સંવાદ નથી, આત્મીયતાની કોઈ વાત નથી, જેને લીધે બને છે એવું કે બન્ને પક્ષ અજાણતાં જ પોતાની સુપિરિયૉરિટી પુરવાર કરી બેસે છે. એક વાત બહુ અગત્યની છે કે જો પ્રેમ હોય, લાગણી હોય તો જ સહનશીલતા રહે અને જ્યાં પ્રેમ અને લાગણી વધારે હોય ત્યાં સહનશીલતાનું લેવલ પણ એટલું જ વધારે.’
વર્કિંગ કપલની સક્સેસફુલ મૅરિડ લાઇફના પાંચ ફન્ડા
૧. એકબીજાને સલાહ આપવાનું ટાળો, ૨૪ કલાક એ પ્રક્રિયા ન જ થવી જોઈએ.
૨. અજાણતાં પણ એવી વાતો ન કરો કે તમે તમારી જાતને સુપિરિયર પુરવાર કરી બેસો. સુપિરિયૉરિટી ઇનસિક્યૉરિટી લાવે છે.
૩. સાથે કામ કરતી વ્યક્તિનાં એટલાં વખાણ કે એટલો ગ્રૅટિટ્યુડ ન દર્શાવો કે સંબંધોમાં શંકા દાખલ થાય.
૪. ઇન્કમને ક્યારેય વ્યક્તિગત ગણવાને બદલે જ્યારે પણ એની વાત થાય ત્યારે ‘આપણી ઇન્કમ’ના દૃષ્ટિકોણથી એની વાત કરો.
પ. બન્નેના પ્રોફેશનલ કામને સરખું જ મહત્ત્વ આપો, ક્યારેય ભૂલથી પણ એકબીજાના કામને ઉતારી ન પાડો.