Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > શું તમે પણ વીક-એન્ડ ગિલ્ટમાં પ્લાન કરો છો? જાણો બાળક ખરેખર શું ઇચ્છે છે

શું તમે પણ વીક-એન્ડ ગિલ્ટમાં પ્લાન કરો છો? જાણો બાળક ખરેખર શું ઇચ્છે છે

Published : 08 September, 2026 01:08 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

વર્કિંગ પેરન્ટ્સ ઘણી વાર પોતાના બાળકને પૂરતો સમય ન આપી શકવાના ગિલ્ટમાં દર વીક-એન્ડને આઉટિંગ કે ઍક્ટિવિટીથી ભરવાનો પ્રયાસ કરે છે, ઘરમાં સાથે વિતાવેલી સહજ પળો પણ તેના વિકાસ અને પેરન્ટ્સ સાથેના બૉન્ડિંગ માટે એટલો જ મહત્ત્વનો છે

શું તમે પણ વીક-એન્ડ ગિલ્ટમાં પ્લાન કરો છો?

શું તમે પણ વીક-એન્ડ ગિલ્ટમાં પ્લાન કરો છો?


વર્કિંગ પેરન્ટ્સમાં એક અજીબ ગિલ્ટ હોય છે કે આખું વીક કામ કર્યું તો ચલો વીક-એન્ડ પર બાળકોને ઝૂમાં, મૉલમાં કે મૂવીમાં લઈ જઈએ. ઘરમાં બેસીને શું કરશે? ચલો બહાર કંઈક ઍક્ટિવિટી કરાવીએ. જોકે પેરન્ટ્સે એ સમજવાનું છે કે દર વખતે બાળકને એન્ટરટેઇનમેન્ટ નથી જોઈતું હોતું. ક્યારેક-ક્યારેક તેમને ફ્લોર પર રમકડાં ફેલાવીને રમવું હોય છે, પપ્પા પાસે બેસવું હોય છે, મમ્મી સાથે કિચનમાં રમવું હોય છે કે પછી સાવ બોર પણ થવું હોય છે. ક્વૉલિટી ટાઇમનો મતલબ ફક્ત આઉટિંગ નથી હોતો, કોઈ પ્લાન વગરની સાહજિક પળો હોય છે. બાળકોને ઍક્ટિવિટી ચોક્કસ કરાવો, પણ દર વીક-એન્ડનું શેડ્યુલ બનાવવાનું ટાળો. એવામાં વર્કિંગ પેરન્ટ્સે તેમની ગિલ્ટ કેમ ઓછી કરવી? બાળકને બોર થવા દેવું પણ એક રીતે કેમ સારું છે? ક્વૉલિટી ટાઇમની સાચી વ્યાખ્યા શું? આ વિશે વાત કરીએ.

વર્કિંગ પેરન્ટ્સમાં ગિલ્ટ કેમ પેદા થાય છે?



સૌથી પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે શા કારણે બાળકને વધુ સમય આપી ન શકવાને કારણે વર્કિંગ પેરન્ટ્સ સતત ગિલ્ટમાં રહેતા હોય છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ ચાંદની અખેનિયા કહે છે, ‘વર્કિંગ પેરન્ટ્સના મનમાં મોટા ભાગે એવો વહેમ ઘર કરી ગયો હોય છે કે એક સારા પેરન્ટ્સ બનવા માટે હંમેશાં બાળક પાસે હાજર રહેવું પડે. આજના જમાનામાં સોશ્યલ મીડિયા, સમાજની અપેક્ષાઓ અને બીજા પેરન્ટ્સ સાથેની સરખામણી એવાં ખોટાં ધોરણો ઊભાં કરે છે જે વાસ્તવિક હોતાં જ નથી. ઘણા પેરન્ટ્સ સમયના કલાકો અને ગુણવત્તા વચ્ચે ગૂંચવાઈ જાય છે. તેમને સતત એવો ડર સતાવે છે કે જો હું બાળક સાથે ઓછો સમય વિતાવીશ તો અમારું બૉન્ડિંગ નબળું પડી જશે. હું બાળકની જરૂરિયાતો પૂરી નથી કરી રહ્યો કે મારા બાળકને આનાથી વધુ સમય મળવો જોઈએ જેવા વિચારો આ ગિલ્ટને વધારે છે. જોકે પેરન્ટ્સે એ સમજવાની જરૂર છે કે આ ગિલ્ટ બતાવે છે કે તમે બાળકની કેટલી ચિંતા કરો છો. એનો અર્થ એ ક્યારેય નથી થતો કે તમે ખરાબ પેરન્ટ્સ છો.’


પેરન્ટ્સ ગિલ્ટમાંથી બહાર કેમ આવે?

બાળકને સમય આપી ન શકવાના ગિલ્ટમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ વિશે વાત કરતાં પેરન્ટ્સ ઍન્ડ લાઇફ કોચ આરતી શાહ કહે છે, ‘ઘડિયાળના કાંટા ક્યારેય પાછા ફેરવી શકાતા નથી કે દિવસમાં વધારાની મિનિટો ઉમેરી શકાતી નથી. આપણે સમય ક્યાં આપીએ છીએ એ આપણી પસંદગી છે અને દરેક પસંદગીનાં બે પાસાં હોય છે. એથી અઠવાડિયા દરમ્યાન ન આપી શકેલા સમયની વીક-એન્ડ પર ભરપાઈ કરવાનો વિચાર જ એક ભ્રમ છે. કહેવત છે કે બાળકને ઉછેરવા માટે આખા ગામ કે સમુદાયનો સાથ જોઈએ. પેરન્ટિંગ ક્યારેય એકલા હાથે કરવાની બાબત નહોતી. આજની ન્યુક્લિયર ફૅમિલી અને લાંબા વર્કિંગ-અવર્સને કારણે પેરન્ટ્સ પાસે આવો કોઈ મોટો સપોર્ટ નથી હોતો એટલે ગિલ્ટ જન્મ લે છે. પેરન્ટ્સે સભાનપણે પોતાની આસપાસ સગાંસંબંધીઓ, વિશ્વાસુ પાડોશીઓ કે મિત્રોનું એક સપોર્ટ નેટવર્ક ઊભું કરવું જોઈએ. જો તમે કામ પર હો ત્યારે બાળકની સંભાળ રાખવા કોઈ વિશ્વસનીય વ્યક્તિ હોય તો પેરન્ટ્સ આપોઆપ આ ગિલ્ટમાંથી મુક્ત થઈ શકે છે.’
આને લઈને પોતાનો અભિપ્રાય આપતાં ચાંદની અખેનિયા કહે છે, ‘તમે બાળક સાથે કેટલા કલાક વિતાવો છો એ ગણવાને બદલે તમે જેટલો પણ સમય સાથે છો એમાં તમે કેટલા પ્રેઝન્ટ (માનસિક રીતે હાજર) છો એ વધુ મહત્ત્વનું છે. આ ગિલ્ટમાંથી બહાર આવવા કેટલીક સાદી વાતો અપનાવી શકાય. નાની-નાની ડેઇલી મોમેન્ટ્સ બનાવો. જેમ કે બેડ-ટાઇમ કન્ઝર્વેશન કે પછી વૉક પર સાથે જવું. ગિલ્ટની ભરપાઈ ન કરો. સમય ન આપી શકવાના ગિલ્ટમાં બાળકને વધુ પડતાં રમકડાં, ગિફ્ટ્સ કે મોબાઇલ આપવાની ભૂલ ન કરો. જવાબદારી વહેંચો. પાર્ટનર, પરિવારના સભ્યો કે વિશ્વાસુ સપોર્ટ સિસ્ટમ સાથે બાળકની જવાબદારી શૅર કરો. પર્ફેક્ટ બનવાની જીદ છોડો. કોઈ પણ પેરન્ટ્સ પર્ફેક્ટ નથી હોતા. બાળકને સતત એન્ટરટેઇન કરવાની જરૂર નથી. તેને માત્ર તમારો સાથ, પ્રેમ અને સ્થિરતા જોઈએ છે.’


ખરેખર ક્વૉલિટી ટાઇમ એટલે શું?

દરેક વીક-એન્ડમાં બાળકો માટે કોઈ ને કોઈ પ્લાન બનાવવો એ ક્વૉલિટી ટાઇમ નથી. ક્વૉલિટી ટાઇમ કોને કહેવાય એ વિશે વાત કરતાં આરતી શાહ કહે છે, ‘માતા-પિતા ઘણી વાર ધારી લે છે કે બાળકને શું જોઈએ છે, પણ ક્વૉલિટી ટાઇમ એટલે બાળકને ફુલ અટેન્શન આપવું અને તેની સાચી જરૂરિયાતો સમજવી. આ જરૂરિયાતો શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક કે આધ્યાત્મિક હોઈ શકે. બાળકને એવો અહેસાસ થવો જોઈએ કે તેને સાંભળવામાં આવે છે, સમજવામાં આવે છે અને તે પરિવારનો એક મહત્ત્વનો સભ્ય છે. બાળક કોઈ મહેમાન નથી કે તેને સતત એન્ટરટેઇન કરવું પડે કે ખુશ રાખવું પડે. તેને ઘરના સામાન્ય વાતાવરણમાં સામેલ કરવું એ જ સાચો સમય છે. તેને ઘરના નૉર્મલ માહોલ અને રોજિંદા કામકાજનો હિસ્સો બનાવવું એ જ તેના માટે બેસ્ટ સમય છે. બાળકને વહાલથી ગળે લગાવવું કે તેની પ્રશંસા કરવી, બાળકની કોઈ વાત શાંતિથી સાંભળવી, સાથે મળીને ભોજન બનાવવું કે કબાટ/ટેબલ ગોઠવવું, એક જ રૂમમાં શાંતિથી બેસીને પોતપોતાનાં પુસ્તકો વાંચવાં, છોડને પાણી પાવું, પાલતુ પ્રાણીની સંભાળ લેવી, સંબંધીઓ કે મિત્રોને મળવું અથવા સાથે મળીને પૂજા-પ્રાર્થના કરવી એ જ બાળક માટે ક્વૉલિટી ટાઇમ હોય છે. બાળકોને વસ્તુઓ કે અન્ય લોકો કરતાં સૌથી પહેલાં માતા-પિતાની જરૂર હોય છે. જો આપણે તેમને સમય આપવાને બદલે સતત રમકડાં કે સ્ક્રીન આપવાની આદત પાડીશું તો તેઓ ધીમે-ધીમે માતા-પિતાથી દૂર થઈને વસ્તુઓ/સ્ક્રીન સાથે વધુ જોડાશે. બહાર જવું કે કંઈક સ્પેશ્યલ પ્લાન કરવું સારું છે, પણ એ જ ક્વૉલિટી ટાઇમનો અલ્ટિમેટ ગોલ નથી.’

બાળકો માટે અનસ્ટ્રક્ચર્ડટાઇમ કેમ જરૂરી?

દર વખતે બાળક માટે સતત કંઈ ને કંઈ પ્લાન કરતા રહેવા કરતાં અનસ્ટ્રકચર્ડ ટાઇમ બાળક માટે કેમ જરૂરી છે એ વિશે વાત કરતાં ચાંદની અખેનિયા કહે છે, ‘બાળકના દિવસની દરેક મિનિટ પ્લાન કરેલી કે પ્રોડક્ટિવ હોવી જરૂરી નથી. ક્યારેક-ક્યારેક બોર થવું બાળકના માનસિક વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. બાળક પાસે જ્યારે કોઈ બંધાયેલું ટાઇમટેબલ નથી હોતું ત્યારે તે પોતાની મેળે વિચારતાં, સમસ્યાઓ ઉકેલતાં, ક્રીએટિવ બનતાં અને ધીરજ રાખતાં શીખે છે. માતા-પિતા કામ કરતાં હોય, રસોઈ બનાવતાં હોય કે પુસ્તક વાંચતાં હોય અને બાળક ફક્ત એ જ રૂમમાં પોતાની મસ્તીમાં બેઠું હોય તો એ પણ અદ્ભુત બૉન્ડિંગ છે. આ પળો બાળકને શીખવે છે કે જોડાયેલા રહેવા માટે સતત સાથે કંઈક કરવું જરૂરી નથી. મારાં મમ્મી-પપ્પા મારી પાસે છે અને હું સુરક્ષિત છું એ સુરક્ષાનો અહેસાસ જ બાળકને ભાવનાત્મક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે.’
બાળકને પોતાનો સમય પોતે ડિઝાઇન કરવા દેવો જોઈએ એમ જણાવતાં આરતી શાહ કહે છે, ‘ઘરના વાતાવરણમાં પેરન્ટ્સે અજાણતાં જ એક ઇનવિઝિબલ સ્ટ્રક્ચર તૈયાર કરી રાખ્યું હોય છે. ઘરમાં જે વસ્તુઓ હાજર હશે, બાળક એમાંથી જ પસંદગી કરશે. જો ઘરમાં સ્ક્રીન, ફોન કે ટીવી ખુલ્લાં હશે તો તે સ્ક્રીન તરફ જશે; પણ જો ઘરમાં પુસ્તકો, કલર, કન્સ્ટ્રક્શન ટૉય્ઝ (જેમ કે લેગો/બ્લૉક્સ), મ્યુઝિક કે ઇન્ડોર પ્લાન્ટ્સ હશે તો બાળક ફ્રી ટાઇમમાં એનાથી રમશે. બાળક પોતાનો ફ્રી ટાઇમ કેવી રીતે વિતાવે છે એ માતા-પિતાની જીવનશૈલી અને ચૉઇસ પર પણ આધાર રાખે છે, કારણ કે પેરન્ટ્સ જ તેમના પહેલા રોલમૉડલ છે. બોર થવું એ હકીકતમાં મોટા લોકોનો કન્સેપ્ટ છે જે બાળકોએ મોટાઓને જોઈને શીખી લીધો છે. મોટા લોકોને સતત કોઈ ને કોઈ બાહ્ય ઉત્તેજના જોઈતી હોય છે. બાળકો તો જન્મજાત જિજ્ઞાસુ, ક્રીએટિવ અને કુદરતી એક્સપ્લોરર હોય છે. જો તેમને મુક્ત છોડવામાં આવે તો તેઓ પોતાની મેળે કંઈક ને કંઈક નવું શોધી લે છે. જ્યારે આપણે બાળકોને સવાલો પૂછતાં, અખતરા કરતાં, દોડાદોડી કરતાં કે નવી વસ્તુઓ એક્સપ્લોર કરતાં અટકાવીએ છીએ અને કહીએ છીએ કે એક જગ્યાએ શાંતિથી બેસો ત્યારે તેમની ઊર્જા અટકી જાય છે અને તેઓ અકળાઈ ઊઠે છે. આ અકળામણને મોટાઓ બોરડમનું નામ આપી દે છે. બાળક જ્યારે કહે કે હું બોર થાઉં છું ત્યારે તરત કોઈ નવું રમકડું, ટીવી કે બહાર જવાનો પ્લાન બનાવવાને બદલે એ વિચારો કે આપણે તેની કઈ જિજ્ઞાસા કે કુદરતી એનર્જી પર રોક લગાવી છે? બાળકના મન પરથી આવી બિનજરૂરી રોકટોક હટાવી લો અને તેને પોતાની મેળે રમવા દો. થોડા સમય પછી તેની બોરિયત આપોઆપ ગાયબ થઈ જશે અને તે પોતાની જાતે કંઈક ક્રીએટિવ શોધી લેશે.’

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 01:08 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK