Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝઅમારા સંબંધો આદર્શ બનાવવા છે

28 November, 2023 08:15 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દામ્પત્યની સુંદરતા જ એ છે કે દરેક કપલની પોતાની એક આગવી સ્ટોરી હોય છે જેને બીજા સાથે સરખાવવી યોગ્ય નથી. ઇમ્પર્ફેક્શન વાસ્તવિકતા છે અને એ જ પર્ફેક્ટ છે

 પતિ કે પત્ની આવા હોવા જોઈએ, પતિ  કે પત્ની તરીકે એણે આટલું તો કરવું જ જોઈએ કે સમજવું જ જોઈએ એવી અપેક્ષા જ સંબંધામાં સમસ્યાનું મૂળ છે. સંબંધોનાં સમીકરણ

પતિ કે પત્ની આવા હોવા જોઈએ, પતિ કે પત્ની તરીકે એણે આટલું તો કરવું જ જોઈએ કે સમજવું જ જોઈએ એવી અપેક્ષા જ સંબંધામાં સમસ્યાનું મૂળ છે.


આવી ગલતફહેમી હોય તો સંબંધ ચોક્કસ ગૂંગળાવાનો છે. ભારતીય સમાજને આદર્શવાદથી પ્રેમ છે. લગ્ન જેવા સંબંધ માટે તો ભગવાન રામ-સીતાથી લઈને આજના ડેઇલી સોપનાં પાત્રોનાં ઉદાહરણો આપણી સામે સતત હાજરાહજૂર રહે છે. પણ દામ્પત્યની સુંદરતા જ એ છે કે દરેક કપલની પોતાની એક આગવી સ્ટોરી હોય છે જેને બીજા સાથે સરખાવવી યોગ્ય નથી. ઇમ્પર્ફેક્શન વાસ્તવિકતા છે અને એ જ પર્ફેક્ટ છે

લગ્નની શરૂઆતમાંપતિ - આટલા મહિના થઈ ગયાં લગ્નને પણ તને એ પણ નથી ખબર કે મને થોડીક જાડી રોટલી જ ભાવે છે. પાતળી રોટલી મને બિલકુલ ગમતી નથી. મમ્મીની જેમ તારે રસોડામાં કામ તો નથી કરવું પડતું પણ કુક આવે તો કેવી રીતે બનાવવું એટલું ધ્યાન તો તું રાખી જ શકેને!


પત્ની - પતિ તરીકે તને એ પણ નથી ખબર કે હું ફલાણી બ્રૅન્ડનાં પરફ્યુમ  જ વાપરું છું. બીજી કોઈ બ્રૅન્ડ નહીં. એવું હોત તો મને પૂછી લેવું હતુંને! પતિઓ તો પત્નીની ચૉઇસિસનું કેટલું ધ્યાન રાખતા હોય છે.

લગ્નનાં પાંચ વર્ષ પછી


પતિ - પપ્પા બીમાર હોત તો મમ્મી આખી રાત જાગીને એમની સેવા કરત. મને કાલે તાવ આવેલો પણ તું તો દવા આપીને સૂઈ ગઈ. તને મારી જરાય ચિંતા નહોતી? તને તો રાબ બનાવતાં પણ નથી આવડતી. તું મારું કેવી રીતે ધ્યાન રાખીશ?

પત્ની - કાલે જ એક લેખમાં વાંચેલું કે આજનો પુરુષ ઘણો બદલાઈ ગયો છે. રસોડામાં કે ઘરમાં પત્નીને મદદ કરે છે પણ મારા પતિને તો કમાવા સિવાય બીજું એક કામ થાય નહીં. સમાજમાં જુઓ કેટલા કૂલ ડૅડ્સ ફરે છે પરંતુ મારાં બાળકોને તો જાણે મેં એકલાએ જ પેદા કર્યા હોય એવી હાલત છે.

લગ્નનાં ૧૦ વર્ષ પછી

પતિ - તું છોકરા અને ઘરમાં જ સતત અટવાયેલી રહે છે. રાત્રે હું ઘરે આવું ત્યારે અડધી મરેલી હાલતમાં હોય છે તું. હું હજી તો વાત શરૂ કરું ત્યાં તો સૂઈ જાય છે. મારા મિત્રોની મૅરીડ લાઈફ કેટલી હૅપનિંગ છે. રાત્રે બાળકોને સુવડાવીને બધાં કપલ્સ ફરવા જાય છે, મૂવીઝ જુએ છે. તારી જિંદગી બસ ઘર અને બાળકોમાં જ સીમિત થઈ ગઈ છે એટલે તને મારી કશી પડી નથી.

પત્ની - મેં તને કહ્યું કે મારે ગાયનેક પાસે એક વાર જવું જ પડશે પણ તને એ યાદ જ રહેતું નથી. અપૉઇન્ટમેન્ટ પણ મેં લીધી. તને રિમાઇન્ડર પણ આપ્યું કે તું સમયસર આવી જાય. પણ તારા માટે તો તારી નોકરી તારી વાઇફની હેલ્થથી વધુ મહત્ત્વની છે. ત્યાં બધી સ્ત્રીઓ તેના પતિ સાથે આવેલી, હું જ એકલી હતી. તું અત્યારે મારું ધ્યાન નથી રાખતો, પછી શું રાખશે?

સમય અનુસાર ફરિયાદો બદલતી જાય છે, પણ એમાં જે એક પૅટર્ન જોવા મળે છે એ છે એક આદર્શ દંપતી તરીકે જીવવાની ઝંખના. પતિ તો આવા જ હોય અને પત્ની તો આવી જ હોય, પતિ તરીકે એણે આટલું તો કરવું જ જોઈએ અને પત્ની તરીકે એણે આટલું તો સમજવું જ જોઈએ. આ વાતો આવે છે જ આદર્શવાદમાંથી જે નવો નથી, સદીઓથી ચાલ્યો આવે છે. પોતાના પતિ સાથે વનવાસ ભોગવવા તૈયાર થયેલી સીતા અને પોતાની પત્ની માટે રાવણ સાથે યુદ્ધ કરીને એને પરાસ્ત કરનાર રામ આપણા આદર્શ છે. પણ આજે સમય બદલાયો છે. આજના યુગનાં રામ અને સીતા નોકરીના ચક્કરમાં જુદાં-જુદાં શહેરોમાં પણ રહેતાં હોય છે અને એકબીજા માટે એમણે યુદ્ધ કરવું જ નથી પડતું, કારણ કે યુદ્ધનો ક્વોટા એકબીજા સાથે જ લડીને તેઓ પૂરો કરતાં હોય છે. કઈ રીતે જીવવું એ જાણવા માટે આદર્શ જરૂરી છે પણ એના ભાર નીચે જ્યારે સંબંધ ગૂંગળામણ અનુભવે ત્યારે ચેતવું પણ જરૂરી છે.

આદર્શ - એક કે અઢળક?

સંબંધની દૃષ્ટિએ આપણે કોને આદર્શ તરીકે જોતા હોઈએ છીએ? આ પ્રશ્નનો જવાબ આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘સમાજમાં સ્થાપિત ઉદાહરણો આપણા માટે આદર્શ છે. આ સિવાય કપલ્સ માટે એનાં માતા-પિતા, એનાં ભાઈ-ભાભી, મિત્રો, આસપાડોસના લોકો આદર્શ છે. આટલું હોય ત્યાં સુધી ખાસ તકલીફ નથી પડતી પણ આજનાં કપલ્સ માટે વિરાટ-અનુષ્કા કે રણવીર-આલિયા આદર્શ બની જાય છે, બૉલીવુડ કે ટેલિવિઝનનાં કાલ્પનિક કથાનાં કપલ્સ આદર્શ બની જતાં હોય છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર દરરોજ પોતાની સ્ટોરી પોસ્ટ કરનારાં કપલ્સ એમના માટે આદર્શ બની જતાં હોય છે. મોટિવેશનલ સ્પીકર્સ જેમાંથી ઘણાએ તો ખુદ જ લગ્ન નથી કર્યાં હોતાં છતાં તેઓ એમને દર થોડા દિવસે દામ્પત્ય કેવું હોવું જોઈએ એના પર ભાષણ આપતા હોય છે. એમની એ વાતો લોકો માટે આદર્શ બની જાય છે. આવામાં અઢળક તકલીફો ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં આદર્શ એકાદ હોય તો લોકો એમને ફૉલો કરી પણ લેતા, પરંતુ આ અઢળક આદર્શો વચ્ચે સંબંધનું મૂળ ક્યાંય ખોવાઈ જાય છે, જે અઘરું છે.’

આદર્શવાદ કરાવે વાદ

આદર્શવાદ કઈ રીતે સંબંધ પર ભારે પડે છે એ વિશે વાત કરતાં રિલેશનશિપ એક્સપર્ટ નીતા શેટ્ટી કહે છે, ‘મારી પાસે કાઉન્સેલિંગ માટે આવતાં અઢળક કપલ્સની ઉપર એમનો તથા કથિત આદર્શવાદ ભારે પડતો જોવા મળે છે. બીજા વર્લ્ડ ટૂર કરે છે એટલે આપણે પણ જવું જ પડશે, બીજાં કપલ્સ પોઝ આપીને ફોટો પડાવે છે તો આપણે પણ પડાવવા અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા જ પડશે, કોઈએ એની ઍનિવર્સરી ખૂબ ધૂમધામથી મનાવી તો આપણે પણ મનાવવી જ પડશે, કોઈનો પતિ દરરોજ સવારે ચા અને નાસ્તો બનાવે છે પણ મારો તો પાણીનો ગ્લાસ પણ નથી ઉપાડતો તો એવું નહીં ચાલે, તારે પણ કરવું જ પડશે. કોઈની પત્ની ૪૫ વર્ષે પણ ૨૦ વર્ષ જેવી દેખાય છે તો તારે પણ વજન ઉતારવું જોઈએ, જેવી કેટકેટલી સરખામણીઓ ચાલે છે. આ બધાની સંબંધો પર ઘણી વિપરીત અસર પડે છે એવું લોકો સમજતા નથી. જે છે એમાંથી જ બહેતર બનાવવાને બદલે જે ક્યારેય શક્ય નથી એની ઇચ્છામાં દુખી થવું કેટલા અંશે યોગ્ય છે એ વિચારવું જરૂરી છે.’

કેમ બની શકાય પર્ફેક્ટ?

એનો જવાબ આપતાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ ડૉ. કીર્તિ સચદેવા કહે છે, ‘પ્રેમ વ્યક્તિને પર્ફેક્ટ બનાવે છે અને સંબંધને પણ. જો તમે તમારા પાર્ટનરને વગર કોઈ સ્વાર્થે પ્રેમ કરો છો તો એની ભૂલોને માફ પણ કરી શકશો અને એનું ધ્યાન પણ રાખી શકશો. એ મારા માટે કંઈ કરે એના કરતાં હું એના માટે શું કરું એ ભાવ વધુ સ્ટ્રૉન્ગ બનશે. આજ સુધી જેટલાં પર્ફેક્ટ કપલ રહ્યાં છે એમના સંબંધોનું મૂળ આ જ છે. જો તમે એ અપનાવી શકતા હો તો તમે પર્ફેક્શન અચીવ કરી શકશો. બાકી જેવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પ્રમાણે એને સંભાળતા રહેશો, તમારા પ્રેમથી એને હૅન્ડલ કરતા રહેશો તો આપોઆપ એક દિવસ અહેસાસ થશે જ કે આપણું દામ્પત્ય સાર્થક નીવડ્યું.’

સરખામણીથી કદી પર્ફેક્શન ન આવે

આપણે જેને આદર્શવાદ કહીએ છીએ એ સરખામણી સિવાય બીજું કશું નથી એમ સમજાવતાં ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘આદર્શ પ્રમાણે બનવું એટલે ખુદની બીજા સાથે સતત થતી સરખામણી. તકલીફ એ છે કે કોઈ સંબંધ પર્ફેક્ટ હોતો જ નથી. એકબીજાના સાથથી અને સમજણથી એ પર્પેક્ટ બને છે. કોઈના જેવા થઈને તમે પર્ફેક્ટ નથી બની શકતા, તમારે તમારી જાત પર અને તમારા સંબંધો પર કામ કરતાં-કરતાં પર્ફેક્ટ થવાનું હોય છે. પરિસ્થિતિઓ આવે એમાં કોઈએ શું કર્યું હતું એનાથી વધુ મહત્ત્વનું છે કે તમે બંને શું કરવા માગો છો અને એ નિર્ણયથી બંને ખુશ રહો છો કે નહીં. આમ સરખામણીથી પર્ફેક્શન આવતું નથી.’

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2023 08:15 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK