કેટલીક વાર દામ્પત્યસંબંધમાં અંતર ઊભું થઈ જતું હોય છે. આ અંતરને ઓળખીને એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો એનાં આકરાં પરિણામ પણ ભોગવવાં પડી શકે છે. આવું ન થાય એ માટે સમયસૂચકતા વાપરીને શું કરી શકાય? આવો જરા સમજવાનો પ્રયત્ન કરીએ...
સંબંધોનાં સમીકરણ
પ્રતીકાત્મક તસવીર
લગ્નજીવન એક એવો ઢાળવાળો રસ્તો છે, જેના પર સાથે ચાલવા માટે ખૂબ કમર કસવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં આ રસ્તા પર પતિ-પત્ની સાથે ચાલી તો રહ્યાં હોય છે, પરંતુ એકમેકનો હાથ અને સાથ બંને ગુમાવી ચૂક્યાં હોય છે. જાણતાં-અજાણતાં બંનેની વચ્ચે એક એવું અંતર ઊભું થઈ ગયું હોય છે, જે તેમને સાથે હોવા છતાં પાસે આવવા દેતું નથી. બંને વચ્ચે આક્રોશ, અણગમો, અવિશ્વાસ અને અસંતોષની એટલી મોટી ખાઈ બની ગઈ હોય છે કે જેને પાર કરી ફરી એકબીજાની નજીક આવવું તેમને અશક્ય લાગવા માંડે છે. આવા વખતે કેટલાક લોકો પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરી જે છે એને વેંઢારવાનો રસ્તો અપનાવે છે તો કેટલાક છૂટાં પડી જવાનો વિચાર કરવા લાગે છે, પરંતુ આ બંનેમાંથી એક પણ રસ્તો ખુશી તરફ લઈ જતો નથી. સુખ જોઈતું હોય, સંતોષ જોઈતો હોય તો મહેનત કરવી પડે છે. જો જીવનનાં બીજાં બધાં પાસાંઓમાં આપણે આ સત્ય સ્વીકારીએ છીએ તો જે સંબંધને આપણે આજીવન સાચવવાનો નિર્ણય લીધો હોય છે એને બચાવવાનો પ્રયત્ન કરતાં કેમ ગભરાઈએ છીએ? તો આવો, આજે એક્સપર્ટ્સ પાસેથી કેટલાક એવા રસ્તા જાણવાનો પ્રયાસ કરીએ જે લગ્નજીવનને સેકન્ડ ચાન્સ આપવામાં મદદરૂપ થઈ શકે છે.
કેટલીક વાર બે વ્યક્તિઓ એક જ ઘરમાં રહેતી હોવા છતાં સાથે હોતી નથી. બંને વચ્ચે એક એવી અદૃશ્ય દીવાલ ઊભી થઈ ગઈ હોય છે, જે તેમને પાસે આવતાં રોકી લે છે. દુઃખની વાત તો એ છે કે કેટલાક કિસ્સાઓમાં તો પતિ-પત્નીને તેમની વચ્ચે આવી કોઈ દીવાલ ઊભી થઈ ગઈ હોવાનો ખ્યાલ સુધ્ધાં આવતો નથી. તમારા લગ્નજીવનમાં પણ ક્યાંક આવું તો કંઈ નથી બની રહ્યુંને એનો અંદાજ કેવી રીતે મેળવવો? આ સવાલનો જવાબ આપતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ અને મૅરેજ કાઉન્સેલર ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘જ્યારે પતિ-પત્ની વચ્ચે ઇમોશનલ શૅરિંગ અને કૅરિંગ ઘટી જાય, વાતચીતનું પ્રમાણ ઘટી જાય, એકબીજા પ્રત્યેનું શારીરિક આકર્ષણ ઓછું થઈ જાય ત્યારે સમજી જવું જોઈએ કે લગ્નજીવનમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવાં પતિ-પત્ની એકબીજા સાથે બહાર હરવા, ફરવા, ફિલ્મો જોવા કે શૉપિંગ કરવાનું બંધ કરી દે છે, એકબીજા સાથે સમય પસાર કરવાનું અવગણવા માંડે છે કે પછી પોતાની જાત સાથે કે અન્ય વ્યક્તિઓ સાથે રહેવાનું વધુ પસંદ કરવા લાગે છે. લોકોની વચ્ચે તેમનો એકબીજા સાથેનો વ્યવહાર કંઈક અલગ હોય છે અને એકલામાં કંઈક અલગ. એક રૂમમાં આવે તો બીજું રૂમની બહાર જતું રહે એવું પણ બને. કેટલાક કિસ્સાઓમાં સહનશીલતા ઘટી જતાં બંને એકબીજા પર બહુ જલદી ગુસ્સે થઈ જાય છે તો કેટલાક કિસ્સાઓમાં એકબીજા સાથે ઝઘડવાનું કે વાત કરવાનું પણ સદંતર બંધ કરી દે છે. આ બધી દામ્પત્યસંબંધમાં દરાર ઊભી થઈ રહી હોવાની આગોતરી નિશાનીઓ છે. કેટલાક બધાની સાથે જ આવું બને છે માટે અમારી સાથે પણ આવું થઈ રહ્યું છે એવું માનવાની ભૂલ કરી બેસે છે, પરંતુ આ સ્વસ્થ લગ્નજીવનનાં ચિહ્નો નથી. તેથી આવું કંઈ તમે તમારા જીવનમાં થતું જુઓ તો તરત જ ચેતી જવું જોઈએ.’
ADVERTISEMENT
અલબત્ત, ફક્ત ચેતી જવાથી કામ પતી જતું નથી. બલકે ખરી મહેનત તો હવે પછી કરવાની છે. સંબંધમાં પડી રહેલી આ દરારને કેવી રીતે દૂર કરવી એના રસ્તા દેખાડતાં અંધેરીમાં પૉઝિટિવ વાઇબ્રેશનના નામે પોતાનું સેન્ટર ચલાવતાં કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ કીર્તિ સચદેવા કહે છે, ‘સંબંધમાં આવેલા અંતરનો સ્વીકાર સમસ્યાના નિવારણ તરફનું પહેલું પગથિયું છે. આવું થાય ત્યારે સૌથી પહેલું કામ વાતચીતના દરવાજા ખોલવાનું કરવું જોઈએ. જોકે એમ કરતી વખતે એકબીજાની ભૂલ દેખાડવાની નથી. બલકે એકબીજાના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એકમેક પર દોષારોપણ નહીં, પરંતુ આ સંબંધને બચાવવા તમે શું કરી શકો એ સમજવાનો પ્રયાસ કરવાનો છે. આ માટે પોતાના અહમને બાજુ પર મૂકી મનમાં રહેલી કડવાશ, અસંતોષ અને ક્રોધને જતાં કરવાં પડે. બંને પાર્ટનર પૂર્ણ વફાદારી સાથે શાંતિથી એકબીજાની વાત સાંભળવા અને સમજવાનો પ્રયાસ કરે તો ચોક્કસ પૉઝિટિવ કમ્યુનિકેશનનો સેતુ ફરી પાછો સાધી શકાય છે.’
જોકે આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી કરવામાં સરળ નથી. સંબંધમાં જ્યારે તનાવ હોય ત્યારે વાતચીતનો દોર ફરી પાછો સાધવો ઘણી વાર મુશ્કેલ બની જતો હોય છે. આવા સમયે જ્યારે તમે પોતે સમસ્યાનું નિવારણ કરી શકવા સમર્થ નથી એવું સમજાઈ જાય ત્યારે કોઈ એક્સપર્ટની મદદ લેવામાં વાર લગાડવી જોઈએ નહીં. તમે ઇચ્છો તો પરિવારના કોઈ વડીલ, મિત્ર, ભાઈબહેન પાસે પણ સહયોગ માગી શકો છો; પરંતુ બંનેને ઓળખતી વ્યક્તિ કદાચ સંપૂર્ણ તટસ્થતા જાળવી ન પણ શકે. તેથી બહેતર તો એ જ છે કે કોઈ સાઇકોલૉજિસ્ટ કે મૅરેજ કાઉન્સેલરનો સંપર્ક સાધવામાં આવે.
અહીં કીર્તિ સચદેવા કહે છે, ‘આવાં કપલ્સ અમારી પાસે આવે ત્યારે અમે તેમને કેટલાંક અસાઇનમેન્ટ્સ આપતા હોઈએ છીએ. દા.ત. અમે બંનેને એકબીજાની કઈ બાબતો ગમે છે એની એક યાદી બનાવવા કહીએ છીએ. મેં ઘણી વાર આવી યાદી બનાવતી વખતે પતિ-પત્નીને એકબીજાને ચોરીછૂપી જોતાં અને હરખાતાં જોયાં છે, કારણ કે આ અસાઇનમેન્ટ તેમને તેમના ભૂતકાળમાં લઈ જાય છે અને સારી યાદોને તાજી કરવામાં નિમિત્ત બને છે. વધુ એક હોમવર્ક તરીકે અમે તેમને ફરી પાછી એવી પ્રવૃત્તિઓ કરવાનું કહીએ છીએ, જે સાથે કરવામાં ભૂતકાળમાં તેમને મજા આવતી હતી. પછી એ ફિલ્મો જોવાનું હોય, શૉપિંગ કરવાનું હોય કે પછી સાથે બેસી ગીતો ગાવાનું હોય. આ હોમવર્કનો મૂળ ઉદ્દેશ બંનેના ખોવાઈ ગયેલા સમાન રસના વિષયોને શોધવાનો છે.’
આ ઉપરાંત બંને સાથે મળી રસોઈ બનાવે, ઘરનાં કામો કરે કે પછી બાળકોને હોમવર્ક કરાવે તો આ પ્રવૃત્તિઓ તેમના નબળા પડી ગયેલા સંબંધને ફરી પાછો મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ બધાનો અર્થ એવો નથી કે એકમેકને ચારે બાજુથી ઘેરી લેવા. બલકે કોઈ પણ સંબંધમાં પરસ્પરને સ્પેસ આપવી અત્યંત આવશ્યક છે. આવું ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ જેટલું એકબીજા માટે જીવે તેટલું જ પોતાની જાત માટે પણ જીવે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરે અને પોતાની સ્વસ્થતા તથા સુંદરતાનું ધ્યાન રાખે. જે વ્યક્તિ પોતાની જાત સાથે ખુશ ન હોય તે બીજાને ક્યારેય ખુશ રાખી શકે નહીં. તેથી પોતાની જાત પર કામ કરવું એ પણ પોતાના સંબંધ પર કામ કરવાનો જ એક ભાગ છે. અહીં કીર્તિ સચદેવા કહે છે, ‘પ્રેમ, વિશ્વાસ, સમજદારી અને આદર લગ્નજીવનના ચાર પાયા છે. કોઈ સંબંધમાં શારીરિક આકર્ષણ ન રહ્યું હોય, પરંતુ આ ચાર તત્ત્વો હોય તો એ સંબંધને તૂટતાં બચાવી શકાય છે.’
શું થઈ શકે એની યુઝફુલ ટિપ્સ
- સુખી દામ્પત્યજીવન એ ટૂ-વે સ્ટ્રીટ છે. એમાં પ્રેમ, આદર અને આકર્ષણનાં તત્ત્વોને જાળવી રાખવા બંને પક્ષોએ પ્રયત્નો કરવા પડે છે. ચાલો, સાઇકોથેરપિસ્ટ અને મૅરેજ કાઉન્સેલર નીતા શેટ્ટી પાસેથી હૅપી મૅરેજ લાઇફ માટેની કેટલીક યુઝફુલ ટિપ્સ જાણીએ, જે પતિ-પત્નીને આજીવન કામ લાગી શકે છે.
- સારું કમ્યુનિકેશન દરેક સંબંધની પાયાની જરૂરિયાત છે. મતભેદોનો ઉકેલ લાવવાની યોગ્ય ટેક્નિક આવા કમ્યુનિકેશનનો અગત્યનો ભાગ છે. આ માટે જરૂરી છે કે બંને પાર્ટનર એકબીજાના સ્વભાવને સમજી મતભેદોના નિકાલ માટેનો વચ્ચેનો રસ્તો શોધે.
- ઇમોશનલ ઇશ્યુઝની ચર્ચા બંને વચ્ચે જ રહેવી જોઈએ. કોઈ ત્રીજી વ્યક્તિને એમાં ક્યારેય ઇન્વૉલ્વ થવા દેવી નહીં.
- સતત શારીરિક અને માનસિક નિકટતા વધારવા પર કામ કરવું જોઈએ.
- નિયમિત ધોરણે ફક્ત એકમેક માટે સમય કાઢતા રહેવું જોઈએ. જરૂર પડે તો બાળકોને વડીલો કે કોઈ જવાબદાર વ્યક્તિ પાસે મૂકીને પણ ડેટ પર જવું જોઈએ.
- એકબીજાની લવ લૅન્ગ્વેજ સમજો. દા. ત. એક પાર્ટનરને સ્પર્શની ભાષા ગમતી હોય અને બીજાને શબ્દોની.
- આવામાં તમને ગમતી નહીં, તમારા પાર્ટનરને ગમતી ભાષામાં તમારો પ્રેમ વ્યક્ત કરવો જોઈએ.
- સમાજસેવાના કોઈ કાર્યમાં સાથે ભાગ લેતા રહેવું જોઈએ.