સ્વિમિંગ-ક્લાસ ને સ્કેટિંગ-ક્લાસ ને મૅથના ક્લાસ ને આ ક્લાસ ને પેલા ક્લાસ. મને અત્યારે આપણા સમયનું સમર વેકેશન યાદ આવે છે.
પ્રતીકાત્મક તસવીર
હમણાં હું અમદાવાદથી મુંબઈ આવતો હતો ત્યારે ટ્રેનમાં મારી સાથે એક પેરન્ટ્સ હતા અને સાથે તેમનું બચ્ચું હતું. એ પેરન્ટ્સ સતત તેમના બચ્ચાને બારીમાંથી કંઈક ને કંઈક દેખાડતા રહેતા હતા. પેલા બાળકને એવી કોઈ જિજ્ઞાસા નહોતી છતાં પેરન્ટ્સનું એ કામ સતત ચાલતું રહ્યું અને છેક મુંબઈ સુધી એ ચાલુ રહ્યું. બસ, એ જોઈને મને થયું આપણે હવે કોન્શ્યસ પેરન્ટિંગની ચરમસીમા પર પહોંચી ગયા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે ખાલી દિમાગ પણ બહુ જરૂરી છે અને એટલે આપણે બચ્ચાને સતત ઍક્ટિવ રાખીએ છીએ. વર્ષ આખું તો અલગ-અલગ ક્લાસ ચાલતા હોય, પણ અત્યારે સમર વેકેશન છે તો એમાં પણ એ બચ્ચાંઓના ક્લાસ ચાલુ થઈ જાય. સ્વિમિંગ-ક્લાસ ને સ્કેટિંગ-ક્લાસ ને મૅથના ક્લાસ ને આ ક્લાસ ને પેલા ક્લાસ. મને અત્યારે આપણા સમયનું સમર વેકેશન યાદ આવે છે.
કેવા મામા કે માસી કે ફોઈને ત્યાં આપણે જતા અને જતા એટલે કેવા જતા? એક-એક અને બબ્બે મહિના ત્યાં રહેતા. એ ઘરને આપણું જ ઘર બનાવી લેતા. આપણી પાસે એ બધી વાતોનો એટલો મોટો ખજાનો છે કે આજે જો કોઈ આપણને કહે તો આપણે કલાકો નહીં, દિવસો સુધી બોલતા રહીએ. આજે તો હવે કોઈને ત્યાં જવું એ પણ ઑબ્લિગેશન જેવું બની ગયું છે; પણ એ બન્યું ક્યારે, ત્યારે જ્યારે આપણે કોઈને બહારથી અલાવ ન કર્યા અને એટલે આપણા બચ્ચાની પણ પરમિશન ક્યાંક ને ક્યાંક રોકાઈ. મને લાગે છે કે આપણે ફરીથી એ કરવાની જરૂર છે. એક-બે મહિના નહીં તો તેને બે-ચાર દિવસ બીજાને ત્યાં રહેવા જવા દો. આ જે બીજાને ત્યાં રહેવા જવાવાળી પ્રોસેસ છે એ પણ એક પ્રકારનું એવું લેસન છે જે તેને લાઇફમાં બહુ કામ લાગશે. કોઈને ત્યાં ગયા હોઈએ ત્યારે કેટલા વાગ્યે જાગવું, આપણી ચીજવસ્તુઓને સાચવીને કેવી રીતે મૂકવી, એ ઘરની ચીજવસ્તુઓનું ધ્યાન કેવી રીતે રાખવું અને એવી તો બીજી કેટલીયે વાત છે જે આપણે ડાયરેક્ટ્લી બચ્ચાંઓને કદાચ શીખવી નથી શકવાના. જોકે આજના પેરન્ટ્સથી એ થઈ નથી શકતું અને એનું કારણ જો કોઈ હોય તો મને લાગે છે કે કૉન્શ્યસ પેરન્ટિંગ.
ADVERTISEMENT
આપણે હવે સતત એવું વિચારતા થઈ ગયા છીએ કે આ બચ્ચાંઓ ભવિષ્યમાં આપણને કંઈ કહે નહીં કે આપણા પર બ્લેમ કરે નહીં અને એટલે આપણે તેમને ફ્રી જ નથી રહેવા દેતા. આવું કરતાં-કરતાં આપણે તેમની પાસે આપણાં સપનાં પૂરાં કરાવવા લાગીએ છીએ. મારે આ ટૉપિક પર ઘણું કહેવું છે, પણ જગ્યા મર્યાદિત છે એટલે ફરી મળીશું ત્યારે વધારે વાત કરીશું.

