વર્લ્ડ રેડિયો ડે: રેડિયોકી કહાની, અમદાવાદ Radiocityના RJ આરતીની જુબાની
RJ આરતી બોરિયા
અમદાવાદ રેડિયોસિટીની RJ આરતી બોરિયાએ આજે gujaratimidday.com સાથે પોતાની રેડિયો સફરની મીઠી યાદો અને અનુભવો શેર કર્યા છે. આજે વર્લ્ડ રેડિયો ડે પર વાંચો, રેડિયોકી કહાની, આરજે આરતીની જુબાનીમાં. આરતી જણાવે છે કે, 'મારી પાસે હજુ પણ એ ડાયરી પડી છે જેમાં મેં અમદાવાદની બધી જ ટીવી ચેનલ્સ, છાપા અને મીડિયા હાઉસીસના નામ લખ્યા હતા અને પછી વારાફરતી બધાને જોબ માટે ફોન કરેલા! મને બધે ના પાડી. પણ નિરાશ થવાના બદલે મેં એ ડાયરી સાચવીને રાખી હતી કે આમાંથી કોઇક દિવસ તો હું કોઇ જગ્યાએ કામ કરીશ જ! અને બરાબર, તેના 4 મહિના પછી મને મારી રેડિયોની પહેલી જોબ મળી જ ગઈ હતી.'
60 લાખ અજાણ્યા લોકોના જીવનનો સવારનો પહેલો અવાજ બનવાની ખુશી
ADVERTISEMENT
'રેડિયોએ છેલ્લા 10 વર્ષોમાં મારી જિંદગી અદ્ભુત રીતે બદલી નાખી છે. શહેરના 60 લાખ અજાણ્યા લોકોની જિંદગીમાં હું દરરોજ સવારનો પહેલો અવાજ બની શકું એ વિચાર દરરોજ મને જબરદસ્ત ઊર્જા આપે છે. જ્યારે અમારા લિસનર્સ મળવા આવે ત્યારે કાયમ કહે કે યાર મૂડ ખરાબ હોય તોપણ તમને સાંભળીને દિવસની શરૂઆત સરસ થઈ જાય છે પણ મને એવું લાગે છે કે આ વાત એટલી જ એમના માટે પણ સાચી છે! મારા ખરાબ સમયમાં મને રેડિયો પર સાંભળનારા- મને અદ્ભુત ઊર્જા અને વ્હાલ આપે છે.
'વધું વિચારતા, વાંચતા અને વ્હાલ કરતા શીખી છું'
'જીવનમાં ગમે તેવો કપરો સમય હોય, પણ સવારના 7 વાગે ઓનએર જવાનું થાય એટલે એ બધી ચિંતાઓ સાઇડમાં મૂકીને તમારે તમારા પોતાના દિવસની સાથે બધાના દિવસની શરૂઆત પણ ખુશખુશાલ રીતે કરવાની! આ જવાબદારી એટલી મીઠી છે કે મારા અંગત પ્રશ્નો પણ હું ભૂલી જઉ છું. દરરોજ સવારે સ્ટુડિયો પહોંચીને 6 ન્યુઝપેપર્સ, 3 ન્યુઝ વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા અને ઢગલાબંધ આર્ટિકલ્સ વાંચુ છું એટલે લોકોને કંઇક અનોખું કહી શકું અને મને એવું લાગે છે કે આ પ્રયાસમાં હું પણ વધારે વાંચતા, વિચારતા અને વધારે વ્હાલ કરતા શીખી છું.'
'રેડિયો મારા જીવનમાં ન હોત, તો હું કલ્પના પણ નથી કરી શકતી કે હું કેટલું અલગ વ્યક્તિત્વ હોત! હું એકદમ દિલથી આભારી છું, આ તકની કે અજાણ્યા લોકોની જિંદગીમાં હું એક મીઠો અવાજ બની શકી.'
આ પણ વાંચો: રેડિયો ડે સ્પેશિયલઃ રેડિયોની કહાની, સુરત Radio Cityના RJ મહેકની જુબાની

