Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બહેનો, ઋષિ પાંચમે સામો કેમ ખાવાનો?

બહેનો, ઋષિ પાંચમે સામો કેમ ખાવાનો?

19 September, 2023 12:13 PM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ભાદરવા સુદ પાંચમે જે સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં બેસતી હોય તેમણે ઉપવાસ રાખીને એ દિવસે સામાના ચોખા ખાવાનો રિવાજ છે. માન્યતા છે કે માસિકધર્મ દરમ્યાન પાળવાના નિયમોમાં જો ભૂલચૂક થઈ હોય તો આ વ્રત કરીને એ ભૂલનો પશ્ચાત્તાપ થઈ શકે છે. આ માન્યતા ક્યાંથી આવી અને શ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામો એટલે કે એક ટાઇપનો મોરિયો. લોકસંસ્કૃતિમાં એને જંગલી ચોખા પણ કહે છે. સામો ખાઈને ઉપવાસ કરવાનું વ્રત ભાદરવા સુદ પાંચમે દરેક સ્ત્રીએ કરવાનું હોય છે અને એટલે એને સામાપાંચમ પણ કહે છે. હિન્દુ ધર્મમાં એનું ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે માસિકધર્મ   દરમ્યાન મહિલાઓએ કોઈ ધાર્મિક કાર્યો ન કરવાં જોઈએ અને જો ભૂલથી થઈ જાય તો તેઓ ઋષિ પાંચમનું વ્રત કરીને ભૂલ સુધારી શકે છે. એટલે આ દિવસે મહિલાઓ ઉપવાસ કરે છે અને અનાજના સ્થાને સામાની ખીચડી અથવા ખીર બનાવીને ખાય છે, પણ સવાલ એ છે કે શું આ માન્યતા પાછળ કોઈ વિજ્ઞાન છે ખરું? કેમ કે આ પ્રથા ગુજરાતીઓમાં જ વધુ જોવા મળી છે, બીજે ક્યાંય નહીં. 


સામાના ચાવલની આ વાત સાચી છે કે ખોટી એની પળોજણ શરૂ કરતાં પહેલાં ખરેખર સામો શું છે અને આયુર્વેદમાં એનું વર્ણન કઈ રીતે છે એની વાત કરતાં ડૉ. ભાવેશ મોઢ કહે છે કે ‘ૠષિ પાંચમની જે પૌરાણિક કથાવાર્તા સાંભળવામાં આવે છે એમાં પણ રજસ્વલા-પરિચર્યા દરમ્યાન અજ્ઞાનવશ થતા અપરાધનો પશ્ચાતાપ અને ક્ષમા-યાચનાનો ભાવ રહેલો છે. સામાનું વૈજ્ઞાનિક નામ Echinochloa colonum કે જે ઘાસ વર્ગની વનસ્પતિ છે. આપણે એને જંગલી ચોખા અથવા અંગ્રેજીમાં એને બાર્નયાર્ડ ગ્રાસ કહેવામાં આવે છે. એનું આયુર્વેદ સંહિતા ગ્રંથોમાં શ્યામક નામથી વર્ણન ગુણકર્મ જોવા મળે છે. આયુર્વેદ દૃષ્ટિકોણથી સામાનો ગુણકર્મ શોષક એટલે કે વધારાના મેદ/ચરબીને દૂર કરનાર છે તથા કફઘ્ન અને પિત્તહર પણ છે.’ 



પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમના દરદીઓના વિકાર-શમન માટે સામા જેવા ગુણકર્મ ધરાવતાં દૃવ્યો આયુર્વેદ ચિકિત્સાના દૃષ્ટિકોણથી ઉપયોગી બને છે. ન્યુટ્રિશન સાયન્સની દૃષ્ટિએ જોઈએ તો સામામાં કૅલ્શિયમ, ફોસ્ફરસ, પોટૅશિયમ, મૅગેનિઝ, મૅગ્નેશિયમ, ઝીંક ઉપરાંત કૉપર રહેલાં છે. આ બધાં તત્ત્વો પણ  ઉત્તમ  સ્ત્રીબીજ નિર્માણ કરવા માટે જરૂરી ફીમેલ હૉર્મનોના સ્ત્રાવને સમ્યક કરે છે. ડૉ. ભાવેશ મોઢ કહે છે કે ‘પીસીઓએસના વિકાર-શમન માટે પણ  સામા જેવા ગુણકર્મ ધરાવતાં દૃવ્યો આયુર્વેદ ચિકિત્સા દૃષ્ટિકોણથી ઉપયોગી બને છે. આધુનિક દૃષ્ટિકોણથી ૠષિ પાંચમે સામાનું માહાત્મ્ય એટલે દર્શાવેલ હશે કે ૧૨થી ૫૦ વર્ષના વયકાળમાં દરેક વખતે રજસ્વલા સમય દરમ્યાન સ્ત્રીઓએ આહારમાં ધાન્ય તરીકે સામો જ ખાવો, પણ સાપ ગયા અને લિસોટા રહ્યા એમ આપણે પ્રતીકોના માત્ર પૂજનમાં માનનારા છીએ. એટલે રિવાજ કે પરંપરા પાછળનો મૂળ કલ્યાણકારી ઉદેશ્ય ભૂલી જઈને પૌરાણિક ક્રિયાકાંડને યંત્રવત્ કર્યા કરીએ છીએ એની પાછળના મૂળ ઉદ્દેશ કે ઉપદેશનું ચિંતન કે જિજ્ઞાસા કરતા જ નથી.’


આયુર્વેદ નિષ્ણાત વૈદ્ય ડૉ. સંજય છાજેડ સામાની ખાસિયત વિશે વાત કરતાં કહે છે કે ‘સામો એ ક્ષુદ્ર ધાન્ય છે. એ રોજ ખાવાને લાયક નથી. ઉપવાસ દરમ્યાન એ થોડી માત્રામાં ખાવાથી પણ પેટ ભરાયેલું લાગે છે. ઉપવાસનો મતલબ છે કંઈ ન ખાવું અથવા તો ખૂબ જ ઓછું ખાવું. ખૂબ ઓછું ખાઓ ત્યારે કબજિયાત થવાની સંભાવના રહે છે. એટલે એવામાં સામો ખાવામાં આવે તો પેટ સાફ રહે. મહારાષ્ટ્રમાં સામાના ચાવલની સાથે સિંગદાણાની આમ્ટી ખવાય છે. સામો રુક્ષ અને ગ્રાહી છે એટલે એનું પાચન સારી રીતે થાય એ માટે સારી ફૅટ સાથે લેવાય છે. ગુજરાત, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને બંગાળમાં એ ખવાય છે અને એને ઘીમાં વઘારીને અથવા તો દૂધ સાથે લેવામાં આવે છે. એમાં કૅલ્શિયમ અને આયર્ન ખૂબ સારીએવી માત્રામાં છે એટલે એ ઉપવાસ દરમ્યાન ખાવાથી શરીરને જર્જર નથી થવા દેતું. એ હાડકાંને પોષણ આપે છે. અલબત્ત, સામો વધુ માત્રામાં અને રોજ ખાવામાં આવે તો એ કબજિયાત પણ કરી શકે છે. એનાથી અગ્નિ મંદ થાય છે. આ જ દુર્ગુણોને મૉડર્ન ડાયટ સિસ્ટમે વેઇટલૉસના ફાયદામાં વાપરી લીધો છે. સામો ખાવાથી ભૂખ ઓછી લાગશે. લાંબો સમય પેટ ભરેલું રહેશે. મને લાગે છે કે એમાં રહેલા કૅલ્શિયમ અને આયર્નને કારણે જ રજસ્વલા ધર્મ દરમ્યાન સેવન કરવાનું કહેવામાં આવ્યું હશે.’ 

આયુર્વેદના નિષ્ણાત પ્રબોધ ગોસ્વામી કહે છે કે ‘સામાની તાસીર ઠંડી હોય છે. ઉપવાસમાં પિત્તની સમસ્યા વધી જતી હોય છે. ઉપરાંત માસિકધર્મ દરમ્યાન મહિલાઓને વધુપડતો રક્તસ્ત્રાવ કે પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો સામાનું સેવન લાભદાયક છે. સામાની પિત્તશામક પ્રકૃતિને કારણે એ શરીરની ગરમી ઓછી કરવાનું કામ કરે છે.’


ધ્યાન રાખજો
સામાના ઘણા ફાયદા છે, પણ કોઈ પણ વસ્તુની અતિ થઈ જાય તો એ નુકસાન પણ નોતરી શકે છે. એટલે આહારમાં એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ નહીંતર લો બ્લડ-શુગર, પેટ ભારે ભારે લાગવું, ઊલટી જેવી સમસ્યા થઈ શકે છે. સામાની તાસીર ઠંડી હોવાથી અસ્થમાના દરદીઓએ એને ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ એનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

મૉડર્ન ન્યુટ્રિશન શું કહે છે?
સામો એટલે કે બાર્નયાર્ડ મિલેટના હેલ્થ બેનિફિટ્સ વિશે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે કે ‘આ ધાન્યમાં અન્યની તુલનામાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાંચનક્રિયામાં મદદરૂપ બને છે. કૅલરીની માત્રા ખૂબ ઓછી હોય છે અને ફાઇબર વધુ હોય છે. એટલે એ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. મતલબ કે એ લો ગ્લાઇસેમિક ફૂડ છે જે શરીરમાં બ્લડ-શુગરને કન્ટ્રોલ કરે છે. સામો કૉલેસ્ટ્રલ ઘટાડવામાં પણ મદદ કરે છે. આમાં કાર્બ્સ અને ફૅટની માત્રા ખૂબ ઓછી હોય છે. સામામાં પ્રોટીન વધારે હોય છે જે મસલ્સ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એ ગ્લુટન-ફ્રી હોય છે. એટલે કબજિયાત, ગૅસ જેવી સમસ્યા થતી નથી. એવામાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો સામો ખાવાનું શરૂ કરી શકો છો.’ સામામાં લગભગ એ બધાં પોષક તત્ત્વો હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, જેમ કે ફાઇબર, પ્રોટીન, વિટામિન, આયર્ન, સોડિયમ, પોટૅશિયમ, કૅલ્શિયમ વગેરે. ખાનપાનની ખોટી આદતોને કારણે શરીરમાં આવેલી કમજોરી દૂર કરવા અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર કરવા માટે સામો એક ઉત્તમ આહાર છે. 

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 12:13 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK