ભારતીયોનું મનોબળ આમ તો મજબૂત જ છે, છતાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ભલભલાને માનસિક રીતે હચમચાવી શકે છે એવું મનોચિકિત્સકોનું માનવું છે. ત્યારે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ અે એક્સપર્ટ્સ પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તો સીઝફાયર લાગુ થઈ ગયું છે પરંતુ યુદ્ધ થવાનાં જોખમો ઉપર હજી સુધી સંપૂર્ણપણે પૂર્ણવિરામ મુકાયું નથી. સીઝફાયર લાગુ થયાની જાહેરાત થઈ એ દિવસે જ પાકિસ્તાને એનું ઉલ્લંઘન કર્યું હતું અને સામે ભારતે એને વળતો જવાબ આપીને ફરી આવું કૃત્ય ન કરવાની ચેતવણી પણ આપી છે. તેમ છતાં જો પાડોશી દેશનાં કારસ્તાન સુધરશે નહીં તો યુદ્ધની સ્થિતિ ઊભી થઈ શકે છે. યુદ્ધ દરેક રીતે નુકસાનકારક સાબિત થાય છે એ તો આપણે સર્વે જાણીએ જ છીએ પરંતુ તમને ખબર છે કે યુદ્ધ અનેક માનસિક સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે? ખાસ કરીને તનાવ, જેને મનોવૈજ્ઞાનિકની ભાષામાં યુદ્ધ તનાવ અથવા તો વૉર ઍન્ગ્ઝાયટી કહેવામાં આવે છે.
શું છે વૉર ઍન્ગ્ઝાયટી?
ADVERTISEMENT
હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ વૉર ઍન્ગ્ઝાયટી એટલે યુદ્ધનો ભય, જે એક સામાન્ય માનસિક પ્રતિક્રિયા છે જે આપણે યુદ્ધ અથવા સંઘર્ષ સંબંધિત સમાચાર અને ચિત્રો જોઈએ છીએ ત્યારે અનુભવીએ છીએ. કોરોનાકાળમાંથી માંડ બહાર આવ્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને લીધે ત્યાંના લોકોમાં વૉર ઍન્ગ્ઝાયટી જોવા મળી હતી. હવે આવી યુદ્ધની પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ નિર્માણ થઈ રહી છે ત્યારે અહીંના લોકોમાં પણ આવી ઍન્ગ્ઝાયટી જોવા મળી શકવાની શક્યતાને નકારી શકાતી નથી. આજે લોકો પહેલાંથી જ વર્ક લોડ, ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી, ફૅમિલી મૅટર વગેરેને લઈને માનસિક દબાણ હેઠળથી પસાર થઈ રહ્યા છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ લોકોમાં તનાવ વધારવાનું કામ કરશે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ પહેલાંથી ઍન્ગ્ઝાયટી ધરાવે છે.
તનાવ અને ન્યુઝ સર્ચિંગ
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો પહેલાંથી જ ચિંતા અને ઍન્ગ્ઝાયટીથી પીડાય છે તેઓ આવી કટોકટીના સમયે ડીટેલ્ડ ન્યુઝ વધુ જાણવાના પ્રયત્નો કરે છે. એની સાથે સતત સંકળાયેલા રહે છે જે તેમની માનસિક સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. આ ચિંતા અને માહિતીના વ્યસનનું એક દુષ્ટ ચક્ર બની જાય છે. જેટલું તમે જુઓ છો તેટલા વધુ બેચેન થાઓ છો. મનોચિકિત્સકોના મતે આવા સમાચાર એવા લોકો માટે ઉત્તેજક તરીકે કાર્ય કરે છે જેઓ પહેલાંથી જ ચિંતા અથવા ગભરાટના હુમલાથી પીડાઈ રહ્યા છે. દર કલાકે ચમકતા યુદ્ધના સમાચાર, વિસ્ફોટોના અવાજો અને સંભવિત હુમલાઓનો ભય તેમના માનસિક સ્વાસ્થ્યને વધુ નબળું પાડે છે.
નિષ્ણાતો શું કહે છે?
સતત નકારાત્મક સમાચાર જોવાથી મગજમાં તનાવ હૉર્મોન્સનું સ્તર વધે છે. આ દરમિયાન લોકોમાં પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD)ની સમસ્યા વધી શકે છે. તનાવની પરિસ્થિતિમાં લોકો ઊંઘતા નથી, જેની સીધી અસર મગજ પર પડે છે. ભય અને ચિંતા લોકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે; જેના કારણે લોકોને ગભરામણ, ચીડિયાપણું અને અનિદ્રા જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં જો તેમની સમસ્યાઓનું સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો એ એક ગંભીર માનસિક બીમારી બની શકે છે. ઘાટકોપરમાં રહેતાં સાઇકિયાટ્રિસ્ટ નેહા શાહ કહે છે, ‘યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પોતાના અને ફૅમિલીના રક્ષણ માટે લોકો ખૂબ જ સતર્ક બની જતા હોય છે. ભૂતકાળમાં જોયેલી અને સાંભળેલી યુદ્ધની વાતો, ફિલ્મો યાદ આવતાં તેઓ વધારે પડતા તનાવમાં સરી પડે છે. એકદમ સતર્ક રહેવાની ફરજ ઊભી થાય છે. ક્યાંક કોઈ કચાશ મુશ્કેલી તો ઊભી નહીં કરી દે એની ચિંતા રહ્યા કરે છે. જો આવો તનાવ ઘણા દિવસો સુધી રહે તો એ એક માનસિક રોગમાં પણ ફેરવાઈ શકે છે કાં તો સ્વભાવમાં ફેરફાર લાવી શકે છે. જેમ કે પઝેસિવ બનવું, લોકોથી દૂર થઈ જવું, ચૂપચાપ રહેવું, નેગેટિવ વિચાર કરવા વગેરે. એટલે આવી સ્થિતિમાં પૅશન જાળવી રાખવું જોઈએ. શાંતિથી વિચાર કરવો જોઈએ અને બધાની સાથે રહેવું જોઈએ.’
લોકો ઘરથી દૂર જવાનું ટાળે છે
નેહા શાહે વૉર ઍન્ગ્ઝાયટીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું, ‘વૉર ઍન્ગ્ઝાયટીનું મારી પાસે આવેલું એક તાજેતરનું ઉદાહરણ આપું તો તળ મુંબઈમાં રહેતી એક લેડી તેની ફૅમિલી સાથે સમર વેકેશન ગાળવા નૉર્થ જવાની હતી પણ અચાનક યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થવાને લીધે તેણે તેની નૉર્થની ટ્રિપ તો કૅન્સલ કરી જ અને સાથે હવે તેને આ વર્ષે કશે લાંબે જવાની ઇચ્છા પણ નથી. તેની ફૅમિલીએ કહ્યું કે જોઈએ તો આપણે પ્રૉપર નૉર્થના બદલે નૉર્થ ઈસ્ટ તરફ જઈ આવીએ અથવા તો સાઉથ તરફ જઈ આવીએ, ત્યાં તો શાંતિ છે; પણ તે ચોખ્ખી ના જ પાડે છે. તેના મનમાં હવે એવો ડર ઘર કરી ગયો છે કે તે આખું વેકેશન ઘરમાં કાઢવા તૈયાર છે પણ બહાર ફરવા જવું નથી. બીજા એક દાખલામાં એવું છે કે ઉપનગરમાં રહેતું એક દંપતી વેકેશન ગાળવા મહાબળેશ્વર જવાનો પ્લાન કરી રહ્યું હતું પરંતુ યુદ્ધની ચિંતાને લીધે તેમણે પ્લાન કૅન્સલ કરી નાખ્યો. તેમનું કહેવું છે કે આ અજાણી જગ્યાએ કંઈ થાય તો અમે શું કરી શકીશું? કહેવાનું તાત્પર્ય એ જ કે લોકો વધુપડતું વિચારીને બેચેન થઈ જાય છે અને તનાવમાં આવી જાય છે તેમ જ જે વસ્તુ તેમને આનંદ આપી શકે કે મુડ બૂસ્ટર તરીકેનું કામ કરી શકે છે એનાથી દૂર રહે છે.’
બાળકોને પ્રૉપર ગાઇડન્સની જરૂર
આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે કે યુદ્ધ અને સંઘર્ષના સમાચાર બાળકો અને પુખ્ત વયના બન્નેના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. યુદ્ધના સમાચાર અને વિસ્ફોટોના અવાજો બાળકો માટે ખૂબ જ ભયાનક હોય છે. ટીવી પર જોયેલા સમાચાર પણ તેમને હચમચાવી મૂકે છે. બાળકો આ ઘટનાઓને સમજી શકતાં નથી અને ઘણી વાર તેમના મનમાં ડર ઘર કરી જાય છે. આનાથી ખરાબ સપનાં આવવાં, પથારી ભીની થઈ જવી અને સામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખોરાકથી લઈને કામ સુધીની દરેક વસ્તુ પર અસર થવા લાગે છે. આ બાબતે સાઇકોલૉજિસ્ટ ડૉ. મિહિર પારેખ કહે છે, ‘બાળકો માટે યુદ્ધ અત્યાર સુધી ફિલ્મો સુધી જ સીમિત બની રહ્યું હતું. તેમણે ક્યારેય એનો આસપાસ અનુભવ કર્યો નથી એટલે સ્વાભાવિક છે કે તેમનામાં આ વિશે ભય નિર્માણ થાય એટલે આ બાબતે માબાપે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર રહે છે. સૌથી પહેલાં તો તેમની હાજરીમાં આવા ન્યુઝ ચાલુ કરવા નહીં. અને જો ન્યુઝ જોવા હોય તો બાળકોને અન્ય બાબતમાં વ્યસ્ત કરી દેવાં. બીજું, જો પેરન્ટ્સ પોતે યુદ્ધને લઈને ચિંતિત દેખાશે તો સ્વાભાવિક રીતે બાળકો પણ એવું જ રીઍક્શન આપશે. અને ત્રીજું એ કે બાળકોને યુદ્ધની ગંભીરતા વિશે જણાવવું ન જોઈએ કેમ કે તેમની સમજશક્તિ હજી યુદ્ધને સમજવા માટે વિકસેલી નથી, માત્ર બેઝિક સમજની સાથે સતર્કતા રાખવાનું જણાવવું. તેમ જ તમે તેમની સાથે હંમેશાં છો એની તેમને ખાતરી કરાવો. સોશ્યલ મીડિયાથી દૂર રાખો. આવી સિચુએશનમાં બાળકને સાથે રાખો નહીંતર સેપરેશન ઍન્ગ્ઝાયટી પણ તેમને આવી શકે છે. બાળકોને સુરક્ષિત વાતાવરણ મળવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તેમને કોઈ સવાલ હોય તો એને સમજાવવો જોઈએ અને તેમના ડરને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.’
વૉર ઍન્ગ્ઝાયટીથી બચવા શું કરી શકાય?
1. ટીવી અને સોશ્યલ મીડિયા : મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો. દિવસભર સમાચાર જોવાનું ટાળો.
2. સકારાત્મક પ્રવૃત્તિ : સકારાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. મનગમતી પ્રવૃત્તિ કરો. સંગીત સાંભળો. યોગ, ધ્યાન અને પરિવાર સાથે સમય વિતાવવાથી પણ સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળશે.
3. શૅર કરો : દુઃખ વહેંચવાથી ઓછું થાય છે એમ મનની વ્યગ્રતા, ચિંતા અને વ્યાકુળ કરતી લાગણીઓને કોઈકની સાથે શૅર કરવાથી હળવાશ અનુભવાય છે અને કોઈક ઉકેલ પણ મળી જાય છે.
4. પૂરતી ઊંઘ : તનાવપૂર્ણ વાતાવરણમાં અવ્યવસ્થિત ઊંઘ, અનિદ્રા અને ખરાબ સપનાં આવવાં સામાન્ય સમસ્યાઓ છે. આવી સ્થિતિમાં પૂરતી ઊંઘ લેવાની કોશિશ કરો. ઊંઘ મનને શાંત રાખે છે.
5. સોશ્યલ ડિસ્ટન્સ : તનાવને કારણે લોકો સામાજિક પ્રવૃત્તિઓથી દૂર થઈ શકે છે જે એકલતા અને માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. ઘરની બહાર જાઓ. તાજી હવા લો. મિત્રોને અને પરિવારજનોને મળો.
6. પૉઝિટિવ થિન્કિંગ : લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, પૉઝિટિવ થિન્કિંગ દરેકના જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવાની કોશિશ કરો. ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો.

