સાઇનસાઇટિસનો ઇલાજ કરાવવો અત્યંત જરૂરી છે
હેલ્થ-વેલ્થ - પાર્ટ ૨ - જિગીષા જૈન
કાલે આપણે જોયું કે આપણી ખોપડીના અધવચ્ચેથી બે ભાગ કરીએ તો ચહેરાની જમણી અને ડાબી બન્ને બાજુએ સરખી રીતે ફેલાયેલી સ્પેસ એટલે કે ખાલી જગ્યા છે એને સાઇનસ કહે છે. જો એ સાઇનસમાં કોઈ રીતે ઇન્ફેક્શન લાગી જાય તો એ રોગને સાઇનસાઇટિસ કહે છે. આ રોગનાં લક્ષણો, એના પ્રકાર અને એના ઇલાજ વિશે આજે વિસ્તારથી જાણીએ.
લક્ષણો
સાઇનસાઇટિસનાં લક્ષણો સામાન્ય શરદીને મળતાં આવતાં હોય છે. જેમ કે આંખમાંથી પાણી ગળવું, નાક ઠસાઈ જવું, માથું દુખવું, તાવ આવવો વગેરે. પરંતુ મહત્વની વાત એ છે કે જરૂરી નથી કે શરદી જેવાં જ લક્ષણો એમાં જોવા મળે. સાઇનસનાં ટિપિકલ લક્ષણો જણાવતાં જોબનપુત્રા ક્લિનિક, કાંદિવલીના ENT સર્જ્યન ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, ‘સાઇનસાઇટિસમાં ચહેરા પર અમુક જગ્યાએ દુખાવો રહે છે. મોઢા પર સતત ભાર લાગ્યા કરે છે, નાક એકદમ કફથી ભરાઈ ગયું હોય એવું લાગી શકે છે તો ઘણી વાર એ ગળતું પણ હોઈ શકે છે. એને લીધે વ્યક્તિ ગંધ પારખી શકતી નથી. નાક ઠસાઈ ગયું હોવાને કારણે નાકથી શ્વાસ લેવો મુશ્કેલ બને છે અને વ્યક્તિ મોઢાથી શ્વાસ લેવા લાગે છે. મોઢાથી શ્વાસ લેવાને કારણે વ્યક્તિના મોંમાંથી વાસ આવે છે. નાકની અંદર ક્યારેક કોઈ વ્યક્તિને પસ થઈ ગયું હોય છે તો ઘણા લોકોને દાંતનો દુખાવો પણ થાય છે. આ બધાં જ લક્ષણોમાં અમુક લક્ષણો હોય તો અમુક ન હોય એવું બને છે, પરંતુ સામાન્ય રીતે એક લક્ષણ જે હોય જ છે એ છે માથાનો દુખાવો. એ લગભગ દરેક વ્યક્તિને સાઇનસ થાય એટલે રહેતો જ હોય છે. સાઇનસાઇટિસની તકલીફ ઓળખવી સામાન્ય માણસ માટે સરળ નથી એટલે જ્યારે તે ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર તેને ચેક કરીને કહે છે કે આ વ્યક્તિને સાઇનસાઇટિસ થયું છે કે નહીં.’
ઇલાજ
આ રોગની વિશેષતા એ છે કે એ દરદીએ-દરદીએ જુદો હોય છે. આથી એનો ઇલાજ પણ જુદો હોય છે. જ્યારે ડૉક્ટર આ રોગનું નિદાન કરે પછી તેમને જરૂરી લાગે તો CT સ્કૅન કરાવી શકે છે, જે એક્સરે કરતાં વધુ ઉપયોગી સાબિત થતું હોય છે. ક્યારેક કોઈ કેસમાં નાકની એન્ડોસ્કોપી પણ કરાવવી પડે છે. આ માહિતી આપતાં ઓમ ENT ક્લિનિક, અંધેરીના ENT સર્જ્યન ડૉ. શૈલેશ પાન્ડે કહે છે, ‘સાઇનસાઇટિસના ઇલાજરૂપે મોટા ભાગે કન્જેશન એટલે કે કફના ભરાવાને હટાવવા માટે ડીકન્જેસ્ટન્ટ નેઝલ સ્પ્રે કે ડ્રૉપ્સ કે મોઢાથી ગળવાની ટીકડીઓ આપવામાં આવે છે. ઇન્ફેક્શન સિવિયર હોય અને બૅક્ટેરિયલ હોય તો ઍન્ટિબાયોટિક અને ફંગલ હોય તો ઍન્ટિફંગલ ગોળીઓ આપવામાં આવે છે. સોજો ઊતરતો ન હોય તો કેટલાક કેસમાં માઇલ્ડ સ્ટેરૉઇડ્સ પણ આપવામાં આવે છે. સાઇનસાઇટિસ જો ઍલર્જીને કારણે થયું હોય તો પહેલાં શેની ઍલર્જી છે એ શોધી એની અસર દૂર કરવા દવાઓ આપવામાં આવે છે. કેટલાક કેસમાં જેમાં નાકનું હાડકું વાંકું હોય કે નાકમાં મસા ડેવલપ થઈ ગયા હોય, દવાઓથી પરિસ્થિતિ કન્ટ્રોલમાં ન આવતી હોય તો એ પરિસ્થિતિમાં ઑપરેશન કરવું પડતું હોય છે.’
ઇલાજ ન કરીએ ત્યારે
જો સાઇનસનો ઇલાજ ન કરાવીએ તો વ્યક્તિને ડિસકમ્ફર્ટ લાગે છે. કેટલાક કેસમાં જો એનો ઇલાજ ન કરાવીએ તો સાઇનસમાં લાગેલું ઇન્ફેક્શન આંખમાં કે મગજમાં પણ સ્પ્રેડ થઈ શકે છે. આવું ન થાય એ માટે ઇલાજ જરૂરી છે. સાઇનસનો ઇલાજ ન કરાવીએ તો શું કૉમ્પ્લીકેશન આવી શકે છે એ વિશે બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી નેને કહે છે, ‘સાઇનસાઇટિસમાં સાઇનસમાં ભરાયેલો જે કફ છે એ મોટા ભાગે નાકના પાછળના ભાગમાંથી ગળામાં આવતો હોય છે અને એ કફ આપણે જાગતા હોઈએ ત્યારે આપણે ગળી જઈએ છીએ એટલે એ પેટમાં જતો રહે છે. પેટમાં રહેલો ઍસિડ એનો નાશ કરે છે, પરંતુ જ્યારે રાત્રે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે એવું ક્યારેક બનતું હોય છે કે એ કફ આપણે ગળી નથી શકતા કે ન તો થૂંકી શકીએ છીએ. આ પરિસ્થિતિમાં ક્યારેક એવું બને છે કે કફ શ્વાસનળીમાં જતો રહે છે. ધીમે-ધીમે થોડો-થોડો કરીને શ્વાસનળીમાં ભરાતો આ કફ શ્વાસનળીને ઇરિટેટ કરે છે અને ક્યારેક એ શ્વાસનળીમાં સોજાનું કારણ પણ બની શકે છે. આ સોજો વધતો જાય અને એને કારણે શ્વાસનળી ટૂંકી બનતી જાય, જેને લીધે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ખાસ કરીને અસ્થમાના દરદીને સાઇનસ થાય તો તેની હાલત ખૂબ વધારે બગડી શકે છે. એટલે સાઇનસનો ઇલાજ જરૂરી છે.’
આયુર્વેદિક ઇલાજ
આયુર્વેદમાં પણ સાઇનસાઇટિસના ઘણા ઇલાજ ઉપલબ્ધ છે. જોકે આયુર્વેદ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કોઈ પણ ઇલાજ કરવો, જાતે પ્રયોગ ન કરવા. આ વાતની સ્પક્ટતા સાથે છાજેડ આયુર્વેદિક ક્લિનિક અને ઍકૅડેમી, મલાડના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. સંજય છાજેડ પાસેથી જાણીએ આ રોગનો આયુર્વેદિક ઇલાજ.
૧. જેમને નવું-નવું સાઇનસાઇટિસ થયું હોય તેમને પાણીમાં તુલસી, આદું, તજ, કાળાં મરી, લીલી ચા, લવિંગ નાખી એને ઉકાળીને બનાવેલો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. સ્વાદ માટે એમાં મધ કે ખડી સાકર નાખી શકાય.
૨. આ સિવાય દવાઓમાં સુદર્શન અને સિતોપલાદિ અસરકારક સાબિત થાય છે.
૩. હળદર અને જેઠીમધને પાણીમાં ઉકાળીને એની સ્ટીમ એટલે કે નાસ લેવાથી પણ ઘણો ફરક પડે છે. આ જ પાણીના કોગળા પણ કરી શકાય છે. આવા લોકોએ ઠંડી હવાથી બચવું જોઈએ.
૪. જેમને ક્રૉનિક સાઇનસાઇટિસ છે એટલે કે લાંબા સમયથી આ પ્રૉબ્લેમ છે તેમણે નસ્ય ચિકિત્સા લેવી પડે છે, જેમાં અનુ તેલ કે ષડબિંદુ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી ફાયદો થાય છે. જેમને સામાન્ય તકલીફ છે તેમને ૨-૩ ટીપાંનો નાનો ડોઝ આપવામાં આવે છે, પરંતુ જેમને વધુ પ્રૉબ્લેમ છે તેમને ૨૦-૩૦ ટીપાં એકસાથે લેવાનાં હોય છે; જેને શોધન નસ્ય કહે છે. એ કોઈ પંચકર્મ ચિકિત્સક પાસે જ લેવું જરૂરી રહે છે.
૫. એક વખત સાઇનસાઇટિસ જતું રહે પછી પીપરી અને આમળાયુક્ત ચ્યવનપ્રાશ ખાઈને આવી વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ કરી શકે છે, જેને લીધે આ રોગ પાછો આવે નહીં.

