પિરિયડ્સ રેગ્યુલર કરવા પીઓ પાર્સલી ટી
સેજલ પટેલ
ઔષધિ તેમ જ રોજિંદા ખોરાકમાં ફ્લેવર વધારતી વનસ્પતિ તરીકે પાર્સલી છેલ્લાં ૨૦૦૦થી વધુ વષોર્થી પ્રચલિત છે. કોથમીર જેવાં જ પાંદડાં ધરાવતા પરંતુ તીખો-તૂરો સ્વાદ ધરાવતા આ હર્બના વનસ્પતિશાસ્ત્રીઓએ અલગ-અલગ લગભગ ૩૦ પ્રકાર પાડ્યા છે. જોકે સૌથી કૉમન બે જાતમાંથી એક છે કર્લી પાંદડાંવાળી અને બીજી સીધાસટ પાનવાળી ઇટાલિયન પાર્સલી. પૌરાણિક કાળથી ઇટલી, અલ્જિરિયા તેમ જ કેટલાક યુરોપિયન દેશોમાં સ્ત્રીઓ માસિક ડીલે થઈ જાય ત્યારે પાર્સલીનું સેવન કરવાનો નુસખો અપનાવતી આવી છે. જ્યારે મેડિકલ વિજ્ઞાન વિકસ્યું નહોતું ત્યારે એવું મનાતું હતું કે પાર્સલીનાં પાન ચાવીને ગરમ પાણી પી જવાથી બે-ત્રણ દિવસમાં જ માસિક આવી જાય છે. જૂની અને ભૂલાઈ ગયેલી આ પ્રચલિત માન્યતાને પશ્ચિમના ઘણા દેશોએ ફરીથી રિવાઇવ કરી હોય એવું લાગે છે. હૉર્મોનલ અસંતુલન, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ તેમ જ સ્ટ્રેસને કારણે મેન્સ્ટુઅલ સાઇકલ ડીલે થઈ જતી હોય એવી મહિલાઓમાં પાર્સલી ટી પીવાનું ચલણ વધ્યું છે. નવાઈની વાત એ છે કે આ માટે છાશવારે થતા પ્રયોગોમાં પણ પાર્સલી ટીથી પિરિયડ્સ પર ખરેખર ફાયદો થાય છે કે કેમ એ બાબતે કોઈ ચોખ્ખું તારણ નીકળી શક્યું નથી. એ છતાં પાર્સલીમાં રહેલાં ખાસ તત્વોને કારણે માસિક લાવવામાં પાર્સલીથી ફાયદો થવો જોઈએ એવું ઘણા વૈજ્ઞાનિકો માને છે.
પિરિયડ્સમાં ફાયદો કેમ?
સામાન્ય રીતે પાર્સલી ટી પિવડાવીને એનું રિઝલ્ટ તપાસવાના પ્રયોગોમાં કોઈ સાતત્યપૂર્ણ રિઝલ્ટ જોવા નથી મળ્યાં એનું કારણ કદાચ દરેક સ્ત્રીની યુનિક પિરિયડ સાઇકલ તેમ જ માસિક ડીલે થવાનાં જુદાં-જુદાં કારણો હોઈ શકે છે. એટલે જ કોઈકને પાર્સલી ટી પિવડાવવાથી થોડા જ કલાકોમાં માસિક આવી જાય છે, કોઈકને બે-ત્રણ દિવસે આવે છે તો કોઈકને ત્રણથી વધુ દિવસ છતાં કોઈ ફરક નથી પડતો. એ છતાં મેડિકલ પ્રોફેશનલ્સનું કહેવું છે કે પાર્સલીથી પિરિયડ્સ લાવવામાં મદદ થઈ શકે છે, કેમ કે એમાં એપિઓલ અને માયરિસ્ટિસિન નામનાં કમ્પાઉન્ડ સારીએવી માત્રામાં રહેલાં છે. આ બન્ને કેમિકલ્સ ગર્ભાશયને ઉત્તેજિત કરીને હળવું સંકોચન પેદા કરીને ગર્ભાશયનું મુખ ખોલવામાં મદદ કરે છે. માસિક શરૂ થાય ત્યારે ગર્ભાશયમાં સંકોચન-વિસ્તરણ થતું હોય છે. પાર્સલીમાં આ કેમિકલ્સનું ૦.૧થી લઈને ૨ ટકા જેટલું કૉન્સન્ટ્રેશન હોય છે. આ કેમિકલને કારણે યોગ્ય માત્રામાં પાર્સલીના સેવનથી પિરિયડ્સમાં નિયમિતતા લાવી શકાય છે અને એ વખતે પેઢુમાં આવતા ક્રૅમ્પ્સ પણ ઘટે છે.
પિરિયડ્સ માટે વધુ માત્રા લેવી પડે
ઇન્ડિયામાં હજી પાર્સલીથી પિરિયડ્સ જલદી આવે એવી માન્યતાએ પગપેસારો નથી કયોર્. એ વિશે વાત કરતાં ડાયટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘પાર્સલીથી પિરિયડ્સ જલદી આવે છે એ વાત સાચી છે, પણ એ માટે ખૂબ મોટી માત્રામાં પાર્સલી લેવી પડે. ભારતમાં તો હજી પાર્સલીનો ઉપયોગ સૂપ-સૅલડમાં ગાર્નિશિંગ માટે જ થતો આવ્યો છે. રોજેરોજ પાર્સલીના ગાર્નિશિંગવાળી વાનગીઓ કોઈ ખાતું નથી હોતું એટલું જ નહીં, પાલકની જેમ પાર્સલીનું શાક બનાવીને ખાઈ શકાતું નથી. એના તીવ્ર તૂરા સ્વાદને કારણે કોઈ પણ વાનગીમાં નાખીને લેવામાં આવે તો વધુમાં વધુ પાંચ-સાત પાન જ ખવાતાં હોય છે. આટલી ઓછી માત્રાથી પિરિયડ્સ પર કોઈ અસર ન પડે અને પડે તોપણ એ ખાસ નોંધનીય ન હોય.’
હવે માર્કેટમાં પાર્સલી ટીની બૅગ્સ પણ તૈયાર મળવા લાગી છે અને એનો ગ્રીન ટીની જેમ હેલ્ધી ટી તરીકે પ્રચાર થઈ રહ્યો છે. એ વિશે યોગિતા ગોરડિયા કહે છે, ‘જેમ ગ્રીન ટીના ઘણા ફાયદા છે પણ એ એકાદ કપ પીવાથી ફાયદા નથી મળતા એવી જ રીતે એકાદ વાર પાર્સલી ટી પીવાથી પિરિયડ્સ પર અસર નથી થતી. રોજની બે-ત્રણ કપ પાર્સલી ટી બે-ત્રણ દિવસ પીવી પડે. જોકે દરેક સ્ત્રીનું પિરિયડ્સ ડીલે થવાનું કારણ પણ જુદું-જુદું હોય છે એટલે બધાને એની અસર થાય જ એ કહેવું વધુપડતું હશે. હા, પ્રેગ્નન્ટ મહિલાઓએ મિસકૅરેજથી બચવું હોય તો પાર્સલી ટીનું સેવન ન કરવું જોઈએ.’
પાર્સલી ટીના અન્ય ફાયદા
નિયમિતપણે પાર્સલીનાં પાન નાખીને બનાવેલી ચા પીવામાં આવે તો એનાથી પિરિયડ્સ ઉપરાંતના પણ ઘણા ફાયદા થાય છે.
પાર્સલી ટીથી છૂટથી પેશાબ લાવે છે અને શરીરમાંનો ઝેરી કચરો મૂત્ર, પરસેવા વાટે બહાર ફેંકાઈને બૉડી ડીટૉક્સિફાય થાય છે.
એ રક્તવાહિનીઓના સંકોચન-વિસ્તરણની ક્ષમતા સુધારીને એની કાર્યક્ષમતા વધારે છે.
પર્યાવરણના પ્રદૂષણને કારણે ફેફસાં તેમ જ શ્વસનતંત્રની કૅવિટીમાં ભરાયેલા કચરાને કફવાટે બહાર કાઢી નાખવામાં મદદ કરે છે.
પાર્સલીથી વિટામિન ઘ્ મળે છે, જે આયર્નનું શોષણ કરવામાં મદદરૂપ હોવાથી એનિમિયાના દરદીઓને ફાયદો થાય છે.
પિત્તાશયની પથરી, બહેરાશ તેમ જ કાનનું ઇન્ફેક્શન તેમ જ લિવરની કામગીરી સુધારવામાં મદદ કરે છે.
પાર્સલી ટી બનાવવાની રીત
એક ગ્લાસ પાણીને ગરમ કરવું. પાર્સલીનાં માત્ર પાન ચૂંટીને એને બારીક સમારી લેવાં. તાજાં પાન ન હોય તો સૂકવેલાં પાન પણ બજારમાં તૈયાર મળે છે. ગરમ પાણી ઊકળી જાય એટલે એમાં બારીક સમારેલાં પાન અથવા એક ચમચી સુકાયેલાં પાન નાખીને ઢાંકી દેવું. ગૅસ પરથી ઉતારીને આ મિશ્રણ બેથી ચાર મિનિટ રહેવા દેવું. એ પછી ગાળીને ચાની જેમ ચૂસકી લઈને પીવું.
કોના માટે વજ્ર્ય?
કિડની પેશન્ટ્સ : પાર્સલીનાં પાન વધુ માત્રામાં લેવામાં આવે તો ઑક્ઝેલિક ઍસિડ પેદા થાય છે જે કૅલ્શિયમ સાથે પ્રક્રિયા કરીને પથરી બનાવી શકે છે. એટલે જેમની કિડની નબળી હોય તેમણે સંભાળીને એનું સેવન કરવું.
પ્રેગ્નન્ટ મહિલાઓ : ગર્ભાશય સ્ટિમ્યુલેટ કરવાના ગુણને કારણે ગર્ભાવસ્થા દરમ્યાન પાર્સલીનું કોઈ પણ પ્રકારે સેવન કરવું હિતાવહ નથી.

