Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કૉલેસ્ટરોલ વિશે તમે શું જાણો છો?

કૉલેસ્ટરોલ વિશે તમે શું જાણો છો?

Published : 15 January, 2016 05:07 AM | IST |

કૉલેસ્ટરોલ વિશે તમે શું જાણો છો?

કૉલેસ્ટરોલ વિશે તમે શું જાણો છો?


heart pain



હેલ્થ-વેલ્થ - જિગીષા જૈન

આજકાલ માર્કેટમાં ઘણી પ્રોડક્ટ્સ આવી છે જે એવો દાવો કરે છે કે એ ખાવાથી સારું કૉલેસ્ટરોલ વધે છે અને ખરાબ કૉલેસ્ટરોલ ઘટે છે. કૉલેસ્ટરોલને લઈને લોકોમાં આજકાલ એક ભય પણ જોવા મળે છે. આ ખાવાથી કૉલેસ્ટરોલ વધી જશે, પેલું ખાવાથી ઘટી જશે; રેગ્યુલર ટેસ્ટમાં કૉલેસ્ટરોલ વધુ આવ્યું તો હાર્ટ-અટૅકની શક્યતા વધી ગઈ છે એમ જ સમજો. આ બધી જ વાતો લોકો કરતા હોય છે, પરંતુ એ કેટલે અંશે યોગ્ય છે એ સમજવું જરૂરી છે. જેમને કૉલેસ્ટરોલ વધુ છે અને એ નિયમિતપણે એને ઓછું થવાની દવા ખાઈ રહ્યા છે એવા લોકોમાંથી પણ એવા ઘણા ઓછા હશે જેમને એ ખબર છે કે આ કૉલેસ્ટરોલ છે શું. આજે કૉલેસ્ટરોલને સમજવાનો પ્રયાસ કરીએ.

રિપેરિંગ

કૉલેસ્ટરોલ આપણા શરીરના લિવરમાં બનતું ખૂબ જ અગત્યનું ઘટક છે. આ એક ફૅટનો પ્રકાર છે જે લોહીમાં ઓગળતું નથી. લોહી સાથે એ વહ્યા કરે છે. આ કૉલેસ્ટરોલના મુખ્ય બે પ્રકાર છે જેની સારા અને ખરાબ કૉલેસ્ટરોલમાં વહેંચણી કરી દેવામાં આવી છે. ખરા અર્થમાં તો આ બન્ને પ્રકારનાં કૉલેસ્ટરોલની શરીરને જરૂર રહે જ છે. કૉલેસ્ટરોલનો એક પ્રકાર છે HDL કૉલેસ્ટરોલ જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે અને બીજો પ્રકાર છે LDL જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહે છે. આ બન્ને કૉલેસ્ટરોલનું ઉત્પાદન લિવરમાં જ થાય છે. એને ઉત્પન્ન કરવા પાછળ શરીરનો એક મુખ્ય હેતુ છે અને એ હેતુ છે રિપેરિંગ. ઉદાહરણ સાથે સમજાવતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘LDL જેને બૅડ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે એનું કામ સિમેન્ટ જેવું છે. એક દીવાલમાં જ્યારે તડ પડી જાય છે ત્યારે એને રિપેર કરવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે એ રીતે શરીરમાં જે લોહીની નસો છે એ નસોની દીવાલમાં કોઈ જાતનો સોજો આવ્યો હોય, કોઈ ક્રૅક હોય તો એ તૂટેલી જગ્યા પર આ LDL ચીપકી જાય છે. સાંધો કરવાનું કામ આ કૉલેસ્ટરોલ કરે છે. જ્યારે HDL એ સફાઈનું કામ કરે છે. દીવાલ પર ચોંટતી વખતે જે LDL નીચે પડી ગયું હોય કે દીવાલ પર જો વધુ પ્રમાણમાં LDL લાગી ગયું હોય તો એને દૂર કરવાનું કામ HDL કરે છે. આ બધું કૉલેસ્ટરોલ લોહીમાંથી એકત્ર કરી HDL કૉલેસ્ટરોલ એને લિવરમાં પાછું લઈ જાય છે અને લિવર એને શરીરની બહાર ફેંકી દે છે. આ એક સિસ્ટમ છે જે મુજબ શરીરમાં કામગીરી થાય છે.’

ગુડ અને બૅડ કૉલેસ્ટરોલ

જો LDL કૉલેસ્ટરોલ લોહીની નળીઓને સાંધવાનું કામ સારી રીતે કરી શકે છે તો એને ખરાબ કૉલેસ્ટરોલ કેમ કહે છે એનું કારણ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જ્યાં-જ્યાં ઇન્ફ્લમેશન હોય કે દીવાલમાં ક્રૅક હોય ત્યાં-ત્યાં આ કૉલેસ્ટરોલ જમા થતું જાય અને એ દીવાલ સાંધે, પરંતુ ઘણી વાર એ જમા થવાને કારણે નળીની જગ્યા બ્લૉક થતી જાય, જેને લીધે લોહીની અવરજવર પર અસર થાય. એને આપણે બ્લૉકેજિસ કહીએ છીએ. આ બ્લૉકેજ જ્યારે

૮૦-૯૦ ટકા જેટલા ભરાય જાય ત્યારે લોહીના પરિભ્રમણ પર સીધી અસર પડે છે અને એ જે અંગ પાસે થાય જેમ કે હાર્ટ પાસે થાય તો અટૅક આવે અને જો મગજ પાસે આવે તો વ્યક્તિને સ્ટ્રોક આવે છે. LDL કૉલેસ્ટરોલને કારણે બ્લૉકેજ થાય છે એટલે એને બૅડ અને HDL વધારાના LDLને હટાવવાનું કામ કરતું હોવાથી એને ગુડ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે.’

પ્રમાણ

તાજેતરમાં એક ઇટાલિયન મેડિકલ સ્ટડી અનુસાર એવું સાબિત કરાવામાં આવ્યું કે સારું કૉલેસ્ટરોલ પણ વધુ માત્રામાં હોય તો નુકસાનકારક જ બને છે. આ રિસર્ચ જણાવે છે કે જ્યારે ગુડ કૉલેસ્ટરોલ એક હદથી વધુ માત્રામાં બનવા લાગે તો એ બૅડ કૉલેસ્ટરોલની જેમ જ વર્તે છે અને હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. ફક્ત આ રિસર્ચ જ નહીં, ૨૦૧૨માં અમેરિકન સોસાયટી ઑફ નેફ્રોલૉજીની જર્નલમાં છપાયેલા રિસર્ચ અનુસાર વધુ માત્રામાં સારું કૉલેસ્ટરોલ હાર્ટ ઉપરાંત કિડનીને પણ ડૅમેજ કરે છે. આ રિસર્ચ પરથી સમજી શકાય કે કૉલેસ્ટરોલનું પ્રમાણ નિશ્ચિત માત્રામાં જાળવી રાખવું જરૂરી છે. આદર્શ રીતે HDL એટલે કે ગુડ કૉલેસ્ટરોલ ૬૦ mg/dlથી વધુ હોવું જોઈએ અને LDL ૧૦૦ mg/dlથી ઓછું હોવું જોઈએ. વળી એક મુદ્દો એ પણ છે કે ગુડ કૉલેસ્ટરોલની ક્વૉલિટી સારી હોવી જોઈએ. યુનિવર્સિટી ઑફ ગ્લાસગોના રિસર્ચ મુજબ જો ગુડ કૉલેસ્ટરોલની માત્રા વધુ હોય પણ એની ક્વૉલિટી ખરાબ હોય તો એ કંઈ કામ નથી આપતું. માટે એની ક્વૉલિટી સારી હોવી જરૂરી છે.

ફક્ત ડાયટથી નહીં ચાલે

કૉલેસ્ટરોલની નિશ્ચિત માત્રા રહે અને ગુડ કૉલેસ્ટરોલની ક્વૉલિટી પણ સારી રહે એ માટે આપણે શું કરી શકીએ? જે લોકો કૉલેસ્ટરોલ સંબંધિત સમસ્યા ધરાવે છે તેમને લાગે છે કે તેમની ડાયટ ઠીક કરશે એટલે બધું થઈ ગયું, પરંતુ એવું છે નહીં. એ સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જે ખોરાકમાંથી આપણને કૉલેસ્ટરોલ મળે છે એ કુલ કૉલેસ્ટરોલનો ૩૦ ટકા જેટલો ભાગ હોય છે. બાકીનું ૭૦ ટકા કૉલેસ્ટરોલ લિવર બનાવે છે. આમ જો કોઈ વ્યક્તિનું કૉલેસ્ટરોલ ૨૦૦ આવે અને એ સાવ ફૅટ ખાવાનું બંધ કરી દે તો પણ એનું કૉલેસ્ટરોલ ૧૪૦ રહેશે જ. એનો અર્થ એ થયો કે ખોરાકથી વધુ ફરક નથી પડતો. ઘણા લોકોનું લિવર જ વધુ કૉલેસ્ટરોલ બનાવતું હોય છે. આ સંજોગોમાં લિવર સારી ક્વૉલિટીનું કૉલેસ્ટરોલ બનાવે, નિયંત્રિત માત્રામાં બનાવે એ માટે વ્યક્તિએ એક્સરસાઇઝ કરવી જોઈએ,  સ્ટ્રેસ-ફ્રી લાઇફ જીવવી જોઈએ, વ્યવસ્થિત ઊંઘ લેવી જોઈએ, સમતોલ આહાર લેવો જોઈએ તથા સ્મોકિંગ અને આલ્કોહૉલનું સેવન ન કરીને લાઇફ-સ્ટાઇલ સુધારવી જોઈએ. આ બધી જ વસ્તુઓ પર ધ્યાન દઈએ તો ચોક્કસ કૉલેસ્ટરોલના ઉત્પાદનમાં ફરક પડે છે.’

લોહીની નળીનું ઇન્ફ્લમેશન રોકો

 જે લોકોને હાર્ટ-પ્રૉબ્લેમ છે તેમણે પોતાનું કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં રાખવું અત્યંત જરૂરી છે. વળી જે લોકો ખૂબ સ્ટ્રેસવાળું જીવન જીવે છે, એક્સરસાઇઝ નથી કરતા, જેમની ડાયટ યોગ્ય નથી, ઊંઘ વ્યવસ્થિત નથી આવતી કે પછી વ્યસનના શિકાર છે અને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર છે એવા લોકોએ પણ પોતાનું કૉલેસ્ટરોલ-લેવલ જાળવી રાખવું જરૂરી છે. બાકી સમજવા જેવી વાત પર ધ્યાન દોરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘કૉલેસ્ટરોલ ત્યારે નુકસાન કરી શકે છે જ્યારે લોહીની નળીઓમાં ઇન્ફ્લમેશન વધુ હોય કે નળીઓને કોઈ જાતનું નુકસાન થયું હોય. આ નુકસાનનું કારણ ખોટી લાઇફ-સ્ટાઇલ જ છે. જો નળીઓમાં નુકસાન ન થયું હોય તો કૉલેસ્ટરોલ ત્યાં એને સાંધે નહીં અને એને કારણે બ્લૉકેજ બને નહીં. ઘણા લોકો એવા છે જેમનું કૉલેસ્ટરોલ-લેવલ વધુ છે, પણ એ લોકો હેલ્ધી લાઇફ-સ્ટાઇલ સાથે જીવે છે જેને લીધે તેમને કોઈ નુકસાન નથી થતું. હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવીને આપણે લોહીની નળીનું ડૅમેજ અટકાવી શકીએ છીએ અને કૉલેસ્ટરોલને પણ જાળવી શકીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2016 05:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK