ગરમ પાણી કોણે, ક્યારે ને કેટલું પીવું?
જમ્યા પછી, રાતે સૂતા પહેલાં ગરમ પાણી પીઓ તો તમને કબજિયાતની સમસ્યા ન થાય.
અત્યારે શરીરને વાઇરસથી બચાવવા માટે ગરમ પાણી પીવાની શિખામણ આપવામાં આવી રહી છે ત્યારે પાણીને ગરમ કરીએ ત્યારે ખરેખર શું થાય છે? શું માત્ર બૅક્ટેરિયા જ મરે છે કે બીજા પણ કોઈ એના લાભ છે? ગરમ પાણી એકલું પીએ તો સારું કે એમાં કંઈક ઉમેરીને પીવામાં આવે તો લાભ કરે? વૉર્મ વૉટર સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપીએ.
ADVERTISEMENT
ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે એવું તમે એક નહીં પણ અનેક જગ્યાએ સાંભળ્યું હશે. વાત સાચી છે પરંતુ ફાયદો કરે છે એમ વિચારીને સતત તમે દિવસરાત માત્ર ગરમ પાણી પીધા કરો તો ચાલે? જવાબ છે, ન ચાલે. શું કામ એ આગળ જોઈશું. જૈન પરંપરામાં ઉકાળીને ઠારવામાં આવેલું પાણી જ પીવામાં આવે છે. એમાં એક પ્રચલિત તર્ક એવો હતો કે જૈન દર્શનમાં પાણીને સચિત્ત એટલે કે જીવંત પદાર્થ ગણવામાં આવે છે અને એમાં સતત અમુક જીવોના જન્મ અને મરણની પ્રક્રિયા ચાલુ રહે છે. જોકે જ્યારે પાણી ઉકાળવામાં આવે ત્યારે એ તમામ જીવોનો ક્ષય જરૂર થાય છે, પરંતુ નવેસરથી એમાં અમુક સમયાંતર સુધી જીવોત્પત્તિ થતી નથી. જોકે વૈજ્ઞાનિક જૈનાચાર્ય નંદીઘોષસૂરિજી આ વાતને રદિયો આપે છે અને સ્પષ્ટતા સાથે કહે છે કે જૈન ધર્મમાં શ્રાવકવ્રતનું પાલન કરનારા, તપશ્ચર્યા કરનારા અને સાધુસાધ્વીને ઉકાળેલું પાણી પીવાનો આચાર છે. જોકે એની પાછળનું કારણ એટલું જ છે કે જ્યારે પાણી ઉકાળાય ત્યારે એનું મૉલેક્યુલ લેવલનું બંધારણ સહેજ ઢીલું પડે છે જેથી ઉકાળેલું પાણી પીનારાઓને મનમાં વિકાર જન્મતા નથી. આયુર્વેદ અને નેચરોપૅથ પણ ગરમ પાણી પીવાના પક્ષમાં છે, પરંતુ કેટલીક કન્ડિશન્સ સાથે. કેટલાક વળી એમ પણ કહે છે કે તમે ફિલ્ટર કરેલું પાણી જેટલું વધારે પીઓ એટલી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે. આજે હેલ્થ માટે ગરમ પાણીની ઉપયોગિતા પર થોડીક ચર્ચા કરીએ.
વૅલ્યુ એડિશન
ખોરાક પૂરેપૂરો પચે નહીં, અડધું અન્ન કાચું રહી જાય આવા સમયે ઍસિડિટી અને અજીર્ણની બીમારી થતી હોય છે. ગૅસ થાય, અપચો થાય, ખાધા પછી અન્કમ્ફર્ટેબલ રહેતું હોય તેમને માટે ગરમ પાણી ઉત્તમ છે. આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘ગરમ પાણી પીઓ એટલે શરીરમાં પાચક રસો ખૂલે, મ્યુક્સના સેલ્સ ખૂલે અને જમવાનું સરસ રીતે પચી જાય. તમે મોઢાના દાંતથી ગરમ પાણી પીવાનું શરૂ કરો અને પેટ સુધી એ જાય અને એ આખા એરિયામાં જે પણ બૅક્ટેરિયા કે ફંગસ થયા હોય એ મરી જાય. વિવિધ ઔષધિય દ્રવ્યો નાખીને ગરમ પાણી પીવાથી આમનું પાચન થાય, ગૅસ-ઍસિડિટીની સંભાવના ઓછી થઈ જાય. ઘણા લોકોને જમ્યા પછી આળસ ચડતી હોય અને કોઈ કામ ન કરવા માગે. એ લોકોએ ગરમ પાણી પીવું જોઈએ. તેમની બધી જ ડલનેસ નીકળી જશે. ઉકાળેલું પ્લેન પાણી પણ મદદ કરશે, પરંતુ જો એમાં તમારી પ્રકૃતિ સાથે મૅચ કરતા કેટલાક પદાર્થો ઉમેરશો તો સોનામાં સુગંધ ભળશે.’
ક્યારે પીવુંનો ફોડ પાડતાં ડૉ. મહેશ કહે છે, ‘સવારે નરણા કોઠે જો ગરમ પાણી પીતા હો તો એમાં ચપટી સૂંઠ નાખીને પીવાથી એનો વધુ લાભ થશે. એ જ રીતે જમ્યા પછી પીતા હો તો સહેજ જીરું અને અજમો નાખીને પીઓ તો પાચન તરત થશે અને ગૅસની સમસ્યા નહીં રહે અને રાતે સૂતી વખતે પણ સૂંઠ અને પીપરામૂળ નાખીને પીશો તો સરસ ઊંઘ આવશે. અહીં એક બીજી મહત્ત્વની સ્પષ્ટતા કરી દઉં કે રાતે સૂતા પહેલાં એટલે સૂવાના લગભગ અડધો-પોણો કલાક પહેલાં પાણી પિવાવું જોઈએ.’
ક્યારે ઉમેરવું?
અજમો, જીરું, સૂંઠ, તુલસી, ફુદીનાનાં પાન, વરિયાળી નાખી શકાય. બધી જ સૂકી વસ્તુઓનો ભેગો પાઉડર બનાવીને સો એમએલમાં એક ચમચી નાખીને પી શકાય એમ જણાવીને ડૉ. મહેશ કહે છે, ‘પાણી ઊકળવા માંડે પછી એમાં આ પાઉડર કે અન્ય કોઈ વસ્તુ નાખવાની, નાખીને નહીં ઉકાળવાની. પછી બંધ કરીને ઢાંકી રાખવાનું થોડી વાર. ગરમ પાણી પચવામાં હલકું હોય છે. એની ઘનતા ઘટી જતી હોય છે ત્યારે તમે એને ઉકાળો. ગરમ પાણી નિયમિત પીનારા લોકો પોતાના ખોરાકને કન્ટ્રોલ કરી શકે છે, કારણ કે ગરમ પાણી પીવાથી તમારા શરીરની પોષક તત્ત્વોને ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા વધી જાય છે. રાતે તાંબાના લોટામાં પાણી રાખીને સવારે પીતા હો તો એમાં પણ ગરમ પાણી રાખો, પાણી ઉકાળતી વખતે એમાં ચાંદીનો સિક્કો કે સોનાની કોઈ વસ્તુ નાખી દો. ચાંદી અને સોનાના ગુણ પાણીમાં આવી જશે. એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે. તમે સાંભળ્યું હશે કે આની તો તામ્રવર્ણી કાયા છે એટલે કે મજબૂત છે. તાંબું મજબૂત ધાતુ છે અને તમારા શરીરને મજબૂતી આપે છે. ધાતુના ગુણ પાણીમાં ભળે એટલે પાણીની તાકાત વધી જાય છે. આપણે ત્યાં નાના બાળકને ગળથૂથીમાં સોનાનું પાણી પાવાની પણ પરંપરા છે.’

સતત પીવાય?
સતત જો તમે ગરમ જ પાણી પીધા કરો તો ચાલે? ડૉ. મહેશ એની ચોખ્ખી ના પાડે છે અને તેઓ ઉમેરે છે, ‘પાણી ઉકાળવાથી એમાં રહેલા ખરાબ બૅક્ટેરિયા નાશ પામે છે એ વાત સાચી, પણ સારા બૅક્ટેરિયા પણ નાશ પામે છે. પાણીમાં રહેલા મિનરલ્સનું પણ પાણી ઉકાળતાં બાષ્પીભવન થઈ જાય છે. એટલે ગરમ પાણી પીવાનો અમુક નિશ્ચિત સમય રાખીને પીવાય તો એ વધુ લાભ કરે. જેમ કે નરણા કોઠે ગરમ પાણી પીવાના ઘણા લાભો છે. જમ્યા પછી, રાતે સૂતા પહેલાં ગરમ પાણી પીઓ તો તમને કબજિયાતની સમસ્યા ન થાય. ઊલટાનું તમારું ડાઇજેશન ઝડપી બને. રાતે સૂતા પહેલાં લગભગ સો એમએલ પાણી પીવાની છૂટ છે.’
ગરમ પાણી નિયમિત પીનારા લોકો પોતાના ખોરાકને કન્ટ્રોલ કરી શકે છે, કારણ કે ગરમ પાણી પીવાથી તમારા શરીરની પોષક તત્ત્વોને ઍબ્સૉર્બ કરવાની ક્ષમતા વધી જાય છે. અજમો, જીરું, સૂંઠ, તુલસી, ફુદીનાનાં પાન, વરિયાળી નાખીને
પીવાથી વધુ લાભ થશે
- ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદાચાર્ય


