ઘર શિફ્ટ કરવાનો પ્લાન છે? આટલું જરૂર ધ્યાનમાં રાખજો
પોતે જ્યાં જીવનનો અમૂલ્ય સમય વિતાવ્યો હોય અને જે જગ્યા સાથે અનેક યાદો સંકળાયેલી હોય એ ઘર છોડીને કોઈ બીજા ઘરમાં જવું એ માનસિક અને શારીરિક બન્ને રીતે દુ:ખી કરતું કામ છે, કારણ કે સારા પૅકર્સ અને મૂવર્સ અપૉઇન્ટ કરવાની સાથે પોતાના પાડોશી અને ફ્રેન્ડ્સને ગુડ બાય કહેવું અઘરું હોય છે. આ બધા માટે ખૂબ સારા પ્લાનિંગની જરૂર પડે છે, તો જોઈએ એવી કઈ બાબતો છે જેની પર ઘરનો સામાન શિફ્ટ કરતાં સમયે ધ્યાન આપવું જરૂરી બને છે.
એ-ટુ ઝેડ લિસ્ટ
પહેલાં લિસ્ટ બનાવવા માટે સમય ફાળવો. જે પણ કંઈ કામ કરવાનું હોય એનું પૂરું લિસ્ટ બનાવો. છાપા અને દૂધવાળાના બિલ ચૂકવવાથી લઈને જે લોકોને તમારે ગુડ બાય કરવાનું છે એવાં બધાં જ કામોનું એક લિસ્ટ બનાવો. અહીં એ પણ શક્ય છે કે તમારા માઇન્ડમાં જ્યારે આટલું બધું હોય એવામાં એકાદ ચીજ ભૂલી જવાય એ પણ શક્ય છે, પરંતુ એક વાર લિસ્ટ બની જશે તો તમને કૉન્ફિડન્સ મળશે અને તમે કંઈ નહીં ભૂલો.
ઍડ્વાન્સમાં જ પ્લાનિંગ કરો
જેટલા વધુ દિવસો મળશે એટલી જ સામાન શિફ્ટ કરવામાં સરળતા રહેશે. છેલ્લી ઘડીએ થતી ઉતાવળ કરતાં ધીમે-ધીમે કરેલા બદલાવ સમજવામાં આસાન હોય છે. ભલે તમને સામાન પૅક કરતાં વધુ વાર ન લાગે, પણ આ રીતે મળેલો વધારાનો સમય તમને જગ્યાની અટૅચમેન્ટમાંથી મુક્ત થવામાં પણ મદદ કરશે.
બાળકોની પણ મદદ લો
ઘર બદલો ત્યારે બાળકોને સમજાવવા સૌથી મુશ્કેલ છે, કારણ કે તેમને તેમના ફ્રેન્ડ્સને છોડીને જવું નથી ગમતું, પણ તેમની સાથે બેસીને વાત કરશો અને સમજાવશો તો તેઓ પણ સામાન પૅક કરવાના આ કામમાં હોંશે-હોંશે તમારી હેલ્પ કરશે. તેમને તેમની ચીજોનું પૅકિંગ કરવા કહો. બાળકોને તેમની ચીજો વિશે વધુ ખબર હોય છે તેમ જ તેમની મેમરી પણ શાર્પ હોય છે એટલે ચાન્સ છે કે તમે કંઈ ભૂલી જાઓ, પણ તેઓ તો નહીં જ ભૂલે.
પૅક કરો, પણ કાળજી સાથે
આજકાલ પ્રોફેશનલ પૅકર્સ અને મૂવર્સની મદદથી પૅકિંગનું કામ ખૂબ આસાન બની ગયું છે, પણ એનો અર્થ એ નથી કે તેમના પર જ બધું કામ છોડીને તમે બાજુ પર બેસી જાઓ. તે લોકો ચીજોને એટલા ધ્યાનથી તો નહીં જ સંભાળે જેટલું તમે. ચાન્સ છે કે પૅક કરતાં દરમ્યાન ચીજો તૂટી પણ જાય. ધ્યાન રાખો કે બધી જ ચીજો યોગ્ય રીતે પૅક થાય અને તૂટી જાય એવી ચીજોની થોડી એક્સ્ટ્રા કૅર કરવામાં આવે. તમારી ફેવરિટ ચીજો ભુલાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખો.
બી પૉઝિટિવ
હા, હોમ શિફ્ટિંગમાં તમારી એનર્જી વપરાઈ જશે એની પૂરી શક્યતા છે. જૂનું ઘર છોડવાનું દુ:ખ અને નવું ઘર કેવું હશે એની ચિંતા તમારી તબિયત અને મગજ પર માઠી અસર ન કરી જાય એનું ખાસ ધ્યાન રાખો. સામાન રહી ન જાય એ વાત પર ફોકસ કરો અને નવા ઘરમાં સુખ-શાંતિ મળી રહે એવી કામના કરો. જો વિચારો સકારાત્મક હશે તો કામ કરવામાં વધુ સરળતા અનુભવાશે.
સરપ્રાઇઝ
ઘરમાં ક્યારેક કોઈ જગ્યાએ કોઈ ચીજ મૂકી દીધી હોય અને એ જો ખોવાઈ ગઈ એમ માનીને ભૂલી ગયા હો તો આખું ઘર ખાલી કરો ત્યારે એ પાછી મળવાની શક્યતા છે. આવા સમયે તમને કેટલીક એવી ચીજો પણ મળશે જેને તમે પાછી મેળવવાની ક્યારેય કલ્પના પણ ન કરી હોય એટલે શાંતિ રાખો અને ધ્યાનથી પૅકિંગ કરો.

