પિત્ત થતું હોય તો ખાઓ શેકેલી વરિયાળી
સેજલ પટેલ
ભૂખ સાવ જ મરી ગઈ છે. બફારો અને તાપ એટલો છે કે કોળિયા ગળે નથી ઊતરતા.
ADVERTISEMENT
તાપમાં ભૂખ્યા પેટે રખડવાનું થાય એટલે માથું ચડી જાય. પિત્તને કારણે ઊબકા આવ્યા કરે.
ચટપટો અને તળેલો નાસ્તો જરાક અમથો ખવાઈ જાય તોપણ તીખા ઓડકાર આવ્યા કરે છે અને ઍસિડિટીને કારણે છાતીમાં બળતરા થાય છે.
અપચો, કબજિયાતને કારણે વારંવાર મોંમાં ચાંદાં પડી જાય છે?
તો તમારા માટે વરિયાળી બેસ્ટ છે. મુખવાસ તરીકે, શરબત તરીકે કે પછી વરિયાળીનું ચૂર્ણ ઔષધ તરીકે પણ લઈ શકો છો. વરિયાળીથી ઉપરની બધી જ સમસ્યાઓમાં ફાયદો થાય છે, જોકે કઈ તકલીફ માટે તમે કેવી વરિયાળી ખાઓ છો એ પણ વધુ મહત્વનું છે.
ગુણધર્મો
ક્યારે કેવી વરિયાળી ખાવી એ સમજવા માટે પહેલાં વરિયાળીના ગુણધર્મો જાણવા પડે. વરિયાળીનું સંસ્કૃત નામ મધુરિકા છે એ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘વરિયાળી ગુણમાં મધુર હોવાથી વાયુનું અને શીતળ હોવાથી પિત્તનું શમન કરે છે. એમાં મેદ્ય ગુણ રહેલા છે ને એટલે નિયમિત ખાવાથી ગ્રહણશક્તિ વધે છે. કાચી અને શેકેલી વરિયાળીઓના ગુણધર્મો અલગ-અલગ હોય છે. કાચી વરિયાળી અગ્નિવર્ધક છે ને દીપન-પાચન સુધારે છે. એટલે ભૂખ્યા પેટે જો કાચી વરિયાળી ખાવામાં આવે તો એ ક્યારેક ઍસિડિટી કરે છે. શેકેલી વરિયાળી પિત્ત કરતી નથી, બલ્કે પિત્તનું શમન કરે છે અને ઍસિડિટી ઘટાડે છે.’
ક્યારે કેવી વરિયાળી ખાવી?
ગુણધર્મો પરથી ડૉ. રવિ કોઠારી સમજાવે છે કે ‘જો ભૂખ ન લાગતી હોય, પાચકરસો યોગ્ય માત્રામાં ન ઝરતા હોય તો કાચી વરિયાળી જમતાં પહેલાં ખાવી જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઍસિડિટીની તકલીફ હોય અને જો તમે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાશો તો તકલીફ વધશે. તમારે પિત્તનું પાચન થઈને સરણ થઈ જાય એ માટે શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઔષધ માટે વપરાતી વરિયાળીને શેકીને એનું ચૂર્ણ કરીને ભરી રાખવી બહેતર છે. ઉનાળામાં જો પાચનસંબંધી તકલીફો માટે વરિયાળી ખાવી હોય તો એ જમ્યા પછી અને શેકેલી વરિયાળી જ ખાવી. ધારો કે કાચી વરિયાળી ખાવી હોય કે ખવાઈ જાય તો એ પછી થોડુંક ખાઈ લેવું, નહીંતર ઍસિડિટી થઈ શકે છે.’
મુખવાસમાં મીઠું-હળદર
દિવસ દરમ્યાન એમ જ વરિયાળી ખાવી
હોય તો એ સાદી શેકેલી હોય એ જરૂરી છે, બાકી મુખવાસમાં વપરાતી આ વરિયાળીને પહેલાં મીઠું, લીંબુ અને હળદર નાખીને થોડોક સમય રાખી મૂકવી ને પછી ધીમી આંચે શેકવી. નમક-લીંબુને કારણે પાચન સુધરે છે અને હળદરથી કફ છૂટો પડે છે. જો બ્લડપ્રેશરની તકલીફ હોય તો સાદી જ વરિયાળી ખાવી બહેતર રહેશે. જમ્યા પછી એક્સ્ટ્રા નમક લેવાથી બીપીની તકલીફ વધુ થઈ શકે છે.
વરિયાળી-ખડી સાકરનું ચૂર્ણ
ઉનાળામાં ઍસિડિટી, પિત્ત ઉપર ચડી જવું, ગરમીને કારણે માથું દુખવું જેવી સમસ્યાઓ થાય છે. એમાં વરિયાળી અને ખડી સાકરનું ચૂર્ણ ઉત્તમ છે. અગેઇન, આમાં પણ શેકેલી વરિયાળી જ વાપરવી. ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જ્યારે પણ પિત્તનું શમન કરવા માટે વરિયાળી વપરાય ત્યારે હંમેશાં એ સાદી શેકેલી જ લેવી. કાચી ચીજો પિત્ત કરે ને પાકેલી ચીજો પિત્ત શમન કરે છે. શેકેલી વરિયાળીનું ખાંડેલું ચૂર્ણ ૧૦ ગ્રામ અને એમાં પાંચ ગ્રામ ખડી સાકરનું ચૂર્ણ મેળવીને ચાવી-ચાવીને ખાવું. એમ કરવાથી પિત્ત શમે છે, માથું ઊતરે છે, ઊબકા આવતા હોય તો અટકે છે.’
પિત્તના શમન માટે વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકરને પલાળીને એનું પાણી લેવાનો પ્રયોગ પણ પ્રચલિત છે. એમાં પણ ડૉ. રવિ કોઠારી કાચી નહીં પણ શેકેલી વરિયાળી લેવાની જ સલાહ આપે છે.
વરિયાળીનું શરબત બનાવો એમાં પણ શેકેલી વરિયાળી જ વપરાઈ હોય તો વધુ ગુણકારી ગણાય છે.


