કયાં ઓટ હેલ્ધી કહેવાય? ક્વિક કે રેગ્યુલર?
હેલ્થ-વેલ્થ- સેજલ પટેલ
ચોમેર ઓટ્સનો હેલ્ધી ફૂડ પ્રોડક્ટ તરીકે એટલો પ્રચાર થઈ રહ્યો છે કે હવે હેલ્થ-કૉન્શિયસ લોકો ગ્રોસરી સ્ટોર્સમાં ઓટ્સની શોધખોળ કરવા લાગ્યા છે. ટીવીની જાહેરખબરોમાં ક્વિક ઓટ્સ વિશે સાંભળીને બે મિનિટમાં તૈયાર થઈ જાય એવા ઇન્સ્ટન્ટ અને કહેવાતા હેલ્ધી મીલનું ચલણ વધી રહ્યું છે. આ ઓટ્સ બે જ મિનિટમાં તૈયાર થઈ જાય એવાં અને પાછાં હેલ્ધી પણ હોય એવું માર્કેટિંગ કરવામાં આવ્યું છે. પણ શું એ ખરેખર હેલ્ધી હોય છે?
હકીકતમાં હેલ્ધી ઓટ વિશે બહુ ઓછી જાણકારી ભારતીયોમાં છે. આપણે તો બસ ઇન્સ્ટન્ટ ઓટ્સ કે ક્વિક ઓટ્સ વિશે જ જાણીએ છીએ, જે ઝટપટ તૈયાર થઈ જાય છે. આ પ્રકારનાં એ સૌથી ઊતરતી કક્ષાનાં ઓટ્સ છે. કોઈ મોટી સુપરમાર્કેટમાં જઈએ તો વિવિધ પ્રકારનાં ઓટ્સ જોવા મળે. આ પ્રકારો શું છે અને એની ખાસિયત શું છે એ બાબતે થોડુંક પહેલેથી જાણી લીધું હોય તો આપણા માટે બેસ્ટ ઑપ્શન પસંદ કરવામાં સરળતા રહે.
કેટલા પ્રકાર છે?
ઘઉં કે ચોખાનાં છોડાંવાળા જવ જેવા જ દેખાતા એક ધાન્યમાંથી ઓટ બને છે. ઓટ જે છોડ પર ઊગે છે એનું વૈજ્ઞાનિક નામ છે અનેવા સતીવા. આ ધાન્ય ઘઉં કે ચોખાની જેમ આખેઆખું વાપરવામાં નથી આવતું કેમ કે એ પચવામાં ભારે છે. આ ધાન્યનું પ્રોસેસિંગ કરીને એમાંથી ઓટ્સ તૈયાર કરવામાં આવે છે. મતલબ કે કોઈ પણ પ્રકારનાં ઓટ્સ હોય એ વધતેઓછે અંશે પ્રોસેસ્ડ જ હોય છે. જોકે બધી જ પ્રોસેસ્ડ ચીજ ખરાબ જ હોય એવી ધારણા બાંધી ન લેવી જોઈએ. કેટલું પ્રોસેસિંગ થયું છે એના આધારે એ કેટલાં હેલ્ધી કહેવાય એ નક્કી થાય છે. ઘઉં કે ચોખાના જવની જેમ ઓટની ઉપરનું બ્રેન એટલે કે છોડાં પણ પૂરેપૂરાં સુપાચ્ય નથી. એટલે એને કાઢીને પ્રાથમિક કક્ષાનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોય તો એ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.ભારતમાં લગભગ છ પ્રકારનાં ઓટ્સ છૂટથી મળે છે. આખા ઓટના છડેલા દાણા જેવાં ઓટ, સ્ટીલ કટ એટલે કે ભરડેલાં ઓટ, ચોખાની કણકી જેવાં સ્કૉટિશ ઓટ, રેગ્યુલર રોલ્ડ ઓટ, ક્વિક રોલ્ડ ઓટ, ઇન્સ્ટન્ટ રોલ્ડ ઓટ.
હોલ ઓટ ગ્રોટ્સ
છડેલા દાણા જેવા આ ધાન્યમાં સૌથી ઓછામાં ઓછું પ્રોસેસિંગ થયેલું હોય છે. તેલીબિયાં જેવી ફ્લેવર અને મૅક્સિમમ ફાઇબર એમાં જળવાયેલું હોવાથી એને પકવવામાં સૌથી વધુ વાર લાગે છે. આશરે એક કલાક સુધી એને દૂધ કે પાણીમાં બાફવામાં આવે ત્યારે એ ચાવી શકાય એવાં પોચાં બને. આ પ્રકારનાં પા કપ ઓટ ખાઓ તો પેટ ફુલ થઈ જાય અને ધીમે-ધીમે એ પચીને લગભગ દોઢથી બે કલાક સુધી પેટ ભરેલું હોવાની ફીલિંગ આપે. પા કપ ઓટમાં ૧૩૦ કૅલરી, ૩ ગ્રામ ફૅટ, ૩૧ ગ્રામ કાબોર્હાઇડ્રેટ્સ, પાંચ ગ્રામ જેટલું ફાઇબર અને ૮ ગ્રામ પ્રોટીન હોય. વેઇટ-લોસ, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ માટે ઓટમીલ બ્રેકફાસ્ટ કરતા હો તો આ પ્રકારનાં ઓટ્સ સૌથી બેસ્ટ ગણાય. અલબત્ત, એ સ્વાદમાં એટલાં સારાં ન હોવાથી હાર્ડકોર હેલ્થ-કૉન્શિયસ લોકો જ એ પ્રિફર કરે છે.
સ્ટીલ કટ ઓટ
સાદી ભાષામાં કહીએ તો ઘઉંના ફાડાની જેમ ધાન્યને ભરડીને બનાવેલાં ઓટ હોય છે. આઇરિશ ઓટ તરીકે પણ એ જાણીતાં છે. શાર્પ મેટલ બ્લેડથી ધાન્યને ભરડીને તૈયાર કરવામાં આવેલા ફાડાનો ગુણ પણ ઘણે અંશે હોલ ઓટ ગ્રોટ્સને મળતા આવે છે. અલબત્ત, માત્ર છડેલાં ઓટ કરતાં ભરડેલાં ઓટને પકવવામાં લગભગ અડધો સમય લાગે છે. એને ૨૦થી ૩૦ મિનિટ રાંધવાં પડે. પા કપ ડ્રાય ભરડેલાં ઓટમાં ૧૭૦ કૅલરી, ૩ ગ્રામ ફૅટ, ૨૯ ગ્રામ કાબોર્હાઇડ્રેટ, પાંચ ગ્રામ ફાઇબર અને ૭ ગ્રામ પ્રોટીન હોય છે. ભલે એ હોલ ઓટ્સ કરતાં થોડાંક ઓછાં હેલ્ધી છે, પણ ભરડેલાં ઓટ્સ હવે વેઇટ-લૉસ માટે ફેમસ થઈ રહ્યાં છે અને છૂટથી બધે મળે પણ છે.
ADVERTISEMENT
સ્કૉટિશ ઓટ
આ ઓટ ફાડા કરતાં ઝીણાં અને કણકી જેવાં દાણાવાળાં હોય છે. સ્કૉટલૅન્ડમાં આ પ્રકારનું ધાન્ય સદીઓથી વપરાતું હોવાથી એને સ્કૉટિશ ઓટ કહેવાય છે. આ ઓટ ઝીણા દાણાવાળું હોવાથી એને પકવવામાં લગભગ દસથી બાર મિનિટ લાગે છે. માઇક્રોવેવમાં તો એ ત્રણથી પાંચ જ મિનિટમાં થઈ જાય છે. આ ઓટ્સ ખરા અર્થમાં ક્વિક ઓટ કહેવાય. એ ઝડપથી રંધાઈ જતાં હોવા છતાં એમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા જળવાયેલી હોય છે. પા કપ આવા ઓટમાં ૧૪૦ કૅલરી, ૨.૫ ગ્રામ ફૅટ, ૨૩ ગ્રામ કાબોર્હાઇડ્રેટ, ૪ ગ્રામ ફાઇબર અને ૬ ગ્રામ પ્રોટીન હોય છે. આ ઓટ પણ ઓછાં પ્રોસેસ્ડ અને હોલ-ફૂડની કૅટેગરીમાં આવે.
રેગ્યુલર રોલ્ડ ઓટ
ઓટના દાણાને બાફીને, દબાવીને અધકચરાં પકવીને પછી સૂકવીને તૈયાર કરવામાં આવે છે એ રોલ્ડ ઓટની કૅટેગરીમાં આવે. તમામ પ્રકારનાં રોલ્ડ ઓટ્સ હાઇલી પ્રોસેસ્ડ કૅટેગરીમાં આવે છે. જોકે રેગ્યુલર રોલ્ડ ઓટ્સ છે એ અન્ય તમામ રોલ્ડ ઓટ્સની સરખામણીમાં સૌથી સારાં ગણાય. એ ઝટપટ રંધાઈ જતાં હોવા છતાં ધીમે-ધીમે પચતાં હોવાથી બ્લડ-શુગર કન્ટ્રોલ કરવામાં, વેઇટ-લૉસ તેમ જ કૉલેસ્ટરોલ માટે વપરાય છે. અડધો કપ ડ્રાય ઓટ્સમાં ૧૯૦ કૅલરી, ૩.૫ ગ્રામ ફૅટ, ૩૨ ગ્રામ કાબોર્હાઇડ્રેટ, પાંચ ગ્રામ ફાઇબર અને એક ગ્રામ શુગર હોય છે. વલ્ર્ડમાં આ સૌથી વધુ ફેમસ અને સૌથી વધુ વપરાતાં ઓટ્સ છે.
ક્વિક અને ઇન્સ્ટન્ટ રોલ્ડ ઓટ્સ
આ બન્ને કૅટેગરી ઓવર પ્રોસેસ્ડ ઓટની કહેવાય. બે મિનિટમાં તૈયાર થઈ જાય એ માટે પ્રોસેસિંગ દરમ્યાન તેને ખૂબ જ વધારે માત્રામાં પકવેલાં હોય છે. એટલે જ ક્વિક ઓટ પાંચ મિનિટમાં અને ઇન્સ્ટન્ટ ઓટ તો બે મિનિટમાં જ રંધાઈ જાય છે. અલબત્ત, એનાથી એની
હેલ્થ-પ્રૉપર્ટીમાં ગાબડાં પેદા થઈ જાય છે. આ બન્ને પ્રકારનાં ઓટમાંથી ફાઇબરનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. અગેઇન આ ફાઇબર એવું હોય છે કે ઝટપટ રંધાઈ પણ જાય છે અને પચી પણ જાય છે. એને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવાનું કામ આ બે પ્રકારનાં ઓટ્સથી નથી થતું. ઇન્ડિયામાં આ બન્ને પ્રકારનાં ઓટ્સનું વેઇટ-લૉસ કે બ્લડ-શુગર કન્ટ્રોલ માટે પુષ્કળ માર્કેટિંગ થાય છે અને વેચાય છે પણ વધુ, પણ એનો ફાયદો ઉપરનાં તમામ ઓટ્સ કરતાં સૌથી ઓછો થાય છે.
ઓટ બ્રેન અને ઓટ ફ્લોર
ધાન્યની ઉપરનાં છોડાંનું પ્રોસેસિંગ કરીને પચી શકે એવાં ફાઇબરવાળાં ઓટ બ્રેન પણ મળે છે અને જવના લોટની જેમ ઓટનો લોટ પણ પણ મળે છે જે સૂપ અને બ્રેડ વગેરે બનાવવામાં વપરાય છે.

