Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ

વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ

22 January, 2021 06:02 PM IST | Mumbai
Darshini Vashi

વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ

વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ

વાહ, ક્યા યુનિક ફૂડ કૉમ્બિનેશન હૈ


થોડા સમય પહેલાં ફેસબુક પર એક વ્યક્તિએ ચ્યવનપ્રાશની સાથે બોનબોન બિસ્કિટને ડીપ કરતો એક ફોટો શૅર કર્યો. એકદમ યુનિક લાગતાં આ ફૂડ-કૉમ્બિનેશનના ફોટોને જોતજોતામાં એટલીબધી કમેન્ટ અને લાઇક મળી કે એ ફોટો વાઇરલ થઈ ગયો. આ તો ઠીક છે, પરંતુ ફોટોની નીચે કમેન્ટ-બૉક્સમાં લોકોએ પોતે કયાં બે ઑડ ફૂડને મિક્સ કરીને ખાય છે એના વિશે ચર્ચા શરૂ કરી દીધી હતી, જેનું એક મોટું લિસ્ટ બહાર આવ્યું હતું જે ખરેખર રસપ્રદ હતું. બે ઑડ ફૂડને કમ્બાઇન કરીને ખાવાના શોખને જાણવા અમે કેટલાક લોકો સાથે વાત કરી. જેમની ઑડ ફૂડની જોડી વિશે જાણીને તમને નવાઈ તો લાગશે અને સાથે મજા પણ આવશે.

દાળ-ભાત સાથે મને કોબીનું શાક અને દૂધ- કેળાં ખાવાની આદત છે : બીજલ જગડ, ઘાટકોપર



અમારા ઘરમાં પહેલાંથી કોબીના શાક સાથે સાઇડમાં દૂધ-કેળાં હોય જ છે, પરંતુ મને ખબર નહીં શું મન થયું અને મેં દાળ-ભાત સાથે કોબીનું શાક અને દૂધ-કેળાં મસળીને ખાવાની ટ્રાય કરી. મને તેનો ટેસ્ટ ભાવી ગયો અને બસ પછી તો એ રૂટીન થઈ ગયું એમ ઘાટકોપરમાં રહેતાં બીજલ જગડ કહે છે અને ઉમેરે છે, ‘અમે પહેલાં ૨૯ જણની જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હતા ત્યારે આટલા બધા માટે માત્ર રોટલી-શાક પૂરતાં થતાં નહીં એટલે થાળીમાં સાઇડમાં કંઈક ને કંઈક મૂકવામાં આવતું જે હવે મારું રૂટીન બની ગયું છે. મને
દરેક શાક સાથે કંઈક ને કંઈક મિક્સ કરીને ખાવાની આદત છે. જેમ કે ટીંડોળાના શાક સાથે ગોળ અને ભાત.’


રજાના દિવસે રોટલી સાથે નડિયાદી ભૂસું અમારા ઘરે હોય જ : રોહિત દલાલ, મલાડ

મલાડમાં જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા વરિષ્ઠ નાગરિક રોહિત દલાલ કહે છે, ‘અમારા ઘરે રજાના દિવસે સવારે રોટલી અને નડિયાદી ભૂસું હોય છે. અમે ઘરના બધા સભ્યો વર્ષોથી રોટલી અને નડિયાદી ભૂસું રોટલી-શાકની જેમ જ ખાતા આવ્યા છીએ. દર રવિવારનું અમારું આ મેન્યૂ ફિક્સ જ હોય છે. એ સિવાય અમે દાળ-ભાતને શાકની જેમ પ્લેટમાં સર્વ કરીને રોટલી સાથે ખાઈએ છીએ તેમ જ ચા સાથે અમને ગાંઠિયા જ જોઈએ છે, એ પછી ભાવનગરી હોય કે વણેલા કે પછી તીખા હોય, અમે બધા ટેસ્ટના ગાંઠિયા ચા સાથે ખાઈએ છીએ. અમારા ઘરે આવતા મહેમાનોને પણ અમારી બધી રેસિપી ટેસ્ટ કરવા ઑફર કરીએ છીએ. પહેલાં તો તેઓ ના પાડે છે, પરંતુ ચાખ્યા બાદ તો તેઓને પણ મજા પડી જાય છે.’


વઘારેલા મમરા સાથે બટાટાનું રસાવાળું શાક અમને બધાને ભાવે છે : સૌમિલ મહેતા, અંધેરી

મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા અને અંધેરીમાં રહેતા સૌમિલ મહેતા કહે છે, ‘વઘારેલા મમરા અને એની સાથે ગરમાગરમ બટાટાનું રસાવાળું શાક અમને ઘરમાં બધાને ભાવે છે. આ ઉપરાંત મને મમરાની અંદર અથાણું નાખીને ખાવાનું પણ ગમે છે. ઑફિસથી થાકીને ઘરે આવ્યા બાદ આવું કંઈક મળી જાય તો પછી થાક પણ ઊતરી જાય છે. મારા ઘરમાં હું નાનો હતો ત્યારથી અન્ય સભ્યોને આવા કૉમ્બિનેશનમાં ફૂડ-આઇટમ ખાતતાં જોતો આવ્યો છું જેને લીધે મને પણ આવાં યુનિક કૉમ્બિનેશન સાથેની ફૂડ-આઇટમ ખાવાની આદત પડી ગઈ હતી. અમારા ઘરે કેળાની પૂરી બને છે જેને મારા કાકા ચામાં ડીપ કરીને ખાતા આવ્યા છે જેમને જોઈને હું પણ એમ જ કરતો થઈ ગયો હતો.’

છાશ સાથે સ્પ્રાઇટ મિક્સ કરીને પીઉં છું : આદિત્ય મારુ, નાલાસોપારા

સ્પ્રાઇટ સાથે છાશ મિક્સ કરીને હું પીઉં છું એમ હું જેને કહું છું તેને નવાઈ લાગે છે એમ નાલાસોપારામાં રહેતા આદિત્ય મારુ પોતાનાઅ તરંગી ફૂડ-કૉમ્બિનેશન વિશે કહે છે, ‘હું પહેલાં આવું બધું નહોતો ખાતો, પરતું થોડા સમય પૂર્વે મારી વાઇફને ૬ મહિના બેડ-રેસ્ટ આવવાને લીધે મને જે મળતું હતું એમાં કંઈ પણ મિક્સ કરીને ખાવા લાગ્યો. આમ મને હવે ઑડ ફૂડ બનાવીને ખાવાની આદત પડી ગઈ છે. આ સિવાય હું શેરડીના રસમાં પણ કોલ્ડ ડ્રિન્ક ઉમેરું છું અને પાપડ, ખાખરાનો ચૂરો કરીને એમાં કાંદા અને ચટણી મિક્સ કરીને અવારનવાર ખાતો હોઉં છું. મને જોઈને મારી ૭ વર્ષની દીકરીને પણ ઑડ ફૂડ મિક્સ કરીને ખાવાની આદત પડી ગઈ છે. તે ક્રીમ બિસ્કિટને ચામાં ડીપ કરીને ખાય છે તેમ જ ખીચડીની અંદર ચૉકલેટ સૉસ ઉમેરીને ખાય છે.’

રીંગણના ભરથા સાથે ભાત ખાવાની મારી આદત ઘણાને અજીબ લાગે છે : ગાયત્રી નાયક, બોરીવલી

હાલમાં જ ભણતર પૂરું કરનાર બોરીવલીમાં રહેતાં ગાયત્રી નાયક કહે છે, ‘મને રીંગણના ભરથા સાથે ભાત મિક્સ કરીને ખાવાની આદત છે. ઘણાને એ અજીબ લાગે છે, પરંતુ મને ભાવે છે. હું નાની હતી ત્યારથી મારી મમ્મી જૉબ પર જતી એટલે મને ભૂખ લાગે ત્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય એ વસ્તુમાં મિક્સ ઍન્ડ મૅચ કરીને ખાવાની આદત પડી ગઈ હતી. આમ મને ભરથાની સાથે ભાત ખાવાની આદત પડી ગઈ હતી. હું કોઈના ઘરે જાઉં છું તો તેઓ પણ મને કહેતા હોય છે કે આવું શું ભાવતું હશે. આ ઉપરાંત મને સૅન્ડવિચના બે બ્રેડ વચ્ચે મૅગી મૂકીને તેમ જ ખાખરા પર કૅચઅપ અને ચીઝ નાખીને ખાવાની આદત છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 06:02 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK