પ્રકાશ ખમણ એવાં તે પૉપ્યુલર થયાં કે એક તબક્કે આ વિસ્તારમાં પચીસ-પચાસ લોકોએ આ જ નામથી ખમણ બનાવવાનું ચાલુ કરી દીધું, જેને અટકાવવા માલિકોએ પોતાના નામનો ટ્રેડમાર્ક કરાવવો પડ્યો
પ્રકાશ ખમણ ખાતા સંજય ગોરડિયા
તમને નવાઈ લાગશે પણ આ વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જો પ્રકાશનાં ખમણ રાખવામાં આવ્યાં હોય તો લોકો કંકોતરીમાં લખે કે જમણવારમાં પ્રકાશનાં ખમણ છે!
ગયા ગુરુવારે તમને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરની ટહુકોની ભેળનો આસ્વાદ કરાવ્યો પણ એ જ ટૂરમાં કરેલી એક અન્ય વરાઇટીનો આસ્વાદ આજે આપણે કરવાનો છે. વડનગર અને એની આજુબાજુમાં આવેલા મહેસાણા અને વીસનગર એ આમ બધો એક જ વિસ્તાર કહેવાય. લોકો પણ એવી રીતે અવરજવર કરે જાણે કે બોરીવલીથી અંધેરી અને કાંદિવલીથી ઘાટકોપર જતા હોય.
ADVERTISEMENT
મુંબઈથી હું સીધો મહેસાણા ગયો હતો અને ત્યાં મને યજમાન ઇલિયાસભાઈ લેવા આવ્યા હતા. આ મહેસાણા અને વીસનગરમાં પ્રકાશ ખમણ નામની દુકાન છે. મળે ત્યાં બધું ફરસાણ-મીઠાઈ અને સૂકા નાસ્તાઓ, પણ નામ પરથી જ તમને સમજાયું હશે કે ફેમસ થયા એ લોકો ખમણના કારણે. ઇલિયાસભાઈએ જ મને સજેસ્ટ કર્યું કે તમને આ પ્રકાશના ખમણ ખાવા લઈ જાઉં. અગાઉ પણ મેં આ નામ સાંભળ્યું હતું પણ મને જવાનો ચાન્સ નહોતો મળ્યો એટલે હું તો રાજી થઈ ગયો.
પ્રકાશ ખમણની દુકાન ૧૯૭૪માં વીસનગરમાં શરૂ થઈ. દેશી હિસાબ માંડો તો ખબર પડે કે ૪૮ વર્ષથી એ ચાલે છે. વીસનગર પછી એ લોકો મહેસાણામાં આવ્યા અને મહેસાણામાં પણ બહુ પૉપ્યુલર થયા. ઍક્ચ્યુઅલી, આ આખા પંથકમાં પ્રકાશનાં ખમણ બહુ વખણાયાં. એક તબક્કે તો આ ખમણ એવાં તે ડિમાન્ડમાં આવ્યાં કે આસપાસના વિસ્તારમાં કેટલાય લોકોએ પ્રકાશ ખમણના નામે દુકાનો શરૂ કરી દીધી. એ લોકોને અટકાવવા અને ક્વૉલિટીથી બનાવેલી પોતાની શાખને ડૅમેજ ન થાય એ માટે પ્રકાશ ખમણના માલિકોએ ટ્રેડમાર્ક પણ લીધો. તમને નવાઈ લાગશે પણ આ વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જો પ્રકાશનાં ખમણ રાખવામાં આવ્યાં હોય તો લોકો કંકોતરીમાં લખે કે જમણવારમાં પ્રકાશનાં ખમણ છે!
ખમણ સાથે ચટણી આપે પણ એ ચટણી વિના પણ ખમણ ખાઓ તો સહેજ પણ ગળે અટકે નહીં. સાઇઝ કહું તો સાહેબ, આપણા હાથની પહેલી આંગળી હોય એટલાં ફૂલેલાં અને સૉફ્ટનેસ એવી તે સહેજ અમસ્તા જીભના ભારથી પણ એ મોઢામાં પીગળી જાય. આપણે ત્યાં મોટા ભાગના લોકો ઓરિજિનલ વરાઇટીનો સ્વાદ પકડવા જાય છે પણ પ્રકાશના ખમણમાં એવું નથી.
ખમણ સુરતનાં પૉપ્યુલર પણ પ્રકાશમાં મળતાં ખમણમાં તમે ઉત્તર-મધ્ય ગુજરાતનો ટેસ્ટ રીતસર અનુભવી શકો. સાદાં અને વઘારેલાં ખમણ ઉપરાંત પ્રકાશમાં ટમટમ અને વાટીદાળનાં ખમણ પણ મળે છે. ખમણ ઉપર કરવામાં આવેલા વઘારમાં રાઈ અને લીલાં મરચાંનો છૂટથી ઉપયોગ થાય, જેને લીધે એ વઘાર બફાયેલાં ખમણની રગ-રગમાં ઊતરી જાય છે. તૈયાર થયેલા આ ખમણ પર ગાર્નિશિંગ માટે કોથમીર ભભરાવામાં આવે. મિત્રો, જ્યારે પણ મહેસાણા કે વીસનગર જવાનું બને ત્યારે આ ખમણ અચૂક ટેસ્ટ કરજો. એની મોટામાં મોટી ખાસિયત જો કોઈ હોય તો એ મહેસાણાનાં ખમણ છે અને એમાં ક્યાંય કોઈની નકલ જોવા મળતી નથી.


