તમારો વૉર્ડરોબ અધૂરો છે વન-પીસ ડ્રેસ વગર

લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર
પહેલાં માત્ર કૉકટેલ પાર્ટી માટે જ લૉન્ગ ગાઉનની કે વન-પીસની ખરીદી કરવામાં આવતી. વન-પીસ એટલે ટૉપ ટુ બૉટમ માત્ર એક જ ડ્રેસ. હવે એને માત્ર ડ્રેસ તરીકે જ ઓળખવામાં આવે છે.
લૉન્ગ ગાઉન કે ડ્રેસ હવે કોઈ ફંક્શન સુધી જ સીમિત નથી રહ્યાં, પરંતુ દરેક યુવતી કે મહિલા પાસે હોય જ છે. એના વગર વૉર્ડરોબ અધૂરો છે એમ કહી શકાય. એમાં ઘણી પૅટર્ન
અલગ-અલગ લેન્ગ્થ સાથે આવે છે જેમ કે ફ્લોર-લેન્ગ્થ, કાફ- લેન્ગ્થ, ની-લેન્ગ્થ અને અબોવ ની-લેન્ગ્થ, અનઈવન, મર્મેડ વગેરે. આવા ડ્રેસ પહેલાં માત્ર ફૉર્મલી જ પહેરાતા હતા; પરંતુ હવે કૅઝ્યુઅલી, ફૉર્મલી અને ટ્રેડિશનલી પણ પહેરાય છે.
કૅઝ્યુઅલ
કૅઝ્યુઅલ ડ્રેસ મોટા ભાગે પ્યૉર શિફૉન, જ્યૉર્જેટ, નેટ, લિનન અથવા હોઝિયરીમાં બને છે અને એની લેન્ગ્થ ની અથવા અબોવ ની સુધીની એટલે કે ગોઠણથી ઉપર હોય છે. એવું નથી કે શૉર્ટ લેન્ગ્થ છે એટલે કૅઝ્યુઅલ ડ્રેસ છે, પરંતુ એનો લુક જ એવો હોય છે. આવા ડ્રેસ ખૂબ જ સિમ્પલ હોય છે અને એમાં થોડું સ્ટાઇલિંગ હોય છે. કૅઝ્યુઅલ ડ્રેસમાં ક્યારેક બેલ્ટ પણ પહેરવામાં આવે છે. કૅઝ્યુઅલ ડ્રેસ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે હાઈ હીલ્સ ન પહેરો. હાઈ હીલ્સ કૅઝ્યુઅલ ડ્રેસને ફૉર્મલ લુક આપશે જે ખરેખર તો ડ્રેસ સાથે મૅચ જ નહીં થાય. આવા ડ્રેસ સાથે ફ્લૅટ ચંપલ વધારે સારાં લાગશે. હેરમાં પણ જો મેસી લુક આપવામાં આવે તો વધારે સારું લાગશે. સૉફ્ટ કલ્ર્સ અથવા સ્ટ્રેટ હેર પણ સારા લાગી શકે.
ફૉર્મલ
ફૉર્મલ ડ્રેસ તમે અવૉર્ડ-ફંક્શનમાં અથવા તો કૉકટેલ પાર્ટીમાં ખાસ જોયા હશે. આવાં ગાઉન ખાસ કરીને લાયક્રા અને હોઝિયરી મિક્સમાંથી બનાવવામાં આવે છે. તેમ જ નેટ જેવા ફ્લોઇ ફૅબ્રિકમાંથી પણ બને છે. આવા ડ્રેસ મોટા ભાગે બૉડી-ફિટેડ જ હોય છે. આવા ડ્રેસ પાતળી અને વેલ-મેઇન્ટેન્ડ બૉડી પર જ સારા લાગે છે. જોકે હવે હેવી બૉડીવાળા પણ આવા ડ્રેસ પહેરતાં અચકાતા નથી. આવા ડ્રેસ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જો તમારી બૉડી હેવી છે તો તમારે ફુલ બૉડી કૉર્સેટ પહેરવું પડે જેથી પેટ થોડું ઓછું લાગે. ફૉર્મલ ડ્રેસ પહેરતી વખતે એની ગરિમા જાળવવી પડે છે. જેમ કે એની સાથે પ્રૉપર મેકઅપ અને ઍક્સેસરી પણ પ્રસંગને અનુરૂપ હોવી જ જોઈએ. જેમ કે આવા ડ્રેસમાં વધારે કંઈ પહેરવાની જરૂર નથી પડતી, માત્ર હાથમાં એક બ્રેસલેટ અને કાનમાં ટૉપ્સ કે લૉન્ગ ઇઅર-રિંગ્સ પહેરવી. જો તમારા ડ્રેસની નેકલાઇન થોડી બ્રૉડ હોય તો લૉન્ગ ઇઅર-રિંગ સારી લાગી શકે અને જો ક્લોઝ નેક હોય તો ટૉપ્સ સારાં લાગી શકે. આવા ડ્રેસમાં હાઈ હીલ્સ જ પહેરવી પડે છે જેના લીધે પ્રૉપર ફૉર્મલ લુક મેઇન્ટેન થાય.
ટ્રેડિશનલ
લૉન્ગ ગાઉન અથવા ફ્લોર-લેન્ગ્થ અનારકલી લગભગ તો એક જ છે એમ કહી શકાય. આવા ડ્રેસ ખાસ કરીને નેટ ફૅબ્રિકમાં બને છે અથવા તો લિનન અને રૉ-સિલ્ક જેવાં સ્ટિફ ફૅબ્રિકમાં. આવા ડ્રેસમાં થોડું સ્ટોન વર્ક અથવા ડાયમન્ડ વર્ક જોવા મળે છે અને આવા ડ્રેસ લગ્નના રિસેપ્શનમાં સારા લાગે છે. આવા ડ્રેસ લગભગ બધી જ બૉડીટાઇપ પર સૂટ થાય છે. ઇન ફૅક્ટ આવા ડ્રેસ પહેરવાથી થોડો જાજરમાન લુક આવે છે. નેટવાળા હેવી ડ્રેસ લગ્નના રિસેપ્શનમાં સારા લાગે તો લિનન કે રૉ-સિલ્કના ડ્રેસ ફૉર્મલ ડિનર માટે સારા લાગી શકે. આવા ડ્રેસમાં નો-જ્વેલરી લુક સારો લાગે અથવા મિનિમમ જ્વેલરી લુક. આ ડ્રેસમાં હાઈ હીલ્સ એક કમ્પ્લીટ લુક આપશે.
ADVERTISEMENT
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જો તમારો ડ્રેસ ઑફશોલ્ડર કે સ્પૅઘેટીવાળો છે તો તમારા શોલ્ડરને આકર્ષક બનાવવા ખભા પર પણ બ્લીચ કરાવવું.
જે મેકઅપ તમે ફેસ પર કરવાના છો એ મેકઅપ તમારે શોલ્ડર પર પણ કરવો, નહીં તો શોલ્ડર અલગ લાગશે.
હેરમાં પ્રૉપર બ્લો ડ્રાય કરાવવું જેથી તમારું ફંક્શન પૂરું થાય ત્યાં સુધી લુક મેઇન્ટેન થાય.
આવા ડ્રેસ સાથે ક્લચ અથવા બટવા સારાં લાગે, હૅન્ડબૅગ કૅરી ન કરવી.
