જો તમે હસવાનું ભૂલી ગયા હો અને વારંવાર ગુસ્સો કરતા હો તો તમને ક્રોઝ ફીટ રિન્કલ્સ આવી શકે છે

DEMO PIC
ADVERTISEMENT
લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા
આજની જનરેશન પોતાના લુક્સને લઈને ઘણી સજાગ થઈ ગઈ છે. જે વસ્તુ તેમને લુક્સમાં નથી ગમતી એ વસ્તુને તેઓ એક મિનિટમાં જડમૂળથી ઉખેડી નાખે છે. તેમને એકદમ પર્ફેક્ટ અને અપ-ટુ-ડેટ રહેવું વધારે ગમે છે. સૌંદર્યને લઈને તેઓ જરા પણ ઉપર-નીચે ચલાવી લેતા નથી. કપડાં પર કરચલીઓ પડે છે એને ઇસ્ત્રીથી સાફ કરવામાં આવે છે એમ ફેસ પર પડેલી કરચલીઓને કૉસ્મેટિક સર્જરીથી સાફ કરવામાં આવે છે. પણ કપડાંની કરચલીઓ તો એક જ હશે, પણ આપણને જેટલી કરચલીઓ પડે છે એટલાં એ કરચલીઓનાં નવાં નામનો જન્મ થાય છે. આજે આવી જ એક નવી કરચલી વિશે જાણવાનું છે જેના વિશે બધાને ખબર છે, પણ એ કરચલીને શું કહેવાય એ અમુક લોકોેને જ કદાચ ખબર હશે.
જ્યારે આપણે કોઈ દૂરની વસ્તુને જોવા માટે આંખો ઝીણી કરીએ છીએ એ સમયે આંખની આસપાસ જે ઝીણી-ઝીણી લાઇનો આવે છે એ આપણી આંખના બહારના ખૂણામાં ઉદ્ભવતી કરચલીઓ છે. આ કરચલીઓને ક્રોઝ ફીટ રિન્કલ્સ કહેવામાં આવે છે. ક્રોઝ ફીટ રિન્કલ્સ એટલે કાગડાના પગ જેવી કરચલીઓ. એ સિવાય આને લાફ્ટર-લાઇન પણ કહેવામાં આવે છે. આ કરચલીઓ ઉંમર વધવાની સાથે વધારે ડાર્ક થતી જાય છે. ક્યારેક એ ચીકબોન્સ સુધી પણ આવે છે. આ કરચલીઓ ૩૦ વર્ષથી ઉપરના એજ-ગ્રુપમાં જોવા મળે છે. એ સિવાય સ્મોકર્સમાં રિન્કલ્સ વધારે જોવા મળે છે. ક્રોઝ ફીટ રિન્કલ્સ મહિલા અને પુરુષ બન્નેમાં આવી શકે છે.
પરિબળો
આંખોની આસપાસની માંસપેશીઓનું વધારે હલનચલન થવાથી ક્રોઝ ફીટ રિન્કલ્સ આવવાની શક્યતાઓ વધારે હોય છે. આના સિવાય ક્રોઝ ફીટ રિન્કલ્સ આવવા માટે બે મુખ્ય પરિબળો જવાબદાર છે. આ પરિબળો વિશે માહિતી આપતાં મુંબઈની ર્ફોટિસ હૉસ્પિટલમાં કૉસ્મેટિક સજ્ર્યન તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. વિનોદ વિજ કહે છે, ‘મેનોપૉઝ દરમ્યાન થતા હૉમોર્નલ ચેન્જિસના કારણે અને ઉંમર વધવાની સાથે કોલેજનનું પ્રોડક્શન ધીમું થાય છે, જેના લીધે શરીર સ્વસ્થ ચામડીને પોતાના મૂળ રૂપમાં લાવવા માટે અક્ષમ બની જાય છે. બીજું પરિબળ છે સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણોના સીધા સંપર્કમાં આવવાથી આપણી સ્કિન વધારે ડૅમેજ થતી જાય છે; કેમ કે તમે તડકામાં જાઓ છો તો તમે સ્વભાવિક રીતે પોતાની આંખો ઝીણી કરો છો. આના લીધે આંખોના બહારના ભાગમાં સ્કિન પર લાઇન પડે છે, જે આગળ જઈ કરચલીમાં પરિણમે છે.’
ઇલાજ
ક્રોઝ ફીટ રિન્કલ્સને આવતાં તમે રોકી શકતા નથી; પણ બોટોક્સ, ફેસ-લિફ્ટ જેવી કૉસ્મેટિક સર્જરીઓથી તમે ક્રોઝ ફીટ રિન્કલ્સને દૂર કરી શકો છો. આ બધી કૉસ્મેટિક સર્જરીમાંથી બોટોક્સ સૌથી સારી અને સેફ સર્જરી છે એમ જણાવતાં રીડિફાઇન સર્જરી સ્ટુડિયો ચલાવતા કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. અમોદ રાવ કહે છે, ‘ક્રોઝ ફીટ રિન્કલ્સને હટાવવા માટે અમે બોટોક્સની ટ્રીટમેન્ટ આપીએ છીએ. આ ટ્રીટમેન્ટમાં અમે બન્ને બાજુ બોટોક્સનાં ઇન્જેક્શનો આપીએ છીએ. જેટલી લાઇન્સ વધારે એટલાં ઇન્જેક્શન વધારે આપવામાં આવે છે. એનાથી મસલ્સ ખૂલી જાય છે. આથી આપણે હસીએ છીએ તો ત્યાં કરચલીઓ આવતી નથી અને વ્યક્તિ યંગ લાગે છે. આ ટ્રીટમેન્ટ ૧૦ મિનિટની હોય છે. આનું રિઝલ્ટ તમને પાંચ દિવસ પછી મળે છે. આની અસર માત્ર ૬ મહિના સુધી જ હોય છે. આ સિવાય તમે ફેસ-લિફ્ટ સર્જરી પણ કરાવી શકો છો જેમાં કાનના પાછળના ભાગમાં અમે એક કટ મારીએ છીએ. એ પછી ત્યાં અમે સ્કિનને ખેંચીને અંદરના મસલ્સને ટાઇટ કરીએ છીએ અને જે એક્સ્ટ્રા સ્કિન હોય છે એને કાપી નાખીએ છીએ. એ પછી કાનની પાછળ ટાંકો મારીએ છીએ. ફેસ-લિફ્ટ પાંચથી દસ વર્ષ સુધી રહે છે.’
આના સિવાય ક્રોઝ ફીટ રિન્કલ્સનો બીજો સીધો અને સાદો ઉપાય એ છે કે તડકામાં જાઓ ત્યારે ચશ્માં પહેરીને જાઓ. એ સિવાય બહુ ગુસ્સો કરવાથી પણ ક્રોઝ ફીટ રિન્કલ્સ આવી શકે છે. એટલે ગુસ્સો ન કરવાથી અને હંમેશાં હસતા રહેવાથી ક્રોઝ ફીટ રિન્કલ્સ નહીં આવે.


