યજ્ઞ, દાન અને તપ ઉપરાંત ચાર વાત એવી છે જે કદાપિ છોડવી નહીં.
માનસ ધર્મ
પૂજ્ય મોરારી બાપુ
યજ્ઞ, દાન અને તપ ઉપરાંત ચાર વાત એવી છે જે કદાપિ છોડવી નહીં. એમાં સૌથી પહેલાં આવે છે ઇક્ષણ, જેની વાત આપણે અગાઉ કરી અને એ પછી વાત શરૂ કરી હતી બીજા નંબરે આવતા નિરીક્ષણની. નિરીક્ષણનો અર્થ સમજવા જેવો છે.
નિરીક્ષણમાં આંખોમાં મન પ્રવેશ કરી જાય છે, અહંકાર નથી હોતો. નિરીક્ષણ તમે ત્યારે કરી શકો છો જ્યારે તમારું મન નયનમાં આવી જાય. નિરીક્ષણમાં માણસ જેની પ્રતીક્ષા કરે છે તેને જોવા માગે છે, તેની ત્રણ વાતો જોવાની ચેષ્ટા કરે છે. મન ત્યારે કોઈની પ્રતીક્ષામાં લાગ્યું છે; આંખમાં બેસીને, આંખોના ઝરૂખામાંથી તાકી રહ્યું છે. હવે ઝરૂખો છે આંખ અને એમાં બેસી ગયું છે, મન નિરીક્ષણ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ત્રીજા નંબરે આવે છે પરીક્ષણ.
કોઈ આવીને તમારી પ્રિય વ્યક્તિના ખબર આપે કે અમે તેનો સંદેશ લાવ્યા છીએ, લો આ પત્ર. પત્ર નહીં તો ટેલિફોન-સંદેશ કે એવું કશુંક લઈને આવે. તમે દરવાજો ખોલીને તેને નખશિખ જોશો કે તેણે જ મોકલેલો માણસ છે કે કોઈ બીજું? પરીક્ષણ કરશો કે ઠીક છે કે નહીં, ચિઠ્ઠીનો દુરુપયોગ તો નથી કરતોને, માણસ બરાબર છેને? પરીક્ષણનો સ્વભાવ છે કે આંખમાં બુદ્ધિ બેસી જાય છે. ચકાસશે, વિચાર કરશે. બુદ્ધિ બેસી જાય છે આંખમાં. મન ખસી જાય છે, અહંકાર ખસી જાય છે. બુદ્ધિ બેસી જાય છે ત્યારે જ પરીક્ષણ શરૂ થાય છે.
હવે વાત આવે છે ચોથા નંબરે આવતા વીક્ષણની.
શ્રીમદ્ ભાગવતજીનો શબ્દ છે પ્રેમવીક્ષણ. આ શબ્દ બહુ દિવ્ય શબ્દ છે. પ્રેમવીક્ષણ તેને કહે છે જ્યારે આંખમાં હૃદય બેસી જાય છે. અહંકાર હટ્યો, મન હટ્યું, બુદ્ધિ હટી ગઈ. ઇક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણ અને વીક્ષણ. આ ચાર વાત આપણે જો જીવનમાં અર્જિત કરીએ તો વ્યક્તિથી લઈને વિશ્વ સુધી, સ્વથી લઈને સર્વ સુધી મોટું અભિયાન સફળ થઈ શકે છે. જીવનને એ જ રીતે સફળતાની દિશામાં લઈ જવાનું હોય; કારણ કે જીવન કવર જેમ નહીં, પોસ્ટકાર્ડ જેમ ખુલ્લું રાખવાનું હોય જેને કોઈ પણ જોઈ શકે, વાંચી શકે અને ફરી પાછો એ જ રીતે મૂકી શકે કે બીજો પણ એ જ પ્રક્રિયા કરી શકે.