તેમની વસમી વિદાયથી સાહિત્ય જગતને મોટી ખોટ સાલી છે

તસવીર સૌજન્ય: કવિ સુરેન ઠાકરનું ફેસબુક એકાઉન્ટ
સુરેન ઠાકર ‘મેહુલ’નું નામ કાવ્યાસ્વાદના રસિકોથી અજાણ્યું નથી. છેલ્લા કેટલાય સમયથી તેઓ કૅન્સરની બિમારીથી પીડાઇ રહ્યા હતા અને છેલ્લા સમાચાર અનુસાર તેમને પૅરાલિસિસનો હુમલો પણ થયો હતો. કમનસીબે આજે 27 જુલાઈ 2022, બુધવારના રોજ સવારે તેમના મુંબઈ નિવાસ્થાને લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું.
સુરેન ઠાકર, ‘મેહુલ’ એટલે કે લોક સાહિત્ય, સુગમ સંગીત, ડાયરા અને મુશાયરાના સુત્રધારમાં ગુંજતો અવાજ, જે શ્રોતાઓને સતત બાંધી રાખતો. કવિ સુરેશ દલાલે તેમને મેઘાણી, મકરંદ દવે અને વેણીબાઈ પુરોહિતનું મિશ્રણ કહ્યા હતા. આઠ દાયકાના જીવન બાદ – “પિંડને પરમ પદારથ જડ્યો” – એમના જ શબ્દોમાં એમની વિદાય ટાંકીએ. ઉત્તર ગુજરાત અને અમદાવાદ અને પછી મુંબઈનો દરિયો તેમની જિંદગીના પડાવ રહ્યા છે.
તેમની વસમી વિદાયથી સાહિત્ય જગતને મોટી ખોટ સાલી છે. કવિ અને લેખક તુષાર શુક્લએ ફેસબુક પોસ્ટ દ્વારા તેમને યાદ કર્યા છે.
કવિ મુકેશ જોશીએ પણ ફેસબુક પર તેમની સાથેની કેટલીક યાદગાર પળોને વાગોળી છે.
કવિ મેહુલ જેમના ગુરુસ્થાને રહ્યા છે તેવા કવિ અને લેખક દિલીપ રાવલે પણ એક ફેસબુક પોસ્ટમાં તેમની સાથેના કિસ્સા ટાંક્યા છે.
કવિ મેહુલને યાદ કરતાં જાણીતા કવિ સંજય પંડ્યાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે “સુરેન ઠાકરને હું નાનપણથી જ ઓળખતો. સાંતાક્રૂઝની સી. એન. હાઇસ્કૂલમાં હું તેમની પાસે ભણ્યો હતો અને પાછળથી અનેક કાર્યક્રમોમાં તેમની સાથે મંચ પર પઠન કરવાની પણ તક મળી. તેમનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ અને માયાળું. તેમને ચોથા તબક્કાનું કેન્સર હતું. લગભગ એક મહિના અગાઉ જ્યારે તેમના નિવાસ સ્થાને તેમની મુલાકાત લીધી ત્યારે તેમણે મને કહ્યું હતું કે ‘સંજય ત્રણ તબક્કા મંચ પર જોયા આ ચોથો તબક્કો કદાચ જોવાનો બાકી હશે.’”
માણો તેમની કેટલીક સુંદર રચના
ગઝલ
એક રણમાંથી વહ્યાનું દુઃખ છે,
લાગણી રઝળી પડ્યાનું દુઃખ છે.
હાડ હેમાળે ગળ્યાનું દુઃખ નથી,
પણ તમે ના પીગળ્યાનું દુઃખ છે.
વલ્કલે ઢાંકી સતીની આબરૂ,
સભ્યતા રઝળી પડ્યાનું દુઃખ છે.
હાથ ફેલાવી લીધાં ઓવારણાં
ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.
બારણાએ વાત આખી સાંભળી
ટોડલા ફાટી પડ્યાનું દુઃખ છે.
રંક આશાઓ અવસ્થા વાંઝણી
બેઉને ભેગા મળ્યાનું દુઃખ છે.
-સુરેન ઠાકર ‘મેહુલ’
ઘર હતાં...
આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.
ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.
એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.
ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.
એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.
-સુરેન ઠાકર ‘મેહુલ’
ગઝલ
કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.
પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.
એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.
લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.
-સુરેન ઠાકર ‘મેહુલ’