Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કેવું રહેશે નવું વિક્રમ સંવત ૨૦૭૮?

કેવું રહેશે નવું વિક્રમ સંવત ૨૦૭૮?

Published : 05 November, 2021 09:02 AM | IST | Mumbai
Jyotishacharya Ashish Rawal

કોરોનાના ઓછાયા હેઠળ પસાર થઈ ગઈ આ સંવત પણ. જોકે હવે નવી સંવતનો શુભારંભ થયો છે અને દરેકને એ જાણવાની ઇચ્છા હોય કે શું છુપાયું છે કાળના ગર્ભમાં? કેવી છે મારી ગ્રહદશા? કેવી રહેશે નવી સવંત? બસ, આની જ વાત માંડીને કરે છે જાણીતા જ્યોતિષી આશિષ રાવલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિ.સં.૨૦૭૮ વેલકમ કેવી રીતે કરશો

(૧) સૂર્યોદય પહેલાં ઊઠવું, ત્યાર બાદ સ્નાનાદિથી પરવારી ઇષ્ટદેવની તસવીરનાં દર્શન કરી શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવી મનોમન પ્રાર્થના કરવી. આસોપાલવના પાનનું તોરણ ભગવાનના મંદિરે અને ઘરની બહાર બાંધવું. ઘરના દરવાજા આગળ કંકુથી સ્વસ્તિક બનાવો અને જમણી બાજુ રંગબેરંગી રંગોથી રંગોળી મોટી બનાવો.
(૨) બેસતા વર્ષે સવારના ભાગે શુકનનું મીઠું કે મગ અવશ્ય ખરીદવા.
(૩) આ વખતે નવું વર્ષ શુક્રવારથી ચાલુ થવાથી શુક્ર ગ્રહને રિજાવવા માટે મહાલક્ષ્મીના મંદિરે જઈ દર્શન કરવા, શક્ય હોય તો ઘરે પણ મહાલક્ષ્મીની તસવીર રાખીને ધૂપ-દીપ કરીને માવાની મીઠાઈ અર્પણ કરવી.
(૪) સાકર કે પતાશા ખાવા અને શુભેચ્છક, સગા, સ્નેહી, આડોશી, પાડોશીને સર્વેને ખવડાવવા.
(૫) બપોરના સમયે કે સાંજે ઘરના દરેક ખૂણામાં વ્યવસ્થિત સાફ કરીને આ દિવસે જો પાણીમાં મીઠું તેમ જ ગૌમૂત્ર નાખીને પોતું કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ સાબિત થશે.
(૬) બપોરના ભોજનમાં ખીર કે લાપસી બનાવવી, ત્યારબાદ તેને પ્રસાદ તરીકે લેવો.
(૭) વામકુક્ષી કરવી નહીં.
(૮) અસત્ય વચન, ક્રોધ, ઉદ્વેગ અશાંતિ કરવી નહીં.



 


કાર્તિક વિ.સં. ૨૦૭૮નો પ્રારંભ તા. ૦૪-૧૧-૨૦૨૧ ગુરુવારની મોડી રાત્રે ૨૬.૪૫ મિનિટે થાય છે. આ સમયે સ્વાતિ નક્ષત્ર, આયુષ્યમાન યોગ અને તુલા રાશિનો ચંદ્ર છે. સંવત્સર ‘પ્રમાથી’ તથા વીર સંવત ૨૫૪૮નો પ્રારંભ તા. ૦૫-૧૧-૨૦૨૧ને શુક્રવારે થાય છે. રાશિ ભવિષ્ય તમારા જન્મના ચંદ્ર રાશિની રાશિના આધારે લખાય છે. મનુષ્ય પર જન્મના અન્ય ગ્રહોની પણ અસર હોય છે તેથી આ રાશિ ભવિષ્ય મનુષ્યોને અમુક પ્રમાણમાં અસર આપશે, છતાં ચંદ્ર મનનો કારક છે જે માણસને સફળ પ્રગતિના કારણરૂપ છે તેથી ચંદ્ર રાશિના ફળનું મહત્ત્વ છે. વિ.સં. ૨૦૭૮નું જન્મની ચંદ્ર રાશિ આધારિત લખેલ છે. કોઈ પણ જાતકને પોતાના જન્મના ગ્રહોની શુભાશુભ અસર ચોક્કસ વર્તાશે.

 


મેષ રાશિ (અ,,ઈ)

કૌટુંબિક સુખ :- કૌટુંબિક સુખાકારીની દષ્ટિએ આ વર્ષ મધ્યમ બની રહેશે, કારણ કે કુટુંબ સ્થાને રાહુ રહે છે માટે સંબંધોમાં તિરાડ પડે, મતમતાંતર વધે. પરિવારના સભ્યો જુઠ્ઠાણું ફેલાવે. કૌટુંબિક જવાબદારી નિભાવવામાં સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય.

તંદુરસ્તી :- આ વર્ષ મધ્યમ ગણાય. આગ, અકસ્માત, શસ્ત્રક્રિયા જેવી આકસ્મિક તકલીફો આવી પડે. મસ્તકપીડા, નેત્રસંબંધી નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડે. વાયુને લગતા દરદો વધે તેમ જ સાંધાની તકલીફો વધે. યોગ્ય ડૉક્ટરની તાત્કાલિક દવા લેવી ઉચિત.

આર્થિક ક્ષેત્રે :- નાણાકીય ધનલાભમાં સટ્ટાકીય લાભ લેવામાં નુકસાની કરશો. ગણતરીપૂર્વક કામ કરશો તો પણ વધુ રકમ વપરાશે. આકસ્મિક ખર્ચા થાય, છેતરપિંડીનો શિકાર થાય. વધારાની આવકમાં અટકાયત થાય. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું. નોકરિયાત વર્ગને બદલી થવાથી ખર્ચા વધે. ભાગ્યનો સાથ મળવાથી આપને રાહત જણાશે.

વિદ્યાર્થી વર્ગ : મહેનત અને પરિશ્રમનું ફળ મળે. એકંદરે મધ્યમ ફળ મળે. નિરાશા અને હતાશામાં હોવા છતાં અભ્યાસમાં પ્રગતિ શક્ય છે. અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિમાં સમય બગડવાથી એની અશુભ અસર અભ્યાસ પર પડે. અભ્યાસ સાથે નોકરી કરનારને ઘણી તકલીફો પડે. વિદેશમાં અભ્યાસ કરવા માટે જનાર વિદ્યાર્થીને તકલીફોનો સામનો કરવો પડે. ઇજનેરી શાખામાં અભ્યાસ કરનારને સારી સફળતા મળે.  

મહિલા કે સ્ત્રીવર્ગ : આ વર્ષ મિશ્ર ફળ આપનાર બને. આર્થિક-કૌટુંબિક તકલીફ વધે. શારીરિક વ્યાધિઓ વધે. નાણાકીય તંગી વધે. યાત્રાપ્રવાસના યોગ નહીં બને. તમારી વાણીને કારણે સંબંધોમાં કચવાશ થાય. આવક વધવાના યોગ આવે, પણ તક નિરાશામાં પરિણમે. સ્થાવર વિભાજનના યોગ બને.

 

વૃષભ રાશિ (બ,,ઉ)

કૌટુંબિક સુખ :- કૌટુંબિક સુખાકારીની દષ્ટિએ વર્ષ મધ્યમ બની રહેશે. પરિવારમાં આવકો વધે. પરિવારના સદસ્યો વચ્ચે લાંબા સમયની ગેરસમજ દૂર થાય. વડીલોની તબિયત અંગે ચિંતા સતાવે. સામાજિક વ્યવહારમાં સંબંધમાં કડવાશ આવે. બિનજરૂરી ખર્ચા ટાળવા. પરિવારના સભ્યો દ્વારા કાનૂનભંગ જેવી પ્રવૃત્તિ ન થાય તેની કાળજી રાખવી.

તંદુરસ્તી :- શારીરિક નાની-મોટી તકલીફો વધે. ગુપ્ત દરદ કે ગુપ્તાંગસંબંધી તકલીફોથી સંભાળવું. ગળાને લગતી તકલીફો વધી શકે. એકંદરે આ તંદુરસ્તી માધ્યમ બની રહે.

આર્થિક ક્ષેત્રે :- ભાગ્ય પ્રવૃત્તિમાં અવરોધ, રૂકાવટ આવે. નોકરિયાત વર્ગને જવાબદારીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચાઓ વધે. સામાજિક વ્યવહારમાં સંબંધ બગડે. સરકારશ્રીની યોજનામાં આર્થિક રોકાણ કરવાથી ફાયદો.

વિદ્યાર્થી વર્ગ :- પરિશ્રમનું ફળ મીઠું ચાખશો. અભ્યાસ અર્થે વિદેશ જવાની તક મળે. મિત્ર મંડળના સહારે  નવો અભ્યાસ કરવાની તક મળે. ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહેવું હિતાવહ ગણાય.

મહિલા કે સ્ત્રી વર્ગ :- નાની-મોટી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરિવારમાં વડીલોનો વ્યવહાર કઠોર બનતો જણાય. સંતાનો સાથે વિચારધારા અલગ રહે. અણધાર્યા ખર્ચા આવવાને કારણે આર્થિક ભીંસ વધી શકે માટે આયોજનપૂર્વક કાર્ય કરવું.

 

મિથુન રાશિ (ક,,ઘ)

કૌટુંબિક સુખ :- આંતરિક કૌટુંબિક અશાંતિ વધે. પરિવારના સભ્યો સ્વમાની બનતા જણાય. લાંબા ગાળાના આયોજનો નિષ્ફળ નિવડે. પરિવારના સભ્યો માનસિક અકળામણ અનુભવે, મિલકત બાબતે મહત્ત્વનો નિર્ણય લેવાથી ફળદાયી નીવડશે.

તંદુરસ્તી :- પેટના આંતરડા, કફ, શરદી જેવી બીમારી રહ્યા કરે. આળસ, થાક, માનસિક સ્વસ્થતામાં વધારો થાય. ઋતુગત બીમારીઓનો શિકાર વારંવાર થવાય માટે યોગ્ય દવા નિયમિત લેવી.

આર્થિક ક્ષેત્રે :-  અપેક્ષિત આવક વધે, પરંતુ હાથમાં નાણાં બચે નહીં. આવક પહેલાં ખર્ચ થઈ જશે. વ્યાવસાયિક કાર્યોમાં રોકાણ વધતું જાય. સુખ સાધનો પાછળ વધારે ખર્ચો થાય. નોકરિયાત વર્ગને બે છેડા પૂરા ન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ સંભવે.

વિદ્યાર્થી વર્ગ :- વિદ્યાર્થીઓ માટે વધુ પરિશ્રમ સ્વીકારવો જ રહ્યો. અભ્યાસ અંગેનો કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. અભ્યાસ સાથે નોકરી કરનાર વિદ્યાર્થીઓને પરિણામમાં અસફળતા મળી શકે માટે સાવધાની રાખવી આવશ્યક.

મહિલા કે સ્ત્રી વર્ગ :- પરીવારમા માનસિક તેમ જ શારીરિક અને આર્થિક નુકસાની વધુ વેઠવી પડે. કર્મના ફળની આશા રખાય. નિરાશામાં આશા રહે. દોરાધાગા, જ્યોતિષો, તાંત્રિકોના ખોટા રવાડે ચડી જવાથી આર્થિક નુકસાની આવી શકે અને મનોસ્થિતિ બગડે.

 

કર્ક રાશિ (ડ,હ)

કૌટુંબિક સુખ :- પરિવારના સભ્યોમાં પ્રેમ-સ્નેહમાં વધારો થાય. કુટુંબના સદસ્યમાં વધારો થઈ શકે. 

ટૂંકા ગાળાના આયોજનો સફળ થાય. કુટુંબની આવકમાં વધારો. નજીકના સામાજિક સભ્યો સાથે બગડેલા સંબંધ સુધરે.

તંદુરસ્તી :- માનસિક અસ્વસ્થતા વધે. ઋતુગત બીમારી વારંવાર આવી પડે. પ્રવાસ-પર્યટનમાં તબિયત અંગે સાચવવું. લાંબા ગાળાના આર્થિક આયોજનના કારણે તંદુરસ્તી પર અશુભ અસર પડે.

આર્થિક ક્ષેત્રે :- આર્થિક સ્થિતિમાં ચડાવ-ઉતાર રહ્યા કરે. નોકરિયાત વર્ગને પગારકપાત આવી શકે. વર્ષના અંતે નોકરિયાત વર્ગને બઢતી મળી શકે. બૅન્ક બેલેન્સ તળિયાઝાટક રહે તેવી નોબત આવે. ભાગીદારી કરવાથી ધનલાભ થઈ શકે, પરંતુ અપેક્ષિત ધનલાભ ન થાય. આર્થિક મોટા મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

વિદ્યાર્થી વર્ગ :- જેવી મહેનત તેવું પરિણામ સ્વીકારવું પડે. વિદ્યા અભ્યાસ માધ્યમથી વિદેશ જવાની ઉત્તમ તક મળે. ઉત્તર પ્રવૃત્તિઓ, ઊંઘ, આળસ, વ્યસનોને અલવિદા કરજો નહીંતર અભ્યાસમાં અશુભ પરિણામ મળી શકે.

મહિલા કે સ્ત્રી વર્ગ :- આશા-નિરાશા વચ્ચે વર્ષ પૂર્ણ થાય. શારીરિક રીતે કષ્ટદાયક બની રહે. ધાર્મિક યાત્રાઓ ટાળજો. આર્થિક નુકસાનનીમાં નવી તક મળી જશે. સામાજિક સંબંધમાં ખટાશ વધે. પ્રાઇવેટ કંપનીમાં રોકેલાં નાણાં ફસાય.

 

સિંહ રાશિ (મ,ટ)

કૌટુંબિક સુખ :- પરિવારના સભ્યોને આર્થિક-પૈસા ફસાઈ ગયાનો અનુભવ થશે. બિનજરૂરી વાદવિવાદ વકરે, વાતનું વતેસર થાય. ભાઈ-ભાંડુ તરફથી લાભદાયી નીવડે. તમારી વિચારધારામાં પરિવર્તન આવે. કુટુંબમાં નવા સંતાનનો જન્મ થઈ શકે.

તંદુરસ્તી :- પિત, વાયુ સંબંધી તકલીફો સાથે તબિયત બગડે. ઘાતક બીમારીનો સામનો કરવો પડે. અદૃશ્ય પ્રકારની બીમારી તમારો પીછો કરતી જણાય. એકદંરે કષ્ટદાયક વર્ષ પસાર થાય.

આર્થિક ક્ષેત્રે :- આવક જાવકનું પલ્લું લગભગ એકસરખું રહે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળવા માટે વાતો ચાલે. જમીન, મકાન-મિલકતમાં નાણાં ફસાઈ શકે. નવી નવી યોજનાઓમાં રોકાણ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો.

વિદ્યાર્થીવર્ગ :- ખાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં વધુ મહેનત માગે. ઉતાવળિયો કોઈ જ નિર્ણય લેવો નહીં. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશગમન સંભવ. નોકરી સાથે અભ્યાસ કરનારને વર્ષ મિશ્ર બની રહે.

મહિલા કે સ્ત્રી વર્ગ :- નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે. વિદેશમાં હરવા-ફરવા માટે જઈ શકાય. નવી ભાગીદારી કરવાના યોગ રચાય. જૂની બચતો વપરાઈ જાય. હૃદયને લગતી તકલીફો થઈ શકે.

 

કન્યા રાશિ (પ, ઠ, ણ)

કૌટુંબિક સુખ : કુટુંબની વડીલ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આયોજન વગરના કામ કરવાથી નકારાત્મક પરિણામો આવે. સામાન્ય બાબતમાં વાદવિવાદ વકરે. નાનાં બાળકોની વચ્ચે મારામારી મોટી થવાથી પોલીસ કેસ થઈ શકે.

તંદુરસ્તી :- આરોગ્ય અંગેની તકલીફો વારંવાર થાય. પેટ, આંતરડા સંબંધી શસ્ત્રક્રિયાને લગતી તકલીફો રહે. પાચનશક્તિ મંદ પડતી જણાય. વાસી ખોરાક ખાવાથી તબિયત બગડે. વારંવાર ડૉક્ટર બદલવાથી રોગ પકડાય નહીં.

આર્થિક ક્ષેત્રે :- નાના-મોટા ખર્ચા સામાજિક પ્રસંગોમાં થાય. કાનૂની કામકાજમાં પૈસા વેડફાય. નવીન વ્યવસાય કરવાથી ધનલાભ. વડીલોનો સાથ સહકાર મળે. આવક કરતાં જાવક અમુક સમયે ડબલ થઈ જાય. બચતો કરેલી ઓચિંતી વાપરવી પડે. ક્રેડિટ કાર્ડ પર વધારાનું વ્યાજ ચૂકવવું પડે.

વિદ્યાર્થી વર્ગ :- ડિગ્રી પ્રાપ્તિના તમારા પ્રયત્નો વધારવાની જરૂર જણાય. અભ્યાસ બાબતે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવાઈ જાય તેની કાળજી રાખવી. અભ્યાસ સાથે નોકરી કે વ્યવસાય કરનારને જવાબદારીનો બોજો વધે. પરિવારના સભ્યોની બીમારીને કારણે તમારા અભ્યાસ પર નકારાત્મક ફળ મેળવશો. આળસ, બેચેની દૂર કરી વધુ અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરશો. અભ્યાસ બાબતે પરિવર્તનયોગ કરવા જણાય.

મહિલા કે સ્ત્રી વર્ગ :- સ્ત્રીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આંતરિક, માનસિક, શારીરિક તકલીફ રહે. સંતાન સાથે તેમ જ પરિવારના સભ્યો સાથે મનદુઃખના પ્રસંગો બને. નોકરી કરતી સ્ત્રીઓને ઉપરી સાથે વારંવાર ઝઘડો થાય. તમારે બદલાતી મનોવૃત્તિને કારણે ઘણુંબધું સહન કરવું પડે. ભાઈ-ભાંડુ સહકાર અંગેના પ્રશ્નો ઊભા થાય. ધાર્મિક મુસાફરી કષ્ટદાયક નીવડે.

 

તુલા રાશિ (ર, ત)

કૌટુંબિક સુખ :- ભાઈ-ભાંડુ સાથે વ્યવસાય બાબતે મનદુઃખના પ્રસંગો બને. મોસાળ પક્ષ તરફથી વધુ સંબંધ બગડેલા સુધરે. વડીલ વર્ગની બીમારી પાછળ ધનવ્યય થાય. તમારી જીવનશૈલીમાં પરિવર્તન આકસ્મિક આવે. સામાજિક જવાબદારી નિભાવવી જરૂરી બને. પરિવારના સભ્યોને નફા-નુકસાન થવાનો મિશ્ર અનુભવ થતો જોવા મળે. આકસ્મિક નુકસાનીના યોગમાંથી બચાવ થાય.

તંદુરસ્તી :- તંદુરસ્તીની દષ્ટિએ આ વર્ષ નાની-મોટી તકલીફોમાંથી પસાર થાય. નેત્રસંબંધી તકલીફોથી સંભાળવું. હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તકલીફવાળાને વધુ કાળજી રાખવી. ચામડીની એલર્જીને લગતી બીમારી થવાની સંભાવના નકારી શકાય નહીં. કુટુંબમાં તમારી માનસિક શાંતિ હણી લે તેવી કાયમી બીમારી આવી શકે.

આર્થિક ક્ષેત્રે :- નવા સાહસિક કાર્યો દ્વારા આર્થિક નુકસાનીના યોગ બને, માટે કાળજીપૂર્વક સાહસ કરવું. ભાગીદારીના વ્યવસાયિકોને છેતરપિંડી થવાના યોગ પ્રબળ. વ્યાવસાયિક મુસાફરી કષ્ટદાયક નિવડે. કુટુંબના સભ્યો તરફથી તમારી આર્થિક જવાબદારીમાં વધારો થાય. પરિવારના સભ્યોની આર્થિક મૂંઝવણ વધતી જણાય. દસ્તાવેજ સંબંધી કાર્યોમાં કાળજી રાખવી.

વિદ્યાર્થી વર્ગ :- પરિશ્રમના પ્રમાણમાં સફળતા સારી ન મળે. બિનજરૂરી થાક તમને અભ્યાસ પ્રત્યે બેદરકાર બનાવે. અંગત મિત્ર દ્વારા દગો થવાના યોગ પ્રબળ બને. મક્કમ મનોબળે અભ્યાસ કરવાથી સિદ્ધિ હાંસલ થાય. આરોગ્ય બાબતે કાળજી રાખવી નહીંતર વિદ્યાભ્યાસ બગડી શકે. નોકરી સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને સફળતા મળી શકે, અલબત્ત સાવચેતી રાખવી.

મહિલા કે સ્ત્રી વર્ગ :- અગાઉ કરેલી બચતો આ વર્ષમાં લાભદાયી નીવડે. આંતરિક દાંપત્યજીવનમાં ખટરાગ રહે. વડીલોપાર્જિત સંપત્તિના પ્રશ્ને વિલંબ થઈ શકે. નોકરી કરતી સ્ત્રીઓની આવકમાં વધારો થાય. છેતરપિંડી થવાના યોગ બને છે માટે કાળજી રાખશો. ધાર્મિક યાત્રા પ્રવાસ, પર્યટન લાભદાયી નીવડે.

 

વૃશ્ચિક રાશિ (ન,ય)

કૌટુંબિક સુખ :- વર્ષની શરૂઆતથી કૌટુંબિક મતભેદો વધ્યા કરે. પરિવારના સભ્યો તરફથી માનહાનિના પ્રસંગ બને. પારિવારિક આર્થિક સ્થિતિ કથળતી લાગે. પરિવારની સ્થાવર મિલકતો વેચવાના યોગ પ્રબળ બને. લાંબા ગાળાના આયોજનો પાર પાડવા છતાં આર્થિક સ્થિતિ યથાવત્ રહે.

તંદુરસ્તી :-કમર, મણકા સંબંધી તકલીફોથી સંભાળવું. હિતશત્રુઓની પરેશાની વધતી જણાય જેને કારણે મસ્તકપીડા રહે. માનસિક ટેન્શનને કારણે લાંબી માંદગી ઘર કરી શકે. મગજ પર ગરમીની અસર વર્તાય. શારીરિક તબિયત અંગેના ખોટા ખર્ચાઓ તમારી પરિસ્થિતિ વધારે બગાડે.

આર્થિક ક્ષેત્રે :- ધંધા વ્યવસાયમાં લાભ સારો થાય. વડીલ વર્ગ તેમ જ કુંટુંબના સભ્યોની બીમારી પાછળ વધુ ખર્ચ થાય. આર્થિક બાબતે વધુ આવક થવાના યોગ બને. સામાજિક વ્યવહારના સંબંધો વધુ કઠિન બનતા જણાય.

વિદ્યાર્થી વર્ગ :- લાગણી અને પ્રેમ, સ્નેહની માયાજાળમાં ફસાવાથી અભ્યાસથી દૂર થતા જશો. સમયનો સદ્ઉપયોગ કરીને વિદ્યા અભ્યાસ કરવો. ડિગ્રી માટે વધુ મહેનતની જરૂર જણાય. શારીરિક તકલીફોથી સંભાળવું.

મહિલા કે સ્ત્રી વર્ગ :- નોકરિયાત વર્ગને નોકરીમાં બદલી સંભવે. આર્થિક ક્ષેત્રે વધારે પ્રશ્નો ગૂંચવાય. દાંપત્યજીવન સંબંધી તકલીફો દૂર થાય. ધાર્મિક યાત્રા-મુસાફરી કષ્ટદાયક નીવડે. ગુપ્ત દર્દ સંબંધી તકલીફો રહે. વડીલો સાથે સંબંધો સ્વાર્થભર્યા રહે.

 

ધન રાશિ (ભ,,,ઢ)

કૌટુંબિક સુખ :- પરિવારના સભ્યો સાથે મનમેળ સારો રહે. મહિલા વડીલ વર્ગની તબિયત અંગે વધુ કાળજી રાખવી આવશ્યક બને. લાંબી મુસાફરી કરવામાં તકલીફો પડે. માતા-પિતા સાથે મનદુઃખના પ્રસંગો બને. નાની નાની બાબતમાં ઘર્ષણ થાય. સામાજિક મર્યાદા જાળવણી જરૂરી બને. વૈચારિક ઘર્ષણ વધુ રહ્યા કરે.

તંદુરસ્તી :- પડવા-વાગવા સંબંધી તકલીફોથી સંભાળવું. ડાયાબિટીસ વધી શકે. ગૅસ, અપચો જેવી બીમારી રહ્યા કરે. વારંવાર ડૉક્ટર બદલાવાથી માનસિક મૂંઝવણો વધે. આંખોમાં બળતરા થવાની સંભાવના રહેલી છે. વજન વધી શકે.

આર્થિક ક્ષેત્રે :- આર્થિક વ્યયના અનેક વિવિધ યોગ પ્રબળ બને. તમારા રોજિંદા કાર્યો તરફ અણગમો વધતો જણાય. સટ્ટાકીય કાર્યો દ્વારા આર્થિક નુકસાની આવી શકે. ભાગીદારીમાં છૂટા પડવાનો યોગ બને, તેને કારણે આર્થિક નુકસાની આવી શકે. નકારાત્મક ઘટનાઓ તમારી આર્થિક સ્થિતિ વધુ બગાડે.

વિદ્યાર્થી વર્ગ :- વિદ્યાપ્રાપ્તિમાં અવરોધ-રુકાવટ આવે. વધુ પડતાં ઇતર પ્રવૃતિમાં રસ લેવાથી વિદ્યા અભ્યાસ બગડે. મિત્રોની સોબત નઠારી બને. નકારાત્મક વિચારોનો પ્રભાવ તમારા વિદ્યા અભ્યાસ પર પડે. સમયનો સદુપયોગ કરો. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અનેક અવરોધો આવે, અંતે સફળ થવાય.

મહિલા કે સ્ત્રી વર્ગ :- આંતરિક દાંપત્યજીવનમાં મનદુઃખના પ્રસંગો બને. વડીલ વર્ગ સાથે વિવેક અને મર્યાદા જાળવવા જરૂરી બને. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદો રહ્યા કરે. તમે અકારણ ઉગ્ર બનશો તો તેના લીધે તમારી તબિયત-તંદુરસ્તી ઉપર અસર પડે. નજીકની બહેનપણીની દુનિયામાંથી વિદાય સંભવ.

 

મકર રાશિ (ખ,જ)

કૌટુંબિક સુખ :- પરિવારના સભ્યોની મનોવૃત્તિ કૂપમંડિતાવાળી થતી જોવા મળે. પરિવારના સભ્યોના ખર્ચાની વિશેષ જવાબદારી આવી પડે. નજીકના સંબંધીમાં પૈસા ફસાય. નાની બાબતમાં પારિવારિક સંબંધો બગડે. વડીલ વર્ગની તબિયત પાછળ વધુ નાણાં વપરાય.

તંદુરસ્તી :- શરદી, કફ, બ્લડપ્રેશર કે હાર્ટ સંબંધી તકલીફોવાળા જાતકોએ વધુ સંભાળવું. આત્મવિશ્વાસનો અભાવ જણાય. આર્થિક પ્રશ્નો વધુ જટિલ બનતા લાગે. થાક, બેચેની, અનિદ્રા વધે. શરીર પ્રત્યે બેદરકારી રાખવાથી તબિયત-તંદુરસ્તી  બગાડે.

આર્થિક ક્ષેત્રે :- ધંધા-વ્યાવસાયિકોને તકલીફમાં હોવા છતાં આર્થિક લાભ સારો થતો જણાય. નવા સાહસિક કાર્યમાં સફળતા સારી મળે. નોકરિયાત વર્ગને બઢતી બદલી મળવા છતાં આર્થિક પ્રશ્નો હલ ન થાય. શૅરબજારમાં ધન ખોવાય. નવા આયોજનો સમયપૂર્વક ન થવાથી આર્થિક નુકસાની આવી શકે.

વિદ્યાર્થી વર્ગ :- વિદ્યાર્થીગણ માટે મધ્યમ વર્ષ પસાર થાય. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવી નોબત આવે. સમયનો સદુપયોગ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય. અભ્યાસ સાથે લગ્નજીવનમાં પસાર થનાર વિદ્યાર્થીને વધુ કઠિન સમય ગણાય. વિદેશ જવાની ઇચ્છાવાળાને અનુકૂળ સમય.

મહિલા કે સ્ત્રી વર્ગ :- ધીરજ અને સહનશક્તિનો અભાવ જોવા મળે. નજીકના સ્વજનમાં પૈસા ફસાઈ જાય. આધ્યાત્મિક કામો સારા થાય. લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શુભ સમય બની રહે. અનઆવશ્યક વાદ-વિવાદમાં પડવું નહીં. પિત્ત, વાયુ પ્રકૃતિવાળા જાતકોને તકલીફો વધે. આર્થિક તંગી વધતી જણાય. બૅન્ક લોન સરળતાથી ન મળે.

 

કુંભ રાશિ  (ગ,,શ)

કૌટુંબિક સુખ :- ભાઈ-બહેનના આરોગ્ય બાબતે ચિંતા રખાવે. પરિવારમાં લાંબા સમયથી વાદવિવાદનો ઉકેલ આવે. નાની-નાની બાબતોમાં વડીલો સાથે સંબંધ બગડે. પરિવારના સભ્યો દ્વારા વ્યાવસાયિક લાંબા ગાળાનું રોકાણ લાભદાયી થાય. ભાગીદારી બદલાવના યોગ બને.

તંદુરસ્તી :- શારીરિક નાની-મોટી તકલીફો રહ્યા કરે. હાઈ બ્લડપ્રેશર તેમ જ મસ્તકપીડા સંબંધી તકલીફો રહે. દવા પ્રત્યેની બેદરકારી મોટી મુશ્કેલી સર્જે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. નેત્રસંબંધી ઓપરેશન આવવાની સંભાવના.

આર્થિક ક્ષેત્રે :- આર્થિક દૃષ્ટિએ આ વર્ષ મિશ્ર ફળદાયી નીવડે. ભાગ્યવૃદ્ધિના કાર્યમાં અવરોધ, રુકાવટ આવે. નોકરિયાત વર્ગને જવાબદારીમાં વધારો થાય. સટ્ટાકીય કાર્યો કરનારને આર્થિક રીતે વધુ ફાયદો થાય. લાંબા ગાળાના આયોજનોમાં સફળતા મળે. નવીન વ્યાવસાયિક કાર્યમાં આર્થિક રોકાણો વિચારપૂર્વક કરવા.

વિદ્યાર્થી વર્ગ :- પુરુષાર્થના પ્રમાણમાં યોગ્ય ફળ ન મળે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવામાં અવરોધો આવતા જણાય. અભ્યાસ અર્થે વિદેશ જવાની ઇચ્છા રાખનારની ઈચ્છા પરિપૂર્ણ થતી જોવા મળે. ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું. અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બને.

મહિલા કે સ્ત્રી વર્ગ :- મહીલાઓ માટે આ વર્ષ મધ્યમ પસાર થાય. આંતરિક, માનસિક તેમ જ શારીરિક તકલીફો વધુ રહે. માનહાનિના યોગ પ્રબળ બને. વડીલ વર્ગ સાથે સંબંધ બગડી શકે. તમારી બદલાતી મનોવૃત્તિ તમારી પરેશાની વધારે, ફક્ત અને ફક્ત ધીરજ અને સહનશક્તિ કેળવવી જરૂરી જણાય.

 

મીન રાશિ (દ,,,થ)

કૌટુંબિક સુખ :- એકંદરે કૌટુંબિક સુખાકારી મધ્યમ બની રહેશે. પરિવારના સભ્યોની મનોવૃત્તિ બદલાતી જણાય. વ્યાવસાયિક કાર્યો વધુ ગૂંચવાતા જણાય. મોસાળ પક્ષમાં મનદુઃખના પ્રસંગો બને. પારિવારિક યાત્રાપ્રવાસ, મુસાફરી કષ્ટદાયક નીવડે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું.

તંદુરસ્તી :- પેટ, આંતરડાને લગતી બીમારીઓથી સંભાળવું. ખાન-પાનમાં અનિયમિતતા પેટસંબંધી વધુ તકલીફો રખાવે. મંદ પાચનશક્તિ વધુ સક્રિય બને. ખાસ કરીને પગના તળિયાને લગતી તકલીફો વધી શકે.

આર્થિક ક્ષેત્રે :- આર્થિક દૃષ્ટિએ મિશ્ર ફળદાયી નૂતન વર્ષ બની રહે. કુટુંબના સભ્યો પાછળ આકસ્મિક મેડિકલ ખર્ચા કરવા પડે. નોકરિયાત વર્ગને બદલી, બઢતી અંગેના ચાન્સ મળે પરંતુ અપેક્ષિત નાણાકીય લાભ નહીં મળે. ભાગીદારીના વ્યાવસાયિકોને એ વિશેષ સંભાળવું.

વિદ્યાર્થી વર્ગ :- વધુ પરિશ્રમ કરવા છતાં સફળતા નહીંવત્ મળતી જણાય. અન્ય ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહેવું, અભ્યાસ પ્રત્યેની બેદરકારી તમને હાનિ પહોંચાડી શકે. નજીકના મિત્રો દ્વારા વ્યસનમાં સપડાઈ શકાય.

મહિલા કે સ્ત્રી વર્ગ :- આંતરિક માનસિક-શારીરિક નાની-મોટી તકલીફો રહે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગો બને. માનસિક ટેન્શન વર્ષમાં મધ્યભાગમાં વધે. સંતાન અંગેની તકલીફો વધે. શારીરિક વ્યાધિઓથી સંભાળવું.

 

 

મહારાષ્ટ્ર રાજ્યનું ભાવિ

મહારાષ્ટ્ર રાજ્ય એ ભારતનું પ્રભુત્વ ધરાવતું રાજ્ય ગણાય છે. રાજ્ય ઉપર વૈશ્વિક અને સિંહ રાશિનું વિશ્વ પ્રભુત્વ રહેલું છે. સત્તાધારી પક્ષ માટે આ વર્ષ કસોટીરૂપ નિશ્ચિત રીતે સાબિત થાય. સત્તાપક્ષમાં મોટા પાયે ખેંચતાણ થાય. સત્તાધારી પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવા યોગ બની રહે!! મોટા માથાના નેતાઓનાં કૌભાંડ બહાર આવે. કુદરતી, અકુદરતી પરિસ્થિતિનો સામનો કરવો પડે. મુશળધાર વરસાદ વરસે. રોગચાળામાં અનેક જીવો હોમાય. દરિયાઈ તોફાનોથી તબાહી થાય. વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે સતત ઘર્ષણ રહ્યા કરે એનો ફાયદો વિરોધ પક્ષને મળી રહે. કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર રાજ્યને વ્યાપારલક્ષી નાણાં ફંડ મળે. મુંબઈ શહેરમાં અનેકવિધ સેલિબ્રિટી આપઘાતો કરે. મોંઘવારીથી પ્રજા પીડાય. ગૅસ-પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત વધારો થાય. ધાર્મિક કાર્યમાં વૃદ્ધિ થાય. રેલ અને હવાઈયાત્રા વધુ મોંઘી બને તેમ જ અકસ્માતો અને હુમલાના પ્રસંગો જોવા મળે. ખાસ કરીને જોવાલાયક સ્થળોનો વિકાસ મોટા પાયે થાય. રાજ્યની ઘણી જગ્યાએ જળપ્રલય થાય અને જળનું સ્થળ અને સ્થળનું જળમાં નિર્માણ થાય.

 

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની સિંહ લગ્નની કુંડળીમાં સપ્તમ સ્થાને ૧૫ નવેમ્બરે પસાર થતો ગુરુ આમ જનતામાં લોકચાહનામાં વધારો કરશે તેમ જ પ્રજાકીય વધુ સારાં કાર્યો હાથ ધરશે. જન્મના ચંદ્રની સામે ગુરુ પસાર થવાથી માન-સન્માન પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. છઠ્ઠા સ્થાને ગોચરનો શનિ પસાર થવાથી અજાત કે ગુપ્ત શત્રુઓ પર સફાયો કરશે. ધન રાશિમાં પંચમ ભાવે બિરાજમાન ગુરુ-શનિની યુતિ હોવાથી આધ્યાત્મિક ક્ષેત્રે વધુ જોગ વધારશે.

 

નરેન્દ્ર મોદી

ભારત દેશના હાલના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની તુલા લગ્ન, વૃશ્ચિક રાશિ મુજબ ઉંમર ૭૨માં પસાર થતા વર્ષ તેમની કુંડળી અનુસાર હાલમાં ચંદ્રની મહાદશામાં શુક્ર અને અંતર્દશા (તા. ૦૫-૦૪-૨૦૨૨) સુધી રહેશે. એ અનુસાર બહારના શત્રુઓ દ્વારા અનેક સંકટો અને ખોટા આક્ષેપો-આરોપોને સહન કરવા પડે. શત્રુભય, માનસિક અશાંતિ કારક પરિસ્થિતિનું નિર્માણ બની રહેશે. અતિ કઠિન કાર્યોમાં વિજયયોગ પ્રબળ બને. વિરોધીઓ દ્વારા ઘાતક હુમલાના યોગ પણ બની શકે. દેશના કૃષિ, રોડ, રસ્તા, હાઉસિંગ યોજનાઓ, આરોગ્ય, રીડેવલપમેન્ટ, અર્ધસરકારી નિગમો, બૅન્કિંગ જેવા મહત્ત્વનાં કાર્યોમાં આમૂલ પરિવર્તન લાવે. દેશ-વિદેશમાં નામના મેળવે. યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. આરોગ્ય બાબતે ચિંતા રખાવે. ભારતને નવી પ્રણાલી દ્વારા કાર્ય કરવાની પ્રેરણા આપે.

 

અમિત શાહ

રાજકારણમાં ચાણક્ય અને કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર અમિત શાહ વગર રાજનીતિનો ઇતિહાસ અધૂરો ગણી શકાય. તેમની કુંડળીમાં નીચ ભંગ રાજયોગને કારણે રાજકારણમાં કુટીલ નીતિ વિષયક નિર્ણયોમાં સફળતા મળવાથી યશકલગીમાં વધારો થાય. શનિ છઠ્ઠા ભાવે પસાર થવાથી સતાના શુકાનપદે અકલ્પનીય જાદુઈ પરિવર્તન લાવે. આમ જનતાનાં મંતવ્યોને આધારે પ્રજાલક્ષી નિયમો બહાર પાડે. આગામી લોકસભાની ચૂંટણીમાં ‘પેજ પ્રમુખ’નો કન્સેપ્ટ ખૂબ જ લાભદાયી નીવડે. કન્યા લગ્નની કુંડલીમાં ગોચરમાં એપ્રિલથી કેતુ મેષ રાશિમાં આઠમા ભાવે ભ્રમણથી આકસ્મિક આયુ, આરોગ્યમાં બગાડે. યુરેનશ, શનિ, મંગળ ગ્રહનું વર્ચસ્વ વધવાથી વિદેશમાં ડંકો વગાડે. 

 

રાહુલ ગાંધી

ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીની જન્મતારીખ 19-06-1970 અનુસાર (1+9+0+6+1+9+7+0) = 33 = 6 ભાગ્યાંક જે શુક્રનો થાય છે. હાલમાં ઉં. વ. 52 આગામી 2022ના વર્ષ (2+0+2+2) = વર્ષ-આંક 6 થાય છે માટે આગામી 2022ના વર્ષમાં માન-સન્માન, યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય, પણ તેઓ સત્તા સ્થાનથી વિમુખ રહેશે તથા પક્ષમાં દબદબો ધરાવશે. નાની-મોટી અનેકવિધ બાબતોમાં લાઇમ લાઇટ રહેશે. નજીકના સાથીના ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાતથી સાવચેત રહેવું પડે. નજીકના સલાહકારો દ્વારા વિશ્વાસઘાતના યોગ બની શકે. શારીરિક દૃષ્ટિએ આકસ્મિક દુર્ઘટના માટે સચેત રહેવું. મહત્ત્વના ખોટા નિર્ણયો લેવાય નહીં એની વિશેષ કાળજી રાખવી આવશ્યક.

 

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત રાજ્ય ગઢ ગણાય છે. રાજ્યના ૧૭મા મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફેસ રીડિંગ કરતાં માલૂમ થાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ સારી સીટો પ્રાપ્ત કરવા માટે સફળતા સૂચક બની રહે.
અલબત્ત, ચૂંટણીમાં ખૂબ જ રસાકસી બની રહે. પટેલની સરકારે થોડા સંઘર્ષમાંથી પસાર થવું પડે !! અલબત્ત, જૂના મેમ્બરોનો આક્રોશ, આંદોલન અને અસંતોષ, અપમાન જેવી બાબતોના સામના વચ્ચે કામગીરી કરવી પડે. રોડ, રસ્તા, પાણી, વીજળીની સેવાઓ સરળતાથી મળે. નવા પુલો બાંધવા, સરકારી ઑફિસો બનાવવી, હાઉસિંગ બિલ્ડિંગ તેમ જ રીડેવલપમેન્ટ યોજના બહાર પાડશે.

 

જો બાઇડન

અમેરિકાના નવા ૪૬મા રાષ્ટ્રપતિ જો બાઇડનને અગામી નૂતન વર્ષ માટે તેમણે લીધેલ શપથ સમયની મેષ લગ્નથી કુંડલી ઉદિત થયેલ. લગ્નેશ મંગળ સ્વગૃહી થયેલ. ચંદ્ર મેષ રાશિ મંગળના ઘરનો (મેષ રાશિ ચર) જ્યારે મકર રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ, શનિ સત્તાના સ્થાન ઉપર બિરાજમાન હોય જેમાં ગુરુ અને શનિ બબ્બે લાંબા ગાળાના ગ્રહો અસ્તના રહેતા હોવાથી પોતાનો સત્તાસમય પૂર્ણ કરશે નહીં. તેઓ સ્વતંત્ર નિર્ણય લેનાર બનશે જે ભારતીયો માટે લાભાર્થી બનશે. બાઇડનની કાર્ય કરવાની પદ્ધતિ એકદમ અલગ જ રહેશે. ટ્રમ્પ જે કરતા એના વિશે પહેલેથી વધુ બોલતા હતા, જ્યારે બાઇડન કોઈ કોલાહલ વિના ઠંડા કલેજે નિર્ણય કરતા જોવા મળશે. ભારત માટે એકંદરે બાઇડન સારા સાબિત થશે!! પરંતુ આ સંબંધો મિત્રતા કરતાં રાજદ્વારી વધુ જોવા મળશે. જૂન ૨૦૨૨માં આરોગ્ય માટે સાવચેતી રાખવી જ રહી. તેમની સામે અનેક પડકારો આવશે અને શરૂઆતનાં બે વર્ષ જ્યારે શનિ મકરમાં છે ત્યારે તેમને ઇચ્છિત પરિણામ મેળવવામાં તકલીફ પડતી જોવા મળશે. અમેરિકાએ ઘણા કડક નિર્ણયો આગામી સમયમાં લેવાના આવશે જેમાં તેઓ કૂટનીતિથી કામ લેતા જોવા મળશે અને ભારત માટે સારી બાબત એ છે કે અમેરિકા સાથે સંબંધ ઘણા સારા રહેશે, પરંતુ મૂળભૂત રીતે અમેરિકા પોતાનાં હિત ચકાસીને જ લાભ આપતું જોવા મળશે.

 

માર્ક ઝકરબર્ગ

નવા વર્ષ પૂર્વે ફેસબુકનું નામ બદલીને ‘મેટા’ (Meta) કરેલ છે જેની અંકશાસ્ત્રની પાઇથાગોરસ પદ્ધતિ મુજબ M E T A 4 5 2 1 કુલ સરવાળો 12 = (1+2) = 3 ગુરુનો થાય છે જે ઝકરબર્ગની જન્મતારીખ 14/05/1984મુજબ ભાગ્યાંક (1+4+0+5+1+9+8+4) = 32 = (3+2) = 5 = બુધનો થવાથી અંક ૩ (ગુરુ) મિત્રનો અંક હોવાથી નવું નામ તેમના ધંધામાં ખૂબ જ ઝડપી પ્રગતિ કરવાશે. દિનપ્રતિદિન મેટા યુઝર્સ વધશે અને વધુ વપરાશ કરીને બર્ગ અને નફો કમાવી આપશે. આગામી 2022નું વર્ષ (2+0+2+2) = 6 શુક્રનું હોવાથી નવું નામ તેમને નેમ ઍન્ડ ફેમમાં વધારો કરશે.

 

વિરાટ કોહલી

વિરાટ કોહલી ધન લગ્નની કુંડળીમાં કન્યા રાશિનો ચંદ્ર ગોચરમાં શનિ મકર રાશિમાં દ્વિતીય ભાવમાં પસાર થવાથી વાણી આક્રોશ બનાવે, એનાથી પોતાના કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદથી માનહાનિ થઈ શકે તેમ જ મોટી-મોટી જાહેરાતોનાં માધ્યમોથી થતી આવકમાં ઘટાડો થાય. ગળા કે કમરને લગતી તકલીફો થાય. વર્ષના અંતે અકલ્પનીય ભાગ્ય પરિવર્તનની સફળતા મળે.

 

અમિતાભ બચ્ચન

બિગ બી નામે ફેમશ અમિતાભ બચ્ચન સાહેબની તુલા રાશિ હોય જે રંગલી ગણાય છે. કુંભ લગ્નમાં કર્ક રાશિનો ગુરુ છઠ્ઠા સ્થાન પર રહી બીજા ભાવ પર દૃષ્ટિ કરતો હોવાથી તેમની વાણી આકર્ષક રહેલ. ગ્રહ ગોચરમાં મકર રાશિનો શનિ બારમે ભ્રમણ કરતો હોય કોર્ટ-કચેરીના યોગ બની શકે તેમ જ તેની વાણી વધુ કર્કશ બને જેને કારણે સોશ્યલ મીડિયામાં 
વધુ સ્કોલ થાય. ચૅરિટી ક્ષેત્રે સારું યોગદાન આપે. વર્ષની શરૂઆતથી આરોગ્ય બાબતે ચિંતિત રખાવે. ફિલ્મજગતમાં ઊગતા ઍક્ટર માટે સતત પ્રેરણાદાયી બની રહેશે.

 

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણનો ફેસ રીડિંગ કરતાં આગામી નૂતન વર્ષમાં સર્વ પ્રકારે સફળતા હાંસલ કરશે. વારંવાર વિદેશમાં પ્રવાસ કરશે. નવા વર્ષમાં ચંદ્ર, ગુરુ, શુક્ર ગ્રહોનું વિશેષ પ્રભુત્વ રહેશે જેને કારણે પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સારું નામ રોશન કરશે, પણ નાની-મોટી કોર્ટ મેટરનો સામનો કરવો પડે. મોટાં રોકાણો કરવાથી અનઅપેક્ષિત ધનલાભ થાય. વર્ષના મધ્યમાં યુરીન સંબંધિત શારીરિક તકલીફ આવી શકે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2021 09:02 AM IST | Mumbai | Jyotishacharya Ashish Rawal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK