અમેરિકા સારું, ભારત ખરાબ; ભારતમાં કાશ્મીર સારું, પણ મહારાષ્ટ્ર ખરાબ; મહારાષ્ટ્રમાં મુંબઈ સારું, પણ નાશિક બેકાર; મુંબઈમાં અંધેરીની સોસાયટી સારી, પણ વસઈ-વિરારની સોસાયટી ખરાબ. વસઈ-વિરારની દૂરની સોસાયટી સારી, પણ હું રહું છું એ સોસાયટી ખરાબ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મનના સ્વભાવની આ વિષમતા કહો તો વિષમતા અને વિચિત્રતા કહો તો વિચિત્રતા એ છે કે એને ‘દૂર’નું સારું લાગે છે અને ‘દૂર’નાં વહાલાં લાગે છે. અમેરિકા સારું, ભારત ખરાબ; ભારતમાં કાશ્મીર સારું, પણ મહારાષ્ટ્ર ખરાબ; મહારાષ્ટ્રમાં મુંબઈ સારું, પણ નાશિક બેકાર; મુંબઈમાં અંધેરીની સોસાયટી સારી, પણ વસઈ-વિરારની સોસાયટી ખરાબ. વસઈ-વિરારની દૂરની સોસાયટી સારી, પણ હું રહું છું એ સોસાયટી ખરાબ. આ જ ન્યાયે દૂર રહેલી માસી સારી, પણ ઘરમાં રહેલી મમ્મી સારી નહીં. દૂર રહેતો મિત્ર સારો, પણ ઘરમાં રહેલો ભાઈ નહીં. દૂર રહેતાં કાકી સારાં, પણ ઘરમાં રહેલાં ભાભી નહીં. બાજુમાં રહેતા પાડોશી સારા, પણ ઘરમાં રહેતો પરિવાર નહીં.
મનના આ સ્વભાવનું પરિણામ એ આવ્યું છે કે એક બાજુ વસ્તુ ક્ષેત્રે અતૃપ્તિ વધી છે તો વ્યક્તિ ક્ષેત્રે અસંતોષ વધ્યો છે. ‘મારી પાસે રહેલી વસ્તુ સારી નહીં જ’ આ વિચારધારાએ સતત અતૃપ્તિ વધારતા રહેવાનું જ કામ કર્યું છે તો ‘મારી નજીક રહેતા કોઈ સારા નહીં’ આ વિચારધારાએ પરિવારજનો પ્રત્યેનો અસંતોષ વધાર્યો છે.
પૂછો આજની નવી પેઢીને ‘તમારે કોના જેવા બનવું છે?’ કોઈકને ખ્યાતનામ ક્રિકેટર જેવા બનવું છે તો કોઈકને પ્રસિદ્ધ સંગીતકાર જેવા બનવું છે. કોઈકને વિશ્વસુંદરી જેવા બનવું છે તો કોઈકને વિશ્વવિખ્યાત હિરોઇન જેવા બનવું છે. કોઈકને કરોડોમાં આળોટતા ઉદ્યોગપતિ જેવા બનવું છે તો કોઈકને વર્તમાનપત્રની હેડલાઇનમાં ચમકતા રહેતા સત્તાધીશ જેવા બનવું છે. અફસોસની વાત એ છે કે કોઈને પણ પોતાનાં મમ્મી-પપ્પા જેવાં નથી બનવું, કોઈને પણ પોતાનાં ભાઈ-ભાભી જેવાં નથી બનવું. કોઈને પણ પોતાનાં ભાઈ-બહેન જેવાં નથી બનવું. દોષ કદાચ બન્ને પક્ષે છે.
મમ્મી-પપ્પા પોતાનો સ્વભાવ એવો નથી બનાવી શક્યાં જેના અનુભવે દીકરા-દીકરી માટે તેઓ આદર્શરૂપ બની શક્યાં હોય તો દીકરા-દીકરીએ બહારનું વર્તુળ જ એટલું બધું મોટું બનાવી દીધું છે કે તેમને પોતાનાં જ મમ્મી-પપ્પા પાસે બેસવાનો કે તેમની સાથે શાંતિથી વાતો કરવાનો સમય જ નથી. આ સ્થિતિમાં પરિવારના સભ્યોમાં એકબીજા વચ્ચે સંવાદિતા ન સ્થપાઈ હોય કે ન સ્થપાતી હોય તો એમાં આશ્ચર્ય જેવું કંઈ નથી લાગતું, પણ આ દિશામાં કામ કરવું અનિવાર્ય બની ગયું છે, એ પણ સમજવું પડશે. તમે જો તમારા જ પરિવાર જેવા થવા રાજી ન હો તો તમને એ પરિવાર માટે પ્રેમ કે લાગણી કેવી રીતે જન્મે? જરા વિચારજો અને પૂછજો તમારી જાતને કે એવું શું કામ?