શાસ્ત્રો કહે છે કે ‘ૐ નમઃ શિવાય’થી શરૂ થયેલાં કામોમાં વિઘ્ન નથી આવતું અને ધારો કે આવે તો એ વિઘ્નમાંથી પાર નીકળવાની ક્ષમતા કેળવાય છે.
‘ૐ નમઃ શિવાય’ના રટણને સમાધિસ્થ માનવામાં આવે છે
ૐ નમઃ શિવાય.
આપણે વાત કરવાની છે પંચાક્ષર મંત્રની. અત્યંત સરળ અને સહજ રીતે યાદ રહેતા આ પંચાક્ષર મંત્રનો મહિમા શિવભક્તિમાં અનન્ય ગણવામાં આવ્યો છે તો શ્રાવણ માસ દરમ્યાન એનું કરવામાં આવતું રટણ શિવજી સાથે સીધું સાંનિધ્ય જોડે છે. શ્રાવણ માટે એવું કહેવાયું છે કે સ્વયં મહાદેવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી અને મહાદેવનો શિવગણ પૃથ્વી પર આવે છે અને શ્રાવણ દરમ્યાન પૃથ્વીવાસીઓના સંપર્કમાં રહે છે. આ જ વાતને ટાંકીને શાસ્ત્રો કહે છે કે શ્રાવણ દરમ્યાન મહાદેવના પંચાક્ષર મંત્રનો જાપ, નાદ અને એનું રટણ કલ્યાણકારી બને છે.
‘ૐ નમઃ શિવાય’ને શાસ્ત્રોએ એ સ્તર પર સર્વમાન્ય ગણ્યો છે કે શિવજીની પૂજા દરમ્યાન માત્ર આ પંચાક્ષર મંત્રનો જાપ કરવામાં આવે તો પણ એ શિવજીની દરેક પૂજા જેવું જ ફળ આપે છે. ‘ૐ નમઃ શિવાય’નું રટણ સમાધિસ્થ માનવામાં આવ્યું છે. જો આ પંચાક્ષર મંત્રના રટણને જીવનનો હિસ્સો બનાવી દેવામાં આવે તો સમાધિ અવસ્થા સતત સાથે રહે છે અને એવા સમયમાં મન અને હૃદય કોઈ પણ રીતે વિચલિત નથી થતાં. શાસ્ત્રો કહે છે કે ‘ૐ નમઃ શિવાય’થી શરૂ થયેલાં કામોમાં વિઘ્ન નથી આવતું અને ધારો કે આવે તો એ વિઘ્નમાંથી પાર નીકળવાની ક્ષમતા કેળવાય છે.
પંચાક્ષર મંત્રની વાતને આગળ વધારતા પહેલાં એક વાતની સ્પષ્ટતા કરવાની. મંત્રની શરૂઆતમાં વપરાયેલા ઓમકારના નાદથી જ મહાદેવનું ધ્યાન જે-તે વ્યક્તિ તરફ ખેંચાય છે અને મહાદેવની નજર જ્યાં હોય ત્યાં મહાદેવ કોઈનું કશું ખરાબ થવા નથી દેતા. ‘ૐ નમઃ શિવાય’ના રટણથી કોઈનું ખરાબ કરવાની ભાવના પણ મનમાં જન્મતી નથી અને કોઈ અહિત કરવાનું વિચારતું પણ હોય તો તે એ કરી શકતું નથી. પંચાક્ષર મંત્ર સાથે જોડાયેલી એક કથા જાણવા જેવી છે.
ઋષિમુનિઓને અગ્રિમ સ્થાન પર બેસાડવામાં આવતા એ સમયની વાત છે. કાર્ણિક નામના રાજ્યમાં એક ઋષિવર એવા કે તેમને દરેક વાતના આરંભમાં અને અંતમાં ‘ૐ નમઃ શિવાય’ બોલવાની સુટેવ. ઋષિવરની આ ટેવને લીધે તેમને મળવા આવનારાઓ પણ પ્રત્યુત્તરના ભાગરૂપે સામે આ જ પંચાક્ષર બોલે. ઋષિવરને કારણે કાર્ણિકની એકેએક વ્યક્તિને આ આદત પડી. બનવાકાળ કાર્ણિક નગરીનો પ્રલયમાં નાશ થયો અને કાર્ણિક આખું ખતમ થઈ ગયું. જોકે ઋષિવર એ સમયે નગરમાં હાજર નહોતા એટલે તેમનો જીવ બચી ગયો.
હિમાલયમાં સાધના કરીને ઋષિવર પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે આખું નગર ખતમ થઈ ગયું છે. ઋષિવર માટે કાર્ણિકવાસીઓ જ તેમનો પરિવાર હતો. ઋષિવર આખું નગર જોઈ આવ્યા. ક્યાંય કોઈ બચ્યું હોય, જીવતું હોય તો તેના સહારે જીવન જીવવાના ભાવથી તેમણે બધી દિશામાં જોઈ લીધું, પણ કોઈ મળ્યું નહીં એટલે ઋષિવરે નક્કી કર્યું કે હવે તે પણ જીવશે નહીં.
ઋષિવરે પંચાક્ષર મંત્રના પાઠ સાથે જીવ આપી દીધો. ઋષિના પાર્થિવ દેહમાંથી જેવો આત્મા બહાર આવ્યો કે અપ્સરાઓ તેમને લેવા આવી ગઈ, પણ ઋષિવરે જવાની ના પાડી દીધી. અપ્સરાઓ નિરાશ થઈને પાછી વળી ગઈ. થોડી વાર પછી દેવતાઓ ઋષિવરને લેવા માટે આવ્યા. દેવતાઓએ કહ્યું કે આપે જીવન આખું મહાદેવની પૂજા કરી છે, સાધના કરી છે એટલે આપને સ્વર્ગ મળ્યું છે, આપ પધારો. ઋષિવર માન્યા નહીં. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે મને તમારું સ્વર્ગ ખપે નહીં, કારણ કે મારા કાર્ણિકવાસી પરિવારજનો તમારા સ્વર્ગમાં નથી.
દેવતાઓએ સ્પષ્ટતા કરી કે એવું નથી, કાર્ણિકવાસીઓ સ્વર્ગમાં જ છે. ઋષિ માનવા તૈયાર નહીં અને માનવામાં ન આવે એવી જ વાત હતી. આખેઆખું નગર કેવી રીતે સ્વર્ગમાં જઈ શકે? નગરના એકેએક રહેવાસીને કેવી રીતે સ્વર્ગમાં સ્થાન મળે?
ઋષિએ કહ્યું કે અશક્ય, અસંભવ; આપ જૂઠું બોલો છો, મને સ્વર્ગમાં લઈ જવાનો છે એટલે તમે છળનો ઉપયોગ કરો છો. દેવતાઓએ તેમને બહુ કહ્યું, બહુ સમજાવ્યા પણ ઋષિ માને જ નહીં અને હઠયોગની તાકાતથી તેઓ પોતાની જગ્યાએથી ટસના મસ થાય નહીં. ઋષિને મનાવવા માટે દેવલોકે શું કર્યું એની વાત આપણે કરીશું હવે આવતી કાલે.
લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર
થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.


