મને જે નિષ્કર્ષરૂપે ગીતામાંથી સમજાયું છે એમાં સૌથી પહેલી વાત છે ગીતા કર્મવાદી, કર્મત્યાગી નહીં.
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે કહ્યું એમ, ‘હું જેવું માનું છું, ગીતામાં એવું જ છે.’ આવી પૂર્વગ્રહવાળી માન્યતા સાથે ચિંતન થાય તો એ નિર્દોષ-નિર્મળ ન હોય. કેટલાક પંડિતો અને કેટલાક આચાર્યોએ આવું કર્યું છે, પણ આપણે એવું નથી કરવું. ખરેખર તો ગીતા જેવું માનતી હોય એવું જ એનું ચિંતન આવતા સમયમાં આપણે કરતા રહેવાના છીએ. હા, એમાં એવું પણ બને કે તમે શત-પ્રતિશત બધી રીતે સંમત ન પણ હો, પણ એવી બાબતમાં તમારી માન્યતાને ગૌણ બનાવીને ગીતાની માન્યતાને પ્રાધાન્ય આપવું જોઈએ. આવા લખાણથી ગીતા પ્રત્યે ન્યાય થયો કહેવાય. ‘હું ગીતાજીના અક્ષરેઅક્ષરને સ્વીકારું છું...’ એવી પ્રતિજ્ઞા કરીને પછી પોતાની માન્યતા દૃઢ કરવા શબ્દો અને અર્થોની ખેંચતાણ કરવી યોગ્ય ન કહેવાય, પણ આવું થતું રહ્યું છે. ‘હું એમાં અપવાદ છું’ એવો મારો દાવો ક્યારેય હતો નહીં અને ક્યારેય રહેશે નહીં. હું પણ સામાન્ય માણસ છું, એથી મારાથી પણ આવો દોષ થયો હશે, એની ના નહીં, પણ એ તો સુજ્ઞ શ્રોતાઓએ જ નિર્ણય કરવાનો છે, મારે નહીં.
મને જે નિષ્કર્ષરૂપે ગીતામાંથી સમજાયું છે એમાં સૌથી પહેલી વાત છે ગીતા કર્મવાદી, કર્મત્યાગી નહીં. એ આદિથી અંત સુધી કર્તવ્ય-કર્મો કરવાની પ્રેરણા આપ્યા કરે છે. નવાઈની જ વાત કહેવાય કે જે પ્રજાને આવો કર્મવાદી ગ્રંથ મળ્યો હોય એનું અધ્યાત્મ કર્મત્યાગી, અકર્મણ્યતા પ્રેરક કેમ બની ગયું? બીજા નંબરની વાત, ગીતા આદિથી અંત સુધી દૃઢતાથી ભક્તિની વાત કરે છે. એમાં પણ શરણાગત ભક્તિનો વારંવાર ઉપદેશ છે એ ગીતા, શુષ્કજ્ઞાનવાળી થઈને કર્મ અને ભક્તિ બન્નેની ત્યાગી કેમ બની ગઈ? વ્યાખ્યા પ્રબળ હોય છે. આ ગીતાનું પરિણામ નથી, વ્યાખ્યાનું પરિણામ કહેવાય.
ADVERTISEMENT
ત્રીજી વાત, ગીતા યુદ્ધભૂમિમાં રચાયેલો યુદ્ધ માટેનો ગ્રંથ છે. કદાચ વિશ્વનાં બધાં શાસ્ત્રોમાં આ એક જ શાસ્ત્ર અપવાદરૂપ યુદ્ધભૂમિમાં રચાયું હોય. આદિથી અંત સુધી ‘યુદ્ધ કર’, ‘યુદ્ધ કર’ એવો ઉપદેશ અપાયો છે અને અર્જુને પણ છેવટે ‘કરિષ્યે વચનં તવ’ કહીને યુદ્ધ માન્ય રાખ્યું છે. યુદ્ધ કર્યું છે અને જીત્યું પણ છે. આવો પ્રબળ ગ્રંથ મળ્યો હોવા છતાં હિન્દુપ્રજા યુદ્ધવિમુખ કેમ બની?
સેંકડો વર્ષોથી એના પર ચારેતરફથી આક્રમણો થતાં રહ્યાં. તે આ આક્રમણોને ઝીલતી રહી, પરિણામ ભોગવતી રહી, પણ તેણે આક્રાન્તાઓ સામે, શત્રુભૂમિ પર આક્રમણો ન કર્યાં, શું કામ? આક્રમણ જ રક્ષણનું પ્રથમ કારણ બની શકે એ ચાણક્યસૂત્ર કેમ ભુલાઈ ગયું? વ્યાખ્યા પ્રબળ છે અને એટલું જ મનોમંથન માગી લે એવી છે.

