સરકારી, વૈયક્તિક તથા વિદેશી મૂડીનું સારું એવું રોકાણ ઉદ્યોગોમાં થયું છે. અસંખ્ય કારખાનાં ધમધમી રહ્યાં છે, જે એક તરફ જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરીને દેશને સ્વાવલંબી બનાવે છે, તો બીજી તરફ હજારો માણસોને રોજી આપે છે.
પ્રતીકાત્મક તસવીર
વાત છે ભારતીય આર્થિક ક્ષેત્રની. ભારતને આઝાદી મળી એ સમયને યાદ કરીને કહેવાનું હોય તો કહેવું પડે કે આપણે ત્યાં સરેરાશ વ્યક્તિની આવક લગભગ ૧૦૦ રૂપિયા જેવી હતી, જે આજના સમયે ચારેક હજાર ઉપર પહોંચી છે, પણ આપણે દુનિયાના તમામ વિકસિત દેશો કરતાં હજી જોજનો પાછળ છીએ.
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તો ઠીક; તાઇવાન, કોરિયા, હૉન્ગકૉન્ગ જેવા દેશો પણ આપણા કરતાં ઘણા આગળ વધી ગયા છે. એનું કારણ ઝડપી ઔદ્યોગિક વિકાસ છે. અત્યારે ત્યાંની સરેરાશ આવક ૪૦થી ૫૦ હજાર જેટલી પ્રતિ વ્યક્તિ છે. આપણે પણ જો ઝડપથી યોગ્ય માર્ગે ચાલ્યા હોત તો એ સ્થિતિએ પહોંચી શક્યા હોત. એમ છતાં આપણે અસંખ્ય અડચણો ઊભી કરીને પણ ઔદ્યોગિક વિકાસ તરફ વળ્યા છીએ. સરકારી, વૈયક્તિક તથા વિદેશી મૂડીનું સારું એવું રોકાણ ઉદ્યોગોમાં થયું છે. અસંખ્ય કારખાનાં ધમધમી રહ્યાં છે, જે એક તરફ જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરીને દેશને સ્વાવલંબી બનાવે છે, તો બીજી તરફ હજારો માણસોને રોજી આપે છે.
ખેતીના ક્ષેત્રમાં પણ નદીઓ પર બંધ, પાતાળકૂવા તથા સુધારેલાં બિયારણ અને સુધારેલાં ઓજારો દ્વારા પહેલાં કરતાં અનેકગણો પાક ઉતારી શકાય છે. દુકાળ હજી પણ પડે છે, પણ એમ છતાં આપણે દુકાળની ક્રૂરતાથી મુક્ત રહી શકીએ છીએ અને એ વિજ્ઞાનના સ્વીકારની સીધી સકારાત્મક અસર છે. એક જ દાખલો આપું, વાત સરળતાથી સમજાઈ જશે.
મહારાષ્ટ્રથી ગુજરાત જુદું થયું ત્યારે ગુજરાતની વસ્તી બે-સવાબે કરોડ હતી અને ગુજરાતનું અન્ન ઉત્પાદન ૧૪-૧૫ લાખ ટન હતું. અમેરિકાથી અનાજ આવતું અને આપણે એ અનાજનો ઉપયોગ ભોજનમાં કરતા. હવે ઘણી જમીન રોડ, રેલવે, કારખાનાં, સોસાયટીઓમાં ગઈ, વિકાસનાં કામોમાં જમીનના હેતુફેર થયા અને ખેતી ઘટવા માંડી, પણ એમ છતાં ગુજરાતમાં ૬૦ લાખ ટન અનાજ ઉત્પન્ન થવા લાગ્યું છે. વરસાદને લાવી નથી જ શકાતો, દુકાળની અસર પણ દેખાય છે અને એ પછી પણ ગુજરાતે આજના સમયમાં અનાજ લઈને આવતી પેલી અમેરિકાની સ્ટીમરની રાહ નથી જોવી પડી. માત્ર અનાજ જ નહીં, તેલીબિયાં, કપાસ બધાંનું ઉત્પાદન વધારી શકાયું છે, પણ રાજીના રેડ થવાની જરૂર નથી, હજી પણ આપણે જપાન કે ઇઝરાયલની કક્ષાથી ઘણા દૂર છીએ.
પહેલાં દુકાળમાં ગરીબ માણસો પગ ઘસી-ઘસીને ભૂખે મરી જતા. હવે આવી રીતે કોઈ મરતું નથી. સરકાર તરફથી તથા સેવાભાવી સંસ્થાઓ તરફથી રોજગારી તથા સહાય મળે છે. લોકોને ગમે એ રીતે બચાવી લેવાય છે.


