Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ભજન ગવાય જીભથી, પણ એ થાય છે જીવથી

ભજન ગવાય જીભથી, પણ એ થાય છે જીવથી

03 May, 2023 04:33 PM IST | Mumbai
Morari Bapu

ભજન એક કક્ષા સુધી સાધન છે, પણ અમુક કક્ષા પછી ભજન સાધન મટીને સાધ્ય બની જાય છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માનસ ધર્મ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આપણે વાત કરીએ છીએ ભજનોની, જેમાં હવે આપણે વાત કરવાના છીએ ભજન અને ભક્તિની. ભજનનો ગાયક ભલે ગમે એ ભાવથી ભજન ગાતો હોય, પરંતુ શ્રોતા જો સાચા હૃદયથી ભજન સાંભળે તો ગાયક નરે કે તરે, પણ શ્રોતા તરી જાય એવું બની શકે છે. ભજન એક કક્ષા સુધી સાધન છે, પણ અમુક કક્ષા પછી ભજન સાધન મટીને સાધ્ય બની જાય છે. આપણે નૌકામાં સામે કિનારે પહોંચીએ પછી નૌકાને છોડી દઈએ છીએ, કારણ કે હવે એની આવશ્યકતા નથી, એનું કામ પૂરું થયું. જેમ નૌકા એક સાધન છે એમ સાધકની એક કક્ષા એવી હોય છે જેમાં ભજન સાધન હોય છે, પણ બીજા વિકાસમાં ભજન સાધ્ય બની જાય છે.

ભગવાનની પૂજામાં બેઠા હોઈએ અને એક બાળક હસતું-હસતું ભાંખોડિયાં ભરતું-ભરતું આવે અને તમારી સામે પ્રેમભરી દૃષ્ટિ કરે ત્યારે સમજવાનું કે નંદ ઘેર આનંદ ભયો. એવા સમયે બાળકને દૂર મોકલવાની કે પછી બાળકને લઈ જવાની સૂચના બિલકુલ ન આપવી. માનવું કે આજે તો મારે ઘેર બાલકૃષ્ણનું આગમન થયું.ડૉક્ટર હોય એ ગળામાં પેલું રાખે, હું કહે એને? હા, સ્ટેથોસ્કોપ. એનાથી ભજન થાય. એ માળા છે. મારા ગામડામાં ખેડૂતોના બળદની રાશ એ માળા છે. હા, તમારા ક્ષેત્રમાં પ્રામાણિકપણે કરેલું કર્મ એ સાધના છે. એક મા પોતાના બાળકને પારણામાં સૂવડાવીને હાલરડું ગાતી હોય, જ્યારે તે પારણું ઝુલાવતી હોય ત્યારે એ પારણાની દોરી તે જનેતાની માળા છે, એ સાધના છે. જ્યારે મેં ને તમે જીવનથી ભજનને અને સાધનાને અને અનુપાનને યુવા પાડ્યા ત્યારથી વિભક્તિ આવી, ભક્તિ ન આવી. ભક્તિ માટે તો એકરસ થવાનું હોય અને ભાવક જ્યારે એકરસ થઈ જાય ત્યારે ભજનની જરૂર નથી રહેતી. ભજનથી પણ એ આગળ નીકળી જાય છે. વાલ્મીકિ તપમાં બેઠા પછી એ રામનું નામ પણ ક્યાં સાચું બોલતા હતા, પણ સાચું નામ તેમના હૃદયમાં હતું અને એટલે ભગવાન શ્રીરામ તેની પાસે ઊભા રહ્યા, તેમને હાથ પકડીને રામાયણનું ગાન કરાવ્યું.


મારી એક વાત તમે સૌ યાદ રાખજો કે ભજન ગવાય છે જીભથી પણ ભજન થાય છે જીવથી. જો જીવ ભજનમાં હશે તો જીભ પર કંઈ પણ હોય, કોઈ ફરક નહીં પડે, પણ જો જીભ પર ભજન હશે અને જીવ બીજે ફરતો હશે તો ગવાતું ભજન હરિ સુધી પહોંચવાનું નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 04:33 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK