સ્નેહલતાએ ખામોશી ફિલ્મમાં રાજેશ ખન્નાની બેવફા પ્રેમિકાનો રોલ કર્યો હતો!

Published: Dec 31, 2019, 11:19 IST | Ashu Patel | Mumbai

એ ફિલ્મનું સ્નેહલતા પર પિક્ચરાઇઝ થયેલું ગીત હમને દેખી હૈં ઉન આંખોં કી મહેકતી ખુશબૂ... સુપરહિટ થયું હતું

સ્નેહલતા
સ્નેહલતા

યસ, કેટલીય સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં હિરોઇન તરીકે અભિનય કરનારાં સ્નેહલતાએ વહીદા રહેમાન અને રાજેશ ખન્ના અભિનીત, હેમંતકુમારની ગીતાંજલિ ફિલ્મ્સ કંપની નિર્મિત ક્લાસિક ફિલ્મ ‘ખામોશી’માં અભિનય કર્યો હતો (એ ફિલ્મમાં ધર્મેન્દ્રએ પણ મહેમાન કલાકાર તરીકે ભૂમિકા કરી હતી) અને એ ફિલ્મમાં તેમના ભાગે જે ગીત આવ્યું હતું એ ખૂબ સફળ સાબિત થયું હતું.

૧૯૭૦ની ૨૫ એપ્રિલે રિલીઝ થયેલી ‘ખામોશી’માં રાજેશ ખન્ના, વહીદા રહેમાન અને ધર્મેન્દ્ર સાથે સ્નેહલતાને અભિનયની તક મળી હતી. એ ફિલ્મનું દિગ્દર્શન આસિત સેને કર્યું હતું (પેલા કૉમેડિયન આસિત સેન નહીં). એ ફિલ્મ બંગાળી લેખક આશુતોષ મુખરજીની નવલકથા ‘નર્સ મિત્રા’ પરથી બની હતી. એનો સ્ક્રીનપ્લે આસિત સેને લખ્યો હતો અને ડાયલૉગ્સ ગુલઝારે લખ્યા હતા.

એ ફિલ્મની કથા એવી હતી કે સેકન્ડ વર્લ્ડ વૉરના એક વેટરન ડૉક્ટર કર્નલસા’બ (નાઝિર હુસેને એ રોલ ભજવ્યો હતો) એક હૉસ્પિટલમાં સાઇકિયાટ્રી વૉર્ડના હેડ છે અને તેમના હાથ નીચે નર્સ રાધા કામ કરે છે (એ રોલ વહીદા રહેમાને ભજવ્યો હતો) એ સાઇકિયાટ્રી વૉર્ડના ૨૪ નંબરના બેડ પર દેવકુમાર (ધર્મેન્દ્ર) નામનો દરદી આવે છે. રાધા તેને પ્રેમ અને હૂંફ આપીને સાજો કરે છે. તેની સારવાર દરમ્યાન તે દેવકુમારના પ્રેમમાં પડી જાય છે.

સ્વસ્થ થઈ ગયા પછી દેવકુમાર હૉસ્પિટલ છોડીને જતો રહે છે. રાધાને બહુ દુઃખ થાય છે, કારણ કે તે તેનું પ્રોફેશનલ વર્ક અને લાગણીને જુદાં નથી કરી શકતી. એ પછી એક નવો દરદી અરુણ ચૌધરી (રાજેશ ખન્ના) ૨૪ નંબરના પેશન્ટ તરીકે આવે છે અને તેની સારવારની જવાબદારી નર્સ રાધાને સોંપાય છે. અરુણકુમાર એટલા માટે માનસિક રોગનો દરદી બની ગયો હોય છે કે તેની સિંગર પ્રેમિકા સુલેખાએ તેને દગો દીધો હોય છે.

પ્રેમિકા સુલેખાની બેવફાઈથી તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને હૉસ્પિટલાઇઝ્‍ડ થાય છે. ૨૪ નંબરના એ પેશન્ટની સારવાર કરતાં-કરતાં નર્સ રાધા તેના પ્રેમમાં ગળાડૂબ બની જાય છે. રાધા અરુણ ચૌધરીને ફરી સામાન્ય બનાવી દે છે. અરુણ સાજો થઈ જાય છે એ પછી તે પણ રાધાની જિંદગીમાંથી ચાલ્યો જાય છે અને રાધાને એટલો ઊંડો આઘાત લાગે છે કે તેને એ જ સાઇકિયાટ્રી વૉર્ડમાં ૨૪ નંબરના પેશન્ટ તરીકે દાખલ કરવી પડે છે.

એ ફિલ્મનાં ગીતો (‘વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ...’, તુમ પુકાર લો, તુમ્હારા ઇન્તઝાર હૈ...’) સુપરહિટ થયાં હતાં અને એમાં સ્નેહલતાના ભાગે પણ અદ્ભુત અને કર્ણપ્રિય ગીત આવ્યું હતું : ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખુશબૂ, હાથ સે છૂ કે ઇસે રિશ્તોં કા ઇલ્ઝામ ન દો, સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો...’

આ પણ વાંચો : આ છે બૉલીવુડના સુપર સેવન સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

જેમને ખબર ન હોય કે સ્ક્રીન પર એ ગીત સ્નેહલતા ગાઈ રહ્યાં છે તો સ્નેહલતાને ઓળખી પણ ન શકાય એવાં તેઓ એ ગીતમાં લાગે છે! એ ગીત ગુલઝારે લખ્યું હતું, હેમંતકુમારે કમ્પોઝ કર્યું હતું અને લતા મંગેશકરે ગાયું હતું. એ ગીત સાંભળવું હોય તો આ રહી એની લિન્ક

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK