અમુક સ્થળોએ ક્રિસમસના દિવસે થિયેટર્સ બંધ હોવા છતાં શાહરુખ ખાનની ડૉન ૨નો સોમવાર સુધીમાં કુલ ૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો
શાહરુખ ખાનની ‘ડૉન ૨’ અત્યારે ભલે ભારતીય માર્કેટમાં થોડી ડગમગી રહી હોય, પણ હવે લાગી રહ્યું છે કે ઇન્ટરનૅશનલ માર્કેટમાં થયેલા બિઝનેસને કારણે ફિલ્મની સફળતા લગભગ નિશ્ચિતગણી શકાય. એક મોટા બજેટની ફિલ્મની સરખામણીમાં પણ આ ફિલ્મ ઇન્ટરનૅશનલ માર્કેટમાં એક એવું ઓપનિંગ મેળવી શકી છે જે કોઈ પણ ભારતીય ફિલ્મ માટે અભૂતપૂર્વ ગણી શકાય. આ ફિલ્મે તેના પહેલા વીક-એન્ડમાં કુલ સાત મિલ્યન ડૉલર્સ (આશરે ૩૭ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે અને ઘણી ઇન્ટરનૅશનલ માર્કેટ્સમાં તે ટૉપ-ટેનના ચાર્ટ્સમાં પણ આવી ગઈ છે.
શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, લારા દત્તા અને બમન ઈરાની સાથેની ફરહાન અખ્તરની આ ફિલ્મ આજ સુધીની ભારતની સૌથી મોટી ઇન્ટરનૅશનલ રિલીઝ ગણવામાં આવે છે. અમુક યુરોપિયન અને અમેરિકન સેન્ટર્સમાં ક્રિસમસના દિવસે થિયેટર્સ બંધ હોવા છતાં ફિલ્મે ઘણો સારો બિઝનેસ કરી લીધો છે. આ પરથી લાગી રહ્યું છે કે ફરહાન અને શાહરુખે ફિલ્મને ભારત કરતાં આ દેશોમાં રિલીઝ કરવાનો દાવ ખેલ્યો હતો એ સફળ થયો છે.
આ ઉપરાંત ફિલ્મને મધ્ય-પૂર્વ એશિયા એટલે કે આરબ દેશોમાં પણ જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે. આને કારણે જ ટ્રેડ-વિશેષજ્ઞો માને છે કે આ ફિલ્મ તેના મોટા બજેટની સરખામણીમાં ઘણો સારો પ્રૉફિટ કરાવી શકશે, કારણ કે ભારતમાં પણ ફિલ્મના બિઝનેસમાં જેટલો ઘટાડો જોવા નથી મળ્યો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK