Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ગુજરાતનાં કોકિલા' કૌમુદી મુનશીનું 91 વર્ષની વયે નિધન

'ગુજરાતનાં કોકિલા' કૌમુદી મુનશીનું 91 વર્ષની વયે નિધન

13 October, 2020 03:29 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

'ગુજરાતનાં કોકિલા' કૌમુદી મુનશીનું 91 વર્ષની વયે નિધન

કૌમુદી મુનશી

કૌમુદી મુનશી


2020નું વર્ષ ખરેખર ખરાબ સાબિત થઈ રહ્યું છે. કારણકે દરરોજ એક નવી સવાર લગભગ એક ખરાબ સમાચાર લઈને આવે છે. તેમાંય ખાસ કરીને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે. ગુજરાતી ફિલ્મો હોય, રંગભૂમિ હોય કે પછી ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પણ ખરાબ સમાચાર આપવામાંથી બાકાત નથી રહી. હજી ગત અઠવાડિયે જ ગુજરાતી રંગભૂમિના અભિનેતા, પ્રોડયુસર, ડિરેક્ટર અને ભારતીય વિદ્યા ભવનના પ્રોગ્રામ ડાયરેક્ટર કમલેશ મોતાનું નિધન થયું. હવે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક વ્યક્તિની વિદાય થઈ છે. તે છે 'ગુજરાતનાં કોકિલા' કહેવાતાં ગાયિકા કૌમુદી મુનશીની. 93 વર્ષની વયે કૌમુદીબહેનનું નિધન થતા ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, કૌમુદી મુનશી કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. ગઈ કાલે રાત્રે એટલે કે મંગળવારે મધરાતે બે વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 91 વર્ષના હતા. બે દિવસ પહેલા કૌમુદી મુનશીને કોરોના પૉઝિટીવ રીપોર્ટ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર કારગત ન નિવડતા ગઇરાતે બે વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતા. એલ.પી. રેકર્ડ્ઝ થી શરૂ કરીને 4 જીબી-16 જીબીના કાર્ડ અને યુ ટ્યૂબ સુધીની એમની સફર છે.



ઇ.સ. 1927માં વારાણસીના કાશીમાં જન્મેલા કૌમુદી મુનશીનું મૂળ વતન વડનગર છે. પરંતુ તેમનો પરિવાર કાશીમાં સ્થાયી થયો હતો. તેમનો પરિવાર કાશીમાં મોટો જમીનદાર હતો. તેમના ઘરમાં પહેલેથી જ કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ હતું. હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર કૌમુદી બેનની પકડ પહેલેથી જ હતી. તેમણે વર્ષ 1950માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે B.A.ની પદવી મેળવી હતી. નાનપણથી જ તેમને સંગીતનો શોખ હતો. તેમણે ‘ઠુમરીના રાણી’ કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી હતી. પછી ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ અને પંડિત મનોહર બર્વે પાસેથી પણ તાલીમ લીધી હતી.


કૌમુદી મુનશીની સંગીત યાત્રાની વાત કરીએ તો, વારાણસીમાં સ્ત્રીઓના જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઇ આવ્યા હતા અને ત્યાંથી જ તેમનું સંગીત સફર શરૂ થઇ હતી. અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું હતું. શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ, દાદરા, કજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નીપુણતા મેળવી હતી સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ હતી. 21 વર્ષની વયે મુંબઈમાં સ્થાયી થયા બાદ તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

 વર્ષ 1952માં આવેલી ફિલ્મ 'મનુની માસી'નું અવિનાશ વ્યાસનું ગીત 'નહિ મેલું રે નંદજીના લાલ', સુરેશ દલાલના 'આજ મારાં હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે', 'વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી', રમણલાલ વસંતલાલ દેસાઈનું ગીત 'જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી', હરીન્દ્ર દવેનું 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે', બરકત વિરાણી ‘બેફામ’નું 'જીવન મળ્યું જીવનની પછી વેદના મળી' વગેરે કૌમુદી મુનશીના લોકપ્રિય ગીતો છે. તે સિવાય 'કિને કાંકરી મોહે મારી રે', 'ચોર્યાસી રંગનો સાથિયો', 'ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ', 'હું શું જાણું જે વહાલે મુજમાં શું દીઠું', 'તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ' તેમના લોકપ્રિય ગીતો છે.


વર્ષ 2011માં કૌમુદી મુનશીનું કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ સંગીતને પવિત્ર માનતા એટલે જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી. જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.

અંગત જીવનની વાત કરીએ તો કૌમુદી મુનશીએ પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર નીનુ મજુમદાર સાથે વર્ષ 1954માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રખ્યાત ગાયક ઉદય મજુમદાર તેમના પુત્ર છે.

કૌમુદી મુનશીના નિધનથી સંગીત ક્ષેત્રે તો બહુ મોટી ખોટ પડી જ છે પણ સાથે એક એવા કલાકાર, અભિનેતા છે જેમના જીવનમાં પણ બહુ મોટી ખોટ પડી છે. તે છે અભિનેતા દર્શન જરીવાલા. દર્શન જરીવાલાને માતાને સ્થાને જે વ્યક્તિ હતી તેમને ગુમાવ્યાં છે. દર્શન જરીવાલાએ સોશ્યલ મીડિયા પર કૌમુદી મુનશીને શ્રદ્ધાંજલી આપતા કહ્યું છે કે, 'બનારસ ઘરાનાના કૌમુદી મુનશી મસાલેદાર અથાણાં જેવા હતા. કજરી, ઠુમરી અને શાસ્ત્રીય બંદિશોનો તે સંગ્રહ હતા. 1974માં ગુજરાતી મ્યુઝિકલ અભિમાનમાં અજીત મર્ચન્ટે કમ્પોઝ કરેલું ગીત ગાતા મેં તેમને સાંભળ્યા હતા. તેના ત્રણ વર્ષ પછી હું તેમને મળ્યો હતો. તેઓ મારી મમ્મીને મળવાં આવતાં હતાં અને તેમને મળીને મેં તેમની પાસે માતાનો ખોળો અને પ્રેમ માંગ્યો હતો. જે ગઈ કાલ રાત સુધી મારી સાથે રહ્યો હતો. તેઓ ભલે હવે આ દુનિયામાં નથી પણ તેમનું સંગીત શાશ્વત છે. જ્યારે પણ હું આંખો બંધ કરીશ ત્યારે તેમને યાદ કરીશ. કારણકે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેને આપણે પકડીને રાખી શકતા નથી. બધાએ જવાનું જ છે. એટલે આંખ બંધ કરો અને તેમને યાદ કરો. તેમની ગેરહાજરી પર ક્યારેય શોક ન કરો.'

કૌમુદી મુનશીના આત્માને ભગવાન શાંતિ આપે તેવી જ પ્રાર્થના. પણ સંગીત ક્ષેત્રે તેમની ખોટ હંમેશા સાલતી રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 03:29 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK