Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > વેબ રિવ્યુ: જબરદસ્ત લૅન્ડિંગ

વેબ રિવ્યુ: જબરદસ્ત લૅન્ડિંગ

23 January, 2020 05:31 PM IST |
હર્ષ દેસાઈ

વેબ રિવ્યુ: જબરદસ્ત લૅન્ડિંગ

ધ ફાઈનલ કૉલનું એક દ્રશ્ય

ધ ફાઈનલ કૉલનું એક દ્રશ્ય


તમે કોઈ ફ્લાઇટમાં બેઠા હો અને તમને ખબર પડે કે આ તમારી લાઇફની છેલ્લી ફ્લાઇટ છે તો તમે શું કરશો? શું સુસાઇડ કરનાર વ્યક્તિ સો-બસો લોકોના જીવ સાથે સુસાઇડ કરશે? ધ ફાઇનલ કૉલ જોઈને આવા ઘણા સવાલો તમારા મગજમાં આવશે. જોકે આ સવાલોના જવાબ ધ ફાઇનલ કૉલમાં જ જોવા મળશે. અર્જુનનો ચહેરો જોઈને કહેવું મુશ્કેલ છે કે તેના મગજમાં શું ચાલતું હોય અને એનો ઉપયોગ આ સિરિયલમાં ભરપૂર કરવામાં આવ્યો છે. અર્જુને પાઇલટ કરણ સચદેવાનું પાત્ર ભજવ્યું છે જે એક ભૂતપૂર્વ ઍરર્ફોસનો પાઇલટ હોય છે. પ્રિયા કુમારની નૉવેલ આઇ વિલ ગો વિથ યુ : ધ ફ્લાઇટ ઑફ ધ લાઇફટાઇમ પરથી આ થિþલર વેબ-સિરીઝ બનાવવામાં આવી છે.

 આ મિની-સિરીઝના પહેલા એપિસોડની શરૂઆતમાં જ પ્લેનને ક્રૅશ થઈ રહ્યું હોય એ રીતે દેખાડવામાં આવ્યું છે. આ દૃશ્ય આપણામાં ખૂબ જ કૂતુહલ જગાડે છે કે ક્રૅશ થયું હશે કે બચી ગયું હશે. જોકે ત્યાર બાદ શોની શરૂઆત થાય છે. અર્જુન પ્લેનમાં ઝેર લઈને બોર્ડિંગ લઈને ચઢે છે. શરૂઆતમાં તે ડ્રગ્સનો વ્યસની હોય એવું લાગી શકે, પરંતુ તે ખરેખર સુસાઇડ કરવા માગતો હોય છે. આ શોમાં તેની સાથે જાવેદ જાફરી, નીરજ કાબી, અનુપ્રિયા ગોએન્કા, સાક્ષી તનવર અને વિપિન શર્માએ કામ કર્યું છે. પહેલા એપિસોડમાં દરેક પાત્રની એન્ટ્રી કરવામાં આવે છે અને દરેક પાત્ર સાથે કહાનીમાં ટ્વિસ્ટ આવતો જાય છે. આ સાથે જ ઘણાં નાનાં-નાનાં પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઘણી નાની-નાની સ્ટોરી ચાલતી રહે છે અને એ એકદમ રિયલ લાગે છે. પ્લેનમાં જે પણ મુસાફર પર ફોકસ કરવામાં આવ્યું છે એની બૅક સ્ટોરીને ખૂબ જ અદ્ભુત રીતે દેખાડવામાં આવી છે.



 આ શોમાં સાક્ષી તનવરનું પાત્ર ખૂબ જ શાંત, પરંતુ ચતુર ઑફિસરનું દેખાડવામાં આવ્યું છે. એક મહિલા ફિઝિકલી સ્ટ્રૉન્ગ ન હોઈ શકે, પરંતુ તેમાં ઇãન્સ્ટંક્ટ અને સમજશક્તિ પુરુષ કરતાં વધુ હોય એ તેના પાત્રમાં ખૂબ જ બખૂબી દેખાડવામાં આવ્યું છે તેમ જ હંમેશાં પાવર નહીં, બુદ્ધિથી પણ કામ થઈ શકે છે એ તેનું પાત્ર આપણને સમજાવે છે. જાવેદ જાફરી આ શોમાં બિઝનેસમૅન સિદ્ધાર્થ સિંધાનિયાનું પાત્ર ભજવે છે. તેની પાસે બધુ હોય છે, પરંતુ તેને શાંતિ નથી હોતી. તે લાઇફમાં શું મેળવવું એના કરતાં તેનું મૃત્યુ કેવી રીતે થવાનું છે એ જાણવામાં તેને વધુ રસ હોય છે. અનુપ્રિયાએ પણ ફ્લાઇટ અટેન્ડન્ટનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. મહાભારતમાં જે રીતે કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો એ રીતે ધ ફાઇનલ કૉલના કૃષ્ણ છે નીરજ કાબી. આ શોમાં તેમણે કૃષ્ણમૂર્તિનું પાત્ર ભજવ્યું છે. નીરજ કાબીનું પર્ફોર્મન્સ ખૂબ જ ઉમદા છે અને એ તમને લાઇફમાં શું થવાનું છે એના કરતાં લાઇફને કેવી રીતે જીવવું એ સમજાવતા જોવા મળશે.


 વેબ-શોમાં આજકાલ મોટા ભાગે ગાળો, સેક્સ અને આલ્કોહૉલ જોવા મળે છે. જોકે આ શો આ બધાથી પર છે. શોમાં જ્યારે પણ આલ્કોહૉલનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે ત્યારે એ ખૂબ જ વાજબી છે. નહીં કે મુંબઈની વરસાદની જેમ ગમે ત્યારે એનું આગમન થઈ જાય. વેબ-શોમાં ખરેખર જે લિબર્ટી મળે છે એ આ શોના ડિરેક્ટર કાર્તિક કૉલિંગ કાર્તિક ફેમ વિજય લાલવાણીએ ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લીધી છે. શોનો સ્ક્રીનપ્લે ખૂબ જ અદ્ભુત રીતે લખવામાં આવ્યો છે. હૉલીવુડની ફિલ્મ ધ ફ્લાઇટ અને સલી જેટલી દિલચસ્પ તો નથી બની, પરંતુ આ વેબ-શો જોવા માટે તમારે સીટ-બેલ્ટ બાંધવો પડે તો નવાઈ નહીં. વિજયે ડિરેક્શન ખૂબ જ અદ્ભુત કર્યું છે. ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી હોય એ જ રીતે આ શોને પણ ડિરેક્ટ કરવામાં આવ્યો છે. નીરજા રિયલ ઘટના પરથી બની હોવાથી એ હિટ રહી હતી, પરંતુ આ શોને ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવ્યો હોત તો એ નિષ્ફળ ગયો હોત, કારણ કે લોકોને આજે શર્ટ ઉતારી ડાન્સ કરતા સલમાન ખાન અને ટોટલ ધમાલ જેવી કૉમેડી જોવામાં રસ છે. જોકે ZEE5 કરતાં આ શોને ઍમેઝૉન પ્રાઇમ અથવા તો નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હોત તો એ વધુ લોકો સુધી પહોંચી શકી હોત.

 નમક હલાલમાં અમિતાભ બચ્ચન કચ્ચા પાપડ, પક્કા પાપડ જોરમાં બોલી શકે છે, પરંતુ જ્યારે આપણે બોલવા જઈએ ત્યારે કચ્ચા પાકડ, કચ્ચા-પક્કા વગેરે રીતે બોલીએ છીએ. આ જ રીતે શોમાં પણ ભૂતકાળ કયું અને ભવિષ્ય કયું એ જોવામાં કન્ફ્યુઝ થઈ જવાય છે. જોકે આ કન્ફ્યુઝન શોની ઉત્સુકતા વધારે છે, નહીં કે મગજ પર હથોડા મારે.


 આ શોના ત્રીજા એપિસોડની શરૂઆતની બે મિનિટમાં અર્જુન રામપાલ કેમ ઍરર્ફોસમાંથી નીકળી ગયો હોય અને સુસાઇડ કરવા માગે છે એ રજૂ કરવામાં આવ્યું છે. ઊડતા પંજાબમાં એક ગીતની અંદર ડ્રગ્સની હેરફેર કેવી રીતે કરવામાં આવી હતી એ દેખાડવામાં આવ્યું હતું. એ જ રીતે અહીં પણ અર્જુને કેમ ઍરર્ફોસ છોડવાનો નિર્ણય લીધો એ દેખાડવામાં આવ્યું છે. આ વેબ-શોમાં નીરજ કાબી અને જાવેદ જાફરીના એક દૃશ્યને છોડતાં એક પણ દૃશ્ય અથવા તો સ્ટોરીને નાહકનાં ખેંચવામાં નથી આવ્યાં. જાવેદ જાફરીને ખબર પડે છે કે તેનું મૃત્યુ કેવી રીતે થશે તેમ જ અન્ય મુસાફરોનું પણ મૃત્યુ કેવી રીતે થશે એ દૃશ્ય થોડું માનવામાં નથી આવતું.

આપણે ફરી અર્જુન રામપાલ પર આવીએ તો તે પ્લેનમાં ઝેર લઈને ચઢે છે. આ ઝેર તે પોતાના સુસાઇડ માટે લઈને આવ્યો હોય છે. જોકે અજાણતામાં તેના કો-પાઇલટ આ ઝેર પી જાય છે. ફ્લાઇટ અટેન્ડન્ટ એ વિચારે છે કે અર્જુને ખૂન કર્યું છે. આ દૃશ્ય દરમ્યાન ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ તરીકે વિપિન શર્માની એન્ટ્રી થાય છે. વિપિન શર્માની એન્ટ્રી થતાં જ તે પુરુષ હોવાનો રોફ જમાવતો જોવા મળે છે. આમ શોની સાથે જ રિયલિટીને લગતી ઘણી વાતો કરવામાં આવી છે. એક અકસ્માતમાં અર્જુનની પત્ની અને દીકરીઓનું મૃત્યુ થયું હોય છે અને એ બૅક સ્ટોરીને આધારે વિપિન શર્મા અને સાક્ષી તનવર તેને આતંકવાદી સમજી બેસે છે. આ શો દરમ્યાન ઘણી વાર દર્શક તરીકે આપણને સવાલ થશે કે અર્જુન પોતે સુસાઇડ કરવા માગે છે કે પછી તે પ્લેન હાઇજૅક કરવા માગે છે કે પછી અણધારી પરિસ્થિતિને કારણે તે યાત્રીઓના જીવને જોખમમાં મૂક્શે કે કેમ? જોકે આ તમામ સવાલોનો એક માત્ર જવાબ ધ ફાઇનલ કૉલ છે. આ સીઝનનો ઍન્ડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો છે અને એથી જ બીજી સીઝન 4Gની સ્પીડની જેમ ખૂબ જ જલદી રિલીઝ કરવામાં આવે તો સારું.

 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 05:31 PM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK