‘ધ કપિલ શર્મા શો’માં ખોટું હસતી હતી
અર્ચના પૂરણ સિંહ
અર્ચના પૂરણ સિંહે જણાવ્યું કે ‘ધ કપિલ શર્મા શો’માં તેના ફેક લાફ્ટર પર લોકો તેને ટ્રોલ કરતા હતા અને કહેતા કે આ મહિલા પાગલ છે. હવે તે ફરીથી નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં દેખાવાની છે. આ શોમાં અર્ચના સાથે કિકુ શારદા, સુનીલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. આ શોમાં પણ અર્ચના સિંહાસન પર બેસીને ખડખડાટ હસતી જોવા મળશે. જોકે હવે તે ખોટું હસતી નહીં દેખાય એવું જણાવતાં અર્ચના પૂરણ સિંહ કહે છે, ‘આવું હવે ફરી નહીં થાય. છેલ્લાં ત્રણ વર્ષથી અમે આ શો કરીએ છીએ અને હવે અમે નેટફ્લિક્સ પર આવવાનાં છીએ. અગાઉ લોકો કહેતા કે હું ખરાબ જોક્સ પર પણ હસું છું એથી મને ખૂબ દુઃખ થતું હતું. પહેલાં એવું થતું કે કેટલાક જોક્સમાં જોઈએ એવો પન્ચ નહોતો એથી મેકર્સને વિચાર આવ્યો કે અર્ચનાના લાફ્ટરને નાખીએ તો પંચ આવશે. જોકે એ સફળ ન થયો. લોકોએ ઊલટાની મારી ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. લોકો વિચારતા હતા કે આ મહિલા ગાંડી છે. તે કારણ વિના હસે છે. કોઈએ તો મને પૂછ્યું પણ ખરું કે હું કેવી રીતે હસી શકું છું. જોકે આ તો એડિટની કરામત છે. કાંઈ પણ એડિટ થઈ શકે છે. મેકર્સ ખૂબ ક્રીએટિવ હતા. તેમણે દરેક બાજુએ મારું લાફ્ટર મૂકી દીધું હતું. જોકે હવે મને એ વાતની ખુશી છે કે મારે હવે ખોટું હસવાની જરૂર નહીં પડે. મને ખ્યાલ પણ નહોતો કે એક દિવસ હું મારા હસવાને કારણે ફેમસ થઈ જઈશ.’

