ઑક્ટોબરમાં રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ ‘મીરાં’ની સ્ટારકાસ્ટથી માંડીને ડિરેક્ટર સુધ્ધાં નવા છે અને એ પછી પણ આ ફિલ્મે વર્લ્ડ-લેવલ પર દેકારો મચાવી દીધો છે
ફાઇલ તસવીર
એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે. ટાઇટલ છે ‘મીરાં’. ફિલ્મ તો ઑક્ટોબરમાં આવવાની છે, પણ એ ફિલ્મ મેં હમણાં જોઈ અને હું રીતસર સ્પીચલેસ થઈ ગયો. શું અદ્ભુત ફિલ્મ છે એ, અને મજાની વાત કહું, એ ફિલ્મને ઇન્ટરનૅશનલ લેવલ પર અત્યાર સુધીમાં થર્ટી-પ્લસ અવૉર્ડ પણ મળી ગયા છે અને અમુક ફેસ્ટિવલમાં એ ફિલ્મ હજી જવાની બાકી છે. બની શકે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એને પચાસથી વધારે ઇન્ટરનૅશનલ અવૉર્ડ મળી જાય અને એ ફિલ્મ પણ ‘હેલ્લારો’ની જેમ આપણા સૌ ગુજરાતીનું નામ રોશન કરી જાય.
ફિલ્મની વાર્તા એક એવી લેડીની છે જે એકલા હાથે ઊભી થાય છે અને પોતાની સાથે એક આખું ગામ પણ ઊભું કરે છે, પગભર કરે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ સાવ નવી છે અને ફિલ્મના ડિરેક્ટર પણ નવા છે. નવી એવી આ ટીમે જે અદ્ભુત કામ કર્યું છે એ કાબિલે તારીફ છે એ તો કહેવું રહ્યું જ, પણ સાથોસાથ એ પણ કહેવું પડે કે ‘મીરાં’ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એક નવા આયામ પર લઈ જવાને પૂરતી સક્ષમ છે. ફિલ્મની મેકિંગ-પ્રોસેસ પણ હું જાણું છું અને સાથોસાથ ફિલ્મના પ્રોડ્યુસર્સ-ડિરેક્ટર્સને પણ હું ઓળખું છું એટલે હું કહી શકું કે ફિલ્મ બનાવવા માટે જે પેશન્સ મેં તેમનામાં જોઈ હતી એવી ભાગ્યે જ કોઈનામાં જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
આત્મનિર્ભર બનાવવાની વાત અહીં કરવામાં આવી છે એવું જ નથી, આત્મનિર્ભર બનીને કેવી રીતે તમે મર્યાદિત બજેટમાં ફિલ્મ બનાવી શકો એ વાતને પણ ‘મીરાં’માં રજૂ કરવામાં આવી છે. લિમિટેડ બજેટ સાથે જો તમે કામ કરો તો પણ, જો તમે ઑડિયન્સની લિમિટેશન સમજીને આગળ વધો તો પણ તમે બેસ્ટ પ્રોડક્ટ બનાવી શકો છો એ વાત ફિલ્મના ડિરેક્ટર દિલીપ દિક્ષિત બહુ સરસ સમજાવે છે. દિલીપ દિક્ષિત પહેલાં એક ફોટોગ્રાફર હતા. શાહરુખ ખાનથી માંડીને સલમાન ખાન અને અમિતાભ બચ્ચનના રૅર કહેવાય એવા અન-પબ્લિશ્ડ ફોટોગ્રાફ્સનું જબરદસ્ત કલેક્શન તેમની પાસે છે. તે આ કલેક્શન પર પણ કામ કરે છે. ફોટોગ્રાફી-ઇન્ડસ્ટ્રી છોડીને તે થોડો સમય માટે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ગયા, પણ એ પછી પણ તેમનો જીવ તો આ બાજુએ મીડિયા-ઇન્ડસ્ટ્રીમાં જ રહ્યો અને એટલે જ તે ફરીથી આ ઇન્ડસ્ટ્રીમાં રિટર્ન થયા, પણ હવે નવા કૅરૅક્ટરમાં આવ્યા અને તેમણે ડિરેક્શન શરૂ કર્યું.
‘મીરાં’ તેમણે જ લખી છે અને આ ફિલ્મ માટે લેગ-વર્ક પણ તેમણે જ કર્યું છે. ફિલ્મનું કાસ્ટિંગ પણ તેમણે જ કર્યું અને ૪૮ ડિગ્રી ટેમ્પરેચરમાં ફિલ્મ શૂટ પણ તેમણે જ ગોઠવ્યું. દિલીપ દિક્ષિતની એક જ વાત સૌથી બેસ્ટ છે. તેમણે જે કરવું હોય છે એ તે કરે છે. ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં એને ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવાનું પણ તેમણે જ નક્કી કર્યું અને તેમણે એ કામ કર્યું પણ ખરું. કોઈ ઓળખાણ નહીં, કોઈ જાણીતું નહીં અને એ પછી પણ તે દુનિયાભરમાં થતા ચાળીસથી વધારે ફેસ્ટિવલ સુધી પહોંચ્યા અને ત્યાંથી થર્ટી-પ્લસ અવૉર્ડ્સ લઈ પણ આવ્યા.
‘મીરાં’માં એક-એક એવા દૂષણનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અત્યારે ગુજરાત અને ગુજરાતીઓમાં જોવા મળે છે તો ‘મીરાં’માં એ વાત પણ લઈ આવવામાં આવી છે જે આજની એક-એક ગુજરાતી ગર્લમાં જોવા મળે છે. અહીં થાકીને હારી જવાની માનસિકતા ધરાવતી છોકરીની વાત નથી, પણ વાત છે થાકીને ફરીથી, નવેસરથી ઊભા થઈને સામે દોટ મૂકવાની. અહીં વાત રડવાની નથી, પણ લડવાની છે. તમામ પ્રકારની તકલીફો વચ્ચે પણ તમે જો ઇચ્છો તો લડી શકો અને એ લડતમાં જીત પણ મેળવી શકો એ વાત સમજાવવા અને કહેવાની સાથોસાથ આપણી ગવર્નમેન્ટ જે ગૌ-આધારિત જીવનશૈલીની વાત કરે છે એની વાત પણ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. ‘મીરાં’માં વાત કૃષ્ણ અને મીરાંના જીવનની નહીં, પણ એ મીરાંની છે જે કૃષ્ણએ આપેલા ભગવદ્ગીતાના સંદેશને પોતાના જીવનનો સાર બનાવીને પોતાનો રસ્તો બનાવે છે અને એ જ રસ્તા પર દુનિયાને લઈને આગળ વધી એને આત્મનિર્ભર બનાવે છે.


