બા હવે કાયમ માટે રિટાયર

રશ્મિન શાહ
ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં ઍક્ટ્રેસ પદ્મારાણીનો ગઈ કાલે બપોરે મુંબઈ સેન્ટ્રલમાં આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલમાં દેહાંત થયો. તેઓ ૮૦ વર્ષનાં હતાં.
પદ્મારાણીના અંતિમ સંસ્કાર આજે સવારે દસ વાગ્યે મરીન લાઇન્સના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. અંતિમયાત્રા સવારે નવ વાગ્યે તેમના મિસ્ત્રી પાર્કના નિવાસસ્થાનેથી નીકળશે.
પદ્માબહેને પોતાના જીવનકાળ દરમ્યાન અગણિત નાટકો કર્યા અને બસ્સોથી વધારે ફિલ્મો કરી. નાટકના જો આંકડાની વાત કરીએ તો પદ્માબહેને નવી રંગભૂમિ પર દોઢસોથી વધુ નાટકો કર્યા હતાં. છેલ્લે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે પણ તે ‘અમારી તો અરજી, બાકી તમારી મરજી’ નાટક કરતાં હતાં. આ નાટક અધવચ્ચે જ બંધ કરવું પડ્યું હતું. આ નાટક પણ દોઢસો શો કરી ચૂક્યું હતું. ગર્વ લેવા જેવી વાત એ છે કે પદ્માબહેને ભજવેલાં તમામ નાટકોએ ૧૦૦થી વધુ પ્રયોગ કરેલા છે. ગુજરાતી રંગભૂમિ પર અનેક હીરો એવા છે જેમનાં નાટકોના પાંચસો શો થયા હોય, પણ આ ગૌરવ કોઈ અભિનેત્રીને મળ્યું હોય તો એ માત્ર અને માત્ર પદ્માબહેન છે. પદ્માબહેને ભજવેલા ‘બા રિટાયર થાય છે’ નાટકના પાંચસો પ્રયોગ થયા હતા, જે આજ સુધી કોઈ ઍક્ટ્રેસ ક્રૉસ કરી શકી નથી.
૧૯૬૨થી ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત એવાં પદ્માબહેને બસ્સોથી વધુ ગુજરાતી ફિલ્મો પણ કરી હતી. ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણકાળ હતો અને આ સુવર્ણકાળમાં પદ્માબહેને ‘પાતળી પરમાર’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘શેઠ સગાળશા’, ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘અમરજ્યોત’ જેવી અનેક એવી ફિલ્મો કરી હતી જે ફિલ્મો સિલ્વર જ્યુબિલી થઈ હતી. પદ્માબહેને થોડી હિન્દી ફિલ્મો પણ કરી હતી, પણ એ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ અસર છોડી શકી નહીં એટલે પદ્માબહેને કાયમ માટે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને તિલાંજલિ આપી દીધી અને પોતાનું ધ્યાન માત્ર ગુજરાતી ફિલ્મો અને નાટકો પર જ કેન્દ્રિત કરી દીધું હતું. ગુજરાતી ફિલ્મોના સમયમાં પણ પદ્માબહેન ક્યારેય નાટકોને અન્યાય ન થાય એનું ધ્યાન રાખતાં, કારણ કે નાટકોથી જ તેમની કરીઅરની શરૂઆત થઈ હતી. અનેક વખત એવું બન્યું હતું કે નાટકોને કારણે પદ્માબહેને ફિલ્મ છોડી દીધી હોય.
પદ્મારાણી મૂળ તો મહારાષ્ટ્રિયન હતાં. તેમની સરનેમ હતી ભોસલે. નવ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલાં. એ વખતે મરાઠી રંગભૂમિ પર બહુ નાટકો નહોતાં બનતાં. પદ્મારાણી શરૂઆતમાં બૅકસ્ટેજનું નાનુંમોટું કામ કરતાં. એક-દોઢ વર્ષમાં તેમણે ગુજરાતી બરાબર શીખી લીધું એટલે ૧૧ વર્ષની ઉંમરથી તેમને ગુજરાતી નાટકોમાં રોલ મળતા થઈ ગયેલા. પદ્માબહેને અનેક ગુજરાતી નાટકો એવાં કર્યા જે નાટકો પરથી પછી હિન્દી ટીવી-સિરિયલ અને ફિલ્મો બની. આ પ્રકારનાં નાટકોમાં સૌથી પહેલું નામ ગુજરાતી નાટક ‘શારદા’નું આવે, જેના પરથી શ્રીદેવીની કમબૅક ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ બની તો પદ્માબહેને કરેલા નાટક ‘પટરાણી’ પરથી થોડા સમય પહેલાં ટીવી પર આવેલી અને સુપરહિટ થયેલી સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ બની. પદ્માબહેને કરેલા અને ગુજરાતી રંગભૂમિ પર લૅન્ડમાર્ક બની ગયેલા ‘બા રિટાયર થાય છે’ નાટક પરથી હિન્દીમાં નાટક બન્યું હતું. ગુજરાતી નાટકમાં બાનું જે પાત્ર પદ્માબહેન કરતાં હતાં એ જ પાત્ર હિન્દીમાં જયા બચ્ચને કર્યું હતું. નાટક નક્કી કરતાં પહેલાં જયા બચ્ચન ખાસ પદ્માબહેનની ઍક્ટિંગ જોવા માટે આવ્યાં હતાં અને એ ઍક્ટિંગ જોઈને તેમણે પોતાનું કૅરૅક્ટર ડિઝાઇન કર્યું હતું. પદ્માબહેને કરેલા ‘બાએ મારી બાઉન્ડ્રી’ નાટક પરથી હમણાં જ ફિલ્મ બની, નાટકમાં જે કૅરૅક્ટર પદ્માબહેને કર્યું હતું એ કૅરૅક્ટર ફિલ્મ ‘સુપર નાની’માં રેખાએ કર્યું હતું.
નો ગૉસિપ લેડી
પદ્મારાણીની એક ખાસિયત હતી, તે ક્યારેય કોઈની ગૉસિપમાં ઊતરતાં નહીં, ક્યારેય નહીં. પોતાના કામથી કામ રાખનારાં પદ્માબહેનના આ સ્વભાવને કારણે જ તે ક્યારેય કોઈ જાતના વિવાદમાં આવ્યાં નહીં તો વિવાદની કોઈ વાત તેમની પાસે કરે તો પણ પદ્માબહેન તેને દૂરથી જ અટકાવી દેતાં. પદ્માબહેનની આ ઉપરાંતની બીજી એક ખાસિયત એ હતી કે તે નાટક શરૂ થવાની થોડી મિનિટો પહેલાં મૌનમાં બેસી જતાં. મૌનવþતથી પોતાના કૅરૅક્ટરમાં જાણે કે પરકાયા-પ્રવેશ કરવાનો હોય એ પ્રકારે તેમની એ અવસ્થામાં તેમને કોઈ બોલાવી ન શકે.
પદ્માબહેન પોતાની પ્રોફેશનલ કરીઅર સાથે ખૂબ જ નિષ્ઠા સાથે રહ્યાં હતાં. ‘બા રિટાયર થાય છે’ નાટક દરમ્યાન તેમના પતિ નામદાર ઈરાનીનો દેહાંત થયો ત્યારે પદ્માબહેનનો શો હતો. એક તબક્કે શો કૅન્સલ કરવો પડે એવી સિચુએશન આવી ગઈ હતી, પણ પદ્માબહેને એવું કરવાને બદલે પહેલાં પોતાનો શો પૂરો કર્યો હતો અને પ્રોફેશનલિઝમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પારસી ફૅમિલીમાં લગ્ન
પદ્માબહેનનાં મૅરેજ માત્ર ૧૮ વર્ષની ઉંમરે નામદાર ઈરાની સાથે થયાં હતાં. નામદાર ઈરાનીની નાટક-કંપની હતી અને તે નાટકો કરતાં. આ મૅરેજ-લાઇફથી પદ્માબહેનને એક દીકરી ડેઇઝી છે. ડેઇઝીએ બૅન્કર ઝુબિન સાથે મૅરેજ કર્યા છે અને તે સિંગાપોરમાં રહે છે.
પદ્માબહેન અને અરવિંદ રાઠોડ બન્ને એકમેક માટે જબરદસ્ત માન અને પ્રેમ ધરાવતાં હતાં. પિસ્તાલીસ વર્ષના તેમના સંબંધો દરમ્યાન બન્નેએ એકબીજા માટે પુષ્કળ ત્યાગ અને બલિદાન આપ્યાં હતાં. દીકરી સિંગાપોર સેટ થઈ ગયા પછી પદ્માબહેન અને અરવિંદભાઈ બન્ને એકબીજાના સાથસથવારે રહેતાં હતાં. પદ્માબહેને એક વખત ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો જે સ્વભાવ છે એ સ્વભાવ પછી પણ અરવિંદનો જે પ્રકારે સતત સાથ મળે છે એ જોઈને થાય ખરું કે આ કાં તો ગયા ભવનું •ણ છે અને કાં તો આવતા જન્મની ઉધારી શરૂ થઈ છે.’


