તમે કોઈની પરસેવાની કમાણીના પૈસા જ્યારે ખર્ચાવતા હો ત્યારે તેને પૂરતું વળતર મળે એ મુજબનું પ્લેટર પણ તમારે તૈયાર કરવું પડે
ઍન્ડ ઍકશન...
ભવ્ય ગાંધી
આજે જેને પણ મળો અને જેની પણ વાત સાંભળો તેની પાસેથી એક જ વાત સાંભળવા મળે છે, ‘ટિકિટના પૈસા પોસાતા નથી...’ અને તેમની આ ફરિયાદ ખોટી પણ નથી.
એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે તમને વાત કરું. ધારો કે તમે વીકમાં એક વખત ફિલ્મ જોવા જાઓ છો અને તમારી પાસે ૫૦૦ રૂપિયાનું બજેટ છે. આ ૫૦૦ રૂપિયામાં તમારે બે ટિકિટ ખરીદવાની હોય એવા સમયે તમારી નજર પહેલાં તો એ ઑપ્શન પર હોય કે કઈ-કઈ ફિલ્મ અત્યારે ચાલી રહી છે. ધારો કે એ સમયે તમારી પાસે બે હિન્દી ફિલ્મ, બે હૉલીવુડની ફિલ્મ અને એક ગુજરાતી ફિલ્મનો ઑપ્શન હોય તો નૅચરલી તમારી નજર હિન્દી કે અંગ્રેજી ફિલ્મ પર પહેલાં જાય અને એમાં કશું ખોટું પણ નથી. જેમ ગુજરાતી ફિલ્મ-પ્રોડ્યુસર કંઈ સેવા નથી કરતા એવી જ રીતે ગુજરાતી ઑડિયન્સ પણ ધર્માદામાં પૈસા નથી આપતી. તેના પરસેવાની કમાણી છે અને તે પોતાની મહેનતની કમાણીનું વળતર માગે જ માગે.
આવી સિચુએશનમાં બે વાત મહત્ત્વની બને છે, એક તો એ કે ટિકિટની કિંમત જો ઓછી કરવામાં આવે અને એની સામે ઑડિયન્સ પોતાનું સહેજ બજેટ વધારે અને વીકમાં એકને બદલે બે ફિલ્મ જોવા જવાનું વિચારે. બીજી વાત એ છે કે તમારે ફિલ્મ એવી બનાવવી જે હિન્દી અને અંગ્રેજી ફિલ્મ સામે ટક્કર મારીને ઊભી રહે. અફકોર્સ, તમે એ બજેટને પહોંચી નથી શકવાના, પણ તમે તમારી સ્ટોરી, તમારી વાત અને તમારા ઍક્ટર દ્વારા તો કન્ટેન્ટ પર સારી રીતે રમી જ શકો છો અને સારો પર્ફોર્મન્સ પણ આપી શકો છો, પણ જો એવું આપવામાં ક્યાંક તમે પાછા પડ્યા તો નૅચરલી ગુજરાતી ફિલ્મ સુધી આવતો થયેલો અને રેગ્યુલર બની ગયેલો દર્શક પણ સ્ક્રીનથી દૂર થઈ જાય એવું બની શકે છે અને એવું બનવા માંડે એવું દેખાવા લાગ્યું છે.
ADVERTISEMENT
એક વાત વારંવાર કહી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કન્ટેન્ટ માટે હવે જાગ્રત થવું પડશે. દર વખતે એકસરખા માપદંડ સાથે ઘડાતી ફિલ્મો જો આવતી રહેશે તો એ દિવસ બહુ દૂર નહીં કહેવાય જ્યારે ટિકિટ વેચાવાના અભાવે શો કૅન્સલ કરવા પડે. બીજી વાત, આપણે પ્રોડક્શન-વૅલ્યુની બાબતમાં પણ સજાગ થવું પડશે. આજે એવી સિચુએશન છે કે મોટા ભાગના સારા ટેક્નિશ્યન પાસે અઢળક કામ છે અને તેમની પાસે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રસ્તા પણ ખુલ્લા છે. એક કારણ એ પણ છે કે એ ટેક્નિશ્યનને કારણે પણ ગુજરાતી ફિલ્મનું બજેટ વધતું હોય, પણ આપણા પ્રોડ્યુસરે નવી ટૅલન્ટ, નવા ટેક્નિશ્યનને આવકારતા રહેવું પડશે. જો એવું થશે તો જ આપણી પાસે આપણા સંજય લીલા ભણસાલી અને આપણા રોહિત શેટ્ટી ઊભા થશે. જો એવું થશે તો જ આપણી પાસે પણ આપણા પ્રીતમ હશે અને આપણા મિથુન કે મૉન્ટી હશે. આપણી ઇન્ડસ્ટ્રીને બળવત્તર બનાવવા માટે, આપણી ઇન્ડસ્ટ્રીને વધારે મજબૂત બનાવવા માટે પગલાં તો આપણે જ લેવાં પડશે અને એને માટે રિસ્ક પણ આપણે જ લેવું પડશે.
ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિશાલ વડાવાળાને જોઈ લો તમે. તેને તૈયાર કરવાનું, તેને ઊભા કરવાનું કામ આપણી ઇન્ડસ્ટ્રીએ કર્યું છે. ક્યાંય કોઈ જાતની વિધિવત્ ટ્રેઇનિંગ નહીં અને એ પછી પણ તેની ફિલ્મોમાં તમને ફ્રેશનેસ દેખાશે અને ફ્રેશનેસની સાથોસાથ તમને તેની ફિલ્મમાં મિટ્ટી કી ખુશ્બૂ પણ મળશે. વિશાલ જે કામ કરે છે એ સાચી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એવું હું કહીશ અને એવું જ ઑડિયન્સ પણ કહે છે. એ ખરા અર્થમાં ગુજરાતીત્વ સાથેની ફિલ્મ બનાવે છે. તેની ફિલ્મોમાં ગુજરાતી ભાવ પણ છે અને તેની ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ પણ છે. આપણે બીજા વિશાલ વડાવાળા ઊભા કરવા પડશે, જે મર્યાદિત બજેટ સાથે આગળ વધે અને ગુજરાતને એની પોતાની ફિલ્મો આપે. નહીં કે નાટકમાંથી સીધું છાપકામ થયું હોય એવી ફિલ્મો.
આપણી ઇન્ડસ્ટ્રીને બચાવવાનું કામ જેટલું ઑડિયન્સ માટે મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ પ્રોડ્યુસર-ડિરેક્ટર, ટેક્નિકલ ટીમ અને કલાકારો માટે પણ છે. માનવું પડશે, સ્વીકારવું પડશે કે ઑડિયન્સ પોતાના પરસેવાના પૈસા ખર્ચીને ટિકિટ લે છે, જેને માટે તેને પોતે ખર્ચે એ પૈસાનું વળતર મળવું જોઈશે.