નાટક ક્ષેત્રના તમામ કલાકારોને એક છત નીચે લાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતી રંગભૂમિ મુંબઈના અભિનેતાઓ, અબિનેત્રીઓ, નિર્માતો અને ટેક્નિશિયન્સ માટે એક દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે.

ક્રિકેટ ટુર્નામેન્ટનો જામશે રંગ
ગુજરાતી રંગભૂમિ મુંબઈના કલાકારોને અત્યાર સુધી તમે સ્ટેજ પર કમાલ કરતા જોયા છે, પરંતુ હવે તેમનું પ્રદર્શન સ્પોટ્સના મેદાનમાં જોવા મળશે. આનો મતલબ એમ કે તેઓ સ્પોટ્સ મેદાનમાં નાટક ભજવશે? જવાબ છે નહીં. તો પછી? સ્ટેજના બદલે મેદાન અને બેલ ના બદલે સીટી...એટલે કે કલાકારો મેદાનમાં બેટિંગ અને બોલિંગ કરી ક્રિકેટનો આનંદ માણશે. રંગભૂમિમાં સક્રિય એવા ચિંતન મહેતા દ્વારા 26મી જાન્યુઆરી 2023 ના રોજ થિયેટર પ્રીમિયર લીગ (TPL) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
નાટક ક્ષેત્રના તમામ કલાકારોને એક છત નીચે લાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતી રંગભૂમિ મુંબઈના અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્માતાઓ અને ટેક્નિશ્યન્સ માટે એક દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે. જેમાં સંજય ગોરાડિયા, ટીકુ તલસાનિયા, તન્મય વેકરિયા, કિરણ ભટ્ટ, જયદીપ શાહ, જયેશ બારભાયા, વિશાલ ગોરાડિયા, ભરત ઠક્કર, ઉમેશ શુક્લા, મલ્લિકા શાહ, રિદ્ધિ નાયક શુક્લા, આર્યા રાવલ અને નિલમ પંચાલ જેવા ખેલાડીઓ વચ્ચે મેદાનમાં જંગ જામશે.
11 ટીમના નામ લોકપ્રિય નાટક પરથી રાખવામાં આવ્યાં
થિયેટર પ્રીમિયર લીગ (TPL)ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 120 ખેલાડીઓ હશે અને તે બધા ગુજરાતી થિયેટર સાથે જોડાયેલા છે. આ વખતે કુલ 11 ટીમો છે, જે તમામ ટીમના નામ લોકપ્રિય નાટકો પરથી રાખવામાં આવ્યાં છે. 11 ટીમમાંથી પટરાણી, સંતુ રંગીલી અને લાલી લીલા એમ 3 ટીમ મહિલાઓની છે.
આ પણ વાંચો:થર્ડ બેલ: માત્ર નાટક માટે આ વસ્તુ હંમેશા માટે છોડી દીધી છે સંજય ગોરડિયાએ
નાટક ક્ષેત્રના કલાકારો એક છત નીચે ભેગા થાય તેવા ઉદ્દેશ સાથે ચિંતન મહેતા દ્વારા વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે માત્ર મેલ કલાકારોએ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જ્યારે હવે ફિમેલ અને મેલ બંને મળીને 120 કલાકારો મેદાનમાં ઉતરી ગયા છે. હવે કોરોના બાદ ફરી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટને સફળ કરવા શિવાનંદ શેટ્ટી, પ્રતિમા ટી. ભરત ઠક્કર, કમલેશ પરમાર, વિશાલ ગોરડિયા અને ગુજરાતી રંગભૂમિના નિર્માતાઓ તથા કલાકારોએ સહકાર આપ્યો છે. તેમજ રસોઇ, અરવિંદભાઈ ખત્રી સન્સ, અલંકાર ઓપ્ટિશિયન, શેમારુ મી,મિડ ડે ગુજરાતી પરેશ દાણી પ્રોડક્શન અને હેત પરિવારનો પણ ફાળો છે.